Apr 12 2013

માર્ચ ૨૦૧૩ સાહિત્ય સરિતા બેઠકનો અહેવાલ.

અહેવાલઃ સાહિત્ય સરિતાના સંચાલક શ્રીમતી શૈલા મુન્શા
 
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા, માર્ચ ૨૦૧૩ ની બેઠકના યજમાન શ્રીમતી રેખા તથા શ્રી વિશ્વદિપ બારડને ત્યાં યોજવામાં આવેલ. આજની બેઠકમાં ભારતથી પધારેલ,”ફીલીગ્સ”ના તંત્રી-પ્રકાશક શ્રી અતુલભાઈ શાહ મૂખ્ય મહેમાન બની સભાનું ગૌરવ વધારેલ.

શ્રીમતી રેખા બારડે સહુ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું , સાહિત્ય સરિતાની બેઠકની શુભ શરૂઆત પ્રાર્થનાથી થઈ. પ્રવિણાબેન કડકિયા તથા સહ સંચાલક ડો. ઈંદુબેન શાહે તેમના સુંદર સ્વરે “મા” સરસ્વતીની આરાધ્ય પ્રાર્થના ગાઈ.

હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સંચાલક શ્રીમતી શૈલાબેને સભા સંચાલનનો દોર શ્રી વિશ્વદીપ બારડને લેવા વિનંતી કરી. વિશ્વદીપે બેઠકનો દોર હાથમાં લેતા કહ્યુઃ ‘આજની બેઠકનો મૂખ્ય વિષયઃ વસંત અને ફાગણ-હોળી છે અને સાહિત્ય સરિતાના કવિ-કવિયત્રીઓને આજની બેઠકને ઉત્સાહના રંગ રંગી આપની સ્વરચિત રચના સમય મર્યાદાને લક્ષમાં રંગીન બનાવવા વિનંતી કરી.’ આજની બેઠકમાં સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપી ભારતથી પધારેલ આપણાં મનવંતા મહેમાન, “ફીલીગ્સ” માસિકના તંત્રી,પ્રકાશક શ્રી અતુલભાઈ શાહનું પુષ્પ-ગુચ્છથી સ્વાગત કરવા સાહિત્ય સરિતાની સહ-સંચાલક શ્રીમતી ઈન્દુબેન શાહને વિનંતી કરી.
આજની બેઠકના મુખ્ય મહેમાન શ્રી અતુલભાઈ શાહ જે વડોદરા થી પ્રસિધ્ધ થતું પખવાડિક સામાયિક “ફીલિંગ્સ” ના તંત્રી-પ્રકાશક છે. એમના સ્વાગત બાદ શ્રી અતુલભાઈએ
સામાયિક વિશે માહિતી આપતાં જણાવ્યુ –“ ૪૪ દેશોમાં આ સામાયિક ઓન લાઈન વંચાય છે. વીસ લાખ થી વધુ એના વાચકો છે અને જુદા જુદા વિષયોને એમાં આવરી લેવામાં આવે છે. દેશ- પરદેશના ગુજરાતીઓને એમની સિધ્ધિ માટે એવોર્ડ આપી બહુમાન કરે છે. જુદાજુદા દેશોની મુલાકાત લઈ એના વિશે વિશેષ અંક બહાર પાડવામા આવે છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ મને આમંત્રીત કર્યા બદલ આભાર વ્યક્ત કરું છું. પરદેશમાં રહી ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરો છો તે જોઈ હું ગૌરવ અનુભવું છું. આપની આવી સુંદર પ્રવ્રતિનું અમારું મેગેઝીન નોંધ લેશે અને અવાર-નવાર આપના અહેવાલ માસિકમાં પ્રગટ કરીશું.’
“ફીલીગ્સ” માસિક ઓન લાઈન વાંચવા લીન્ક છે.
www.feelingsmultimedia.com.

બેઠેકનો દોર સમય ધ્યાનમાં રાખી આગળ ધપાવતા શ્રી વિશ્વદીપે સાહિત્ય સરિતાના માનવંતા કવિમિત્રોને પોતાની કૃતિ રજુ કરવા વિનંતી કરી.
સહુ પ્રથમ લાગણીશીલ કવિયત્રી પ્રવિણાબેન કડકિયાએ પોતાનું સ્વરચિત કાવ્ય “શું છે” રજુ કર્યું , જેની પંક્તિ ના શબ્દો છે.
“અહંકારનો હુંકાર ત્યજવો છે,
મનમસ્ત બનીને ફરવું છે.”..અહંકારના અંધારામાંથી બહાર નિકળવાનો સંદેશ આપ્યો.. બેઠકમાં વિવિધતાને આગળ ધપાવતા સંગીતના સુરને વહેતો કરવા..
પ્રકાશભાઈ મજુમદારે ગુજરાતી ફિલ્મ “ઘેર ઘેર માટીનાં ચુલા” નુ ગીત એમના ભાવવાહી અને સુમધુર કંઠે ગાયું જેના શબ્દો કાંઈક આવા છે.
“બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર”

ફતેહ અલીભાઈ ચતુર જે હમેશ હિંદી ના જાણીતા કવિઓની કવિતા કે ગીત પોતાના બુલંદ સ્વરે ગાઈ સંભળાવે છે, એમણે કુંવર બેચેનનું એક ગીત સંભળાવ્યું.
જેના શબ્દો” જીતની દુર નયન સે સપના” હતા.એક રાષ્ટ્ર્ભાષી હિન્દી સાહિત્ય તરફનો નિર્દેશ..
સુરેશભાઈ બક્ષીએ પોતાના એક અલગ મુડમાં“એ મને ગમે” નામની સ્વરચિત ગઝલ સંભળાવી.
“રાહ જુવે મારી કોઈ રોજ એ મને ગમે…વાંચી સૌને રમુજી મુડમાં લાવી દીધા..
ત્યાર બાદ સાહિત્ય સરિતાના સંચાલક, એક શિક્ષિકા, કવિયત્રી શૈલા મુન્શાએ એમની સ્વરચિત ગઝલ “કેમ” સંભળાવી, જેના સુંદર શબ્દો છે…
“રંગોની આ દુનિયામાં એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર રંગ જુદો કેમ?”

વિજયભાઈ શાહે મુખ્ય મહેમાન શ્રી અતુલભાઈ શાહને સાહિત્ય સરિતાની મુખ્ય પ્રવૃતિ વિશે વાત કરી. શેર અંતાક્ષરી ૨૦૦૮મા જે ન્યુ જર્સી મંચ પર રમાઈ, સહિયારૂં સર્જન નવલકથા રૂપે સર્જાયું, ઘણા લેખકોને વધુ સર્જન કરવા માટે પ્રોત્સાહન મળ્યું જેના ફળ સ્વરૂપે એમના કાવ્ય સંગ્રહ, નવલકથા, રોજિંદા પ્રસંગો વગેરે પુસ્તક રૂપે પ્રગટ થયા.
અશોકભાઈ પટેલે લેખક, નાટ્યકાર અને વાચક બન્ને સહપ્રવાસી છે એના વિશે વાત કરી.
સાહિત્ય સરિતાના પીઢ અને ગૌરવવંતા વડીલ શ્રી ધીરૂભાઈ શાહે ૭૫ વર્ષની વયે સાહિત્ય સર્જન કરવાનુ શરૂ કર્યુ અને અત્યારે ૯૨ વર્ષ ની વયે એમના ૮ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે. એમની સરળ અને સહજ ભાષા એ એમનું આગવાપણું છે.
“વન ઉપવનનાં ફુલો” નુ સરળ લખાણ. “સફળતા”
જીવનમા સફળ થવું હોય તો-
“મધ જેવા મધુર બનો,
ઘાસ જવા નરમ બનો,
ઘડિયાળ જેવા નિયમિત બનો,
પર્વત જેવા બળવાન બનો.”
ડો. ઈંદુબેન શાહે “ઉત્સવ હોળી” કાવ્ય રજું કર્યું.

“સુકી શાખા ગોબર ખડકી
પ્રગટે હોળી કટુતા, મેલ હોમી
શુધ્ધ જળે પ્રદક્ષિણા ફરી
ઉત્સવ ઉલ્લાસનો હોળી”

વિનોદભાઈ પટેલે “આશું ગાંડિયું” નામનુ કાવ્ય રજુ કર્યું.

“દાંતે ચૂંથી છાંડિયું, હાથે વિંઝી રાડિયું
હેંડે હુંશી ઘોડલું, નાતે આશું ગાંડિયું”

હેમંતભાઈ ગજરાવાલાએ “(A Bit of Water”,1991) ફ્રેન્ચ કવિનુ કાવ્ય અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યું અને ગુજરાતીમાં એનો ભાવાનુવાદ પણ સંભળાવ્યો.
પ્રશાંતભાઈ મુન્શાએ હિતેન આનંદપરાનુ “વસંત મળે” કાવ્ય વાંચી સંભળાવ્યું.

“બધીયે અટકળોના અંત એવી રીતે મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.”

વિશ્વદિપભાઈએ પોતાની સ્વરચના, સંભળાવી જેના શબ્દો,

“એ આવી ગઈ એની મહેક લાગે છે,
બાગમાં અનેરો ઉલ્લાસ લાગે છે.’

અંતમા વિશ્વદિપભાઈએ સહુનો બેઠકમા હાજરી આપવા બદલ અને મુખ્ય મહેમાન ની ખાસ હાજરી બદલ સહુનો આભાર માન્યો અને ચા નાસ્તાની લિજ્જત માણી સહુ છુટા પડ્યાં.

અહેવાલઃ સાહિત્ય સરિતાના સંચાલક શ્રીમતી શૈલા મુન્શા

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help