Jun 24 2015

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૫ મી બેઠકનો અહેવાલ

Published by at 3:14 pm under બેઠકનો અહેવાલ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૫ મી બેઠકનો અહેવાલ

 

તારીખ ૨૦મી જુને, સાહિત્યપ્રેમી શ્રી. જય પટેલ અને શ્રીમતિ સ્મિતાબેન પટેલના નિવાસસ્થાને મળેલી સાહિત્ય સરિતાની ૧૫૫ મી બેઠક એટલે હાયકુ…ફોટોકુ..કાવ્યો..મુકતકો..ગઝલ..અને વિશિષ્ટ વાર્તાકથન…

સંસ્થાના સુત્રધાર શ્રી. નિખીલ મહેતાના ધીરગંભીર સ્વરમાં સંસ્કૃતમાં પ્રાર્થનાગાન પછી, શ્રીમતિ શૈલાબેન મુન્શાએ પ્રાસ્તાવિક રજુઆત કરતાં, આજની મીટીંગના વિષય ‘મલકાતું મૌન’ નો ખ્યાલ આપ્યો.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તૂતિ કરી સંસ્થાના આદ્યસ્થાપકોના એક, એવા શ્રી. દિપકભાઈ ભટ્ટે.. તેમણે પોતાની સ્વરચિત લઘુકથા ‘ બાપુજીની બીડી’ રજૂ કરી. આઇ.સી.યુ. માં દાખલ કરેલા, જીવનની અંતિમ ઘડીએ પહોંચેલા પોતાના પિતાશ્રીને બીડી પીવાની તલપ લાગે છે અને પોતે ધુમ્રપાનને ધીક્કારતા હોવાં છતાં એક પુત્ર, પિતાની એ અંતીમ ઇચ્છા પુરી કરતાં કેવું તીવ્ર મનોમંથન અનુભવે છે એનું તાદ્રૂષ્ય વર્ણન કરતી એક હ્રદયસ્પર્શી લઘુકથા દિપકભાઇએ રજૂ કરીને, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કોઇ વર્ણનો કે અલંકારો વગર, હ્ર્દયના ઉંડાણમાંથી સચ્ચાઇપુર્વક નીકળેલી એ વાતે બધાનાં હૈયાં ભીના કરી મૂક્યા હતા.

ત્યારબાદ હ્યુસ્ટનના એકમાત્ર હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ ( ‘ચમન’) પોતાની સ્વરચિત હાસ્યક્થા ‘ચડ્ડી’ લઈને હાજર થયા હતા. તેમણે હ્યુસ્ટનના જ એક ગૌરવશાળી નાટ્યકલાકાર રક્ષાબેન પટેલના સહયોગથી આંશિક નાટ્યસ્વરુપે, સંવાદો સહિત, એ હાસ્યપ્રધાન કૃતિ રજૂ કરીને, ‘બાપુજીની બીડી’ની અસરમાંથી શ્રોતાઓને બહાર લાવી દઈને ખુબ હસાવ્યા અને સાથેસાથે “બાહ્ય પોશાક એ માણસની સાચી ઓળખાણ ના હોઈ શકે.” નો સંદેશ આપ્યો.

ત્યારબાદ શ્રી નવીનભાઈ બેન્કર (આ અહેવાલ ના લેખકે) પણ પોતાની એક લઘુકથા ‘અમારા ચંચીબા’ શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી. સિનિયર સિટીઝન્સની મીટીંગમાં આવતા એક ચંચીબાની હૈયાવરાળને, નાટકીય હાવભાવોથી રજૂ કરીને શ્રોતાઓને એક નવા જ વિશ્વની સફરે લઈ જવાનો એ પ્રયાસ હતો. હાથમાં કાગળ રાખ્યા વગર, માત્ર સ્મરણના આધારે, શ્રોતાઓની આંખમાં આંખ પરોવીને , જે સૂઝે તે કહી દેવાનો આ પ્રયોગ પણ શ્રોતાઓને ગમ્યો હતો.

પછી…વારો આવ્યો હાયકુ અને ફોટોકુની રજૂઆતોનો.

પાવરપોઇન્ટની મદદથી, ટીવીના વિશાળ પડદે, ત્રણ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા. એક ચિત્રમાં મીરા હાથમાં તાનપુરો લઈને ઉભી છે. સામે એક મોરપીચ્છ છે. અને પાછળ છાયાચિત્ર તરીકે કૃષ્ણ દેખાય છે.

બીજા ચિત્રમાં એક ગીધડું, એક ગરીબ કંગાળ બાળકના મૃત દેખાતા શરીર સામે તાકી રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં કરુણ ભુખમરાનું દ્રશ્ય છે.

ત્રીજા ચિત્રમાં એક ઉડતો સફેદ મોરલો નીચો વાળીને કલરફુલ ઢેલ તરફ જોઈ રહ્યો છે. બન્ને એકબીજાને જોઇ રહ્યા છે.

હવે આ ચિત્રો પર સર્જકોએ હાયકુ રચવાનાં હતાં જે બધાને અગાઉ email થી મોકલાવેલ. જે સભ્યોને ત્યાં જ લખવા હતા તે બધાંને કાગળ-પેન્સીલ આપવામાં આવેલા. અહીં સાચા સર્જકોની કસોટી હતી. ચિત્રો જોઇને તમને શા ભાવો જાગે છે અને એ ભાવોને તમારે કાગળ પર ઉતારવાના અને તે ય પાછા હાયકુ ના સ્વરુપમાં.

પાંચ..સાત..અને પાંચ અક્ષરોમાં કંડારવાના. આને માટે ઉર્મિશીલ હૈયું જોઇએ. કાવ્ય સર્જી શકે એવું કવિહ્રદય જોઇએ. કોઇ સંદર્ભગ્રંથના જોરે એકાદ લેખ લખી કાઢવો સહેલી વાત છે પણ આ રીતે શીઘ્રાતિશીઘ્ર કાવ્યસર્જન કરવું એ અતિમૂશ્કેલ કામ છે. અને…મને ગર્વપુર્વક કહેવા દો કે અમારા હ્યુસ્ટનમાં એવા સર્જકો છે. અમારા કમનસીબે, હ્યુસ્ટનમાંથી એવું કોઇ સાપ્તાહિક પૂર્તિ વાળું, ગુજરાતી વર્તમાનપત્ર પ્રસિધ્ધ થતું નથી કે જે અમારા સર્જકોની સર્જકતાને પ્રકાશમાં આણે. ખેર…

સર્વશ્રી. ચીમન પટેલ, શૈલા મુન્શા, ડોક્ટર ઇન્દુબેન શાહ, મનસુખ વાઘેલા, નરેન્દ્ર વેદ, હસમુખ દોશી, ચારુબેન વ્યાસ, અશોક પટેલ, વગેરે.. જેવા સર્જકોએ આ ચિત્રો પર હાયકુ રચીને રજૂ કર્યા હતા. દરેક કર્તાની એ ચિત્ર જોવાની દ્ર્ષ્ટી અલગ અલગ હતી અને એના હાયકુઓ પણ સાવ અલગ હતા.

દેવિકાબેન ધ્રુવે આ ચિત્રો પર ત્રણ મુકતકો રચ્યા હતા. છંદ વિધાન રજઝ-૨૮, ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા પર રચાયેલા આ મુકતકો, પણ શ્રોતાઓએ વખાણ્યા હતા. દેવિકાબેન જાતે મીટીંગમાં હાજર નહોતા રહી શક્યા પણ મુક્તકો મોકલી આપેલ ,એ અન્ય કોઇએ રજૂ કરેલ.

ફતેહ અલી ચતુરે, આદિલ મન્સૂરિની એક જાણીતી ગઝલ રજૂ કરી હતી. રમજાન વીરાણીએ પણ ત્રણ હાયકુ અને એકાદ કાવ્ય સંભળાવ્યાં હતાં. ડોક્ટર રમેશ શાહે, ધીરુભાઇ શાહની કોઇ પ્રેરણાદાયક કૃતિ વાંચી સંભળાવી હતી.

મુંબઈના એક લેખક શ્રી. ચંદ્રકાંત સંઘવીએ પોતાની હ્યુસ્ટનની મુલાકાત અંગે એક પ્રવાસકથાનું પુસ્તક ‘ચલા મુરારી હીરો બનને’ લખીને પ્રકાશિત કર્યું છે તે અંગે મીટીંગમાં વાતો કરી હતી. અને સંસ્થાના વડા શ્રી. નિખીલ મહેતા અને અન્ય કેટલાકને ભેટ આપ્યું હતું. આ પુસ્તકમાં સાહિત્ય સરિતા સાથેની અને તેના કેટલાક સર્જકો સાથે કરેલી ગૂફ્તગુઓ અંગેની રસભરી વાતો વર્ણવેલી છે.

ત્યારબાદ શ્રી. પ્રકાશ મજમુદારે , ૧૯૭૭ની એક ગુજરાતી ફિલ્મ ‘ઘેર ઘેર માટીના ચુલા’માં યેસુદાસે ગાયેલું અને ધીરુબેન પટેલ રચિત એક ગુજરાતી ગીત ‘બસ, એકવેળા નજરથી ટકરાય જો તારી નજર’ પોતાના સુમધુર સ્વારે ગાઈ સંભળાવીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.

સંસ્થાના મુખ્ય આગેવાન શ્રી. ધવલ મહેતાએ આગામી જુલાઇ ૧૨ ની બેઠક અંગે, એ પછીની આઠમી ઓગસ્ટે શ્રી. રઈસ મણીઆરની મુલાકાતની બેઠક અંગે જાહેરાતો કરી હતી.

ત્યારબાદ શ્રી. જય પટેલે આભારવિધિ કરી હતી. શ્રી. નિખીલ મહેતાએ યજમાન જય પટેલનો અને સ્મિતાબેનનો, કાર્યક્રમને સ્પોન્સર કરવા બદલ અને સ્વાદિષ્ટ ભોજન બદલ આભાર માન્યો હતો. અને હ્યુસ્ટનથી પ્રકાશિત થતા ‘ગુજરાત ગૌરવ’ ના તંત્રી અને પ્રકાશક શ્રી નુરૂદ્દીન દરેડિયા સાહેબનો અભાર માન્યો હતો જે દર મહીને સાહિત્ય સરિતાની બેઠકની તસ્વીર અને આ અહેવાલ પણ તેમના પ્રકાશનમાં છાપી તેની પ્રતો સભ્યોને પ્રેમથી વહેંચે છે. શ્રી. જય પટેલે રાબેતા મુજબ બધાનો ગ્રુપ ફોટો પાડ્યો હતો. અને સૌ વિખરાયા હતા.

અહેવાલ– શ્રીનવીન બેન્કર                        તસ્વીર સૌજન્ય–  ડૉરમેશભાઈ શાહ

 

Pic for 155th bethak

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help