Apr 27 2025
૨૬૬મી મીટીંગનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૬મી બેઠક, ૧૬ મી માર્ચના રોજ સુગરલેન્ડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી.
અવનીબહેન અને માયાબહેનના સુંદર સ્વરે પ્રાર્થના કરવામાં આવી. પ્રાર્થના બાદ શ્રી નિખિલભાઈએ નરસિંહ મહેતાના નિરાકાર ભગવાન વિષે વાત કરી.
આ રોજ પ્રો. શ્રી અર્પણ યાજ્ઞિક આપણા માનવંતા મહેમાન બન્યા અને તેમણે ભય ઉપર અસરકારક વ્યાખ્યાન આપ્યું..
પ્રો. અર્પણ યાજ્ઞિક પેન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન વિભાગના Associate Professor છે . તેઓ બ્રહ્મવિદ્યા અને આત્મજ્ઞાનના સાધક પણ છે. ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થયેલ શૈક્ષણિક પાઠ્યપુસ્તકમાં એમનું Fear in Entrepreneurial Decision Making નામનું પ્રકરણ ભણાવાય છે. તેમણે ભય વિષે વિવિધ દેશોમાં અને ભારતીય સેના માટે સેમિનાર કર્યા છે. હાલમાં જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ભયનિવારણ વિષય પર યુવાનોની શિબિરમાં મુખ્ય પ્રવક્તા હતાં. તેમણે TEDx પર creativity વિષે પોતાના સુંદર વિચારો રજૂ કર્યાં છે.
તેમણે જણાવ્યું કે અનેક જાતના ભયથી માણસ પરેશાન થાય છે. કોઈને જીવનધોરણ નીચા જવાનો ભય હોય તો કોઈને જીવનસાથી ગુમાવવાનો ભય હોય. કોઈને નોકરી ખોવાનો તો કોઇને અકસ્માતનો તો કોઈને રોગનો, તો વળી કોઈને મોતનો! આ ઉપરાંત પણ ઘણા ભય જેવાં કે જાહેરમાં બોલવાનો, FOMO (Fear of Missing Out), નિર્ણય લેવાનો વગેરે. ત્રણથી ચાર સભ્યોના નાના ગ્રુપ બનાવી પોતાના ભ ય વિષે વાત કરવાં જણાવ્યું. સહુને આમાં ઘણો રસ પડ્યો અને પછી એ વિષે અર્પણભાઈએ વિસ્તાર્થી છણાવટ કરી.
ભય આપણી લાગણીઓ, સંવેદનાઓ, અભિગમો અને વર્તન પર અસર કરે છે. શારીરિક (જેવાં કે panic attack) અને માનસિક અસર. ભય પ્રેરણાદાયી પણ છે અને રુકાવટ કરનાર પણ છે. પોતની રમૂજી શૈલીમાં કહ્યું કે દરેક જણ બીજાના ભય દૂર કરવાનો નિષ્ણાત!
છતાં “Fear is a subjective reality!” દરેકને પોતાના આગવા અનુભવો. દેશકાળની પણ જુદી જુદી અસર. નાનપણના ભય (અંધારાંનો ભય) મોટાં થતાં ચાલ્યો જાય. કારણકે ભય એક perception છે. તેથી જ, આ ભય ઉપર વિજય મેળવી શકાય. મગજ હંમેશા સહેલા રસ્તા શોધે, એને કામ કરવું ના ગમે! એને શારીરિક પ્રવ્રુત્તિમાં વ્યસ્ત રાખો તો ભય ઘટે! જ્યારે ખૂબ મોટેથી ખડખડાટ હસો તો ત્યારે ભયનો અનુભવ નહીં થાય.
ભયને એક આકાર આપી તેને આકારમાં સીમિત કરી દો. ભયને યજમાન નહીં પણ મહેમાન બનાવો. તો એનુ જોર ઓછું થઈ જશે, અને પછી તેને કાઢો! તેમણે ગુરુ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાં જણાવ્યું.
પ્રશ્નોત્તરી પછી રિદ્ધિબહેન દેસાઈએ પ્રો. અર્પણ યાજ્ઞિકની વાતનો સારાંશ કહી થોડાંક વિચારવાં જેવાં પ્રશ્નો મૂકી સભાની પુર્ણાહૂતી કરી.
હળવા નાસ્તા બાદ સહુ ભાઈબહેનો છૂટાં પડ્યાં.