Mar 24 2016
ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૨ મી બેઠક શ્રી અનિલ ચાવડા સાથે
હ્યુસ્ટનને આંગણે કવિ શ્રી અનિલ ચાવડા –અહેવાલ-શ્રી નવીન બેન્કર
ડો ઇન્દુબેન શાહ
(તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ અને ડો.રમેશ શાહ)


ઓરલાન્ડો શહેરમાં, ફ્લોરીડા યુનિવર્સિટિના ગુજરાતી કલ્ચરલ કાર્યક્રમમાં ભાગ લેવા, છેક અમદાવાદથી માત્ર ૩૦ વર્ષની વયના તેજસ્વી યુવાન ગુજરાતી કવિ શ્રી, અનિલ ચાવડા પધારેલ. તારીખ ૪ અને ૫ માર્ચ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમમાં કવિતા અને ગઝલના પ્રેમીઓએ મન ભરીને કાવ્યોનો આસ્વાદ માણ્યો એ જોઇને હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓએ પણ આવો જ કાર્યક્રમ સંસ્કારનગરી હ્યુસ્ટનમાં થાય એ આશયથી કવિશ્રી. અનિલ ચાવડાનો અને ડો. દિનેશ શાહનો સંપર્ક સાધીને તારીખ ૧૨મી માર્ચે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે કાવ્ય-ગઝલના કાર્યક્રમનું આયોજન, દેવિકા ધ્રુવના સહયોગથી કર્યું હતું.
બારમી માર્ચ અને શનિવારની બપોરે ત્રણ વાગ્યે, જેવીબી પ્રેક્ષા મેડીટેશન હોલમાં ૧૫૦ જેટલા ગુજરાતી સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
પ્રેક્ષા મેડીટેશનના સંચાલિકા સીમાબેને ભાવભીની વંદના કર્યા બાદ, પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેને સ્વાગત-પ્રવચનના બે શબ્દો કહ્યા. કવિશ્રી. અનિલ ચાવડાનું સ્વાગત શ્રી. નવીન બેન્કરે પુષ્પગુચ્છ આપીને કર્યું અને આમંત્રિત શ્રોતાઓને માટે સ્વાદીષ્ટ ભોજનની જવાબદારી ઉપાડી લેનાર શ્રી. હસમુખ દોશી સાહેબનું સન્માન, ડો. શ્રી. રમેશ શાહે કર્યું હતું. શ્રીમતિ ભાવનાબેન દેસાઈએ પોતાના સુમધુર કંઠે પ્રાર્થના કર્યા બાદ, હ્યુસ્ટનની કવયિત્રી દેવિકા ધ્રુવે, શ્રી અનિલ ચાવડાનો પરિચય આપતાં કહ્યું કે પોતાના નામને સાર્થક કરતા શ્રી અનિલ ચાવડાએ પવનની ગતિએ સાહિત્યના આકાશમાં ઉડ્ડ્યન આદર્યું છે અને પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું છે. માત્ર ૩૦ વર્ષની યુવાન વયમાં, ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં કેટકેટલા પુરસ્કારો અને એવોર્ડ્સ મેળવી લીધા છે. ઘણાં એવોર્ડસ મેળવનાર આ યુવાન કવિ, કાવ્યસંગ્રહો, નિબંધો, ચિંતનલેખો, લઘુકથાઓ અને‘સંદેશ’ના કોલમીસ્ટ તરીકે ખ્યાતનામ છે. તેમની મમળાવવી ગમે તેવી કેટલીક પંક્તિઓ પણ દેવિકાબેને સંભળાવી.
સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સુરજને દાટી રહ્યું છે ?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઇ સુરજને કાઢી રહ્યું છે !
દેવિકાબેને વધુ સમય ન લેતાં, કાર્યક્રમનું સુકાન શ્રી. અનિલભાઈ ચાવડાને સોંપી દીધું.
ત્યારબાદ, આતુરતાપૂર્વક જેમની રાહ જોવાઈ રહી હતી તેવા શયદા એવોર્ડ,રાવજી પટેલ એવોર્ડ વિજેતા, ગુજરાતી અને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવાગૌરવ પુરસ્કાર મેળવનાર તથા તખ્તસિંહ પરમાર પારિતોષિક પ્રાપ્ત કરનાર શ્રી અનિલભાઈ ચાવડાએ ગઝલથી શરુઆત કરી કે;
“આથમી ચૂક્યો છું હું નેઉગ્યો છું હું એવું પણ નથી.
કે ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.” તેની સાથે જ પ્રેક્ષકગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો.
“આથમી ચૂક્યો છું હું નેઉગ્યો છું હું એવું પણ નથી.
કે ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.” તેની સાથે જ પ્રેક્ષકગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો.
દેખાવમાં અનિલભાઇનું કાઠુ નાનુ, મ્રુદુ અને મિતભાષી, સૌમ્ય અવાજ પણ સર્જનોના વ્યાપ-વિસ્તારથી સાંપ્રત ગુજરાતી સાહિત્યિક પ્રવાહમાં જેમની હાજરી બુલંદપણે વર્તાય છે એવા આ યુવાન કવિએ પોતાની લાક્ષણિક શૈલીમાં કેટકેટલી વાતો કરી. વચ્ચે વચ્ચે નરસિંહ મહેતા અને મીરાંબાઇને ય યાદ કરી લીધા. વર્ષો પછી વતનમાં ગયા હોઇએ ત્યારે જે સંવેદના જાગે તેવી કવિતાએ શ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા હતા.
સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, માર્ગમાં જે જે મળે તેને બાથ ભરી લઉં
જેમ વેલજી ચપટી ભરી તંબાકુ ખાતો તેમ, વતનની ધુળ ભરી લઉં.
જેલમાં પોતે આપેલા કાર્યક્રમની હળવી વાતો કરીને શ્રોતાઓને હસાવ્યા યે ખરા.
શ્વાસ મારે લઈ જવા’તા છેક મહેંકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી,
ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો
પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી.
અમદાવાદ શહેર અંગેની કવિતા અને તેમાં આવતા સ્થળોના ઉલ્લેખો શ્રોતાઓને ખુબ ગમ્યા.
સીજી રોડ, એમજી રોડ, નમ્રતા એવી કે રોડને પણ જી..જી..કરીને બોલાવે,
નહેરૂ-ગાંધીને તો પુલ બનાવી દીધા,એના પર માલની હેરાફેરી કરાવે.
બકા બકા કરીને બચકુ ભરી લે તને ખબરે ના પડે,
હોટલને પતંગ બનાવીને ઉડાડે…….વગેરે..વગેરે……
એકાદ બે અછાંદસ કાવ્યો પણ ઝડપી શૈલીએ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
“તડકા બડકા જાત બાત ને…”
–વચ્ચે બ્રેક આપવા મધ્યાંતર રાખવાને બદલે, શ્રીમતિ ઇન્દુબેન શાહે, હ્યુસ્ટનના છ જેટલા લોકલ કવિઓની રચનાઓ પણ રજૂ કરાવી. ધીરૂભાઇ શાહ, વિશ્વદીપ બારડ, દેવિકા ધ્રુવ, ચીમન પટેલ, શૈલાબેન મુન્શા અને ખુદ ઇન્દુબેન શાહે પણ સ્વરચિત કૃતિઓનું પઠન કર્યું હતું.
કાર્યક્રમના બીજા દૌરમાં, અનિલભાઈએ નરસિંહ અને મીરાંના, ઝુલણા છંદની રચનાઓ અંગે માહિતીપ્રચુર વાતો કરી. પોતાની એક કવિતા નવમા ધોરણની ટેક્સ્ટ બુકમાં આવી રહી છે એની માહિતી આપી. ‘ઇચ્છાઓની બરણી ફૂટી ગઈ’ વાળું કાવ્ય શ્રોતાઓને સ્પર્શી ગયું.
ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.કાચ તૂટતા વેરાઈ કંઈ,કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.કાચ તૂટતા વેરાઈ કંઈ,કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
મનની આ અભરાઇ ખુબ ઉંચી ઉંચી, અમે સંતાડી રાખી કુંચી ઉંચી ઉંચી.સમયની મર્યાદાને લક્ષમાં લેતા કાર્યક્રમને સમાપ્ત કરવો પડ્યો પણ સૌ પ્રેક્ષકોએ ઊભા થઈ આ તેજસ્વી કવિને માનપૂર્વક વધાવ્યા. તે પછી રાબેતા મુજબ
, આભારવિધિ, પુરસ્કાર અર્પણ…ગ્રુપ ફોટોગ્રાફ્સ…પ્રશ્નોત્તરી વગેરે બાદ ત્રણ કલાકે સભા સમાપ્ત થઈ હતી અને યજમાન શ્રી. હસમુખ દોશી અને ચંદ્રિકાબેન દોશીના સૌજન્યથી પિરસાયેલ પરોઠા-પુરી, કરી-પકોડા,ફ્રાય દાલ, બાસમતિ રાઇસ અને ગુલાબજાંબુ જેવા સ્વાદીષ્ટ ભોજન નો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.

સોમવારે સાંજે, ઇન્દુબેનના નિવાસસ્થાને હ્યુસ્ટનના કાવ્યસર્જકો સાથે શ્રી. અનિલ ચાવડાએ, કાવ્ય-ગઝલ સર્જન અંગે એક વર્કશોપ ગોઠવીને સુંદર રીતે સર્જન અંગે સમજુતિ આપી હતી. આ વર્કશોપ, સતત સર્જન કરતા અને સાચા કાવ્યપિપાસુ કવિજનો માટે જ હતી. માત્ર આઠ સર્જકો અને આ અહેવાલ લખનાર તથા પાંચેક સુજ્ઞ શ્રોતાઓએ જ હાજરી આપી હતી. શ્રી. અનિલભાઈએ છંદ, લય, રદીફ, કાફિયા, મત્લા,મક્તા, ગુરૂ અને લઘુ છંદ, લય, પ્રાસ વગેરે અંગે વિદ્વત્તાપુર્ણ માહિતી આપી. પછી શિક્ષકની જેમ બધાંને એક વિષય આપ્યો- ‘ ચાલો, ઘરમાં બેઠા છીએ’ આ પંક્તિ પર જે સંવેદન જાગે એ પ્રમાણે કાવ્ય લખો. દરેક સર્જકે પોતપોતાની રીતે બે બે લીટી લખી અને વાંચી સંભળાવી. પછી એ દરેક માં શું ખામી છે કે એમાં શું સુધારવા જેવું છે એ, અનિલભાઇએ સુંદર રીતે સમજાવ્યું.
‘બીજી અને ચોથી પંક્તિમાં બે ગુરૂ વધી ગયા…તમે કાફિયાને તોડી નાંખ્યો…રદીફ તો જળવાઇ રહે છે પણ કાફિયા તૂટી જાય છે…બન્ને બરાબર છે ત્યાં છંદ જળવાતો નથી…મીટરમાપ બરાબર છે પણ કાફિયા બદલાઈ જાય છે..’વગેરે સુંદર રીતે વિશ્લેષણ કરી સમજાવ્યું.
ટૂંકમાં, આ વર્કશોપનો સાર એટલો જ કે અક્ષરનું ગણિત શીખવી શકાય પણ કવિકર્મ તો કવિએ જાતે જ કરવું પડે. ગીતમાં ભાવની સાથે સાથે પ્રાસ અને લયનું મેચીંગ થાય તો જ એ ગીતમાં કાવ્યતત્વનો અનુભવ થાય.
રવિવારની સવારે, આ અહેવાલ લખનાર અને શ્રી. અનિલભાઈએ, મ્યુઝીક મસાલાના ગુજરાતી રેડિયો કાર્યક્રમ પર શ્રી. દિલીપ કાનાબાર અને ઇનાબેન પટેલના આમંત્રણથી રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં શ્રી. અનિલ ચાવડાના કાવ્યો રજૂ થવા ઉપરાંત, તેમની મુલાકાત આ બન્ને સંચાલકોએ લીધી હતી જે વાર્તાલાપ ખુબ રસપ્રદ રહ્યો હતો.
સંસ્થાના ભૂતપુર્વ ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા ( એકલ વાળા) ના સૌજન્યથી, શ્રી. અનિલ ચાવડાને . જગપ્રસિધ્ધ ‘સ્પેસ સેન્ટર નાસા’ ની મુલાકાત કરાવીને હ્યુસ્ટનમાંથી ભાવભીની વિદાય અપાઈ હતી.
એકંદરે આખો કાર્યક્રમ રસપ્રદ અને પ્રેરણાદાયી રહ્યો. બંને દિવસની સફળતા માટેનો યશ, આયોજકો શ્રીમતિ ઈન્દુબેન શાહ,હસમુખભાઈ દોશી, દીપકભાઈ ભટ્ટ, નવીન બેંકર,રમેશભાઈ શાહ, નિતીન વ્યાસ, દેવિકા ધ્રુવ,જયંત પટેલને ફાળે જાય છે.