Sep 21 2018
ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ બેઠક #૧૮૯
હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ…
તા.૧૫મી સપ્ટે. ૨૦૧૮ને શનિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડિટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ભવ્ય કાવ્યોત્સવ ઉજવાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં મુંબઈના જાણીતા કવિ અને મંચના મહારથી શ્રી મુકેશ જોશી અને અમદાવાદના યુવાન કવિ અને રજૂઆતના રાજવી શ્રી અનિલ ચાવડા.


બરાબર બે વાગે સંસ્થાના હાલના પ્રમુખ શ્રી સતીશ પરીખના ઉદ્બોધન, સૂત્રધાર ઈનાબેન પટેલ દ્વારા સ્વાગત અને પ્રેક્ષા મેડિટેશનની પ્રારંભિક માહિતી, પ્રાર્થના વગેરે વિધિ પછી
સંસ્થાનાસલાહકાર અને મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ દોશીને તેમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મયામિશનના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ
નાણાવટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તે પછી
ભગવતીકુમાર શર્માની કાયમી વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ડો.ૠચાબેન શેઠે સરસ્વતીની પ્રાર્થના કરી અને પ્રમુખ શ્રીએ સંસ્થાનો
પરિચય આપ્યો. કવિઓના પરિચય માટેદેવિકાબહેન ધ્રુવે બંને કવિઓની કવિતાઓને ખૂબીપૂર્વક ટાંકી, સવિશેષ પરિચય આપ્યો. તે પછીપ્રમુખ–ઉપપ્રમુખ દ્વારા કવિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.


જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે શ્રી મુકેશ જોશીએ ‘ઘાયલ’ના મુક્તકથી શરૂઆત કરીકે,”જીવન જેવું જોઉં છું તેવું કાગળ પર ઉતારું છું. ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.”
ત્યારપછી માણસ અને મગરની સુંદર વાર્તા સંભળાવીને ‘ચાલો માણસ બની જઈએ..અને અશાર મેરેયૂં તો ઝમાનેકે લિયે…કુછ શેર ફકત ઉનકો સુનાનેકે લિયે…કહીને પ્રેમ, વિસ્મૃતિ, જીવ અને શિવનાછૂટા પડ્યાની અને એને શોધવાની મથામણ કરતા કવિની એક અનોખા અંદાઝથી રજૂઆત કરીશ્રોતાઓના મન જીતી લીધાં અને તે પછી રીલાયન્સના મોટા ભાઈ મુકેશની જેમ નાના ભાઈ અનિલ ચાવડાને આગળની રજૂઆત માટે આમંત્ર્યા.
કવિ શ્રી અનિલ ચાવડાએ રમૂજી રીતે પ્રારંભ કરી, સૌને હસાવી ગઝલની શરૂઆત કરી કે,
“શ્વાસ મારે લઈ જવા’તા છેક મહેંકાવા સુધી, બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી,ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી.”“એક નાના કાંકરે આખી નદી ડહોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં? આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,આ રીતે તો એક દા’ડો પણ હવે જીવાય નૈં.” વગેરે શેરોથી સભાગૃહમાં ‘વાહ’ અને ‘ક્યા બાત હૈ’ના અવાજો ગૂંજવા માંડ્યાં. આગળ વધતાં વળી તેમના જાણીતા,વારંવાર સાંભળવા ગમે તેવા શેરોની કેફિયત માણવા મળી કે,‘“આથમી ચૂક્યો છુ હું ને ઉગ્યો છુ હું એવું પણ નથી. કે ટુકડે ટુકડે જીવુ છુ પણ તૂટી ચૂક્યો છુ એવું પણ નથી.’ અને “હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે, એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય? અને તે પછી તો “કહ્યું ‘તુ, કે જશો નહિ સ્મરણોની ગલીમાંથી…આંસુને ઠાઠથી રાખ્યાં છે પાંપણની પાલખીમાંથી’…હવામાં નામ લખવાનું કહે.. ઘૂંટવું તો ઘૂંટવું કઈ રીતે?.. વગેરે રજૂઆત કરી. તે ઉપરાંત ક્યાંક વ્યંગરંગ પણ ‘ધર્મ માટે આ જમીન કેટલી ફળદ્રૂપ છે!!’ કહી ભરી દીધો!! વતન પ્રત્યેની લાગણીની ગઝલ ‘સહેજ હસી લઉં, સહેજ રડી લઉં …”સાંભળી શ્રોતાઓને ગદગદ કરી મૂક્યાં. બીજા પણ ઘણા ગમતા શેરો જેવા કે “તુજ હો જો મારું ગીત તો ગાઉં. ‘..“સપનામાં બાકોરું પાડ્યું…એમ હડસેયાલો છુ આજ એના દ્વારથી… ‘આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે…’ અને ‘પીડા જાણે પામર થઈ ગઈ….’,ગેંગેંફેંફેં.. ‘આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે’..વગેરે જુદા જુદા દૄષ્ટિકોણથી ગઝલો સંભળાવી પોતાનાથી મોટા કવિ મુકેશ જોશીને આમંત્રણ આપ્યું.
કવિ શ્રી મુકેશ જોશીએ અમર પાલનપુરી,મરીઝ,ઘાયલ,આસીમ રાંદેરી વગેરેના અતિ ઉત્તમ શેરો સંભળાવી પોતાની કવિતાઓ રજૂ કરી કે, ‘એકલતાએ પીછો કીધો.. શબ્દો દીવાદીવા થઈ જાય..કવિ કરે આરતી એની આશકા લેવા જાય.. અને સુંદર લયવાળું ગીત ‘એક તો પોતે તું મધ જેવી,તેમાં તારું સ્મિત જાણે મધમાં સાકર નાંખી….તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યાં છો?.. અને ‘મારીચ બનવા મળે તો નાચું’ અદભૂત રીતે, ખુલ્લાં મને, બુલંદ અવાજે “વાહ વાહ’ના નારા વચ્ચે પ્રસ્તૂત કરતા ગયાં. સભા એમના રંગમાં રગાતી ગઈ..વચ્ચે વચ્ચે કોલેજકાળના પ્રેમની વાતો પણ રસપ્રદ રીતે રજૂ કરી. ‘અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો અને ‘ગામડાની છોકરીઓ પાણી ભરવા જાય’ વગેરેની રજૂઆત દ્વારા લયબધ્ધ ગીતોની રમઝટ બોલાવી.
તે પછી બીજાં દોરમાં ફરી અનિલ ચાવડાએ અને મુકેશ જોશીએ વારફરતી પોતપોતાના ગીત અને ગઝલની જુગલબંધી પ્રેમથી, મનભર રીતે સંભળાવી જેમાં મુખ્યત્વે ‘ અનિલભાઈની કાઠીયાવાડી લઢણમાં ‘નયનસંગ બાપુ’ ‘વતનના ચૂલાની તાવડી યાદ આવી..’ અને ‘છોડ દીવાને પહેલાં મને પ્રગટાવને..’ અને ‘મેં મારી અંદર છાપું સંતાડી રાખ્યું છે’ અને અમદાવાદની ગઝલ સાંભળી સૌ આફ્રીન પોકારી ઉઠયાં. મુકેશ જોશીની ‘મા’ની કવિતા ‘મમ્મી સ્કૂલે ગઈ છે એ સાંજે પાછી કેમ ન આવે? ના કરુણ ભાવમાં સૌ ભીંજાયા. ‘અમેરિકન એમ્બેસી’ ના વાતાવરણમાં લખાયેલ કવિતા ‘પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એણે પૂછ્યું નામ,વિધવા થયેલા ફોઇ ફરીથી યાદ આવ્યાં મેં કર્યાં પ્રણામ.’, ‘સુખદુઃખની સવારી’ અને ‘પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતા’વગેરેથી વાતાવરણ રસતરબોળ થઈ ગયું. તાલીઓના ગડગડાટ સાથે સૌનો આભાર માની કવિ શ્રી મકરંદ દવેના શેર ‘અમે તો અહીંથી જઈશું,પરંતુ અમે ઉડાડેલ ગુલાલ રહેશે..ખબર નથી શું કરી ગયા,પણ કરી ગયા તે કમાલ રહેશે’ કહી સમાપન કર્યું.

ખુબ સુંદર. યથાયોગ્ય અને કોઠે કોઠે દીવા પ્રગટાવે એવો અહેવાલ.