Feb 19 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ

Published by at 7:23 pm under બેઠકનો અહેવાલ

 

તારીખ ૧૭મી ફેબ્રુ.૨૦૧૯ ના દિવસે, રવિવારે ‘સુગરલેન્ડ’ ના રીક્રીએશન સેન્ટરમાં ગુજરાતી સાહિત્ય સરિતાની  ૧૯૪મી બેઠક  મળી હતી. બેઠકનો સમય બપોરે .૩૦ વાગ્યા થી  .૩૦ સુધીનો હતો.

શરૂઆતમાં ચહા-નાસ્તા અને  સ્નેહમિલન પછી બરાબર ૨ વાગે બેઠક શરૂ કરવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શાએ શ્રી ભાવનાબેનને પ્રાર્થના ગાવા માટે આમંત્રિત કર્યા હતાં અને ભાવનાબેન દેસાઈએ સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યાર બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અંગે, સંસ્થાના પાયાના સભ્ય શ્રી હેમંતભાઈ ગજરાવાલાના જમાઈની અને હ્યુસ્ટનની અન્ય વિવિધ સંસ્થાઓના એક જાણીતા કાર્યકર શ્રીમતિ લક્ષ્મીબેનની  ચિરવિદાય અંગે સૌએ ૨ મિનિટ મૌન પાળ્યું હતું. તે પછી ઉપપ્રમુખે આમંત્રિત મહેમાન શ્રી મિલિન્દભાઈ ફડકેનો પરિચય આપ્યો હતો..

મિટિંગનું સુકાન દેવિકાબેન ધ્રુવે સંભાળ્યું હતું .તેમણે નવા વર્ષના નવા પ્રયોગને અમલમાં  મૂકવા  માટે પ્રમુખ શ્રી ફતેહ અલીભાઈ અને શ્રી શૈલાબેનને બિરદાવ્યા હતા. આ વખતે ૧૫ મિનિટનો સમય મુખ્ય ૩ વક્તાઓને આપવાનું નક્કી કર્યું  હોવાથી બધા ખુશ હતાં. તેમણે  આવતા અઠવાડિએ વિશ્વ માતૃભાષા દિન’ ની યાદ અપાવી, અને અન્ય ભાષાના (મહારાષ્ટ્ર મંડળના), મહેમાન તરીકે આવેલ શ્રી મિલિન્દભાઈ  ફડકેને  આવકાર્યા. તેમણે તેમની મરાઠી શાળા જે હયુસ્ટનમાં ચાલે છે તેના વિષે વિગતવાર માહિતી આપી હતી.

ત્યાર પછી શ્રી ચીમનભાઈ પટેલે ‘  એક દિલ દો નામ ‘  ની વાર્તા  રજૂ કરી હતી જેમાં રહેલ હાસ્ય-રસ  પ્રેક્ષકોએ માણ્યો હતો. વિજયભાઈ શાહે પાવરપોઈન્ટ દ્વારા બનાવેલી સ્લાઈડ્સ થકી વાર્તાના પ્રકારોની સરસ રીતે રજૂઆત કરી, બધાંને વાર્તા લખવા પ્રેરિત કર્યા હતા તેઓ વાર્તાકાર હોવાથી  તેમનો વાર્તા પરનો પ્રેમ  તેમની એક  વાંચેલી વાર્તામાં દેખાતો હતો. વેવિશાળ પછીના સંવવનકાળના પ્રેમનું સુંદર વર્ણન કર્યું હતું.

શૈલાબેને ડોક્ટર અશોક ચાવડા (‘બેદિલ’ ઉપનામ )ની એક દલિત રચના રજૂ કરી હતી.

ત્યાર બાદ સંસ્થાના આદ્યસ્થાપકોમાંના એક મુખ્ય ગણાતા શ્રી દીપકભાઈ ભટ્ટે ‘કનૈયાલાલ મુન્શીના પાત્રો’ વિષય પરથી કાક અને મંજરીની રસપ્રદ વાતો કરી હતી.  પ્રિય પાત્ર મંજરી  વિષે કહેતા કહેતા તેમાં એટલા ઓતપ્રોત થઇ ગયા કે એમણે  બીજાં પણ પાત્રો ને આવરી લીધા હતાં. તેમની વાક્છટા,એક પ્રાધ્યાપકની અદાથી સભાની વચ્ચે ફરતા ફરતાં,ભાવવિભોર કરી દેતી હતી અને શ્રોતાઓને આનંદ આવતો જતો હતો.

ત્યારબાદ શ્રી નીતિન વ્યાસે  પોતાની રજૂઆત શરૂ કરી.  તેઓ સંગીતપ્રેમી હોવાથી અને નિયમિતપણે એક બંદિશ અનેક રૂપ લખતા હોવાથી, સાહિત્યને સંગીત સાથે જોડી મનભાવન ઝલકો બતાવી. તેમણે કલાસિકલ ગીતો, જુદા જુદા રાગ પર આધારિત ગીતો, તેમજ એક કથ્થક નૃત્ય, સમૂહનૃત્યનું રસદર્શન કરાવ્યું  હતું. બધા તેમાં એકાકાર થઈ  અને ગીત સાથે ઝૂમતા હતાં.  શ્રી નીતિન વ્યાસના  ઓતપ્રોત  ભાવથી બધા તેમાં ડૂબી ગયા હતા અને એક જુદા અને નવા પ્રયોગને તાળીઓથી વધાવતા હતા.

તેમના પછી સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતિ ઈન્દુબેન શાહે પ્રેમના અનેક રૂપ પ્રદર્શિત  કરતી સ્વરચના સંભળાવી હતી. દરેક મહિનામાં આવતા તહેવારોમાં પ્રેમ ક્યાં છે, કેવી રીતે મળે છે, તેને પ્રદર્શિત કરાય છે  અને આપણા જીવનને પ્રોત્સાહિત કરે છે  કહી  પોતાના વિચારો પ્રગટ કર્યા.

છેલ્લે શ્રી રમેશભાઈ શાહે રતિલાલ બોરીસાગરનો મુંબઈ સમાચારમાંથી વાંચેલ ‘અમથું અમથું હસવું’ લેખ વાંચી સંભળાવ્યો જેમાં વિરહી પુરુષના  ચિંતન વિષે વાત કહી હતી. દરેક કવિ કે લેખક સ્રીના વિરહની જ વાત લખે છે. કોઈ પુરુષના વિરહની વાત કરતા નથી। તેમણે પુરુષના પરસ્રીના વિરહ,તેના વિચારોમાં  ખોવાઈ જાય વગેરે વાતો પર એટલી રમૂજ કરી કે બધાને ખૂબ મજા આવી. વતાવરણ હળવું થઈ ગયું તેમની વાંચનશૈલી પ્રભાવક રહી.

દર વક્તાની રજૂઆત પછી વિષયને સાંકળી લઈને કંઈક વધુ રસપ્રદ માહિતી અને વાતો આપતા જતા સૂત્રધારની કામગીરી યથાયોગ્ય અને પ્રશંસનીય હતી.

હ્યુસ્ટનમાં માર્ચ મહિનામાં થનારા ચિન્મયામિશનના  નૃત્યનાટિકાના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી.

અંતમાં શ્રી ફતેહઅલી ચતુરે  નવા પ્રયોગને આગળ વધારવા સૌને પ્રોત્સાહિત કર્યા અને તમામ સાથ આપનાર સભ્યોનો, શ્રોતાજનોનો અને ચહા-નાસ્તાના આયોજન અને સહાય માટે  શ્રીમતિ ઈનાબેન પટેલનો આભાર માન્યો.  સંસ્થાના સેવાભાવી સભ્ય શ્રી જયંતભાઈ પટેલે રાબેતા મુજબ સૌની સામૂહિક તસવીર લીધી. શ્રી પ્રશાંત મુન્શા અને નીતિનભાઈ વ્યાસે પણ તેમાં સાથ આપ્યો.

 એકંદરે આ બેઠકમાં ઘણું નવું જાણવા મળ્યું.  બધાને ખુબ આનંદ આવ્યો અને એક નવો, વધુ સાહિત્યિક પ્રગતિપંથનો  ચીલો ચાતર્યો એમ સૌને લાગ્યું.

અસ્તુ.

ચારુ વ્યાસ

18 responses so far

18 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ”

 1. Neetin Vyason 19 Feb 2019 at 10:35 pm

  બેઠક નો અહેવાલ સમયસર લખીને વેબસાઈટ ઉપર મુકવા બદલ ધન્યવાદ.

 2. Indu Shahon 20 Feb 2019 at 7:41 am

  Charuben,
  સરસ વિગતવાર અહેવાલ . અભિનંદન.

 3. શૈલા મુન્શાon 20 Feb 2019 at 12:49 pm

  સહુ પ્રથમ પહેલીવાર બેઠકનો અહેવાલ અને તે પણ બેઠક પત્યાના બીજા જ દિવસે લખી આપવા માટે ચારુબેનેનો ખુબ ખુબ ધન્યવાદ.
  અહેવાલ ટૂંકો પણ મુદ્દાસર લખવામાં ચારૂબેનનો સાહિત્ય પ્રેમ ઝળકે છે.
  સંસ્થાના સલાહકાર દેવિકાબેને જયંતભાઈ દ્વારા પાડવામાં આવેલા ગ્રુપ ફોટાને સમાવી અહેવાલ મઠારી ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર તુરંત મુકી દીધો એ બદલ એમનો પણ ખુબ આભાર.
  કદાચ સાહિત્ય સરિતામાં પહેલીવાર એવું બન્યુ હશે કે બેઠ કપત્યા પછી બે દિવસમાં સભ્યોને અહેવાલ વાંચવા મળે.
  સહુ સભ્યો આ અહેવાલ વાંચી પોતાનો અભિપ્રાય જરૂરથી જણાવે એ જ અભ્યર્થના.

 4. Bhavana Desaion 20 Feb 2019 at 2:55 pm

  દરેક મુદ્દાને આવરી લઈ સવેળા, સુંદર રીતે અહેવાલ આપવા બદલ ચારુબહેનનો આભાર.

 5. શૈલા મુન્શાon 20 Feb 2019 at 2:56 pm

  ચારુબેન સરસ ટૂંકો પણ મુદ્દાસર અહેવાલ લખવા બદલ ખુબ અભિનંદન. પ્રથમવાર તમે અહેવાલ લખ્યો છે એવું જરા પણ લાગતું નથી.
  દેવિકાબેને જયંતભાઈ દ્વારા પાડવામાં આવેલા ગ્રુપ ફોટાને સમાવી બે દિવસમાં અહેવાલ મઠારી આપણી વેબ સાઈટ પર મુકી દીધો એ માટે એમનો પણ ધન્યવાદ.
  સહુ સભ્યોને નમ્ર પ્રાર્થના કે અહેવાલ વાંચી પ્રતિભાવ જરુરથી આપે.

 6. devikadhruvaon 20 Feb 2019 at 9:02 pm

  વાહ… ખૂબ સુંદર.
  સર્વે સભ્યોનો ખૂબ આભાર.

 7. chamanon 21 Feb 2019 at 7:15 pm

  મને પણ આ અહેવાલ ગમ્યો. એક ઘરમાં બે વ્યક્તિની આગવી પ્રતિભા; ચારુબેનની ચતુરાઈ લખવામાં અને નીતિનભાઈની સંગીતમાં! આમ ‘એક ઘર બે કલાકાર!! વાહ ભઈ!!!!

 8. DILIPKUMAR KAPASIon 21 Feb 2019 at 9:02 pm

  મજા આવી. ખાસ દિપક્ભાઇની ક મા મુનશીની નવલકથા નો રસપ્રદ અહેવાલ ગમ્યો. એક સવાલ તેમને ખાસ કરવાનુ મન હતુ પછી ક્યારેક કરીશ. આભાર..

 9. Charu Vyason 21 Feb 2019 at 10:21 pm

  આપ બધાના સહ્કાર અને પ્રોત્સાહન બદલ મારો હ્રુદય પુર્વક નો આભાર. શ્રી ચીમનભાઈ ની પ્રેમપૂર્વક કરેલી નુકતાચિની ગમી, પણ અમારા બંને માંથી કોઈ કલાકાર તો નથીજ.

  સપ્રેમ, સાદર – ચારુ વ્યાસ

 10. Akbar Ali Habibon 22 Feb 2019 at 1:53 am

  ગૂજરાતી સાહીત્ય સરીતા ની બેઠક નો અહેવાલ સૂદર શૈલી માં લખાયેલ છે. વાંચતા એમ લાગ્યૂ જાણે બેઠક મા હાજર છૂં. નવીન ભાઈ ની કલમ મા એવી શક્તી છે કે લેખન થી દ્રષ્ય ઉભૂ કરી દયે છે. આટલા સરસ અહવાલ લખવા બદલ અભીનંદન.

 11. Devika Dhruvaon 22 Feb 2019 at 6:11 am

  આ અહેવાલ ચારુબેન વ્યાસે લખ્યો છે.
  જો કે, નવીનભઈના અહેવાલો પણ સારા જ હોય છે.

 12. રક્ષા પટેલon 22 Feb 2019 at 7:32 am

  જોજનો દુર છું પણ ચારુબેને રજુ કરેલ અહેવાલ વાંચતા મનચક્ષુ આગળ આબેહૂબ ચિત્ર ઉભું થઈ ગયું. આટલો સુંદર અહેવાલ લખવા માટે ખુબ અભિનંદન!

 13. શૈલા મુન્‍શાon 22 Feb 2019 at 10:55 am

  અકબરભાઈ આ અહેવાલ નવીનભાઈએ નથી લખ્યો પણ પહેલીવાર જ સાહિત્યસરિતાના સભ્ય શ્રીમતિ ચારુબેન વ્યાસે લખ્યો છે પણ એમના સાહિત્ય પ્રેમે એવું લાગવા નથી દીધું કે એમણે પ્રથમવાર જ આ અહેવાલ લખ્યો છે.

 14. Navin Bankeron 22 Feb 2019 at 4:16 pm

  પ્રિય ચારૂબેન, અહેવાલ સર્વગ્રાહી અને અતિસુંદર લખાયો છે તે બદલ અભિનંદન.

 15. Navin Bankeron 22 Feb 2019 at 4:24 pm

  પ્રિય ચારૂબેન- દેવિકાબેન-અને..શૈલાબેન,
  અહેવાલ ખુબ સરસ અને સર્વગ્રાહી લખાયો છે તે બદલ અભિનંદન.
  પણ મને લાગે છે કે એક હકિકતદોષ રહી ગયો છે. જે બે શોકાંજલિઓ અપાઇ હતી તેમાં કોઇ સક્રિય કાર્યકર લક્ષ્મીબેન નહોતા પણ પુલવામા ના ૪૦ શહીદો હતા અને બીજા હેમંત ગજરાવાલાના જમાઇ હતા. આટલો સુધારો કરવો જરૂરી છે.
  નવીન બેન્કર- ૨૨ ફેબ્રુઆરિ ૨૦૧૯

 16. chamanon 22 Feb 2019 at 7:50 pm

  અકબરભાઈ,…… તમારી જાણ માટે……આ અહેવાલ નવીનભાઈની કલમથી નથી લખાયો! લખનાર છે ચારુબેન વ્યાસ.

 17. Bharat Shuklaon 22 Feb 2019 at 8:15 pm

  One of the best Bethak of Sahitya Sabha. Thoroughly enjoyed . Nitinbhai’s presentations be given more time with other subjects.

 18. Akbar Ali Habibon 08 Mar 2019 at 11:22 am

  અહેવાલ વાંચીને એમ લાગ્યું કે હું બેઠક મા હાજર છું. આટલા સરસ અહેવાલ લખવા બદલ અભીનંદન

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.