Apr 25 2022

બેઠક નં ૨૩૧ અહેવાલ – શૈલા મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠક નં.૨૩૧ઃ અહેવાલઃ શૈલા મુન્શા

તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં આવ્યું હતું. કોરોનાનો ભય હળવો થતાં આ વર્ષની શરૂઆતથી બેઠકનું આયોજન હોલમાં જ કરવામાં આવતું હતું, પણ આ બેઠકમાં મુખ્ય મહેમાન  કવિ શ્રી અનિલભાઈ ચાવડા શિકાગોથી જોડાવાના હોવાથી આ બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં આવ્યું.

    સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના દર્શક મિત્રો    
   
                   કવિ શ્રી અનિલભાઈ ચાવડા
 

સમયસર સાંજના પાંચના ટકોરે બેઠક શરૂ થઈ. ગુ.સા.સ.ની પ્રણાલિકા મુજબ બેઠકની શરૂઆત નિખિલભાઈ મહેતાએ પ્રાર્થનાથી કરી.

                 

પ્રમુખ ભારતીબહેન મજમુદાર                         શ્રી નિખિલભાઈ મહેતા

 

સંસ્થાના પ્રમુખ ભારતીબહેન મજમુદારે અનિલભાઈને આવકાર આપતાં, સંસ્થાની પ્રવૃત્તિની અને સતત એકવીસ વર્ષથી દર મહિને મળતાં સાહિત્ય રસિક સભ્યોની વાત  કરી. આ સંસ્થા એના યૌવનકાળમાં છે ત્યારે યુવાન સભ્યોને આ સાહિત્ય સરિતામાં સભ્ય થતાં અને માતૃભાષાના સંવર્ધનમાં પોતાનો ફાળો આપતાં જોઈ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે તેમ જણાવ્યું અને આ સરિતા સતત વહેતી રહે એ મનોકામના સાર્થક થશે એવી અભિલાષા સાથે એક નવોદિત સર્જક ઈતિબહેન મહંતને પોતાની રચના રજૂ કરવા ભારતીબહેને આમંત્રણ આપ્યું.

ઈતિબહેને બાળપણમાં કમળના ક થી કક્કાના વિવિધ અક્ષરો ઘૂંટ્યાં, ભૂસ્યાંના સંસ્મરણો સાથે પોતાની એક નવી રચના રજૂ કરી કે,
“બાળપણ ભલે પત્યું,
રમત તો હજી ચાલે જ છે”…..

ત્યાર બાદ શ્રી પ્રકાશભાઈએ  ગઝલકાર શ્રી મરીઝ સાહેબની ગઝલ ભાવવાહી કંઠે રજૂ કરી.
“ભવ્ય એક કલ્પના સૃષ્ટિ મેં ઉલેચી નાખી,
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી.”

ત્યારપછી શૈલાબહેન મુન્શાને આમંત્રણ આપવામાં આવ્યું અને તેમણે દેવિકાબહેન ધ્રુવ સાથે કરેલ એક પ્રયોગાત્મક ગઝલની રચના પ્રસ્તુત કરી. શ્રી મહેશભાઈ રાવલની  એક ગઝલઃ
“રદીફને કાફિયા સાથે જુગલબંધી કરી છે મેં
કલમના મૂળિયા સાથે જુગલબંધી કરી છે મેં”

આ મૂળ ગઝલનો રદીફ છેઃ  “સાથે જુગલબંધી કરી છે મેં” તેનો રદીફ લઈ એનો પ્રયોગ પોતપોતાની ગઝલમાં કર્યો.

શૈલાબહેન મુન્શાઃ
સુગંધી વાયરા સાથે જુગલબંધી કરી છે મેં,
મુલાયમ મોગરા સાથે જુગલબંધી કરી છે મેં”

દેવિકાબહેન ધ્રુવઃ
“નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં,
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં”

આમ આ બંનેની જુગલબંધી મઝાની રહી.

    

ઈતિબહેન મહંત                           શ્રી પ્રકાશભાઈ મજમુદાર

    

       શૈલા મુન્શા                                     દેવિકા ધ્રુવ

 

ત્યારબાદ દેવિકાબહેને સમર્થ અર્થસભર ગઝલકાર શ્રી અનિલભાઈનો પરિચય આપતાં તેમની સિદ્ધિ, પુરસ્કારો અને એવોર્ડ્સની માહિતી આપી. તેમના કાવ્યસંગ્રહો, નિબંધો, ચિંતનલેખો, લઘુકથાઓ અને ‘સંદેશ’ તથા ગુજરાત સમાચારના કોલમીસ્ટ તરીકેનો પણ પરિચય આપ્યો અને વધુ સમય ન લેતાં, તેમના જ એક શેરથી શ્રી. અનિલભાઈ ચાવડાને આકાશી મંચ પર શબ્દોના અબીલગુલાલથી વધાવી આમંત્રણ આપી સભાનું સૂકાન સોંપ્યું.

 

તે પછી આતુરતાપૂર્વક જેમની રાહ જોવાઈ રહી હતી તેવા, શયદા એવોર્ડ,રાવજી પટેલ એવોર્ડ વિજેતા, ગુજરાતી અને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવાગૌરવ પુરસ્કાર મેળવનાર તથા તખ્તસિંહ પરમાર પારિતોષિક પ્રાપ્ત કરનાર શ્રી અનિલભાઈ ચાવડાએ સહુ પ્રથમ તો જાણીતા દિગ્ગજ ગઝલકારોના અદભૂત શેરો સંભળાવ્યાં. આદિ કવિઓથી શરૂ કરીને અર્વાચીન ગઝલકારોના શેરોની ખૂબીઓને દર્શાવતા ગયા અને   છેલ્લે પોતાની ગઝલનો દોર શરૂ કર્યો અને સહુ શ્રોતાઓને રસતરબોળ કરી દીધાં.

કેટલાક મજેદાર શેરોઃ

·        આ ચહેરાની ઉદાસી દૂર કરતાં આવડે છે,
        મારા આંસુ મને પરફ્યુમ કરતાં આવડે છે.

·       ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતા ખાઈ ગયું ભૂલથી,
        બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો!

·       આથમી ચૂક્યો છું હું ને ઊગ્યો છું હું એવું પણ નથી.
         કે ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.


આવી અર્થસભર, માર્મિક ગઝલો સહુ સભ્યોએ ઉમળકાભેર વધાવી લીધી.

છેલ્લે પ્રમુખ ભારતીબહેનની વિનંતીને માન આપી અનિલભાઈએ તેમની બહુ જાણીતી મા વિશેની ગઝલ સંભળાવી પૂર્ણાહુતિ કરી.

       “મા દીકરા સાથે રહેવામાં હર્ષ રાખે છે.
       અને દીકરો બીમાર મા માટે નર્સ રાખે છે.
       આપી દે થોડા પતિને ને થોડા સંતાનને
       મા સ્વયં જીવવા ક્યાં વર્ષ રાખે છે?”

સૌ સભાજનો મુગ્ધપણે તેમના શેરોનો આનંદ માણી રહ્યાં હતાં.

તે પછી પ્રશ્નોત્તરીનો દોર શરૂ થયો. તે પણ રસપ્રદ રહ્યો. ત્યારબાદ ભારતીબહેને કવિ શ્રી અનિલભાઈને  સંસ્થા વતી, માનભેર ‘સન્માનપત્ર’ વાંચી સંભળાવ્યો. સંસ્થાના ખજાનચી  શ્રી પ્રફુલભાઈ ગાંધીએ શ્રી અનિલભાઈનો, વક્તાઓનો અને સૌ શ્રોતાજનોનો આભાર માની બેઠકની પૂર્ણાહુતિ કરી.

             

ખજાનચી શ્રી પ્રફુલભાઈ ગાંધી                 કવિ શ્રી અનિલ ચાવડાની લાક્ષણિક મુદ્રા

 

આમ, સમયસર શરૂ થયેલ બેઠક સમયસર સમાપ્ત થઈ. પ્રમુખશ્રી ભારતીબહેને વક્તાઓનો વિશેષ પરિચય આપી કાર્યક્રમનું સંચાલન ખૂબ સરસ રીતે કર્યું. સમિતિને કુશળ આયોજન માટે અભિનંદન.

અસ્તુ,

શૈલા મુન્શા

૪/૨૪/૨૦૨૨

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.