Jul 22 2025

૨૬૯મી બેઠકનો અહેવાલ

Published by at 1:05 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૯મી બેઠક રવિવાર, જૂન ૮મીની બપોરે મળી.

આ બેઠકમાં બાવન સભ્યોની હાજરી હતી.

૧૮૫૮માં જન્મેલા ગુજરાતના પ્રથમ ગઝલકાર શ્રી બાલાશંકર કંથારિયાની સુપ્રસિદ્ધ કવિતા “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે…..” ઉપર સભ્યોએ પોતાની પસંદગીની પંક્તિઓની પોતાની સમજણ પ્રમાણે છણાવટ કરી.

જ્યોત્સ્નાબહેન વેદે સરસ્વતી વંદનાથી બેઠકની શરૂઆત કરી. ત્યારબાદ નિખિલભાઈ મહેતાએ તે આખી કવિતા વાંચી સંભળાવી. પછી હેમંતભાઈ ગજરાવાલાએ પ્ર્થમ ચાર પંક્તિઓ પર રજૂઆત કરતાં તેમણે આ કવિતાના મર્મને નરસિંહ મહેતાની “અખિલ બ્રહ્માંડમાં … “ કવિતા સાથે સરખાવ્યો. બંને કવિઓના હાર્દનો સમન્વય સાધ્યો.

ત્યારબાદ ફતેહ અલી ચતુરે બીજી, ચોથી અને છઠ્ઠી પંક્તિ ઉપર કહ્યું કે બસો વર્ષ પહેલાં લખાયેલ કવિતામાં કવિની દીર્ઘદ્રષ્ટિ આજે પણ આપણને જીવનના પાઠ ભણાવે છે. આજના આતંકવાદનું ઉદાહરણ આપી એમણે કહ્યું કે જન્મથી કોઈપણ આતંકવાદી નથી હોતો, પણ “દુનિયાની જૂઠી વાણી” દ્વારા તેના મનમાં ઝેર પૂરીને તેને તૈયાર કરવામાં આવે છે. જેથી જો તે પોતાના “અંતરે આનંદ ઓછો ન થવા દે” તો આ ઝેરથી બચી જાય અને વિશ્વશાંતિ જળવાય.

ચારુબહેન વ્યાસે જણાવ્યું કે બાલાશંકરે ખૂબ જ ટૂંકા જીવનમાં પણ દુનિયાની વિવિધ ભાષાઓ શીખી સાહિત્યમાં અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે ગુજરાતી ગઝલના પ્રણેતા છે.

૮મી પંક્તિ પર બોલતાં તેમણે કહ્યું કે જીવનમાં વિવિધ પ્રકારના લોકો હોય છે. તેમાંથી કોઇને ઇર્ષા, દ્વેષ વગેરે કારણોથી કડવું બોલવાની આદત પડી હોય છે. જો એ કડવાશ આપણા તરફ હોય ત્યારે આપણે પણ કડવાશથી જ પ્રત્યુત્તર આપીએ તો એ ચક્કરનો અંત જ ન આવે અને સંબંધો બગડે. પરંતુ મોઢું ઉઘાડતા પહેલાં પોતાના ક્રોધને જરા થોભી શાંત ચિત્તે પ્રેમથી જવાબ આપીએ તો ઘણું સચવાઇ જાય અને કદાચ સામી વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અને સમાજ સ્વસ્થ રહે.

શ્વેતાબહેન શ્રોફે કહ્યું કે પોતાના બાળપણમાં તેમના પપ્પા રાત્રે જમતી વખતે બાલાશંકરની આ કવિતા ગાઈને સંભળાવતાં તેથી તેમને તેનો રાગ પણ યાદ રહી ગયો છે. બેઠકમાં તે વખતે બધાની વિનંતિ સ્વીકારી શ્વેતાબહેને ૮મી પંક્તિ રાગમાં ગાઈ ને સંભાળાવી.

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્‌હેજે,

પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. – ૮

બાલાશંકર મૂર્ધન્ય કવિ શ્રી દલપતરામના શિષ્ય હતા. તેઓ ‘ ક્લાંત’ અને ‘બાલ’ ના તખલ્લુસથી પ્રસિદ્ધ છે. એમની આ કવિતા ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલરચના છે. તેની ૮મી કડીમાં બે વાતો સમજવા જેવી છે. એક તો કડવું બોલે તેને કવિ મૂર્ખ કહે છે અને બીજી વાત કે એ કટુતાનો ઉત્તર કટુવેણથી નહિ પણ મીઠાશથી આપવો જોઈએ. આપણા વડીલો કહેતા કે ‘બોલી ને બગાડવું નહિ.’ તેવે સમયે મૌન રહેવું ઉચિત હોય કારણકે બોલેલું પાછું લેવાતું નથી.

ત્યારબાદ મનસુખભાઈ વાઘેલાએ તેમને પ્રિય ૧૪મી પંક્તિ વિષે પોતની આગવી નિર્મળ, નિખાલસ શૈલીમાં પર રમૂજી છતાં અસરકારક રજૂઆત કરી.

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. – ૧૪

આ કડીમાં કુલ ૭ વાર “પ” આવે છે. એટલે પણ એ મનસુખભાઈને પસંદ છે અને તે કંઠસ્થ છે. તેમને આ પંક્તિ જીવનમાં સાર્થક કરવાનું ખૂબ જ મન હતું, ફુલબજારમાંથી થોડાં ફુલ લઈ આવીને જાતે જેમતેમ કરતાં માળા પરોવી, ઘર પાસેના રામમંદિરમાં પ્રભુની ગ્રીવામાં પહેરાવવા પહોંચી ગયા. એક યા બીજા કારણસર બબ્બે વખત મંદિર જઈને પાછા આવવું પડ્યું. છતાં ત્રીજી વખત જાતે પોતે જ મૂર્તિ પાસે જઈ માળા પહેરાવવાનો પ્રયત્ન કર્યો. પણ મૂર્તિ ઘણી ઊંચી હોવાથી પૂજારીને માળા પહેરાવવા આપી ઘરે પાછા આવતા તેમને જે અવર્ણનીય સંતોષ થયો તે આજ સુધી ભૂલ્યા નથી.

અરવિંદભાઈ થેકડીએ કવિ્નો જીવન પરિચય ટૂંકમાં કરાવ્યો. બાલાશંકર કંથારિયાનો જન્મ મે ૧૭, ૧૮૫૮ના દિવસે સાઠોદરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ગુજરાતી, ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ અને હિન્દીના જ્ઞાતા હતા. તે સંગીતનો રિયાઝ કરતાં અને પુરાતત્ત્વવિદ્યા પણ જાણતા.

તેમણે ‘ભારતી ભુષણ’, ‘ઇતિહાસ માળા’, ‘કૃષ્ણ મહોદય’ સામાયિકનાં કારોબાર સંભાળ્યા અને પોતાની ગઝલો અને અન્ય કૃતિઓનું પ્રકાશન કર્યું. તે ‘બુદ્ધિપ્રકાશ’ મેગેઝીનના તંત્રી પણ રહી ચૂક્યા હતા.. ‘ક્લાંત કવિ’ અને ‘હરીપ્રેમ પંચદાશી’ તેમના કાવ્યસંગ્રહ છે. આપણે કવિતા અથવા ભજન કહીએ પણ “ગુજારે જે શિરે તારે” પ્રસિદ્ધ ગઝલ તુર્ક અથવા ફારસી સ્ટાઇલમાં લખેલ છે.૧૮૯૮માં પ્લેગના ઉપદ્રવ વખતે ૪૦ વર્ષની નાની વયે તેમનું મૃત્યુ થયું.

અંતે રિદ્ધિબહેન દેસાઈએ તેમની પ્રસ્તુતિની શરુઆત કરતાં ‘સૌરાષ્ટ્ર રસધાર’ ના ફેસબૂકને ટાંકતા કહ્યું કે, જેના ફક્ત શબ્દો કાન પર પડતાંની સાથે મનમાં જે લાગણીની વર્ષા થાય, અંતરમાં જે ઘોડાપુર આવે તેનું નામ ગઝલ. તે જમાનામાં ફારસી, અરબી ભાષા આવડતી હોય તો જ સારી સરકારી નોકરી મળે. તેમના પિતા સરકારી મામલતદાર હોવાથી ઘરમાં ફારસી અને અરબીનુ સાહિત્યમય વાતાવરણ હતું જેથી બાલાશંકરને આ ત્રણેય ભાષા પર પ્રભુત્વ મેળવતાં વાર ન લાગી.

પંક્તિ ૧૦ થી ૧૩ સુધી ની રજૂઆત કરતાં રિદ્ધિબહેને જણાવ્યું કે આ કૃતિ–‘બોધ’‘, ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૯૩ના સપ્ટેમ્બરના અંકમાં પ્રથમ છપાઈ ત્યાં સુધી તેમને ઘણાં ક્ષેત્રે નિષ્ફળતા સાંપડી હતી તેથી કવિનુ એક ઉપનામ “ક્લાંત” (એટલે કે ‘જીવનથી હતાશ’ ) હતું. બાલાશંકર કાવ્યોમાં શૃંગાર બહુ લખતા પરંતુ આ ગઝલ બોધસભર છે. કવિ કહે છે, તું દુનિયાના છીછરા, ઉપરછલ્લા પ્રેમથી ખુશ ના થઈશ. દુનિયા તને નિંદાની એરણે પણ ચડાવશે. એ બેવફાઈથી કલુષિત ‘પ્રેમ’ના અનુભવથી તને સાચું સુખ કે શાંતિ નહીં મળે. ‘બાલ’ કહે છે કે; જો તું એ સત્યના ભ્રમમાં નહીં ફસાય તો દ્રષ્ટાભાવથી બધું જોઈ શકીશ, નીરક્ષીર તારવી શકીશ. કારણકે આપણા આનંદનું મૂળ ખરી રીતે છે આપણું પોતાનું અંતઃકરણ. આ ચાર કડીમાં નિઃસંગ, નિઃસ્પૃહ અને આત્મનિષ્ઠ જીવનને જ સાચા અને સ્થાયી સુખનાં ધામ તરીકે આલેખ્યું છે.

અંતે નરેન્દ્રભાઈ વેદે બધાં વક્તાઓનો સુંદર રજૂઆત માટે, city of Sugarlandનો નિઃશુલ્ક હોલ વપરાશ માટે, અશોકભાઈ ભાવસારનો sound system માટે, જયંતભાઈ પટેલનો photography માટે આભાર માન્યો.

આ રીતે આખી બેઠકમાં ઘણા સભ્યોએ સક્રિય ભાગ લઈ બેઠકને રસપ્રદ બનાવી.

લેખન – નરેન્દ્ર વેદ, રિદ્ધિ દેસાઈ

સંપાદન – દેવિકાબહેન ધ્રુવ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.