Nov 19 2019
ગુ.સા.સ.બેઠક નં ૨૦૨નો અહેવાલઃ ચારુબહેન વ્યાસ..
(ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ)
નવેમ્બર માસની ૧૭ તારીખે, સરસ મઝાના દિવસે સ્યુગર લેન્ડના ‘ રિક્રિએશન સેન્ટર‘ માં સાહિત્ય સરિતાની ૨૦૨મી બેઠક માટે સૌ સાહિત્યરસિકો એકત્ર થયા હતા.
દિવાળી પછી બધા પ્રથમ વાર જ મળતા હતા. તેથી ખૂબ જ ખુશ હતાં. ડો. સરિતા મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે બધા માટે ભોજનનું આયોજન કર્યું હતું. તે માટે પ્રમુખશ્રીએ કેક કપાવી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપી હતી. ડો. સરિતા મહેતા રાઈસ યુનિવર્સિટિમાં હિન્દીના પ્રોફેસર હતાં. અત્યારે પણ તેઓ એક પ્રસિદ્ધ સમાચારપત્ર સાથે કામ કરે છે. તેમની હાજરીથી સભાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી.
ત્યાર બાદ મહેમાન શ્રીમતી પદ્મજાબહેન વસાવડાએ ‘યા કુન્દેન્દુ તુષારહાર ધવલા’ અને ‘ઓમ તત્સત શ્રી નારાયણ’ એ પ્રાર્થના સુંદર રીતે ગાઈ સભાનો પ્રારંભ કર્યો હતો. પ્રમુખ શ્રી ફતેહઅલીએ વડીલ મહેમાન શ્રી શકુંતલાબહેનને આવકાર્યા હતા. તેમણે માર્ચમાં પીક્નીકમાં જવાની વાત કરી, હિન્દી કવિ સંમેલન વિષે માહિતી આપી અને આવતા મહિને ‘જનરલ બોડી મિટિંગ’ની પણ જાહેરાત કરી હતી.

શ્રીમતી શૈલાબહેને સભાનું સંચાલન શ્રીમતી પ્રવિણાબહેનને સોંપ્યું. તેમણે બધાને આવકાર્યા હતાં. આજે વિજ્ઞાન આધુનિક જમાનામાં એટલું આગળ વધ્યું છે જે અગણ્ય છે. તેના ફાયદા અને ગેરફાયદા છે. તેમણે એમ પણ કહ્યું કે આજકાલ તો નાનપણથી જ બાળકોને ફોન આપીને ચૂપ કરાવવામાં આવે છે. તે પછી તેમણે સૌ પ્રથમ વિજયભાઈ નાગરને તેમની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું. તેમણે ‘કારવાં ‘ કાવ્ય રજૂ કર્યું હતું જેમાં પ્રેમ, વિરહ અને દગાનો ભાવ સમાયેલ હતો.
ત્યારબાદ શ્રી શૈલાબહેને એમની શાળાના એક બાળકની વાત કરી હતી તેના પરથી તેમણે ‘ખોવાયું બાળપણ‘ તેમની કવિતા રજૂ કરી હતી કે, “ગિલ્લી દંડા ક્યાં ગયા ખોવાઈ? ને ઊભો ખો તો સાવ ગયો બેસી. લંગડી તો વળી થઈ ગઈ લંગડી”. તે પછી શ્રીમતી દેવિકાબહેને બે સુંદર કાવ્યો રજૂ કર્યા હતા. નવા ટેક્નીકલ માધ્યમોને કારણે “માણસ માણસને મળતો નથી” અને ‘કીની ક્લીકથી લખતા ભૂંસતા હવે સૌને આવડી ગયું છે” એમ બે વ્યંગભરી ગઝલ રજૂ કરી હતી.
બેઠકના મુખ્ય વક્તા હતા સાહિત્ય સરિતાના એક મુલાકાતી પદ્મજાબહેન વસાવડા.
દેવિકાબહેને તેમનો પરિચય આપ્યો હતો.તેઓ મુંબઈની મીઠીબાઇ કોલેજમાં ગુજરાતીમાં સ્નાતક થયાં હતા અને મોટા મોટા સાહિત્યકારોના વિદ્યાર્થીની હતા. શ્રી પદ્મજાબહેને સાદી અને સરળ ભાષામાં આજના સમયમાં ટેક્નોલોજીને કારણે બદલાતી જતી રીતો અને તેના ફાયદા-ગેરફાયદાની વાતો હકારાત્મક દૄષ્ટિએ મૂલવી હતી. પ્રવીણાબહેને સવાલ-જવાબના સ્વરૂપે જુદી રીતે રજૂઆત કરી, તેના જવાબમાં જેની સાથે તેમણે જીંદગી વીતાવી હતી તેનું નામ હતું.બધાને ખુબ ગમ્યું. જનાર્દનભાઈએ નાનપણની યાદોની એક કવિતા રજૂ કરી હતી જેમાં બાળપણની નિર્દોષ વાતો યાદ કરી હતી.
ફતેહ અલીભાઈ એ બૉલીવુડના ગીતોની સાહિત્ય પર કેવી અસર પડે છે તે સમજાવ્યું હતું. તેમણે ઘણાં ગીતો ગાઈને તેનાં શબ્દોની સુંદરતા, ભાવ,અસરકારકતા વગેરે સમજાવ્યાં હતાં. પ્રસંગોપાત ગીતોની પણ ઝલક રજૂ કરી હતી. શ્રી નૂરુદ્દીનભાઈએ કાવ્ય ‘પાણી બતાવશે‘ અને ‘મુશ્કેલ હઠાવશું’ સરસ રીતે ‘ પ્રસ્તૂત કર્યુ હતું.
ડો.સરિતા મહેતા કે જે હિન્દી ભાષી હોવા છતાં ગુજરાતી સાહિત્ય સરિતામાં ખૂબ જ રસ પૂર્વક ભાગ લે છે તેમણે કહ્યું કે આપણે આપણી ભાષામાંથી બહાર નીકળીએ ત્યારે બધાના થઇ જઈએ છીએ. फेसबुक का असर है। जैसे तितली से उड़ती खुशियाँ ..વગેરેની ખૂબ મૃદુતાથી રજૂઆત કરી.
છેલ્લે શ્રી નીતિન વ્યાસે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી મહેન્દ્ર મેઘાણીની શરૂ કરેલ ‘લોકમિલાપ‘ સંસ્થા જે છેલ્લા ૭૦ વર્ષ થી ચાલતી હતી તે બંધ થવાની છે એવા સમાચાર આપતાં ગળગળા થઈ ગયાં હતા. ત્યાર બાદ તેમનો અને મહેન્દ્રભાઈનો સંબંધ કેવો ઘેરો હતો તેની વાત કરી હતી. કોઈ પાસે વાંચવાનો સમય નથી તેના પરિણામે એવું બન્યું છે તે દુઃખની વાત છે.
અંતે શ્રી પ્રકાશભાઈ મજમુદારે સુંદર ગીત ગાઈને બધાને મુગ્ધ કરી દીધા હતાં. ઘેર ઘેર ઘેર માટીના ચૂલા ‘ના શબ્દો અસરકારક હતાં.
આ રીતે બેઠક સમાપ્ત થતાં આભાર વિધિ કરવામાં આવી, રાબેતા મુજબ સમૂહ ફોટો લેવામાં આવ્યો અને છેલ્લે બધા ગરમ ચા પીને છૂટાં પડ્યા.
એકંદરે બેઠક રસપ્રદ રહી.
ચારુબેન
સુંદર અહેવાલ.
ચારૂબહેન વ્યાસનો આપણી ” સરિતા ” ની 202ની બેઠકનો અહેવાલ લખવાનો સૌથી પ્રથમ પ્રયાસ ખૂબ જ વખાણવા લાયક રહ્યો. એવું જ લાગે કે આમ લખવાની એમની હથોટી છે.
અને બીજા બધાં માટે પ્રેરણા દાયક છે.
પ્રશાંત મુન્શા.
નવેમ્બર 19, 2019.