૨૦૨૫ની વાર્ષિક સભા, ૭મી ડિસેમ્બરને રવિવારની બપોરે અઢી વાગ્યે, સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિ દેસાઈએ સૌનું સ્વાગત કર્યુ અને પ્રાર્થના માટે શ્રીમતી રક્ષા પટેલને આમંત્રણ આપ્યું. તેમણે શરૂ કરેલ સરસ્વતી વંદનામાં સૌએ સાથ પૂરાવ્યો અને શ્રી દિલીપ કપાસીએ ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ અંશતઃ ગાઈને પ્રાર્થના કરી.
(સમિતિ અને રક્ષા પટેલ )
(સમિતિ અને દિલીપ કપાસી)
ત્યારબાદ સંસ્થાના પાયાના સભ્યોમાંના એક શ્રી ચીમનભાઈ પટેલના અવસાન અંગે ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું. પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ ચીમનભાઈ જેવા સર્જકની વિદાય અંગે એક ખાસ બેઠક યોજવાની જાહેરાત કરી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખે આખા વર્ષની બધી જ બેઠકોનું સિંહાવલોકન કર્યું. જો કે, દર વર્ષે વિહંગાવલોકન થતું પણ આ વખતે તેની વિશેષતા એ હતી કે કઈ બેઠકોમાં શું કર્યું તેની જરા વિગતે યાદો સાથે સિંહાવલોકન કર્યું. અહેવાલોમાંથી મળેલ આ વિગતોને કારણે, અહેવાલો લખવા અને વાંચવા કેટલા જરૂરી છે, એક દસ્તાવેજી ઇતિહાસ તરીકે તેનું ઘણું મહત્ત્વ છે તે પોતે સમજી, સમજાવી અને ભાર મૂક્યો. સૌને રસ પડ્યો. તે ઉપરાંત દરેક જુદાંજુદાં કામો માટે, સમિતિને મળેલ સાથ અને સહાય અંગે વ્યક્તિગત નામોલ્લેખ કરી આભાર માન્યો. તે પછી ૨૫ વર્ષના આયોજન અંગે શું કરવું, કેવી રીતે કરવું તે વિશે પણ થોડા વિચારો દર્શાવ્યા.
સંસ્થા માટે તાજેતરમાં વસાવેલ ‘સાઉન્ડ સિસ્ટમ’ બતાવી તેનો ઉપયોગ આ બેઠકથી જ કર્યો. તે સિવાય ભવિષ્યમાં ‘પ્રોજેક્ટર’ ખરીદવાની વાત કરી અને તે સાથે ‘પોડિયમ’ના સૂચનને પણ ધ્યાનમાં લીધું.
તે પછી ખજાનચી શ્રી નરેન્દ્ર વેદે આખા વર્ષના હિસાબોની ‘પ્રિન્ટેડ કોપી’ સભ્યોને વહેંચીને તે અંગે જરૂરી વાતો કરી. તે અંગે કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી જણાવવા માટે વિનંતી કરી.
તે પછી મુખ્ય વાત શરૂ થઈ નવી સમિતિની. રિદ્ધિ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લાં બે મહિનાથી આગેવાની માટે ટહેલ નાંખવામાં આવી હતી અને કેટલાંક નામો સૂચવ્યાં પણ હતાં. પણ સંજોગવશાત અપેક્ષિત સભ્યોની પણ તૈયારી આવતા વર્ષ માટે મુલતવી રહી છે. પરીણામે હાલની સમિતિ જ કાર્યવાહી ચાલુ રાખશે.
(સમિતિ અને ભરત શાહ)
(નિખિલ મહેતા અને વિનોદ પટેલ)
ત્યારબાદ સભ્યોના વિચાર,સૂચન વગેરે માટે બેઠક ખુલ્લી મૂકવામાં આવી. શ્રી વિનોદ પટેલ,અવની મહેતા,દિલીપ કપાસી, ભરત શાહ વગેરેએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યાં. છેલ્લે દેવિકા ધ્રુવે સમિતિને વધુ એક ટર્મ માટે કામગીરી બદલ અભિનંદન આપ્યા અને આગામી વર્ષ માટે શુભેચ્છા પાઠવી. ગુજરાતી સમાજ ‘દર્પણ’માં સૌને લેખ, વાર્તા વગેરે અંગે આમંત્રણ આપ્યું. તે ઉપરાંત, વેબસાઈટ પર ટૂંકમાં મૂકાનારી ‘સંસ્થાના ૨૫ વર્ષના ઈતિહાસની ઝલક’ દર્શાવતી ફાઈલ વાંચવા આગ્રહભરી વિનંતી કરી.
એકંદરે ૨૦૨૫નાં સરવૈયા સમી આ બેઠક, પ્રમાણમાં અલ્પ છતાં જરૂરી હાજરી સાથે સંતોષકારક અને સફળ રહી.