Sep 28 2025

૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ

Published by at 10:36 pm under બેઠકનો અહેવાલ

૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૨મી બેઠક  રવિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી,  જેમાં આશરે  ૯૫-૯૭ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી થઈ હતી.

ત્યારબાદ નરેન્દ્રભાઈ વેદે આ ખાસ બેઠક “કલમનો ઉત્સવ”નાં મુખ્ય મહેમાન, ગુજરાતનાં સુપ્રસિદ્ધ કવિ શ્રી કૃષ્ણ દવે અને તેમનાં ધર્મપત્ની મધુબેન, હ્યુસ્ટનનાં કવયિત્રી દેવિકાબહેન ધ્રુવ, મુખ્ય પ્રાયોજક ડૉ. કોકિલાબહેન પરીખ અને હાજર રહેલા સૌ ગુજરાતી સાહિત્ય રસિકોનુ સ્વાગત કર્યું હતું,  તથા આ houseful કાર્યક્રમ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તત્પશ્ચાત, શ્રી હસમુખભાઈ દોશીએ મુખ્ય મહેમાન શ્રી કૃષ્ણ દવેનું અને કોકિલાબહેન પરીખે કવિશ્રીનાં ધર્મપત્ની મધુબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. 

       

બેઠકના પ્રથમ તબક્કાની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતાએ મુખ્ય મહેમાનનો પરિચય આપતાં જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ દવે, એ આબાલવૃદ્ધ સૌને એમનાં કાવ્યો થકી આનંદ કરાવતા માતૃભાષા ગુજરાતીના ખૂબ જ લોકપ્રિય અને અનેક ઍવોર્ડોથી સન્માનિત એક ઉમદા કવિ છે. અત્યાર સુધી એમનાં છ કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે; જેમાં બાળકાવ્યો, ગીતો, ગઝલો, વ્યંગકાવ્યો, લયબદ્ધ અને અછાંદસ કાવ્યોનો સમાવેશ થાય છે. તેઓની કાવ્યપઠન-યાત્રા ગુજરાતનાં નાનાં-નાનાં ગામડાંઓથી માંડીને ભારતનાં શહેરો ઉપરાંત વિદેશમાં મસ્કત, દુબઈ, કેન્યા, ઈંગ્લેંડ, અમેરિકા, અને સાઉદી અરેબિયામાં વસતા ગુજરાતીઓ સુધી વિસ્તરી છે.

 

સભાનું સુકાન કવિશ્રીને સોંપાતા જ એમણે એમની પ્રખ્યાત કવિતા “મારી સાથે આવો” રજૂ કરી હતી અને ત્યારબાદ માળામાં મોતી પરોવતાં હોય એમ એક પછી એક “તો ચાલને રમીએ પળ બે પળ,” “કેમ છે, મઝામાં છે ભાઇ?” “કોઈ ઉગાડૅ એમ કદી ઉગવાનું નંઈ,” “અમને શું ફેર પડે બોલો,” “આપણે તો મલકાતાં રહીએ,” “વાત શું કરે,” “અમે તો ક્યાંય ગયાં નંઈ” એમ બાર કાવ્યોનું પઠન કરીને સભાની વાહવાહી ઝીલી હતી.

     આ રજૂઆતોમાં જે બે ગઝલો એમણે રજૂ કરી તે વિશેષ ધ્યાનાકર્ષક રહી. એ હતી રામાયણ અને મહાભારતનાં પાત્રોને વણી લઈને લખાયેલી ગઝલો – ‘આવશે, એ આવશે.’  અને ‘એક માથાકૂટ.’ 

‘ જે કરવાનાં હતાં જ નહીં,એ કામ કર્યાની માથાકૂટ છે.

   મોરપીંચ્છને હડસેલીને, મુકુટ ધર્યાની માથાકૂટ છે.’

 

બેઠકનાં દ્વિતીય તબક્કામાં શ્રી કૃષ્ણ દવેના હસ્તે ગુજરાતી સાહિત્ય સરિતાનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાતી ડાયસ્પોરાનાં પ્રસિદ્ધ કવયિત્રી દેવિકાબહેન ધ્રુવનાં કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ નું વિમોચન થયું હતું, જે સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. કોકિલાબહેન  પરીખ દ્વારા દેવિકાબહેનનો પરિચય અપાયા બાદ દેવિકાબહેને એમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતી સાહિત્ય સરિતા ૨૪મું વર્ષ સમાપ્ત કરીને ૨૫માં વર્ષમાં પ્રવેશે છે એની ખુશી તો એમને હતી જ, પણ એ ઉપરાંત એમના શબ્દોની સાધનાને સાર્થક કરતા આ પુસ્તકનાં વિમોચનની જે અનેરી ખુશી એમની વાણીમાંથી ઝરી એ હાજર રહેલાં સૌએ અનુભવી હતી.

 

ત્યારબાદ પુસ્તકનાં વિધિવત વિમોચન પ્રસંગે શ્રી કૃષ્ણ દવેએ દેવિકાબહેનને ખૂબ શુભેચ્છાઓ પાઠવીને એમનાં કાવ્યસંગ્રહમાંથી થોડાંક ચૂંટેલા કાવ્યોનું પઠન કરીને એમની લેખનકળાને બિરદાવી હતી. 

એ પછી દેવિકાબહેને પણ એમનાં મનગમતાં કાવ્યો “લ્યો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે” અને “શતદલ પંખ ખીલત પંકજ પર” વગેરે વાંચી સંભળાવ્યાં હતાં જેમાં એમની કલમ પરની હથોટી સુપેરે વ્યક્ત થઈ હતી.

ત્યારબાદ સંસ્થાનાં વરિષ્ઠ સભ્ય એવાં ભાવનાબહેન દેસાઈના સુમધુર કંઠે દેવિકાબહેનની બે સુંદર રચનાઓ  ‘કલમને કરતાલે’ અને ‘અણધારી આ હલચલ થઈ ગઈ’ સાંભળવાનો અનેરો લ્હાવો પણ મળ્યો, જેમાં શબ્દ સાથે સૂરનો સુભગ સમન્વય પ્રેક્ષકોએ માણ્યો હતો.

 

 કાર્યક્રમના આ બીજા તબક્કાના અંતે સંસ્થાના પ્રમુખ  શ્રી નિખિલભાઈએ દેવિકાબહેનને સન્માન-પત્રક અર્પણ કરીને સૌને એ વાંચી પણ સંભળાવ્યું હતું. 

ત્રીજા તબક્કામાં શ્રી કૃષ્ણ દવેએ હળવી શૈલીમાં થોડાંક બાળગીતો રજૂ કરીને સૌને ખડખડાટ હસાવીને વાતાવરણમાં હળવાશ ભરી દીધી હતી. વળી, શ્રમથી ચહેરા પર જે પરસેવો રેલાય એની પર જ્યારે ગીત રજૂ કર્યું અને ‘પણ આ માઈક મળે તો કોઈ છોડે?’ એની રમૂજી લઢણમાં રજૂઆત કરી ત્યારે તો શ્રોતાઓમાં જાણે હાસ્યનાં મોજાં જ ફરી વળ્યાં! અંતમાં “વાંસલડી.કોમ, મોરપીંછ.કોમ” ની રજૂઆતને સૌએ ખૂબ માણી અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

 આ યાદગાર બેઠકના સમાપન  પહેલાં, હાજર રહેલ ૯૫ વર્ષના વાર્તાકાર શ્રી આનંદરાવ લિંગાયતે સભાને બે શબ્દોથી સંબોધી, વાંચન અને લેખન  તરફ ભાર મૂક્યો હતો, સંસ્થાના સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું તથા ડો. શ્રી કમલેશ લુલ્લાએ શ્રી કૃષ્ણ દવેને નાસાનું એક પિક્ચર ભેટ ધર્યું હતું.. આ ઉપરાંત શ્રી રાહુલ ધ્રુવે પણ પુસ્તક વિમોચન અંગે કવિનું બહુમાન કર્યું હતું.

છેલ્લે બેઠકની અપ્રતિમ સફળતા માટે જેઓએ તન, મન, ધનનું અનુદાન કર્યું હતું એ સર્વેનો નરેંદ્રભાઈ વેદે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં મુખ્ય મહેમાન શ્રી કૃષ્ણ દવે અને તેમના ધર્મપત્ની મધુબહેનનો એમનાં અમૂલ્ય સમય માટે, હ્યુસ્ટનનાં કવયિત્રી દેવિકાબહેન ધ્રુવનો એમનાં કાવ્યસંગ્રહનાં વિમોચનની તક આપવા માટે, મુખ્ય પ્રાયોજક ડૉ. કોકિલાબહેન પરીખ અને જગદીશભાઈ કોઠારીનો એમના નાણાંકીય સહયોગ માટે તથા હસમુખભાઈ દોશીનો એમના હરહંમેશ અનુદાન અને માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. આ ઉપરાંત, અન્ય અનુદાતાઓ ઈનાબહેન પટેલનો રેડિયો પ્રસારણ માટે, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના અને કાર્યક્રમના અહેવાલ-લેખન માટે, ભાવનાબહેન દેસાઈનો કાવ્યોની સ્વરબદ્ધ રજૂઆત માટે, પ્રકાશભાઈ મજમુદારનો sound system માટે, જયંતભાઈ પટેલનો photography માટે, અવનીબહેન મહેતાનો flyer design અને videography માટે, દેવિકાબહેન ધ્રુવનો જોડણીસુધાર માટે, રિદ્ધિબેન દેસાઈનો અહેવાલને વેબસાઈટ પર upload કરવા માટે, City of Sugar Landનો હોલ માટે, તથા અન્ય અગણિત સ્વયંસેવકોનો એમનાં મૂલ્યવાન સહયોગ માટે આભાર માન્યો હતો.

 છેવટે, આ કાર્યક્રમની વિવિધ લાક્ષણિક પળોને વાગોળતાં-મમળાવતાં, કાર્યક્રમના આયોજનને બિરદાવતાં તથા Honest Restaurant નાં boxed dinnerને સાથે ઘરે લઈ જતાં સૌ ભાઈબહેનો છૂટાં પડ્યાં હતાં.

 અસ્તુ..

અહેવાલ લેખનઃ શ્વેતા શ્રોફ

સંપાદનઃ દેવિકા ધ્રુવ

3 responses so far

3 Responses to “૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ”

  1. Rajul Kaushikon 29 Sep 2025 at 1:24 pm

    આનંદની પળોની છાલક લેખમાં પણ વર્તાય છે.

    સરસ સંમેલન માટે હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા અને ‘અહીં જ બધું’ કાવ્યસંગ્રહના વિમોચન માટે દેવિકાબહેનને અભિનંદન.

  2. Devika Dhruvaon 29 Sep 2025 at 1:42 pm

    એક નવા સભ્ય તરીકે, અહેવાલ આલેખનમાં શ્વેતાબહેનના પ્રયાસ અને સક્રિયતા માટે અભિનંદન. વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં જેને રસ છે તે કેવું સરસ અને ત્વરિત કાર્ય કરી શકે છે તે વિશે આ એક ઉત્તમ ઉદાહરણ. સાહિત્ય સરિતાનું ભાવિ ઉજ્જવળ હોવાની આશા બંધાય છે. તેમને આનંદ સહ અભિનંદન.

  3. Rekha Sindhalon 29 Sep 2025 at 5:56 pm

    ખૂબ સુંદર! ધન્યવાદ! 👏👏👏

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.