Dec 23 2012

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ની આખરી મીટીંગ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર

 
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ના વર્ષની આખરી મીટીંગ તારીખ ૧૬ ડીસેમ્બર ૨૦૧૨ને રવિવારે બપોરે બે થી પાંચના સમયગાળામાં સરિતાના ભિષ્મ-પિતામહ ગણાતા શ્રી. દીપકભાઇ ભટ્ટના નિવાસસ્થાને મળી હતી.મીટીગનું કુશળ સંચાલન શ્રી. સુરેશ બક્ષીએ સંભાળ્યું હતું. ડોક્ટર ઇન્દુબેન શાહ અને શૈલાબેન મુન્શા કો-ઓર્ડીનેટરપદે હતા.હ્યુસ્ટનના વોઇસ ઓફ મુકેશ ગણાતા શ્રી.પ્રકાશ મજમુદારે પોતાના કેળવાયેલા અવાજે ભાવસભર પ્રાર્થના ગાયા બાદ,અને અમેરિકાની એક શાળામાં થયેલા અંધાધુંધ ગોળીબારમાં માર્યા ગયેલા ૨૭ મૃતકોને શ્રધ્ધાંજલી સ્વરુપે બે મીનીટનું મૌન પાળ્યા બાદ, શ્રી. સુરેશ બક્ષીએ સભાનું સંચાલન સંભાળી લીધું હતું.
આ મીટીંગ રાબેતા મુજબની મીટીંગ કરતાં વિશિષ્ટ હતી. દર વખતની જેમ, આ વખતે માત્ર કવિતાઓનું જ વાંચન કરવામાં આવ્યું ન હતું, પણ આ વખતે ગદ્ય અને સંગીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હ્યુસ્ટન નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલે ગુજરાતી નાટક અંગે વાતો કરતાં,સ્વ.સ્મિતા પાટીલ અને સ્વ. અલેક પદમશીના સંવાદ વગરના નાટકની યાદોને તાજી કરી લીધી. શ્રી. મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા જેવા વિદ્વાનોએ એ અંગે વિશ્લેષણ કર્યું. બીજા એક વિદ્વાન શ્રી.નિતીન વ્યાસે ૬,નવેમ્બર ૧૯૪૮ને દિવસે ભજવાયેલ કોઇ એક નાટક અંગે રોચક વાતો કરતાં, રમણલાલ દેસાઈ, ક. મા. મુન્શી, શરદબાબુ જેવા દિગ્ગજોને ય યાદ કરી લીધા.
ફતેહ અલી ચતુર કે જેઓ અશોક ચક્રધરની હિન્દી હાસ્યરચનાઓ રજૂ કરવા માટે હ્યુસ્ટનમાં જાણીતા છે અને પોતે એક સારા, ઉત્તમ કક્ષાના અભિનેતા અને દિગ્દર્શક તરીકે પણ સરિતાની દશાબ્દિ ઉજવણી પછી, ઉભરી આવ્યા છે તેમણે મનહર ઉધાસની રચના શાંત ઝરુખે વાટ નિરખતી રુપની રાણી જોઇ હતીરજૂ કરીને એનું સુંદર વિશ્લેષણ કર્યું.હું રીટાયર થયોજેવું ફુલ લેન્થ પ્લે રજૂ કરનાર હ્યુસ્ટનના પીઢ કલાકાર, દિગ્દર્શક એવા શ્રી. મુકુંદ ગાંધીએ ફિલ્મ દો બીઘા જમીનનું, ૧૯૫૩નું સદાબહાર ગીત ધરતી કહે પુકારકે, મૌસમ બીતા જાય, ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુકયા હતા. પ્રકાશ મજમુદારે વીતેલા વર્ષોનું યાદગાર હિન્દી ફિલ્મ ગીત કહાં જા રહા હૈ તુ અય જાને વાલેગાયું હતું તો શ્રી. નવીન બેન્કરે ગુજરાતી ગીત નજરને કહી દો કે નિરખે ન એવું, નાહકનું દિલ કોઇનું પાગલ બને છેસંભળાવ્યું હતું.
હેમંત ગજરાવાલા કે જેઓ અંગ્રેજી કાવ્યોના અને અંગ્રેજી સાહિત્યના ઉંડા અભ્યાસી છે તેમણે પણ ૨૮ નિર્દોષ બાળકોના અપમૃત્યુની દુઃખદ ઘટનાનું વિશ્લેષણ કર્યું. નાસાના ખ્યાતનામ વૈજ્ઞાનિક અને ગુજરાતી કવિ એવા શ્રી. કમલેશ લુલ્લાએ પોતાની લાક્ષણીક શૈલીમાં સુંદર વાતો કરી હતી.સંસ્થાના કો-ઓર્ડીનેટર એવા શ્રીમતિ શૈલા મુન્શાએ સ્વરચિત, ‘સરી જતી રેતી ને સરી જતી ક્ષણઅંગેનું કાવ્ય રજૂ કર્યું હતુ. તો અન્ય કો-ઓર્ડીનેટર ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહે પણ વસમી વિદાયશિર્ષક હેઠળ પોતાનું સ્વરચિત કાવ્ય સંભળાવ્યું હતુ. એક અન્ય રીટાયર્ડ વૈજ્ઞાનિક એવા કવિ શ્રી. ભગવાનદાસ પટેલે ખલિલ જીબ્રાનની કોઇ સુંદર રચનાની ઝાંખી કરાવી હતી તો કોઇ કવિમિત્રએ શ્રી. નયન દેસાઇની, પિયર ગયેલી ભરવાડણ વાળી ગઝલ સંભળાવી હતી. દીપક ભટ્ટે પોતાની સ્વરચિત રચના પાનખરના રંગોરજૂ કરીને પોતાના કવિહ્રદયનો પરિચય કરાવી દીધો. હ્યુસ્ટનના યુવાન નાટ્યકાર માસ્ટર ઓફ સેરિમની શ્રી. રસેશ દલાલે પોતાની સંસ્થા કલાકુંજના આગામી કાર્યક્રમો- નાટ્યોત્સવની રુપરેખા આપી હતી. માર્ચ માસની પંદરમી-સોળમી તારીખે રજૂ થનારા બે કે ત્રણ એકાંકિઓ અને એક ફુલ લેન્થ કોમેડી પ્લેની વાતો કરી હતી.
હ્યુસ્ટનમાંથી દર મહીને પ્રગટ થતા અને માત્ર જાહેરાતો પર જ નભતા, નિઃશુલ્ક ગુજરાતી ડાયજેસ્ટ ગુજરાત ગૌરવના તંત્રી શ્રી. નુરુદ્દીન દરેડિયાએ પોતાની રોચક શૈલિમાં, ‘સુંદરમ‘, રાજેશ વ્યાસ (મીસ્કીન), ‘શૂન્ય પાલનપુરી‘,’ મરીઝજેવા ખ્યાતનામ ગઝલકારોની રચનાઓ રજૂ કરી હતી.સરિતાના એક બોર્ડ મેમ્બર અને ચિત્રકાર શ્રી.વિનોદ પટેલે પણ પોતાની એક સ્વરચિત રચના રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી.
 
ભારતથી પધારેલા એક હિન્દીભાષી કવિશ્રી. ઓમ ગુપ્તાએ પણ પોતાની એક રચના સંભળાવી હતી. શ્રી.ઓમ ગુપ્તાના ૨૪ વર્ષીય યુવાન પુત્ર કોવીદ ગુપ્તાએ મુંબઇમાં, કમાટીપુરા જેવા વિસ્તારમાં, સ્ત્રી સેકસ વર્ક્ર્સના બાળકોના અભ્યાસ માટે પોતે જે સેવા-પ્રવૃત્તિ કરે છે તેનો પરિચય આપ્યો હતો.સરિતાના સભ્યોએ કોવિદભાઇને એ અંગે પ્રશ્નોત્તરી પણ કરી હતી.
 
કાર્યક્રમને અંતે સૌ સભ્યો દીપક ભટ્ટ અને ગીતાબેન ભટ્ટનો આતિથ્યસત્કાર માણીને, અલ્પાહાર અને ચાહની જ્યાફત ઉડાવીને વિખરાયા હતા.
 
અહેવાલ-શ્રી. નવીન બેન્કર
૨૨ ડીસેમ્બર ૨૦૧૨
 
 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.