May 17 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૦મી બેઠકનો અહેવાલ

Published by at 8:50 pm under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૦મી બેઠક રવિવાર, મે ૧૦, ૨૦૨૬ ની બપોરે ૩ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકનો વિષય હતો સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા.

કાર્યક્રમનો આરંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી વંદનાથી થયો હતો. ત્યારબાદ, પ્રવીણાબહેન ક્ડાકિયાએ બે અંગ્રેજી બાળગીતો રજૂ કર્યાં હતાં, જેમાંનું એક grandpa અને એક grandma ઉપર હતું. આ પછી એક નાની નાટ્ય પ્રસ્તુતિ “કુદરતી આફત” રજૂ કરાઈ જેનો પરિચય ચારુબહેને આપ્યો હતો અને ફતેહઅલીભાઈ ચતુર, નીતિનભાઈ વ્યાસ, દિલિપભાઈ કપાસી અને પ્રવીણાબહેન કડાકિયાએ વિવિધ પાત્રો ભજવીને ઓચિંતી કુદરતી આપત્તિ માટે કેવી પૂર્વતૈયારી કરવી જોઈએ અને એ વખતે શું કરાય અને શું ન કરાય તે વિશે જાગૄતિ આવે એવી વાતો વણી લીધી હતી. AmeriCorps, Texas તરફથી દરેક દર્શકને એક Disaster preparedness cheat sheet અને મહત્વાનાં દસ્તવેજો મૂકી શકાય તે માટે એક પ્લાસ્ટિકની થેલી પણ આપવામાં આવી હતી.

ત્યારબાદ એક ચા-નાસ્તાનાં નાના વિરામ બાદ કાર્યક્રમ ફરી શરૂ કરવામાં આવ્યો હતો  જેમાં પ્રવીણાબહેન કડાકિયાએ એક ખૂબ જ અગત્યની જાહેરાત કરી જણાવ્યું કે ગુ.સા.સ. સંસ્થાએ જે બાર હજાર પાનાંનું એક પુસ્તક પ્રકાશિત કરેલું જેમાં સો જેટલા લેખકોનાં લેખ, કવિતા, નાટક વગેરે હતાં અને જેને ગીનીસબુકમાં સ્થાન મળે એ માટે પ્રયત્નો પણ કર્યા હતા, એ હવે દીપ ફુડ્ઝ્નાં માલિક ઉમંગભાઈ અને દક્ષિણાબહેન મહેતાની મદદથી ગુજરાતી સમાજ હ્યુસ્ટ્ન ખાતે પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. વધુમાં એમણે બધાંને આ પુસ્તક જોવાની વિનંતી પણ કરી હતી.

ત્યારબાદ એક સંગીતમય પ્રસ્તુતિ થઈ હતી જેમાં દેવિકાબહેન ધ્રુવ રચિત ગઝલ “બાકી છે”ને ભાવનાબહેન દેસાઈએ સુંદર રીતે રજૂ કરી હતી. આ ગઝલનું સ્વરાંકન પણ ભાવનાબહેને પોતે જ કર્યું છે. આ સુરીલી પ્રસ્તુતિ બાદ દેવિકાબહેન ધ્રુવે કવિતા અને AI પર ટૂંકું વક્તવ્ય આપ્યું હતું જેમાં પ્ર્સિધ્ધ ભાષાવિદ બાબુભાઈ સુથારનાં એક લેખનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે AI પાસે શબ્દો છે પણ એની પાછળની ભીનાશ અને અનુભવનો અભાવ છે, માટે AI સંશોધન માટે અને માહિતી માટે ઘણું સારું છે પણ સર્જન માટે યોગ્ય નથી.

આ પછી નિખિલભાઈ મહેતાએ પણ AI વિશે વધુ જ્ઞાનવર્ધક વાતો કરી. સાથે સાથે શૈલાબહેન મુન્શાનાં ચાર હાઈકુ અને Ian McCrorieની એક અંગ્રેજી કવિતાનો સરસ ગુજરાતી ભાવાનુવાદ રજૂ કર્યાં હતાં. હસમુખભાઈ દોશીએ પણ AI વિશે વાતો કરતાં-કરતાં ટેકનોલોજીની વિકાસગાથા સંભળાવી અને સ્વામી વિવેકાનંદની વાતથી માતૃસ્તુતિ શા માટે કરવી જોઈએ એની સુંદર રજૂઆત કરી હતી. વળી પાછી AI પર થોડી વધુ ચર્ચા થઈ જેમાં દર્શકોએ પ્રશ્નો પૂછ્યા હતાં અને ભૌમિકભાઈ શ્રોફ અને નિખિલભાઈ મહેતાએ સરળ ભાષામાં જવાબો પણ આપ્યાં હતાં.

ત્યારબાદ બેઠકનો મિજાજ પાછો સાહિત્યમય થયો જેમાં ઓમભાઈ ગુપ્તાએ પોતાની એક લધુકથા તથા “મા” પર એક હિન્દી કવિતા રજૂ કર્યા. આ ઉપરાંત, એક હિન્દી લઘુકથાનો આઈ ની મદદથી કરેલ ગુજરાતી અનુવાદ પણ સંભળાવ્યો. મનોજભાઈ મહેતાએ બે હઝલ રજૂ કરી બધાંને ખૂબ હસાવ્યાં, તો પદ્મજાબહેન વસાવડાએ એમની કવિતા “હું ને મારી એકલતા” થકી સૌને થોડા ગમગીન બનાવ્યાં. અંતિમ રજુઆતમાં પ્રકાશભાઈ મજમુદારે પંકજ ઉધાસની ગઝલ સંભળાવી એમને ફરી જીવંત કરી દીધાં હતાં. આમ લગભગ દસેક જેટલી વિવિધ રજૂઆતો અને AI પરની વાતો અને ચર્ચાઓએ આ બેઠક્ને જ્ઞાનવર્ધક અને માણવાલાયક બનાવી હતી.

 

કાર્યક્રમના સમાપન સમયે રિધ્ધિબહેન દેસાઈએ દરેક રજૂઆતકર્તાનો આભાર માન્યો હતો. ઉપરાંત ચા-નાસ્તાનાં અજ્ઞાત પ્રાયોજકનો અનુદાન માટે, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના માટે,  City of Sugar Landનો હોલ માટે, તથા અન્ય સ્વયંસેવકોનો એમની સેવાઓ માટે આભાર માન્યો હતો.

લેખનઃ શ્વેતા શ્રોફ

સંકલનઃ રિદ્ધિ દેસાઈ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.