Apr 16 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ” ૨૭૯ ” બેઠકનો અહેવાલ

Published by at 6:05 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ” ૨૭૯ ” બેઠકનો અહેવાલ

એપ્રિલ ૧૨, ૨૦૨૬ સ્થળ ૩૨૩૨ ઓસ્ટિન પાર્કવે, સુગરલેંડ, ટેક્સાસ

********************************************

‘ગુજરાતી સાહિત્ય સરિતા’ શરૂ થઈ ત્યારથી સક્રિય રીતે જોડાઈ છું. આજની ‘૨૭૯’ બેઠકનો

અહેવાલ લખવા માટે ઉપપ્રમુખ શ્રી. રિદ્ધિ દેસાઈનો આગ્રહ  નકારી શકી નહીં.

 

આવતાંની સાથે મૈથિલી અને અશોક શાહે સુંદર મનગમતી વાનગીઓ અને

મજેદાર ચા સાથે મીઠો આવકાર કર્યો.

બેઠક સમયસર ચાલુ થઈ. સભાનો વિષય સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા રાખવામાં આવ્યો હતો. બેઠકનો પ્રારંભ શ્રી.અવની મહેતાએ સુંદર પ્રાર્થનાથી કર્યો.

સહુ સભ્યો તે પ્રાર્થનામાં જોડાયા.  વાતાવરણ સુંદર બન્યું. સચિવ નરેન્દ્ર વેદે જનાર્દન

ભાઈને તેમની સ્વરચિત કવિતા કહેવા આમંત્રણ આપ્યું.

જનાર્દન ભાઈ પોતાની શૈલીમાં ” નડતર અને સમજી જાવ ” વિશે સુંદર સચોટતા પૂર્વક

રજૂઆત કરી. એ આસન ગ્રહણ કરતા હતા ત્યાં મારું નામ આવ્યું.

પ્રવિણા અવિનાશ કાવ્યની રજૂઆત કરવા ઊભા થયા.

” તું મુજમાં છે હું તુજમાં  છું,

તું અને હું ભિન્ન નથી.”  ઉત્સાહભેર સહુ સભ્યો તાળી પાડી વધાવી રહ્યા.આત્મા અને

પરમાત્મા સાથેના સંબંધનો ઉલ્લેખ હતો.

ચારુબેન વ્યાસ પોતાની સુંદર વાર્તા “હાશ’ અનેરી રીતે પ્રસ્તુત કરી રહ્યા હતાં. વાર્તામાં

આવતી નાની બાળાની  મનોવ્યથા સહુને સ્પર્શી ગઈ. ફુલ જેવી ચાર વર્ષની બાળા માતાના અવસાન બાદ પ્યાર ન પામી શકી. સાવકી માતાનું વર્તન અસહ્ય બન્યું. ભાઈના જન્મ પછી તો પિતા તેમજ દાદી બધાં જ બદલાઈ ગયા. હૃદયસ્પર્શી વાર્તા હતી. અંત આંચકો આપી ગયો.

અશોક શાહે માતૃપ્રેમ પરની વાત  સુંદર રીતે વર્ણવી. બે દીકરાની ‘મા’ અવઢવમાં જે રીતે

પસાર થઈને સાંગોપાંગ નીકળી, એ સહુને સાંભળવું ગમ્યું. દાદીનો પૌત્ર અને તેની સમજણ

ખરેખર દાદ માગી લે છે. અમેરિકામાં હોવા છતાં દાદી પ્રત્યેનો પ્રેમ અને કુટુંબના સંસ્કાર

દર્શાવવામાં સફળ થયા.  અશોકભાઈ તેમની વાર્તા લખવાની કળામાં ઉત્તીર્ણ થયા.

 

” અક્ષય પાત્ર” વિશે આપેલી માહિતી રસપ્રદ હતી. ભારતના ૧૬ થી ૧૭ રાજ્યોમાં

આ પ્રવૃત્તિ ચાલી રહી છે. ગરીબ બાળકોને પેટ ભરીને ખાવા મળે છે, અને સાથે સાથે કેળવણી પણ મળે છે  તે આનંદના સમાચાર છે. આ પ્રવૃત્તિમાં જોડાવા માટે સૌને હાકલ કરી.

ઉપપ્રમુખ રિદ્ધિ દેસાઈનો નિબંધ ” એશિયન માટે અમેરિકન નાગરિકત્વ” વિધવિધ

પાસાં એકત્ર કરીને રજૂ કર્યો. તે એક સફળ  ‘વકીલ’ હતા. હવે નિવૃત્તિમાં પ્રવૃત્તિ સભર

જીવન જીવે છે. તેની આપેલી માહિતી વિશે લખવાની મારી કલમમાં તાકાત નથી.

ઈસવીસન અને તારીખ  સાથે અમેરિકાએ એશિયનોને કરેલા ઘોર અન્યાયને સંક્ષિપ્તમાં સુંદર રીતે ન્યાય આપી પ્રસ્તુત કર્યા. ભલે આપણે અમેરિકાના કાયદેસર નાગરિક છીએ, કિંતુ આ દેશ ” રાજા વાજા ને વાંદરા’ જેવો છે. એ તેની વાત પરથી લાગ્યું. આજે જ્યારે બાળકોને અમેરીકામાં જન્મવા છતાં અમેરીકન નાગરિકત્વ ના મળે એવા હુકમો બહાર પડે છે, ત્યારે અમેરીકાની ભેદભાવભરી નીતીનો ખ્યાલ આવે છે. આજની આ પરિસ્થિતિમાં આવતા પહેલા એશિયનો કેટલી બધી યાતનામાંથી પસાર થયા છે તેનું સચોટ વર્ણન આંખ ખોલે તેવું હતું.આ ઈતિહાસ ભૂલાઈ ના જવો જોઈએ એવી તાકીદ કરી. આવી સુંદર માહિતી બદલ આભાર.

પ્રકાશ મજમુદાર તેમની ગાયનકલાથી સહુને હંમેશા ખુશ કરવા માટે જાણીતા છે.

‘ આજે પ્રભુ અવતરવાનું ટાણું

હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું”. સુંદર ભાવભર્યું ગીત સહુએ માણ્યું.

વર્ષા શાહ, ગુજરાતના કવિઓ વિશે કાવ્ય પ્રસ્તુત કરી સહુને આપણા કવિઓની

યાદ તાજી કરાવી.નરસિંહ મહેતા, નર્મદ, મેઘાણી , ભક્ત સુદામા અને કૃષ્ણના

નામથી દરેક ગુજરાતી પરિચિત છે. ‘ધન્ય ગરવી ગુજરાત’ !આપણે સહુ ગુજરાતી

ગૌરવ અનુભવી ધન્ય બન્યા. .

નિતીન વ્યાસ ‘.હંમેશા દેર કરતા હું’. કહી હકીકતનો એકરાર કર્યો.એ વિષય પર ટૂંકું ને ટચ બોલી

આસન ગ્રહણ કર્યું..

ભારતી મજમુદાર, ‘સેકંડ લિવિંગ રૂમ’ વાર્તા અંતરને સ્પર્શી ભાવવિભોર બનાવી ગઈ.

મોટી ઉંમરે પત્નીનો વિયોગ અને એકલતાનો અહેસાસ, એટલે સહનશક્તિની કસોટી

એ સમયે અજાણ્યા વ્યક્તિનો સુંદર પ્રેમાળ વર્તાવ માનવ સ્વભાવનું જમા પાસુ દર્શાવી

ગયું. પૈસે ટકે ઘસાયેલો છતાં તેનું સ્વમાન જાળવી માનવીયતા દર્શાવવી એ કાચાપોચાનું

કામ નથી. તે સામાન્ય માનવીના મૃત્યુ પછી નાની હોટલના માલિક, લીધેલું પગલું ખરેખર

પ્રસંશનીય છે. ખાસ તો તેમણે સાહિત્ય સરિતાની પ્રવૃત્તિને ‘સેકંડ લિવિંગ રૂમ’ તરીકે સરખાવીને બધાંને ભાવુક કરી દીધાં.

મીના કપાસીના સુંદર કંઠમાં ભાવવિભોર કાવ્ય સહુએ માણ્યું.

ડોક્ટર અર્પણ યાજ્ઞિક, ‘ભય’ વિષયના નિષ્ણાત. અનેક સંસ્થા, યુનિવર્સિટી સાથે સંકળાયેલ

પ્રખ્યાત “વિશ્વમાનવ’ છે. તેમની પ્રતિભા અને વાણી બન્ને મોહક છે. અમદાવાદના એટલે

ગુજરાતીમાં નિપુણ. આંગળીઓની કરામતથી ખેલ ચાલુ કર્યો. “મોટે ભાગે દરેકને “ભય’

સતાવતો હોય છે.”

એ દૂર કરવાના પ્રયોગો આદર્યા. કાગળ અને પેન્સિલની સહાયથી પોતાના ભાવ રજૂ કરવાનું

શરૂ કર્યું. દરેક સભ્યે ઉમંગભેર  ભાગ લઈ રહ્યા હતા. ભય પર કાવ્ય લખો! ભયનું ચિત્ર દોરો !

સભ્યોનો સંપૂર્ણ સહકાર વાતાવરણમાં જાન પૂરી ગયું. તેમની સહુને રસપૂર્વક જકડી રાખવાની

કળા વખાણવા લાયક છે. भव भय हरं પર સહુને મુક્તક બનવવાનું કહ્યું.

भव भय हरं

नाम सुमिरन करं

शरणुं स्वीकारं

श्रद्धा स्थिरं

सदा प्रयત્ન करं

हे प्रભુ भव  भय हरं

મોડું થતું હતું એટલે આજની બેઠક સમાપ્ત થઈ ત્યાં સુધી રોકાઈ ન શકી. અંતમાં આભાર વિધિ જરૂર થયા હશે. નિખિલ મહેતાના પ્રમુખપણા હેઠળ બેઠક સુંદર રીતે માણી. રિદ્ધિ દેસાઈ, નરેંદ્ર વેદ અને હસમુખ દોશી સહુનો આભાર.

 

એક વાત કહ્યા વગર રહી નહિ શકું. જો આજની બેઠકમાં  ગેરહાજર રહી હોત તો આવા હૃદયસ્પર્શી અનુભવને ગુમાવ્યા હોત. સહુ વક્તાઓએ સ્વલિખિત કૃતિ રજૂ કરી તેનો અત્યંત ગર્વ થયો. ભલે આજે સભ્યોની હાજરી ઓછી હતી અને એનુ દુઃખ રહેશે. વૈવિધ્યતાથી ભરપૂરઆજની બેઠક યાદગાર બની. દરેક સભ્યએ સુંદર રજૂઆત કરી, આનંદ થયો.

લેખનઃ પ્રવિણા અવિનાશ

સંકલનઃ રિદ્ધિ દેસાઈ

એપ્રિલ ૧૩, ૨૦૨૬

 

 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.