Jul 10 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ-૨

Published by at 4:43 pm under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ-૨

 

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૧મી બેઠક રવિવાર, જૂન ૨૧, ૨૦૨૬ની બપોરે ૪:૦૦ થી ૭:૦૦ દરમ્યાન સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. યોગાનુયોગ આ દિવસે પિતાદિવસ અને આંતરરાષ્ટ્રીય યોગદિનનો સુમેળ સધાયો હતો. શ્રીમતી શ્વેતાબહેન શ્રોફના મધુર કંઠે સરસ્વતી વંદનાથી સભાનો આરંભ થયો. શ્રી નરેંદ્રભાઈ વેદે આગામી ઓગષ્ટ મહીનામાં આવતા ગુ.સા.સ.ના રજત મહોત્સવની માહિતી આપી. અને જણાવ્યું કે આજની બેઠકમાં જેમને સમાજે “પિતા” તરીકે સન્માન્યા હોય તેવા વ્યક્તિવિશેષ વિષે વક્તાઓ વક્તવ્ય આપશે.

સૌ પ્રથમ શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ આદિ કવિ વાલ્મીકિ વિષે યોગ્ય શ્લોકો ટાંકી વિસ્તૃત માહિતી આપી. પિતાદિવસના સંદર્ભમાં ઓમપ્રકાશભાઈએ પિતૃધર્મ સમજાવતા મહાભારત અનુશાસનના પર્વના ભીષ્મ પિતામહના શ્લોક ટાંક્યાં. કાવ્યના જનક આદિકવિ કોણ એની સમજ આપતા શ્લોક ટાંક્યાં અને કહ્યું કે આ વર્ણન અનુસાર મહર્ષિ વાલ્મિકિ કાવ્ય પરંપરાના પ્રેરક આદિકવિ છે. પ્રેમી કૌંચપક્ષીના યુગલમાંના એકને શિકારીના ક્રુર બાણથી વિંધાતા જોઈ વ્યથિત થયેલા વાલ્મીકિના હ્રદયમાંથી પ્રથમ શ્લોક અનુષ્ટુપ છંદમાં સરી પડ્યો અને બ્રહ્માના આશિષથી વ્યથિત વાલ્મીકિએ રામાયણ લખ્યુ અને એ રીતે આદિકવિ બન્યા.

 

રિદ્ધિ દેસાઈ

રિદ્ધિબહેને જનક્દિવસ અને યોગદિવસની શુભેચ્છા આપી અને રસપ્રદ રીતે શ્રોતાઓને involve  કરી ભારતના હરિયાળી ક્રાંતિના જનક વિષે વાત કરી.

૧૯૯૯ના Time Magezineમાં દુનીયાના ૧૦૦ influential peopleમા જે સ્થાન પામ્યા છે એવા ડો. સ્વામીનાથન ૧૯૨૫માં દક્ષિણભારતના ડોક્ટર પિતાને ત્યાં ખેડૂત કુટુંબમાં જન્મ્યાં. ૧૯૪૩માં બંગાળમાં આવેલા દુકાળથી પીડીત લોકોની પરિસ્થિતિથી વ્યથિત સ્વામીનાથને ૧૯૪૭માં કૃષિશાસ્ત્રનો અભ્યાસ કરી પરદેશમાં Ph.D. કરી ભારત આવી રીસર્ચ ઈંસ્ટીટયુટમાં કામ કરતાં, અન્નક્ષેત્રે હરિયાળી ક્રાંતિના વિચારો-પ્રયોગો (ચોખા, ઘઉં) કર્યા. ૧૯૭૧માં ભારત અન્નક્ષેત્રે સ્વાયત્ત થયું.

એમ.એસ. સ્વામીનાથન રીસર્ચ સેંટર સ્થાપી દેશની સેવા કરી. ૧૯૭૨માં પુરુષપ્રધાન ખેતીક્ષેત્રે સ્ત્રી-ખેડૂતોને મહત્વ અને પ્રોત્સાહન આપ્યું. અનેક નામી એવોર્ડ મળ્યાં અને અનેક દેશોએ honorary Degreeથી સન્માનિત કર્યા. તેમણે બધાં જ દેશો, વર્ગ, જાતિ, પેઢી અને પર્યાવરણનો વિચાર કર્યો. વિનોબાજીના વિચારોની ઘેરી અસર તેમના જીવન પર છે. આવા ભારતના હરિયાળી ક્રાંતિના જનક સ્વામીનાથને ૨૦૨૩માં ૯૮ વર્ષની વયે વિદાય લીધી.

 

અરવિંદભાઈ થેકડી

અરવિંદભાઈ થેકડીએ એમની ગુજ્લીશ ભાષામાં Fathers of Atomic Age in India વિષે માહિતીસભર રસપ્રદ વાતો કરી.૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે જમદેશજી ટાટાને વહાણની મુસાફરી દરમ્યાન ભારતમાં scientific Institutionની જરૂર છે એવું સૂચન કર્યુ. અને ૧૯૦૫માં તેની સ્થાપના થઈ, જેનાં પ્રથમ ડિરેક્ટર શ્રી સી. વી. રામન હતાં.

ડો. હોમી ભાભા atomic energyના પિતા રધરફર્ડના હાથ નીચે કેમ્બ્રીજમાં કામ કરતા હતા. બીજાં વિશ્વયુદ્ધ સમયે ભાભા ભારત પરત આવ્યા. રામનના આમંત્રણથી Indian Institute of Science ડીરેક્ટર તરીકે કામ કર્યુ. ડો. ભાભાએ ડો. વિક્રમ સારાભાઈને રીસર્ચ સેંટરમાં નીમ્યા. વિમાન અકસ્માતમાં ડો. ભાભાના અવસાન બાદ વિક્રમ સારાભાઈએ અણુઉર્જા અને અવકાશ ક્ષેત્રે આગેવાની લઈ મહત્વનો ફાળો આપ્યો.

ભારતમાં અણુઉર્જા ક્ષેત્રે મુખ્ય પાંચ વ્યક્તિવિશેષોમાંથી ચાર ગુજરાતી- જમશેદજી તાતા, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ અને હોમી શેઠના- હોવાનું ગૌરવ  વ્યક્ત કર્યુ.

 

નીતિનભાઈ વ્યાસ

નીતિનભાઈ વ્યાસે રમૂજી શૈલીમાં ટેનીસ બોલ અને રેકેટ ના સ્વરુપનો ઈતિહાસ આપ્યો. અમેરીકાના જહોન મેકન્ રો અને ભાવનગરમાં ટેનીસ બોલ અને ક્રિકેટ બેટથી રમતા બાળક નીતિનની સરખામણી કરી જીવન સંધ્યાએ વોકરના ચાર પૈડાં પર ટેનીસ બોલ લગાવી ચાલતા તેવી વાત કરી સૌને હળવા કર્યાં.

 

શ્વેતાબહેન શ્રોફ

જનકદીવસની શુભેચ્છા આપી, કોઈ પાયોનીયર મહિલા હોય તો તેને જનેતા કહી શકાય તેવો પ્રશ્ન મૂકી લિંગ-સમાનતાનો વિચાર મૂક્યો. Father of Space science એવા વિક્રમ સારાભાઈ વિષે વાત કરતાં એમની atomic science ક્ષેત્રે સિદ્ધિઓ તો જણાવી પણ સાથે સાથે એમના ઘડતરમાં માતાપિતાનો ફાળો, home schooling થી જે તે ક્ષેત્રના નિષ્ણાત શિક્ષકોનો ફાળો, ઘરનું વાતાવરણ, એ અંગે વાત કરી. વિક્રમ સારાભાઈ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હોવા છતા તેમના ચારિત્ર્યમાં સાદગી, વિનમ્રતા, સરળતા, સમભાવ હતો તે જુદાં જુદાં પ્રસંગો ટાંકી સમજાવ્યું. પટાવાળાથી પ્રેસિડંટ સુધી પ્રત્યેક સાથેના વ્યવહારમાં સરળતા હતી. પત્નિ મૃણાલિનીનાં નૃત્યનાં કાર્યક્રમમાં સ્ટેજ, લાઈટ વગેરેની વ્યવસ્થામાં સક્રિય ભાગ લેતા. ૨૪ વર્ષનાં ટૂંકા કાર્યકાળમાં અણુવિજ્ઞાન, ટેક્ષ્ટાઈલ, મેનેજમેન્ટ જેવાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.

 

ભારતીબહેન મજુમદારઃ

ભારતીબહેને પિતાદિન નિમિત્તે તેમના જન્મદાતાને યાદ કર્યા અને સમાજમાં પિતાતુલ્ય હૂંફથી તેમણે કેટલાં લોકોને હૂંફ આપી તેનુ સ્મરણ કર્યું. મારાં મૃત્યુને માંગલિક ઉત્સવ બનાવજો એવું પત્રમાં સૂચન કરી તેમણે ઉચ્ચ વિચારશીલ વ્યક્તિત્વનુ દર્શન કરાવ્યું.

ફતેહઅલીભાઈ ચતુરઃ

ફતેહઅલીભાઈએ ભારતીય સીનેમાના પિતા એવા દાદાસાહેબ ફાળકેના સંઘર્ષ અને પ્રયત્નોની વાત કરી. ૧૮૭૦મા જન્મેલા દાદાસાહેબના નામનો હિંદી સીનેમાનો શ્રેષ્ઠ Lifetime Achievement Award, તેમના જન્મના ૧૦૦ વરસ પછી ૧૯૬૯માં શરૂ થયો અને આજે પણ ચાલુ છે. તેમણે ૯૫ ટૂંકી ફિલ્મ અને ૨૬ ફિલ્મ આપી સીનેમા ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે.

નિખિલભાઈ મહેતા

નિખિલભાઈએ વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળો શું તે દર્શાવવા મોડ પાર્કરના લેખના ગુજરાતી અનુવાદનુ પઠન કર્યુ, “આ છે મારી વસિયત” એ શિર્ષક હેઠળ બાળકોને સાચો વારસો શું અપાય તેની સુંદર વાત કરી.

અંતે, સમાપન કરતાં રિદ્ધિબહેને સમાજના ઘડતરમાં આવા વ્યક્તિ-વિશેષોનો ફાળો કેટલો મહત્વનો છે, તે સમજાવ્યું. કોઈ પણ ક્ષેત્રમાં પહેલાં વિચારનુ બીજ રોપાય, પછી પરિકલ્પના, ત્યારબાદ પ્રયોગ, અને અંતે કદાચ વાસ્તવિક સફળતા મળે. વિકાસની આ યાત્રા કંઈ જાદુથી નથી સંભવતી! તેની પાછળ આવા વ્યક્તિ-વિશેષોની કડી જહેમત છે, જીવનના સુખભોગોનો ત્યાગ છે, વરસોનો એકનિષ્ટ પરિશ્રમ છે, અને ક્યારેક તો એકથી વધુ પેઢીઓ લાગી જાય છે. સમાજ તેમનો ઋણી છે અને એ જ આપણને મળેલો સાચો વારસો છે, જે આપણે સાચવવાનો છે.

રિદ્ધિબહેને આજની બેઠક સફળ બનાવનાર સૌનો આભાર માન્યો. બધાંએ સાથે બેસી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી પિતાદીનની ઉજવણી કરી.

અસ્તુ

લેખનઃ મીતા નિરાકાર ભટ્ટ

રજૂઆતઃ રિદ્ધિ દેસાઈ

 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.