Sep 05 2026

રજતજયંતી મહોત્સવઃ બેઠક નંઃ ૨૮૩

Published by at 12:35 pm under બેઠકનો અહેવાલ

રજતજયંતી મહોત્સવઃ બેઠક નંઃ ૨૮૩

તા. ૨૨મી ઑગષ્ટને શનિવારના રોજ, હ્યુસ્ટનના શારદા-અંબા મંદિરમાં એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. ખળખળ વહેતી સરિતાના કલકલ નિનાદ સમો એ પ્રસંગ હતો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના પચીસ વર્ષની ઉજવણીનો એટલે કે, ‘રજત જયંતી’નો ઉત્સવ હતો.

ઉનાળાની બપોરના ત્રણ વાગ્યાથી  સંસ્થાની સમિતિના સભ્યો, સહાયકો અને સેવાભાવીઓની ચહલપહલ ચાલુ થઈ ચૂકી હતી. શરૂઆતમાં અલ્પાહાર અને ચ્હા સાથે શ્રોતાજનોનું સ્વાગત થતું જતું હતું, કાર્યકર્તા અને અન્ય કલાકાર ભાઈ-બહેનો સ્ટેજ પરની વ્યવસ્થામાં મશગુલ હતાં.

નિર્ધારિત સમયે જરૂરી સૂચનાઓની જાહેરાત અને વિનંતી બાદ હૉલના મંચનો મખમલી પડદો ખુલતાંની સાથે સુમધુર સંગીત સાથે સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તે સાથે જ અતિથિવિશેષ, ચિન્મયા મિશનના ગુરુવર્ય શ્રી ગૌરાંગ નાણાવટી અને સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે દીપ-પ્રાગટ્ય કર્યું. તેમને તથા સંસ્થાના પ્રથમ સભ્ય અને દાતાઓને, સંસ્થાના સિક્કાવાળી અને ગુજરાતી અક્ષરોના ભરતકામયુક્ત સુંદર શાલ થકી સન્માનિત કરવામાં આવ્યા. તે જ સમયે સંસ્થાના એક નવા સભ્ય શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તકની માહિતી આપી.

કાર્યક્રમની શરૂઆત એક સુંદર યોગાનૃત્યથી કરવામાં આવી. રિદ્ધિ દેસાઈએ વિવિધ યોગાસનની મુદ્રાઓ સાથે, ધ્યાનાકર્ષક અંગભંગી અને હાવભાવ દર્શાવી, ગીત સાથે સુંદર રજૂઆત કરી. પ્રમુખ શ્રી નિખિલ મહેતા દ્વારા પ્રસંગોચિત સ્વાગત પ્રવચન બાદ, શ્વેતા શ્રોફે કાર્યક્રમનું સૂકાન આગળ વધાર્યું.

હ્યુસ્ટનના  નૃત્ય-કલાકાર ઉમા નગરશેઠ દ્વારા આયોજિત કવિ શ્રી ઉમાશંકર જોશીનું ગીત, “સદા સૌમ્ય શી વૈભવે ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી” પરનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કલાકાર બહેનોની સુંદર રજૂઆતે સભાજનોને મુગ્ધ કર્યા. નૃત્ય દરમ્યાન પાછળના મોટા ફલક પર શબ્દોને અનુરૂપ, અવની મહેતા દ્વારા સજાવેલ સુંદર 3D ચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાં.

ત્યારબાદ સંસ્થાના જ સર્જક દેવિકા ધ્રુવે લખેલ ‘પચ્ચીસમાં પર્વ’નું એક ગીત રજૂ કરવામાં આવ્યું. ગીતના શબ્દો હતાઃ ‘આજ સરિતાને તીરે કાંઈ જામ્યો છે મેળો’, તેનું સ્વરાંકન સંસ્થાના સભ્ય ભાવના દેસાઈએ કર્યું હતું; છ કલાકારો દ્વારા વાજીંત્ર સહિત આ સમૂહગાન કરવામાં આવ્યું.

બે આઈટમોની વચ્ચે સૂત્રધાર દ્વારા ગુજરાતી સાહિત્યની અને કવિઓની વિવિધ વાતો વાતાવરણમાં રસ અને રંગ ભરતી હતી. સભાગૃહમાં વાહ..વાહ.ના ભાવો વ્યક્ત થતા જતા હતા. તે પછી ઉપપ્રમુખ રિદ્ધિ દેસાઈ અને દેવિકા ધ્રુવ દ્વારા સંસ્થાના ૧ થી ૨૫ વર્ષના ઈતિહાસની, સ્થાપના, પ્રગતિ અને પ્રવૃત્તિઓની પાવરપોઈન્ટ થકી ઝલક દર્શાવવામાં આવી, ૨૫ સાહિત્યકારો તરફથી મળેલા શુભેચ્છા-સંદેશ પ્રસારિત કરવામાં આવ્યા અને નવી પેઢી દ્વારા સાહિત્ય સરિતા અવિરત વહેતી રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત સંસ્થાના સ્વર્ગસ્થ પામેલ સર્જકો અને વર્તમાન સર્જકો અંગે પણ જાણકારી આપવામાં આવી. ભારતથી આવેલ સંસ્થાના એક સર્જક અને ભૂતપૂર્વ પ્રમુખ, શૈલા મુન્શાએ સ્વરચિત ‘જુગલબંધી કરી છે મેં’ એ ગઝલ રજૂ કરી અને પોતાની આ હ્યુસ્ટનની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી. તે પછીનો ગરબો “મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો” પ્રસ્તુત કરવામાં આવ્યું. તેમાં બહેનોની કલામય રજૂઆત જોતાં,આખોયે હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજતો હતો, પ્રેક્ષકો અનેરો આનંદ માણતા હતા. આ સમયે પણ પાછળના મોટા ફલક પર ગરબાના શબ્દોને અનુરૂપ, સજાવેલ સુંદર 3D ચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાં અને માનસપટ પર ઘેરી છાપ ઉપસાવતા હતા.

કાર્યક્રમને વિવિધ રીતે આગળ વધારતા  બે એકાંકી નાટકો રજૂ કરવામાં આવ્યા. પ્રથમ એકાંકી ‘ઉઘાડા પગે’ની વાર્તા-વસ્તુમાં મૈત્રીની મિરાત હતી. ત્રણ જ પાત્રો દ્વારા ભજવાયેલા આ નાટકમાં બહુધા  નેપથ્યમાંના ‘ઑડિયો’ અને પડદા પરના વાર્તાને અનુરૂપ આબેહૂબ ચિત્રોએ મોટો ભાગ ભજવ્યો. નાટક હૃદયસ્પર્શી રહ્યું. અહીં પણ ફ્લેશબેકનાં ચિત્રોએ અનેરો રંગ રાખ્યો. દરેક કલાકારોએ કુશળતાથી રોલ ભજવ્યો.

ત્યારબાદ ૭૦-૭૫ની ઉંમરની બહેનો દ્વારા એક નૃત્યની રજૂઆત થઈ. તેમાં પગના ઠમકારાને બદલે ચહેરાના ભાવો અને સહજ અમસ્તી અંગભંગી દ્વારા, કવિ શ્રી ધ્રુવ ભટ્ટનું ગીત ‘સાંભળી શકાય નહિ, બોલવુંયે બંધ અને કરવાની સંજ્ઞાથી વાત..’ એક અનોખી રીતે, સુંદર સંજ્ઞા-નૃત્ય પ્રસ્તુત કર્યું. સૌએ તાળીઓ થકી ખૂબ જ દાદ આપી.

બીજું એકાંકી નાટક ‘ દસમાંથી દસ’ માં વિદ્વાન પ્રોફેસર, ઘરરખ્ખું  ગૃહિણી અને તેના શિક્ષક-એમ ત્રણ પાત્રોનું હતું. થોડું રમૂજી અને મર્મભર્યં રહ્યું. રંગભૂમિના અસ્સલ નાટકોના બદલે પાત્રોએ, પોતપોતાની ભૂમિકાને ‘ઑડિયો-વિડીયો’ થકી અભિનયને ઉપસાવી સુપેરે ન્યાય આપ્યો.

સમાપનમાં કલાકારો સહિત, દરેકની વ્યક્તિગત આભારવિધિ થયા બાદ, ભોજન પીરસવામાં આવ્યું અને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.

એકંદરે આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો. નોંધનીય એ હતું કે આમાં કોઈ ઝાઝા પ્રવચનો ન હતાં, અતિ સરળતા હતી, માત્ર ૯ જ આઈટમો હતી, પ્રોગ્રામ ન તો લાંબો હતો કે ન ટૂંકો હતો. 3D ચિત્રોનાં ઉચિત આયોજને દરેક આઈટમને મઝાનો ઊઠાવ આપ્યો. એ રીતે રસને જાળવી રાખીને બરાબર બેથી અઢી કલાકમાં જ આ રજતજયંતીનો ઉત્સવ સાહિત્યિક રીતે ઉજવાઈ ગયો જે સૌના મનમાં છવાઈ ગયો. સંસ્થાના સૌ સભ્યોને,આયોજકોને અને સહાયકોને ખૂબ અભિનંદન.

સંસ્થાની આ સાઈટ પર વિડીયો અને તસ્વીરો પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

અસ્તુ,

દેવિકા ધ્રુવ

ઑગષ્ટ ૨૫,૨૦૨૬

4 responses so far

4 Responses to “રજતજયંતી મહોત્સવઃ બેઠક નંઃ ૨૮૩”

  1. રક્ષા પટેલon 05 Sep 2026 at 2:31 pm

    રજતજયંતી રુબરુ ન માણી શકી પણ તમારો અહેવાલ વાંચી ઘણો આનંદ થયો! મારા જેવીને આવવાનું અશક્ય હોય ત્યારે થોડી વીડીયો ક્લિપ્સ પણ મૂકો તો સોનામાં સુગંધ ભળે!
    આભારી રક્ષા

  2. જનાર્દન શાસ્ત્રીon 05 Sep 2026 at 3:27 pm

    દેવિકાબેન પ્રણામ 🙏🏻
    રજત જયંતિ મહોત્સવનો અહેવાલ ખુબજ સુંદર રીતે પ્રસ્તુત કરવા બદલ અભિનંદન

  3. Deepak Bhatton 05 Sep 2026 at 5:25 pm

    Very well written covering everything. Devikaben, Excellent job.
    The whole program was beautiful. All the artists, directors, VOLUNTEERS,
    and GSS executive worked very hard and theirs efforts, time and patience
    Paid off very nicely. Thanks and congratulations.

  4. Devika Dhruvaon 05 Sep 2026 at 8:39 pm

    રક્ષાબહેન, સ્થળાંતર કર્યા પછી પણ તમે આ સાઈટની મુલાકાત લો છો અને પ્રતિભાવ પણ દર્શાવો છો એ તમારો સંસ્થા પ્રત્યેનો ભાવ બતાવે છે. ખૂબ આભાર.

    જનાર્દનભાઈ, આપ અહીં વાંચો છો અને આપનો પ્રતિભાવ આપો છો એ માટે આનંદ અને આભાર.

    દીપકભાઈ, આપના પ્રોત્સાહનભર્યા બે શબ્દોનું ખૂબ મૂલ્ય છે. વંદન સહ આભાર.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.