May 05 2023
૨૪૩મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૩મી બેઠક એપ્રિલ, ૨૨ ૨૦૨૩, શનિવારે, બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૦૦ દરમ્યાન, સુગરલેન્ડ પાર્કના ઇમ્પિરીયલ રિક્રિએશન ખાતે યોજાઈ હતી.
એપ્રિલસન
તે દિવસે શહેરમાં અન્ય પ્રસંગો હોવા છતાં ૪૦ થી ૪૫ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ શ્રી ભારતીબહેન મજમુદારે સભ્યોનું અભિવાદન કરી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી ચારુશીલા બહેનને પ્રાર્થના કરવા વિનંતી કરી. ” ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ” શ્લોકથી બેઠકનો શુભારંભ થયો.
વિષય હતો ” હાસ્યરસ પ્રાધાન્ય કૃતિ “
![]() સૌથી પ્રથમ મનોજભાઈ મહેતાએ સ્વરચિત એક મઝેદાર વ્યંગકાવ્ય પ્રસ્તુત કર્યુ .
“માઈક , તને પુરુષ કહેવું કે સ્ત્રી “.
“તારી સામે ઊંચે સાદે કદી ના બોલાય !”
વાત નાની અને સ્વરૂપ, મોટું મળે અહીંયા, ટહુકા કરું તો ગર્જના ચોતરફ સંભળાય !
અને બીજું
“કોઈ મુજને હજુ ભણાવે છે.”
મારી ધડકનમાં, મારા શ્વાસમાં, લય છે એ હું જાણું છું. મારે નાચવું નથી ‘મનુજ’ અમથું અમથું નચાવે છે.
આ રચનાઓમાં સૌ સભ્યોને ઘણી જ ગમ્મત પડી.
![]() પ્રવિણાબહેન કડકિયાએ “મારા પિત્તળીયામાં કાણું ” શીર્ષક હેઠળ રમુજી વાતો કહી સંભળાવી. તેપણ સભ્યોને પસંદ આવી.
હાસ્યરસનો વિષય હોય અને પ્રસિદ્ધ લેખક શ્રીમાન જ્યોતીન્દ્ર દવેને યાદ કર્યા વગર કેમ ચાલે?
મોનિકાબહેને શ્રી જ્યોતીન્દ્ર દવેના લખાણોમાંથી કેટલાક કટાક્ષ ભર્યા પ્રસંગોનું વર્ણન કરી સૌને હસાવ્યા.
![]() શ્રી ફતેહઅલીભાઈ ચતુરે હાસ્યરસ ઉપર રસપ્રદ વાતો કહી અને વળી સ્વરચિત ટુચકાઓ કહ્યા. આમ હાસ્યનો દોર આગળ વધ્યો .
![]() તે પછી માનનીય કવયિત્રી દેવિકાબહેન ધ્રુવે પણ તેમની એક મોબાઈલ ફોન ઉપર લખેલી રમૂજી રચના કહી સંભળાવી.
શબ્દો હતા.
બંને હાથની નાજુક હથેળીમાં મૃદુતાથી મુજને પકડે છે તું ,
ને સાચવી સાચવીને ખુદની નિકટ ખૂબ જકડે છે તું .
જેને સભ્યોએ તાળીઓથી વધાવી લીધી .
ત્યારબાદ તેમણે સમાચાર આપ્યા કે આપણાં માનીતાં શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સંજોગવશાત ભારત સ્થળાંતર કર્યું છે. ગુ.સા.સ.ના એક સક્રિય લેખક અને વર્ષો જૂનાં સભ્ય શ્રીમતી શૈલાબહેનના સન્માનમાં એક ખાસ ઝૂમ બેઠક રાખવી તેવા દેવિકાબહેનના સૂચનને સૌ સભ્યોએ એકમતે અનુમોદન આપ્યું.
![]() તે પછી એક વિશિષ્ટ રજુઆત થઈ. શ્રી નીતિનભાઈ વ્યાસે હૉલમાં ઉપલબ્ધ ઑડીયો વિઝ્યુઅલ સુવિધાના માધ્યમથી રંગમંચ પર આધુનિક ઢબે ભજવાયેલા કેટલાક કાર્યક્રમોના વિડિયોક્લિપ્સ દર્શાવ્યા. શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલા પ્રખ્યાત પણ જૂનાં ગીતોને જૂદા જૂદા પ્રકારની રાગ-રાગિણીઓ અને નૃત્યશૈલીમાં આજના નવીન કલાકારોએ ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યા. તે જોઈ સહુ સભ્યો આનંદ-વિભોર થયા.
નીતિનભાઈએ ખૂબ મહેનત કરીને તૈયાર કરેલી પ્રસ્તૂતિ વધુ સમય સાથે ફરી માણવાની નોંધ લેવાઈ.
ટેક્નિકલ મુશ્કેલીઓના સમાધાન દરમિયાન પ્રમુખશ્રી ભારતીબહેને એક રમૂજી ટુચકો કહી વાતાવરણમાં હળવાશ ભરી. પતિપત્ની વચ્ચે થતી હળવી તકરારમાં આજના રિમોટ કંટ્રોલ અને મોબાઈલ જેવા ઉપકરણો કેવાં કામ આવે છે, તેની રસપ્રદ વાત કહી જેને કારણે સભાજનોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું., તે ઉપરાંત ઉપપ્રમુખ મીનાબહેને પણ ગુજરાતીઓને મનગમતા હાસ્યગીત ‘અમે અમદાવાદી’ ના એક-બે અંતરા ગાઈને સૌને આનંદિત કર્યાં .
બેઠકને અંતે, ગુજરાતી સમાજ, હ્યુસ્ટન દ્વારા મે મહિનામાં થનાર ‘ગુજરાત દિન’ની ઉજવણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી.
તે પછી રાબેતા મુજબ બેઠકની સામૂહિક તસવીર લેવામાં આવી .
આમ એકંદરે આ હાસ્યરસની બેઠક મજાની રહી.
તે પછી ગરમાગરમ ચ્હા અને મસાલેદાર બટાકા પૌંઆનો આસ્વાદ લેતાં લેતાં સૌ સભ્યો હળ્યામળ્યાંને છૂટાં પડ્યાં.
–શ્રીમતી મીનાબહેન પારેખ–
|
મીનાબેન શુદ્ધ ગુજરાતીમાં અહેવાલ લખવા બદલ આભાર અને અભિનંદન!!
આ બેઠક ખુબ જ સરસ રહી.
બધાની રજુઆત સરસ હતી. ઉત્સાહથી ભાગ લેવા માટે ખુબ ખુબ આભાર !!
સભ્યો નો પણ ખુબ આભાર!!
મીનાબહેન સરસ વિગતવાર અહેવાલ માટે ધન્યવાદ.