Oct 22 2015

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં, કવિ શ્રી રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી, મનોરંજક સાંજ

Published by at 2:53 pm under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં, કવિ શ્રી રઈશ મનીઆર  સાથે એક મસ્તીભરી, મનોરંજક   સાંજ  
 
હેવાલ-  શ્રી. નવીન બેન્કર  
શનિવાર… તારીખ આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….એક  સુહાની સાંજ.. 
 
ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે,આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.
થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાથી મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.
સાંજના બરાબર ૪ના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે  રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલીમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.
સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી તથા અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને રમૂજથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું  અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી  બોલે છે એના રમુજી દાખલાઓ વર્ણવ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા  એની સમૃધ્ધિ ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા. આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા. પોતાની જાણીતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પહટાય તો કે’ટો નઈ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.
કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમની  મહેફિલ માંડી હતી.
ગાલિબનો એક શેર કે,
ઇશરતે કતરા હૈ દરિયામેં ફના હો જાના
દર્દકા હદસે ગુઝર જાના હૈ દવા હો જાના…….નો ઊંડો અર્થ અને તેની ભીતર છૂપાયેલાં કાવ્યત્વની છણાવટ રસપ્રદ રીતે કરી.
કવિતા એ નિરાવલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…
ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની  અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને  નવી ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.
બે દિવસ પહેલાં, ૬ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલાં એક અનૌપચારિક કાવ્ય-વર્કશોપમાં, બે કલાક સુધી શ્રી રઈશભાઈએ વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય અતિ સરળ રીતે આપ્યું હતું. ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને છંદ-વિધાન સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, કાવ્યના વિવિધ પ્રકારોની સમજૂતી આપી હતી. લયબધ્ધ ગીતો, શિખરિણી,મંદાક્રાન્તા જેવા અક્ષરમેળ છંદો ઉપરાંત ગઝલના માત્રામેળ છંદોની છણાવટ પણ સુંદર રીતે કરી હતી.‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના ઘણાં જાણીતા ગીતો કયા છંદમાં લખાયા છે એની લઘુ-ગુરુની સમજ આપતાં આપતાં, શ્રોતાઓને પણ લગાગાગા કે ગાલગાગા જેવાં ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ  અનુભવ અદભુત અને અવિસ્મરણિય હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયર શિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’  તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.
હા, તો ત્રણ કલાક ચાલેલો આઠમી તારીખનો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયો.. છેલ્લે સંસ્થાના પ્રમુખ શ્રી ધવલ મહેતાએ સૌનો આભાર માન્યો અને ગુજરાતી સાહિત્ય સરિતાના પંદર વર્ષના ઈતિહાસની પહેલી જ વાર ઝાંખી કરાવતી એક નાનકડી પુસ્તિકા પણ શ્રી રઈશભાઈના હસ્તે ખોલવામાં આવી.
અંતે ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની જ્યાફત માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !
કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર  કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર,નવીન બેંકર,ડો. રમેશભાઈ શાહ તથા  ‘સા.સ’  ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી. શ્રી. રઈશભાઇ મનીઆર તેમના હ્યુસ્ટનના રેહવાસ દરમ્યાન જેમના મેહમાન બન્યા હતા અને જેમણે રઈશભાઈને ટ્રાન્સ્પોર્ટેશન પૂરું પાડ્યું એવા શ્રી વિશ્વદિપભાઈ અને રેખાબેન બારડનો આભાર. 
 
આ કાર્યક્રમની ઝલક અને પ્રતિભાવ ટીવી એશિયા પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા..
ગુજરાતી સાહિત્ય સરિતાની અનેકવિધ પ્રવૃત્તિ અને પ્રગતિમાં શ્રી રઈશભાઈની હાજરી થકી, વધુ એક પીછું ગૌરવભેર શોભી રહ્યું.  કવિતાની આ સાંજ સાત સાત રંગ અને સુગંધથી મહેંકી ઊઠી.
 
અસ્તુ.
Group Photo with RaeeshbhaiRaeesh ManiarGSS Book Vimochan

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં, કવિ શ્રી રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી, મનોરંજક સાંજ”

  1. કવિશ્રી રઈસભાઈના કાર્યક્રમનો બહું સુંદર માહિતિ અને રસસભર અહેવાલલેખન… ડૉ.મણીયાર સાહેબ આજની ગુજરાતી ભાષા અને સાહિત્ય જગતના વાહક ાને સંચાલક છે.. પરદેશમાં પણ ભાષાપ્રેમને જીવતો રાખનાર આપ સૌને ખૂબ અભિનંદન..

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help