Dec 11 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૩નો અહેવાલઃ શૈલા મુન્શા

Published by at 10:55 am under બેઠકનો અહેવાલ

તા. ૮ ડિંસેમ્બર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૩મી બેઠકનું આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી માણતા સહુ સભ્યોએ શ્રી વિજયભાઈ નાગરના પરિવાર તરફથી આયોજિત ભોજનને ન્યાય આપ્યો અને બેઠકની શરૂઆત થઈ. શ્રી પ્રકાશભાઈ મજમુદારે મધુર કંઠે પ્રાર્થના કરી, અને સભાનો દોર પ્રમુખ શ્રી  ફતેહ અલીભાઈએ હાથમાં લીધો.

ગુ.સા.સના સભ્ય શ્રી વિજયભાઈ નાગરના  હિંદી ભાષામાં લખાયેલ કાવ્ય સંગ્રહનુ વિમોચન કરવા માટે,હ્યુસ્ટનની રાઈસ યુનિં.ના ભૂતપૂર્વ હિંદીના પ્રોફેસર ડો. સરિતા મહેતાને આમંત્રિત કર્યા. તેમણે વિજયભાઈના જીવનના ઉતાર ચઢાવ વિશે વાત કરતાં કહ્યું કે વિજયભાઈના કાવ્યોમાં જીવનની સચ્ચાઈ છલકે છે. ડો. કમલેશભાઈ લુલ્લાએ વિજયભાઈને પુષ્પગુચ્છ અર્પણ કર્યો અને ડો. સરિતાબહેને કાવ્ય સંગ્રહ    ‘ज़ज़बात की उडान’ નું અનાવરણ કર્યું.

    
                                   (તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ)

ત્યારબાદ ‘જનરલ બોડી’ની ‘મીટિંગ’ શરૂ થઈ. પ્રમુખશ્રી અલીભાઈએ પોતાની કમિટી સાથે ચર્ચા કરી લીધેલા નિર્ણયો અને નવા પ્રયોગો વિશે વાત કરતાં સહુ સભ્યોને ખુલ્લા દિલે વર્ષની કામગીરી વિશે પોતાનો અભિપ્રાય આપવા કહ્યું.સહુ સભ્યોએ પ્રેમપુર્વક નવા સુધારાને આવકારતાં પ્રમુખશ્રીને અને એમની કમિટીને બીજા વર્ષે પણ કાર્યરત રહેવાની માંગ કરી.

  
ઉપપ્રમુખ શૈલાબહેન મુન્શાએ આખા વર્ષ દરમ્યાન થયેલા કાર્યક્રમોનો સારાંશ રજૂ કર્યો જે નીચે પ્રમાણે છે.
વર્ષની શરૂઆતમાં પ્રમુખ શ્રી ફતેહ અલીભાઈએ કાંઈક નવુ કરવાની ધગશ બતાવી, એક નવો ચીલો ચાતર્યો કે પાંચ મિનિટ જેટલી સમય મર્યાદાને બદલે દર મહિને કોઈ બે સભ્યો વધુ સમય લઈ,  સાહિત્યના કોઈપણ રંગને ધ્યાનમાં રાખી પોતાનુ કથન  રજૂઆત કરી શકે અને સભ્યોને નિત નવા વિષયની આગવી માહિતી મળી શકે. સભ્યોએ ઉમળકાભેર આ સુચન અપનાવી લીધું અને  સાહિત્યના ઘણાં પ્રકારો પર સહુને આનંદ સાથે કાંઈક નવું જાણવા મળ્યું.

બીજી એક નવી પ્રથાની શરૂઆત કરી તે દરેક ભાષાનો આદર.  દર મહિને વિવિધ ભાષાના જાણીતા લેખક,કવિ જે સાહિત્ય સંગીત સાથે સંકળાયેલ છે, એમને મુખ્ય મહેમાન તરીકે આવકારી એમની પ્રવૃતિ વિશે પણ જાણકારી મેળવી.
એ સિલસિલામાં મરાઠીભાષી શ્રી મિલિંદ ફડકે, હિંદી ભાષી ડો.સરિતા મહેતા, મૂળ મરાઠી પણ ગુજરાતમાં રહેવાને લીધે ગુજરાતી જેમની બીજી મુખ્ય ભાષા બની ચુકી છે એવા હ્યુસ્ટનના જાણીતા ગીતકાર, ગાયક અને સંગીતકાર શ્રી શેખર ફાટક, જૈન સંપ્રદાયના બે શમણીજી જેમના આશીર્વાદ આપણને સહુને મળ્યા, પાટણ યુનિવર્સિટીના ભુતપુર્વ વાઈસ ચાન્સેલર ડો. દાઉદભાઈ ઘાંચી, ગાંધર્વ મહાવિદ્યાલય સાથે જોડાયેલા ડો. જનકભાઈ શાહ, પદ્મજાબહેન વસાવડા જેવી અનેક નામાંકિત વ્યક્તિઓને સાંભળવાનો લાભ મળ્યો.
એપ્રિલ માસમાં એક અનોખો કાર્યક્રમ કર્યો જેમાં ગીત સંગીત સાથે વાજિંત્રોની રમઝટ હતી. આપણા જ સભ્યોએ ઉમળકાભેર ભાગ લઈ એ સાંજને સુરીલી બનાવી દીધી હતી અને મોરની કલગીની જેમ એ શોભામાં શ્રી મનોજ મહેતા અને એમની મંડળીએ ચાર ચાંદ લગાવી દીધા હતા.
મે મહિનામાં ભારતથી પધારેલા કવયિત્રી ડો. ઉષા ઉપાધ્યાય જેઓ જૂમેળાના પ્રણેતા છે, તેમને મુખ્ય મહેમાન તરીકે આવકાર્યા અને મોટી સંખ્યામાં સભ્યો અને મહેમાનોએ હાજરી આપી. એમના કાવ્યો, ગઝલોનો મનભરીને આનંદ માણ્યો.
આ વર્ષનો સહુથી મોટો ઉત્સવ ૨૦૦મી બેઠકનો જલસો. ગુજરાતી સાહિત્ય સરિતા છેલ્લા ૧૯ વર્ષથી સતત દર મહિને મળતી એક સાહિત્યિક સંસ્થા છે, અને શ્રી દિપકભાઈના ઘેરથી શરૂ થયેલી આ સંસ્થા આજે પ્રગતિના સોપાન સર કરી ચૂકી છે.અમારૂં સૌભાગ્ય કે ઓગસ્ટ મહિનામાં ૨૦૦મી બેઠકને પુરા દબદબા સાથે ઉજવી. ઘરનો લગ્ન પ્રસંગ હોય એમ સહુ સજીધજીને આવ્યા હતા. તે વખતે મુંબઈના  ગઝલકાર શ્રી  સુરેશ ઝવેરીની હાજરી અને તેમની ગઝલોએ વળી સોનામાં સુગંધ ભેળવી. શ્રી વિશાલ મોણપરા દ્વારા શોધાયેલ પ્રમુખપેડને લીધે ગુજરાતી અને ભારતની અન્ય વીસ ભાષામાં લખવાની સુવિધાના ગૌરવભેર ઉલ્લેખથી  ૨૦૦મી એ બેઠક સભર રહી હતી.

ખજાનચી શ્રીમતી અવની મહેતાએ આખા વર્ષનો નાણાંકિય હિસાબ રજૂ કર્યો.પ્રમુખશ્રી અલીભાઈએ નવા વર્ષની કમિટીના કોઈપણ પદ માટે જેની ઈચ્છા હોય તેમને આગળ આવવા વિનંતી કરી. સહુએ એકમત થઈ શ્રીમતી શૈલાબહેન મુન્શાને પ્રમુખ બનવા તૈયાર કર્યા. શૈલાબહેને ઉપ પ્રમુખ તરીકે ચારૂબહેનનુ નામ  સૂચવ્યું અને સહુએ એકમત થઈ વરણી કરી.

આવતા વર્ષે  વધુ સંભવિત પ્રવૃત્તિઓને કારણે કમિટીએ ત્રણ સભ્યોને બદલે પાંચ સભ્યોની દરખાસ્ત મૂકી અને સહુના મત મળવાને કારણે એ દરખાસ્ત મંજૂર થઈ તેથી ખજાનચી તરીકે શ્રીમતી અવનીબહેન, સેક્રેટરી શ્રી સતીશભાઈ પરીખ અને સહ સેક્રેટરી શ્રી મનસુખભાઈ વાઘેલા એમ પાંચ સભ્યોની કમિટી બની. શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે સલાહકાર તરીકે નવા વર્ષે પણ નવી કમિટી સાથે જોડાવા ખુશી દર્શાવી. આમ,સહુની સંમતિથી ૨૦૨૦ની સાલ માટે નવી કમિટીની નિમણુંક થઈ ગઈ.

પ્રમુખઃ શૈલાબહેન મુન્શા.  ઉપપ્રમુખઃ ચારુબહેન વ્યાસ. ખજાનચીઃ અવનીબહેન મહેતા
સલાહકારઃ દેવિકાબહેન ધ્રુવ. સેક્રેટરીઃ સતીશ પરીખ. સહ સેક્રેટરીઃ મનસુખ વાઘેલા.

   

અત્યાર સુધીના ધારાધોરણ પ્રમાણે નવા નિમાયેલા સભ્યો પણ સરિતાના ઉત્થાન માટે જ કામ કરશે એવી બાહેંધરી પ્રમુખ શ્રીમતી શૈલાબહેને આપી.

અંતે સહુ સમૂહ ફોટો પડાવી, સંસ્થાના સભ્ય શ્રી વિજયભાઈ નાગરની ૪૧મી લગ્ન જયંતિ હોવાથી કેકની લિજ્જત માણી છૂટા પડ્યાં.

અસ્તુ,
શૈલા મુન્શા
તા. ૧૨/૧૦/૨૦૧૯

 

 

 

 

5 responses so far

5 Responses to “ગુ.સા.સ.બેઠક નં ૨૦૩નો અહેવાલઃ શૈલા મુન્શા”

 1. Satish T Parikhon 12 Dec 2019 at 7:25 pm

  બહુ સરસ અહેવાલ છે. સંક્ષિપ્ત અને સચો્ટ અહેવાલ. ખોબો ભરીને અભિનંદન. આશા રાખીએકે તમરારી રહબરી હેઠળ સાહિત્ય સરિત ઉતરોતર પ્રગતિ ના સોપાનો સર કરતી રહે.

 2. vijay Shahon 17 Dec 2019 at 8:00 am

  નવી કમીટીને અભિનંદન, સચો્ટ અહેવાલ
  ગુજરાતી સાહિત્ય સરિતાનાં વિકાસને હજી નવા સિધ્ધિનાં શીખરો સાંપડે તેવી શુભેચ્છાઓ

 3. શૈલા મુન્શાon 17 Dec 2019 at 2:27 pm

  ખૂબ આભાર સતીશભાઈ અને વિજયભાઈ.

 4. Navin BANKERon 19 Dec 2019 at 8:15 pm

  ખુબ સરસ અહેવાલ. ગુજરાતી સાહિત્ય સરિતા ખુબ સારુ કામ કરે છે. કમિટી મેમ્બર્સ પણ ઉત્સાહપુર્વક મહેનત કરે છે. સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા. સર્વે કમિટી મેમ્બર્સ ને અભિનંદન.

  નવીન બેન્કર ૧૯ ડીસેમ્બર ૨૦૧૯

 5. શૈલા મુન્શાon 21 Dec 2019 at 10:30 am

  ખૂબ આભાર નવિનભાઈ આપની શુભેચ્છાનો.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help