Jun 07 2020

તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય..બેઠક નં.૨૦૯ –અહેવાલ: નવીન બેંકર

Published by at 2:34 pm under બેઠકનો અહેવાલ

૨૦ વર્ષના ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં પ્રથમ વખત એક તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય.

અહેવાલઃ નવીન બેંકરઃ
સંપાદન અને સંકલનઃ દેવિકા ધ્રુવ

  જૂન, શનિવારે સવારે ૧૦ વાગે પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સરસ્વતી વંદનાથી બેઠક નં ૨૦૯ની શરૂઆત કરી.

પ્રથમ દોરમાં કવિનામની અંતાક્ષરીની રજૂઆત કરીને દેવિકાબહેન અને શૈલાબહેને સામસામે માહોલ સજાવ્યો. તે પછી તરત જ ૧૦ સભ્યોએ વારાફરતી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે સુંદર રીતે ગીતની પંક્તિઓ કે ગઝલના શેર રજૂ કર્યા.  મુખ્યત્વે તેમાં ગઝલકાર નાઝિર દેખૈયા, બેફામ,શેખાદમ આબુવાલા,અમર પાલનપુરી, ‘કામિલ’ વટવા, અદમ ટંકારવી, ગની દહીંવાલા, ગુલામ અબ્બાસ,સૌમ્ય જોશી, રશ્મિ શાહ,રાજેશ વ્યાસના શેર હતા તો કવિ શ્રી ઉમાશંકર જોશી, નરસિંહ મહેતા,જગદીશ જોશી, બાલમુકુંદ દવે, વિનોદ જોશી,અવિનાશ વ્યાસ,રમેશ ગુપ્તા, ચીમનલાલ જોશી,ધીરુબહેન પટેલ વગેરેના ગીતની પંક્તિઓ અને મુનિ ચિત્રભાનુની પ્રાર્થના પંક્તિ પણ રજૂ કરવામાં આવી હતી.

ભાગ લેનાર સંસ્થાના સભ્યો અનુક્રમે ઈન્દુબહેન શાહ, ફતેહ અલીભાઈ ચતુર, ભાવનાબહેન દેસાઈ, પ્રકાશભાઈ અને ભારતીબહેન મજમુદાર, શૈલાબહેન અને પ્રશાંત મુન્શા,રક્ષાબહેન પટેલ,જનાર્દનભાઈ શાસ્ત્રી અને દેવિકાબહેન ધ્રુવ હતા. ખૂબી હતી કે દરેક પંક્તિઓની સાથે તેમના રચનાકારના નામો બોલવામાં આવતા હતા. કેટલાંક સભ્યોએ ગાઈને પંક્તિઓ રજૂ કરી હતી.

         
ફોટો સૌજન્યઃ  સૈદ પઠાણ/ફતેહ અલીભાઈ ચતુર.

ત્યારબાદ  શ્રી મનસુખ વાઘેલા, પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ, જનાર્દનભાઈ વગેરેએ  પદ્યરચનાઓ રજૂ કરી હતી. સાહિત્યના વાતાવરણમાં એક જુદો અને નવો રંગ હતો.

બેઠકના બીજા દોરમાં દેવિકાબહેને  રાધા મહેતાનો પરિચય આપી, આકાશી માંડવેથી હ્યુસ્ટનના આંગણે પધારેલ આમંત્રિત મહેમાનનું શબ્દોના કંકુ-ચોખાથી તુલસીક્યારાની જેમ સ્વાગત કર્યું અને સૌ સભ્યોએ આંખના અમીથી રાધા મહેતાને આવકાર આપ્યો. જુનાગઢની માત્ર બાવીસ વર્ષની યુવાન વિદ્વાન, ચિંતકઅસ્ખલિત વાણીપ્રવાહ ધરાવતી અને સાત સાત ભાષાઓ જાણતી બહેનેગુજરાતી અને સંસ્કૃત ભાષા વિશે જે વાતો કરી એ અદભૂત હતી.

પ્રારંભમાં તેમણે ગુજરાતી સાહિત્ય એ માત્ર સરિતા જ નથીપણ સાગર છે. વિશાળ જળનિધિ છે એમ કહી તેમાં મળેલ અનેકવિધ સાહિત્ય અને સાહિત્યકારોની વિશેષતા અને મહત્તાને તેમની સમય-રેખા મુજબ જુદા જુદા તારકોના રૂપક દ્વારા મુક્તમને વર્ણવી. સંસ્કૃત-સાહિત્ય મુજબ  वाक्यंरसात्मकं काव्यं એમ જણાવી ‘જેમાં રસનિષ્પત્તિ થાય એ બધું જ સાહિત્ય’ કહી ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે એની વાતો કરતાંવેદઉપનિષદોનરસિંહના પદોઅખાની વાણીજોડકણાં, મુન્શીનું પાત્રાલેખન, ‘પૃથ્વી વલ્લભ’ પુસ્તકની એમના પર અસરકાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસના સંસ્મરણોતારક મહેતાના બધા જ પાત્રોનો પરિચયજ્યોતિન્દ્ર દવેનું હાસ્ય, ‘અકુપાર’ ના લેખક ધ્રુવદાદાની વાતમેઘાણીનો કસુંબલ રંગસૌરાષ્ટ્રના ખમીર અને ખુમારીની વાતોગુજરાતી ભાષાનું સંત સાહિત્યવેદવેદાંતસાંખ્યનો નિચોડ,  મરીઝઘાયલ અને રમેશ પારેખની રચનાઓ, ‘પ્રખ્યાત રચના ‘મોર બની થનગાટ કરેનું રસદર્શનપોતાના અસ્ખલિત વાણીપ્રવાહમાં. શ્રોતાઓ સામેથી નજર હઠાવ્યા વગરએટલી અદભુત રીતે રજૂ કર્યું કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

પોતાના વક્તવ્યના ઉત્તરાર્ધમાં સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસ અને શાકુંતલની વાતો કરતાં દુષ્યંત અને શકુંતલાના પરિચયથી માંડીને તેમના પ્રણયની રસિક વાતોશકુંતલાએની પ્રિયસખીઓ પ્રિયંવદા અને અનસુયાની વાતચીતદુષ્યંત અને ભરતનું મિલનએટલું આબેહુબ અને ચિત્રાત્મક રીતે રજૂ કર્યું કે કાલિદાસને પ્રણય અને પ્રકૃતિના શ્રેષ્ઠ કવિ કેમ કહે છે એ સૌને દાખલા સહિત ઊંડાણથી જાણવા મળ્યું.

 સમય ક્યાં સરી ગયો તેના ભાન વગર, ક્શું યે ચૂક્યા વગર સૌ એક ચિત્તે સાંભળી રહ્યા હતા અને વાક્પ્રવાહમાં રસતરબોળ  હતા. આવા દ્રશ્યો ભાગ્યે જોવા મળતા હોય છેધન્યતાના ભાવ સાથે સભાજનોએ ઊભા થઈ બહેન રાધાના વક્તવ્યને વધાવ્યું અને ડીજીટલી એક સન્માન પત્ર એનાયત કર્યુ. તે પછી થોડી મિનિટ વાર્તાલાપ પણ થયો. સૌના આભાર સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું.

આ અહેવાલનો સંપૂર્ણ વિડિયો ઝૂમ પરથી લઈને યુટ્યુબ પર  અહીં https://www.youtube.com/ GSS bethak 209 ઉપલબ્ધ કરી આપવા માટે અને  આખા કાર્યક્રમના નેપથ્યમાં રહી સતત કાર્યરત રહેનાર શ્રી વિશાલ મોણપરાને  ખૂબ અભિનંદન. બેઠકના ફોટા અને વિડિયો પોતપોતાની રીતે રેકોર્ડ કરવાની જહેમત માટે શ્રી જયંતભાઈ પટેલ, ભારતીબહેન મજમુદાર, ફતેહ અલીભાઈ અને શ્રી સૈદ પઠાણને પણ કામગીરી બદલ ધન્યવાદ. 

અત્રે સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટનો પ્રતિભાવ ઉલ્લેખનીય છે.

“Radha was superb and her talk was fascinating.  What she has mastered is unbelievable. She weaved many topics in a piece of fabric just like a spectrum of a rainbow and moved smoothly like a serpent touching many corners of a nest.  I was completely mesmerized by her vast knowledge in many areas and all at this young age !!!  I was very impressed that she knew about ભારતિય દર્શનો – દ્વૈતવાદ, અદ્વૈતવાદ and their variations by different આચાર્યો.  This is a very deep subject and not very many people even know about them.  I was very pleased when she talked a little about Munshi’s work (especially પૃથ્વીવલ્લભ)  and Meghani (especially ચારણ કન્યા).

Her narration on Shakuntala was excellent – very vivid and lucid. I found she is even better than many Ph.D. holders. She is a beacon of Gujarati language and an inspiration to all generations. Being an extraordinary orator, she presents the material in such a beautiful manner that a listener enjoys every moment of her talk.  She is blessed. “

 અને બોસ્ટનથી જાણીતા લેખિકા શ્રીમતી રાજુલબહેન કૌશિક લખે છેઃ

“હ્યુસ્ટન સાહિત્ય સરિતાની આ મીટિંગમાં જૂનાગઢના રાધા મહેતા મહેમાન વક્તા હતા. સાવ નાની ૨૨ વર્ષની ઉંમરે ગુજરાતી જ નહીં સંસ્કૃત સાહિત્યને પણ એમની નજરે ઓળખ કરાવી અને ૫૨, ૬૨ કે ૭૨ વર્ષના શ્રોતાઓ પણ મુગ્ધતાથી એમને સાંભળતા જ રહ્યા.

રાધા મહેતાએ જે રીતે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણીની કૃતિઓની વાત કરી એ સાંભળીએ તો એવું લાગે કે સાચે જ સાહિત્ય સમજવાની સાથે પચાવ્યું છે.

કનૈયાલાલ મુનશીના પૃથ્વીવલ્લભની વાત કરે ત્યારે રાધા મહેતાના અવાજનો રણકો એવો લાગે કે જાણે એમની સામે જ માલવપતિ મુંજ હાજર છે અને મૃણાલવતીની જેમ જ એ મુંજની આભા અને પ્રભાવના કેફથી અંજાયેલા છે. એ મેઘાણીની ચારણ કન્યાની એ વાત કરે તો એવું લાગે કે જાણે ચૌદ વર્ષની ચારણ કન્યા બનીને એ જ પેલા સાવજને પડકારતા ના હોય!

અરે ! તારક મહેતાના ઉલટા ચશ્માના પાત્રોની પણ એવી રીતે વાત કરે, ચાલીમાં રહેતા પાત્રોનો પરિચય એવી રીતે આપે કે જાણે એ સૌ સાથે એમને રોજે રોજની ઉઠક બેઠકનો કે મળવાનો સંબંધ ન હોય !

અને કાલિદાસ રચિત અભિજ્ઞાન શાંકુતલ વિશે તો એવી રીતે વાત કરી કે આપણી નજર સામે આખેઆખો કણ્વ ઋષિનો આશ્રમ તરવરે. સખીઓ સાથે આનંદ-પ્રમોદ કરતી શકુંતલા, ત્યાં ઉગેલો જ્યોત્સનાનો છોડ, એ છોડની સુગંધે આકર્ષાઈને આવેલો ભ્રમર અને એ ભ્રમરનું શકુંતલાના ઓષ્ઠ સુધી પહોંચવું, વૃક્ષના ટેકે ઊભા રહીને દુષ્યંતનું આ દ્રશ્યપાન કરવું, શકુંતલા-દુષ્યંતના મનમાં ઉદ્ભવેલો પ્રેમનો આવિર્ભાવ, દુષ્યંતનું શકુંતલાને ભૂલી જવાથી માંડીને પુનઃમિલન સુધી વાતોથી એ એવી તો રસપ્રદ રીતે રજૂ કરે કે સૌ રસતરબોળ થઈને સાંભળ્યા જ કરે.

આ બધી કૃતિઓથી આપણે સૌ પરિચિત છીએ પણ રાધા મહેતાએ એમના શબ્દો, એમના અસ્ખલિત વાણીપ્રવાહથી એ સમયે એવું તો અનોખું ભાવ વિશ્વ રચ્યું કે શ્રોતાઓને સમય અવધિ ક્યારે પૂરી થઈ એનો અંદેશો ન રહ્યો.

રાધા મહેતાનો પરિચય આપતા દેવિકાબેને કહ્યું એમની વાતો પરથી એમ લાગે કે એ સાહિત્યનો ઉચ્ચતમ આભ્યાસ તો કરે જ છે પણ સાથે સાથે સાહિત્યના સત્વને સમગ્રતયા આત્મસાત કરવાનો એ સતત પ્રયાસ કરતા રહે છે. ઉંમર સાવ નાની હોવા છતાં એમના જ્ઞાનના લીધે મનથી માન આપી દેવાય એવી એમની આંતરિક આભા છે. આવી આભા ધરાવતા રાધા મહેતાને માણવાની તક મળી એના માટે હ્યુસ્ટન સાહિત્ય સરિતાનો આભાર તો માનવો જ રહ્યો.”

ગુજરાતી સાહિત્ય સરિતાહ્યુસ્ટને યોજેલ  એક અભૂતપૂર્વ બેઠક હતી. આવી તેજસ્વી વ્યક્તિને આમંત્રણ આપી અત્રે સૌને લાભ આપવા બદલ સમિતિના સર્વે સભ્યોને ખોબો ભરીને દરિયા જેટલાં ધન્યવાદ.

લેખનઃ નવીન બેંકર
 સંપાદન અને સંકલનઃ દેવિકા ધ્રુવ

4 responses so far

4 Responses to “તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય..બેઠક નં.૨૦૯ –અહેવાલ: નવીન બેંકર”

 1. Chiman Patelon 07 Jun 2020 at 4:40 pm

  વાયરસના વાતાવરણમાંની આ બેઠક કેમ યાદ રહેશે? (૧)ફ્કત ૨૨ વર્ષની, વિદ્વાન અને કર્ણપ્રિય વાણી પ્રવાહથી સહુને મુગ્ધ કરી દિધા! (૨) રાજુલબેનની અનોખી રજુઆત (૩) ઓછુ બોલતા સાહિત્ય સરિતાના સભ્ય કે જેમને આ સરિતાનું સ્વપ્ન હતું ને એમના નિવાસસ્થાનપરથી જેની શરુઆત થઈ અને એમનો આજનો પ્રતિભાવ સૌને વાંચવા મળ્યો.(૪) નવીનભાઈનો આજનો અદભુત અહેવાલ અને છેલ્લે (Last but not the least)..(૫)દેવિકાબેનનું સંપાદન અને સંકલનથી તો સોનામાં સુગંધ ભળી !

 2. Navin BANKERon 07 Jun 2020 at 7:09 pm

  આમાં લેખનનો જાદુ નથી. સંપાદન અને સંકલનને કારણે જ, આ આખો યે અહેવાલ આટલો આકર્ષક બની શક્યો છે એટલો ઋણસ્વીકાર કરવો જ રહ્યો.
  વાંચકે જો નોંધ્યું હશે તો એમને, સંકલનકાર દેવિકાબેનની સાહિત્યશૈલિના દર્શન અવશ્ય થયા જ હશે.ઉચ્ચ કલારુચી,રસજ્ઞતા અને ચિંતનશીલતાના રંગો પુર્યા બાદ જ આવો અહેવાલ લખી શકાય. સાડા અગિયાર વાગ્યે કાર્યક્રમ પુરો થયો અને મારા મનને જે અવર્ણનિય આનંદ થયો કે મારે તો આ બેઠકનો અહેવાલ લખવાનો જ નહોતો છતાં, મેં બાર વાગ્યે મારો સમગ્ર પ્રતિભાવ ઘસડી નાંખ્યો. પ્રશાંત મુંશા ની જગ્યાએ પ્રશાંત મજમુદાર લખાઈ ગયેલું. ભાગ લેનાર ઘણાં મિત્રોના નામોલ્લેખ પણ હું ચુકી ગયેલોં. મનસુખ વાઘેલા, સતિષ પરીખ, પ્રદીપ બ્રહ્મભટ્ટ જેવા ખેરખાંઓના ઉલ્લેખ વગર , માત્ર રાધા…રાધા મગજ પર છવાઇ ગયેલી કે એને અહેવાલ ન કહેવાય. માત્ર મારા અંગત પ્રતિભાવો જ કહેવાય. પરંતુ, સાહિત્ય સરિતાના કુશળ સલાહકાર દેવિકાબેનના જાદુઇ સ્પર્ષથી આ અહેવાલ આટલો સુંદર બની રહ્યો.

  નવીન બેંકર ૭ જુન ૨૦૨૦

 3. ભારતી મજમુદારon 08 Jun 2020 at 9:17 am

  નવીનભાઈ, ટૂંક સમયમાં આટલો સરસ અહેવાલ તમે જ઼ લખી શકો. તમારા ઉપર પણ દેવી સરસ્વતી ના આશીર્વાદ છે.
  ખાલી લખવામાં જ નહીં તમે બોલી શકો છો પણ સુંદર.
  દેવિકાબેન અને શૈલાબેનના અગાધ પ્રયત્નો અને સૌ સભ્યોનો સહકાર અને એમાં ભળ્યાં રાધાબેન, જાણે સોનામાં સુગંધ ભળી. રાધાબેન વિષે તો જેટલું લખીયે એટલું આછું જ પડે. આજની નવી પેઢીને જોઈ ઘણીવાર ગુજરાતી ભાષાની ચિંતા થાય, પણ રાધાબેન જેવાને મળી આનંદ પણ ખુબ થાય. 👍👍👍🙏🌹
  રાધાબેન દૂર દેશથી બોલી રહ્યા હતાં પણ આપણી સમક્ષ ઊભાં હોય એવો અહેસાસ થતો હતો, અને એ માટે વિશાલભાઈનો આભાર માનવો કેમ ભુલાય ?
  ટૂંકમાં બધાયના સહિયારા સાથનું પરિણામ શ્રેષ્ઠ જ હોય.
  ખૂબ ખૂબ અભિનંદન !!!🌹🌹🌹

 4. શૈલા મુન્શાon 08 Jun 2020 at 10:44 am

  આ મહિનાની ઝુમ બેઠક ઘણી રીતે યાદગાર બની ગઈ. સહુ પ્રથમ આટલો ત્વરિત પ્રતિભાવ સભ્યો તરફથી ક્યારેય મળ્યો નથી. સાહિત્ય સરિતાના સભ્ય ના હોય એવ મિત્રોનો પ્રતિભાવ જો તેઓ લેખક, કવિ હોય અને આપણો અહેવાલ એમણે વાંચ્યો હોય તો પોતાનો અભિપ્રાય આપે, પણ આ વખતે મારા મિત્ર કિરણભાઈ ભારતથી જોડાયા, આખી બેઠકમાં હાજર રહ્યા અને પોતાનો પ્રતિભાવ પણ દર્શાવ્યો એ રાધા મહેતાના વક્તવ્યને લીધે શક્ય બન્યું.
  સહુ સભ્યોને રાધા મહેતાએ મંત્રમુગ્ધ કરી દીધાં, સાથે જ નવીનભાઈની યાદશક્તિને સલામ!!
  પ્રત્યેક વાતો યાદ રાખી અક્ષર સહ અહેવાલમાં સમાવવી એ એટલું આસાન નથી. દેવિકાબહેન તો સિધ્ધહસ્ત લેખિકા છે, એમણે અહેવાલને વધુ શણગારી વાચકો સામે પ્રસ્તૂત કર્યો અને આજે દુનિયાભરમાંથી લોકોના પ્રતિભાવ ફેસબુક પર, ઈમૈલ દ્વારા, ફોન દ્વારા આવી રહ્યાં છે.
  ખરેખર આ કોરોનાના આપત્તિકાળમાં બે કલાક લોકો સઘળી વ્યથા ભુલી રાધામય બની ગયા એનો અમને આનંદ છે. ભવિષ્યમાં રાધાને રૂબરૂ સાંભળી શકીએ એ આશા સહિત,
  પ્રમુખ શૈલા મુન્શા

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.