Oct 22 2015

સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનો અહેવાલ

Published by at 3:26 pm under Uncategorized

સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનો અહેવાલ- નવીન બેન્કર
૧૨મી જુલાઇ ૨૦૧૫ને રવિવારે, સુગરલેન્ડના ઇમ્પીરિયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠક ખાસ તો, કેલિફોનિયાના, ૯૬ વર્ષની વયના કોમ્યુનિટીએક્ટીવીસ્ટ શ્રી. હરિકૃષ્ણ મજમુદાર દાદાનું બહુમાન કરવા માટે, શ્રી. વિજય શાહે સ્પોન્સર કરી હતી.


કાર્યક્રમની શરૂઆત શ્રી. નરેન્દ્ર વેદ અને શ્રી. નિખીલ મહેતાએ આઠમી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલ, શ્રી. રઈસ મણીયાર ના કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અંગે વાતો કરી. શ્રીમતિ ભાવનાબેન દેસાઇએ તેમના મધુર કંઠે પ્રાર્થનાગીત રજૂ કર્યા બાદ,સંસ્થાના સૌથી સિનીયર એવા ૯૫ વર્ષની વયના લેખક-કવિ શ્રી. ધીરુભાઇ શાહે ગદ્યપઠન કર્યું હતું અને સંસ્થાના ભૂતપુર્વ પ્રમુખ શ્રી. વિશ્વદીપ બારડે શ્રી. રઈસ મણીયાર સાથેના પોતાના સંસ્મરણો રજૂ કર્યા બાદ, પોતાની એક સ્વરચિત કૃતિ સંભળાવી હતી.

કાવ્ય અને ગઝલક્ષેત્રે ખુબ ઝડપથી પ્રગતિ કરી રહેલા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે પોતાની સ્વરચિત કૃતિ
‘દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો’
સંભળાવી હતી. શ્રીમતિ ભાવનાબેન દેસાઇએ જાણીતું ગીત ‘ અધુરૂં રે મારૂં આયખુ’ કુમાશભર્યા સ્વરે રજૂ કર્યું હતું.
કાર્યક્રમના આયોજક અને સ્પોન્સર શ્રી. વિજય શાહે શ્રી. હરિકૃષ્ણ દાદાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને દાદા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. ૨૦૦૮ થી દાદાએ, પોતાની સાહિત્યસેવામાં અને પુસ્તક-પ્રકાશનની પ્રવૃત્તિમાં દાદાએ કેવો સહકાર અનેમાર્ગદર્શન આપ્યું છે તેની વિગતવાર વાતો કરી.
૧૯૧૯ માં વડોદરા ખાતે જન્મેલા દાદા ૧૯૪૧માં તો એલ.એલ.બી. થયેલા અને ૧૯૪૩થી મુંબઇની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરીએ લાગ્યા હતા. ( બાય ધ વે, આ અહેવાલના લેખકે પણ એકાઉન્ટન્ટ જનરલની અમદાવાદ ઓફીસમાં ઓડીટર તરીકે૨૬ વર્ષ નોકરી કર્વી છે.) ૧૯૭૭માં નિવૃત્ત થયા પછી, દાદા , ૧૯૮૫માં અમેરિકા આવ્યા. અમેરિકા આવીને તેમણે કોમ્યુનિટી કોલેજમાંકેલ્ક્ય્લસ અને શેક્સપિયરનો ઉંડો અભ્યાસ કર્યો. એક પુસ્તક પણ અંગ્રેજીમાં લખ્યું અને ઇન્ડિયા પોસ્ટ નામના છાપા માટે ત્રણ વર્ષ સુધી કોલમ લખી.
અમેરિકામાં સિનીયરોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદા અને તેમને અપાતી છૂટછાટોનો અભ્યાસ કરીને, લોકોની સોશ્યલ સિક્યોરીટી, ઇમીગ્રેશન વગેરેની ગુંચો ઉકેલવાની મદદમાં લાગીગયા. ૨૦૦૨માં, અમેરિકાની વેલ્ફેર યોજનાઓની એક માર્ગદર્શિકા ‘ભુલભુલામણીનો ભોમિયો’ પણ બહાર પાડી હતી. અમેરિકાભરમાં વિવિધ મંડળો એમને માર્ગદર્શન આપવા માટે આમંત્રણો આપવા લાગ્યા. અમેરિઅકાના સેનેટરોએ, અદાલતોને, પત્રકારોનેઅને નેતાઓને પત્રો અને પીટીશન્સ લખીને ન્યાય અપાવવાના કામમાં લાગી ગયા. તેમને સેવાની આ પ્રવૃત્તિ માટે ઘણાં એવોર્ડ મળ્યા છે. સાન્તા ક્લેરા કાઉન્ટીના હ્યુમન રીસોર્સીસ કમીશન તરફથી ‘ટોની સીક્સ મેમોરિયલ એવોર્ડ દાદાને મળેલો છે. ૨૦૧૧માંતેમણે સાઉથ એશીયન સિનીયર સર્વીસ એસોસિયેશન ની રચના કરી છે.

પછી કાર્યક્રમનો દોર, દાદાને આપવામાં આવ્યો. તેમણે પોતાની હળવી અને રમુજી શૈલિમાં પોતાના જીવનના રસિક પ્રસંગો, અનુભવોની લ્હાણી કરીને શ્રોતાઓને ખુબ હસાવ્યા સાથે જ્ઞાન પણ આપ્યું. લગભગ દોઢ કલાક ચાલેલા આ વાર્તાલાપની બધીવિગતો અત્રે લખવાનું શક્ય નથી પણ થોડા પોઇન્ટ્સ જણાવું
.
દાદાની છીંકણીની વાત…એલીસ નામની એક્ટ્રેસ સાથેના સંસ્મરણો…પોતે હરિકૃષ્ણ માંથી ‘ હેરી’ કેવી રીતે બન્યા…શેક્સપિયરના અભ્યાસે પોતાને કેટલો ફાયદો કરાવ્યો..પોતે કેવા કેવા સિનિયરોને વેલ્ફેર અપાવવામાં મદદ કરી હતી એના કિસ્સા..તેમનાકેટલાક ક્રાંતિકારી વિચારો…અને ઘણું બધું…

નવોદિત લેખકોને સલાહ આપતાં તેમણે કહ્યું કે શેક્સપિયરને વાંચો અને સમજો. સિનિયરોને સલાહ આપતાં તેમણે કહ્યું કે પોતાના સાંકડા વર્તુળમાં જીવન જીવવા કરતાં બહાર નીકળી અહીંના સમાજની વિશેષતા માણશો તો આનંદપુર્વક જીવી શકશો.હકારાત્મકતા એ જીવનમાં સુખી થવાનો મંત્ર છે. બાળકો પર તમારા સિધ્ધાંતો થોપશો નહીં. શક્ય છે કે બદલાયેલા સમય અને સંજોગોમાં એ બધું એમને ઉપયોગી ન પણ લાગે. અહીં અમેરિકામાં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. અન્યને માન અને પ્રેમ આપે છે.આ અહેવાલના લેખક સાથેની વાતચીતમાં એમણે કેટલીક , આપણો ચોખલિયા અને રૂઢીગત જીવન જીવતો હિન્દુ સમાજ સહન ન કરી શકે એવી ક્રાંતિકારી વાતો પણ કરી જેનો અહેવાલ હું જુદો લખીશ. આપણી સંસ્કૃતિના નિયમો આપણી પર લાદવામાંઆવેલા છે. એને ભૂલીને ‘આજ’ માં જીવો.

શ્રી. હરિકૃષ્ણ દાદાના પુસ્તક ‘આપવું એટલે પામવું’ નું વિમોચન લગભગ એમની જ ઉંમરના શ્રી. ધીરૂભાઇ શાહના શુભહસ્તે કરવામાં આવ્યું હતુ. અને સ્મૃતિચિહ્ન ( Plaque ) અર્પણ કર્યું હતું.
શ્રી. મુકુંદ ગાંધીએ સંસ્થા વતી તેમનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
શ્રી. નરેન્દ્ર વેદે આભારવિધિ કર્યો હતો. સેવ,ચેવડો, પાતરા, પેંડા, અને છાશ નો નાસ્તોપાણી કરીને સૌ છૂટા પડ્યા હતા.


P1040901 (1) P1040980 (1)

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help