Sep 27 2013

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ _ શ્રી નવીન બેંકર.

DSC_7636

૨૨સપ્ટેમ્બર ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી. ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિશ્રી વિશાલ મોણપરાને ‘ વેબગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો અને સાથે સાથે તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર કાર્યક્રમ, પ્રથમ વખત , ‘ગુગલ હેન્ગ આઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો પણ આનો લાભ લઈ શક્યા હતા. આ કાર્યક્રમ યુ ટ્યુબ પર પણ જોઇ શકાય છે.

https://plus.google.com/events/cq03s7bih9di1ltonrj5uh08mbc
ગુગલ હેંગાઉટનૂ દુર્લભ દ્રશ્ય કે જ્યાં હ્યુસ્ટન બહારનાં સર્જકો નીચે દ્રષ્ટીગોચર થાય છે

શરુઆતમાં, સંસ્થાના કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રવિણાબેન કડકીયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઇને શુભારંભ કર્યો. યજમાન દંપતિ દિનેશભાઇ અને હેમંતિબેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરુ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ભાગ લેનાર સર્જકો હતા- સર્વશ્રી. ધીરુભાઇ શાહ, ચીમન પટેલ, ગિરીશ દેસાઇ, પ્રવિણા કડકીયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડોક્ટર ઇન્દુબેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી. નુરુદ્દીન દરેડીયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિધ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપીયા’ વાંચી સંભળાવી હતી. નિતીન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઇ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી.સુરેશ દલાલ, સ્વ. શ્રી. હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાના કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પુરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.

વિશાલ મોણપરા, સતીશભાઇ, ધીરુભાઇ, અને ડો લુલ્લા
બેઠકના બીજા દૌરમાં, શ્રી. વિજય શાહે , વિશાલ મોણપરાની સિધ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી. નિલકંઠભાઇને, વિશાલને આશીર્વચન આપવાની વિનંતિ કરી, શ્રી. નિલકંઠભાઇએ, વિશાલની BAPS પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી, સંતોના આશીર્વચનો સંભળાવ્યા.
બી.એ.પી.એસ. હ્યુસ્ટન મંદિરના કોઓર્ડીનેટર બાબુભાઇ પટેલે પૂ. મહંતસ્વામીનો આશીર્વાદ પત્ર વાંચ્યો હતો.
ધન્યવાદ ! ખૂબ ખૂબ અભિનંદન! આપે દુનિયામાં ગુજરાતી માતૃભાષાને ગૌરવ અપાવે તેવું અદ્‌ભૂત કાર્ય કર્યું છે. આપશ્રીએ આ કાર્ય દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતી માતૃભાષા જીવંત રાખવાના શુભ સંકલ્પને ટેકો તેમજ વધુ વેગ આપ્યો છે. આપના આ કાર્ય દ્વારા વિશ્વને તથા ખાસ કરીને ગુજરાતી સમાજને પોતાના કમ્પ્યુટર વ્યવહારમાં ખૂબ જ સહાયક થશે. આપના આ સંશોધનોથી ખાસ કરીને ‘પ્રમુખ કી પેડ’ થી BAPS સત્સંગ સમાજ તથા તમામ ગુજરાતી બંધુઓ સરળતાથી પોતાના વિચારોને ગુજરાતી ભાષાના માધ્યમથી આપ-લે કરી શકશે. ‘પ્રમુખ કી પેડ’ નામકરણ દ્વારા આપે આપનો તમામ યશ ગુરૂહરિ પ.પૂ. પ્રમુખસ્વામીના ચરણોમાં મૂકી આપની આ વિશિષ્ટ ભક્તિ અદા કરી છે તે પ્રશંસાને પ્રાપ્ત છે. અમો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ આ ક્ષેત્રમાં વધુને વધુ સિદ્ધિઓ હાંસલ કરો તથા ‘ગુજરાતી સ્પેલ ચેકર’ પ્રોજેક્ટમાં પણ પૂર્ણ સફળતા મળે તે પ્રાર્થના.
પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આપના આ શુભ કાર્ય માટે આશીર્વાદ પાઠવ્યા છે.
બી.એ.પી.એસ. ચેરીટીઝના પ્રમુખ નીલકંઠભાઇ પટેલે હ્યુસ્ટન મંદિરના કોઠારી પૂ. પ્રિયસેવા સ્વામી, પૂ. કૃષ્ણપ્રેમ સ્વામી અને પૂ. કૈવલ્યમૂર્તી સ્વામી તથા વિશાલ સાથે જ મંદિરમાં ગુજરાતી વર્ગોમાં સેવા આપતા તુષારભાઇ પટેલ અને સુલભભાઇ પટેલ વતી ભગવાનને ચડાવેલ પ્રસાદીનો હાર અર્પણ કર્યો હતો. વધુમાં વિશાલના ગુજરાતી સાહિત્ય સરિતા સાથે મળીને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારના કાર્યને બિરદાવ્યું હતું.

૯૨ વર્ષની વયના વડીલ શ્રી. ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી. કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
શ્રી.વિશાલ મોણપરાએ એ અંગે અતિ નમ્રતાપૂર્વક સર્વેનો આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.
‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઇએ છે ?
ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે ?
શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના ?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે ?

ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી વિશ્વદીપ બારડે વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે દેવિકા ધ્રુવને આમંત્રણ આપ્યું અને તેમણે વિશાલની સિધ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.- ‘વેબગુર્જરી’ના શ્રી. જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી. વિશ્વદીપભાઇએ વાંચી સંભળાવ્યો હતો.

અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતા માટે મથનાર કવિશ્રી. વિશાલ મોણપરાને વિશાળ સન્માનપત્ર સાહિત્ય સરિતાના પ્રમૂખ વિશ્વદીપ,સંચાલક પ્રવિણાબેન,સહસંચાલક સતીશ અને બોર્ડના સભ્યોએ અર્પણ કર્યું હતુ. જેને હાજર રહેલા સૌ સાહિત્યરસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આખી યે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટનની શાનની એક અજબની લ્હેરખી હતી.

ડો. કમલેશ લુલ્લાએ આ પ્રસંગે એક દીવો પ્રગટાવીને ધીરુભાઇને આપી અને સાંકેતિક રીતે તે દીપક વિશાલને સોંપી માતૃભાષાની જ્યોત નવી પેઢીને સોંપી.
ગુગલ હેંગ આઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નિલમબેન દોશી ( વિજયવાડા), રેખાબેન સિંધલ ( ટેનેસી), ડોક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર ( કેલીફોર્નીયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરે એ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલ હેંગ આઉટ પર, હ્યુસ્ટનમાં બેઠા બેઠા, છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દ્રષ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનિય હતો. આ પ્રથમ પ્રયાસનું શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના સહાયક તરીકે, સતત કાર્યરત શ્રી વિજય શાહ, પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ, અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.
અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી વિશ્વદીપ બારડ , સંચાલક પ્રવીણાબેન કડકિઆ ,સહ-સંચાલક શ્રી સતીશ પરીખ વગેરેએ, પ્રસંગોચિત આભારવિધિ કરી હતી અને સૌ, ધીરુકાકા, દિનેશભાઇ અને હેમંતિબેનના દહીંવડા, રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે, ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યા હતા.
શબ્દાંકન શ્રી. નવીન બેન્કર)
તસ્વિરઃ જયંતભાઈ પટેલ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help