Mar 24 2024

૨૫૪મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ

Published by at 5:01 pm under બેઠકનો અહેવાલ

ગુ.સા.સ.ની ૨૫૪મી બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૪મી બેઠક, માર્ચ ૨૩, ૨૦૨૪ના રોજ  ઇમ્પીરિઅલ  હૉલ, સુગરલૅન્ડ’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી.

પ્રણાલિકા મુજબ સૌથી પ્રથમ  ‘या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥  સમૂહમાં સરસ્વતી વંદના  કરવામાં આવી. પ્રાર્થનાનો ઉપાડ શ્રીમતી અવની મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો.

બેઠકમાં ૩ વિષય આપવામાં આવ્યા હતા. ૧. નારી તું નારાયણી. ૨.વસંતના વધામણાં અને ૩. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સાહિત્ય.

   

સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતા દ્વારા સ્વાગત,જરૂરી સૂચના, આગામી કાર્યક્રમની જાહેરાત વગેરે થયા બાદ બેઠકનો દોર શરૂ થયો. પ્રથમ વક્તા હતા શ્રી મનસુખ વાઘેલા, જેમણે ‘ઉંઘ ઊડી ગઈ’ એ શિર્ષક હેઠળ વાર્તામય શૈલીમાં પોતાના તાજેતરમાં થયેલ અનુભવને કહી સંભળાવ્યો. તેમનો અનુભવ સૌને સચેત કરનાર હતો. તે પછીના વક્તા શ્રીમતી મીના પારેખે આજના વિષયને અનુરૂપ ‘નારી તું નારાયણી’વિષય પર પોતાના વિચારોને સાહિત્યિક રીતે રજૂ કર્યા. તેમનો  પ્રથમ પ્રયત્ન પ્રશંસનીય હતો. એ જ વિષયને આગળ વધારતાં શ્રીમતી સીતાબહેન કાપડિયાએ ‘નારાયણી નમોસ્તુતે’ પુસ્તકમાંથી પોતાને ગમતાં કેટલાંક પાનાં વાંચી સંભળાવ્યાં. તેમાં નારીનાં વિવિધ રૂપોની સવિશેષ વાતો હતી. ત્યારબાદ ‘વિકલાંગ નારીની સબળતા’નો અછડતો ઉલ્લેખ કરી શ્રીમતી ઇન્દુબહેન શાહે વિષયને વળાંક આપ્યો. તેમણે કેટલાંક સ્વરચિત હાઈકુ રજૂ કર્યા અને ‘વસંત આવી, વસંત આવી’ શિર્ષકવાળી પોતાની રચના સંભળાવીને વસંતનાં વધામણાં કર્યાં.

   

સંસ્થાના જૂના અને પાયાના સભ્યોમાંના એક શ્રી હેમંત ગજરાવાલાએ આજના વિષય ‘આલ્બર્ટ આઈન્સ્ટાઈન’ના  સંદર્ભમાં બીજાં એક વૈજ્ઞાનિક મિ.ફેન્મેનના એક પુસ્તક ‘You must be joking’ અંગે થોડી વાતો કરી. તે પછી શ્રી અરવિંદ  થેકડીએ  શ્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સાહિત્ય વિશે ૧૫ મિનિટનું તૈયાર કરેલ ‘પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન’ રજૂ કર્યું. તેમના જન્મથી માંડીને ડાયરી,રીસર્ચ, વૈજ્ઞાનિક શોધ,લેખો, નોબલ પ્રાઈઝ વગેરેની વિગતસભર માહિતી આપી. આ વૈજ્ઞાનિકની એક વાત ખૂબ વિચારપ્રેરક છે કે, “  ધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્રો પોતપોતાની રીતે એકબીજાથી તદ્દન અલગ છે, તે છતાં બંને વચ્ચે પરસ્પર એક મજબૂત સંબંધ છે.”  આઇન્સ્ટાઈનના ‘The world as I see it” અંગે પણ શ્રી અરવિંદભાઈએ થોડી વાતો કરી.

  

ત્યારબાદ શ્રીમતી દેવિકા ધ્રુવે વસંત વિષયને અનુરૂપ સ્વરચિત બે રચના સંભળાવી જેના શબ્દો હતાઃ

૧. ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,
કોમળ કૂણો તડકો વીંટે અંગઅંગ મનભાવન. અને

૨. તડકો વીંટીને અંગ બેઠાં’તાં સંગસંગ, હૂંફાળા હાથ લઈ હાથમાં,
આભના તે વાદળને આવી ગઈ ઇર્ષા, ને સૂરજને ઢાંક્યો લઈ બાથમાં.

  

તો  શ્રીમતી પ્રવીણા કડકિયાએ સ્વરચિત ‘નારી તું નારાયણી’ ધ્રુવપંક્તિ પર એક ગીત ગાઈ સંભળાવ્યું અને સભાજનોને મુખ્ય પંક્તિ ઝીલવા માટે પ્રેર્યા. તે ઉપરાંત તેમણે નારીનાં વિવિધ રૂપો વિશે પોતાના વિચારો પ્રદર્શિત કર્યા. સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે  ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં પ્રકાશિત થયેલ દેવિકા ધ્રુવના  “પારિજાત પૅલેસ’નાં સુંદર લેખ અંગે વાત કરતા જણાવ્યું કે, આ રીતે અજાણ્યા સર્જકની કૃતિઓનું અવલોકન થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે, તેમાં તટસ્થતાપૂર્વક કૃતિની ખૂબી અને ખામીની ચર્ચાઓ થઈ શકે. તેમનું સૂચન નોંધપાત્ર હતું.

  

સમય સરતો જતો હતો ને પ્રેક્ષકોમાં રસ જામતો જતો હતો. શ્રી હસમુખભાઈ પટેલે  જૂની યાદ તાજી કરતાં વસંત પરનું  એક ગીત ‘ઓ રે ઓલી ગેબી ગગન કેરી કોરથી ઉતરતો, રંગે નીતરતો,નૈના નચાવતો ફાગણ આવ્યો” ગાઈને સંભળાવ્યું. સૌને મઝા આવી. વાતાવરણમાં રંગત આવતાં સંસ્થાના સલાહકાર શ્રી હસમુખ દોશીએ નારીની ફરજ અને ધર્મ અંગે પોતાના વિચારો રજૂ કર્યા જે તણખાની જેમ ચર્ચાના મંચ ઉપર ચડ્યા. નારી વિષય સરીને સ્ત્રી-પુરુષોની ફરજ તરફ વળવા માંડ્યો. થોડી પ્રશ્નોત્તરી થઈ, થોડા સંવાદો અને વિવાદો થયા અને વિષય વધુ ચાકડે ચઢે તે પહેલાં શ્રી દીપકભાઈ ભટ્ટે વિષયને “understanding between both” કહીને સુખદ વળાંક આપ્યો. શ્રી પ્રફુલભાઈ પારેખે પણ ‘મનુસ્મૃતિ’નું અવતરણ ટાંકી તેને સમર્થન આપ્યું.

 

છેલ્લા વક્તા હતા શ્રી નિખિલ મહેતા. તેમણે આઇન્સ્ટાઈનને નાનપણમાં થયેલ બે અનુભવોની વાત કરી. તેમને હોલીવુડમાં પણ રસ હતો તેમ જણાવી ચાર્લી ચેપ્લિન સાથેનો રમૂજી સંવાદ રજૂ કર્યો જે સાંભળતાની સાથે જ સભાજનોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. તે ઉપરાંત નિખિલભાઈએ આઇન્સ્ટાઈનનાં તેમને ગમતાં બે અવતરણો અંગ્રેજીમાં વાંચ્યાં અને તે પછી તેનો પોતે કરેલો ગુજરાતી અનુવાદ પણ વાંચી સંભળાવ્યો જે કાબિલેદાદ હતો.

બપોરના ૨.૧૫ વાગે શરૂ થયેલી બેઠક બરાબર ૪ વાગે, નિર્ધારિત સમયે પૂરી કરવામાં આવી. તે પછી સામૂહિક તસ્વીર લેવામાં આવી અને અલ્પાહારને ન્યાય આપી સૌ છૂટાં પડ્યાં.

ત્રણે વિષયોને આવરી લેતી આજની બેઠક તેના વૈવિધ્યને કારણે સફળ રહી. સર્વે આયોજકો,સહાયકો, વક્તાઓ અને શ્રોતાઓને અભિનંદન.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

2 responses so far

2 Responses to “૨૫૪મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ”

  1. ભારતી મજમુદારon 24 Mar 2024 at 8:01 pm

    દેવિકાબેન ખુબ ત્વરિત અને વિગતવાર અહેવાલ વાંચી આનંદ થયો. અમે હાજર ન રહી શકવાનો અફસોસ હતો પણ અહેવાલ વાંચી હાજર રહ્યા હોય એમજ લાગ્યું.
    ખુબ ખુબ આભાર !

  2. શૈલા મુન્શાon 07 Apr 2024 at 6:56 am

    દેવિકાબહેન, દુર હોવા છતાં આવો સુંદર અને સવિસ્તાર અહેવાલ વાંચી ત્યાં હોવાની અનુભૂતિ થઈ. સર્વે વક્તાઓને હાર્દિક અભિનંદન.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.