Mar 21 2019
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં. ૧૯૫- અહેવાલ-ડો.ઈન્દુબેન શાહ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક # ૧૯૫– અહેવાલ— ડો. ઈન્દુબેન શાહ
તારીખ ૧૭ માર્ચના રોજ સુગરલેન્ડ કોમ્યુનીટી હોલમાં બપોરના દોઢથી સાડા ચાર સુધી બેઠક રાખવામાં આવી હતી. દોઢથી બે વાગ્યા સુધી સૌ સભ્યોએ હળવા નાસ્તા સાથે સ્નેહમિલન કર્યું. બરાબર બે વાગે પ્રમુખ શ્રી ફતેહઅલીભાઇએ શ્રી નિખિલભાઈને પ્રાર્થના માટે બોલાવ્યા. નિખિલભાઇએ સરસ્વતી વંદના કરી. ત્યારબાદ પ્રમુખશ્રીએ આજના મહેમાન વક્તા શ્રીમતી ડો.સરિતાબેન મહેતાનો સવિસ્તર પરિચય આપ્યો. સરિતાબેન હિન્દીભાષાના વિદુષી કવયિત્રી, લેખિકા અને રાઈસ યુનિવર્સિટિમાં લેકચરર છે. તેમને ૪૦ જેટલા એવોર્ડસ મળેલ છે.
.

ત્યારબાદ સૂત્રધાર શૈલાબેન મુન્શાએ બે વક્તામાંના પ્રથમ વક્તા શ્રી ચીમનભાઇ પટેલનો પરિચય આપ્યો. તેઓ હાઈકુ તથા ફોટોકુ ઉપરાંત ફોટોગ્રાફી, સુંદર બાગકામ તેમજ ખેતી તથા ચિત્રકળા પણ કરી જાણે છે. ચીમનભાઈએ લઘુકથા વિષે માહિતી આપી. લઘુકથા શબ્દ સૌ પ્રથમ ‘કુમાર’ માસિકમાં શાળાના રિપોર્ટમાં પ્રકાશિત થયો તે લઘુકથા નામથી થયેલ. જેમ હાઈકુમાં ‘સ્નેહરશ્મિ’નું નામ તેમ લઘુકથામાં શ્રી મોહનભાઇ પટેલ ગુરુ મનાય છે. તેઓશ્રીએ લઘુકથાનું એક પુસ્તક છપાવેલ છે. તેમાંથી ચીમનભાઈએ શ્રી રતિલાલ બોરીસાગરની લખેલ લઘુકથા ‘આલંબન” રજૂ કરી.
તેની સંવેદના, લાગણી અને છેલ્લે અંત થકી શ્રોતાજનોને ભાવ વિભોર બનાવી દીધા. પોતાની પણ એક લઘુકથા ‘પેઈન્ટીંગ’ અંગે વાત કરી.
ડો. ઈન્દુબેન શાહે નારી દિવસે લખેલ કાવ્ય “સ્ત્રીલિંગનો સંગ” વાંચ્યું જેમાં પુરુષ સવારથી રાત સુધી કેટલા બધા સ્ત્રીલિંગ નામ સાથે જોડાયેલ તેનું વિશ્લેષણ કરી જગતની સર્વ સ્ત્રીને સમર્પિત કર્યું. બધા સભ્યોએ તે આવકાર્યું.
ભાવનાબેને તેમના સુમધુર સૂરમાં કવિ શ્રી ભાસ્કર વોરાનું ગીત ‘અલી તારું હૈયુ કેસુડાનું ફૂલ’ ગાયું અને કવિ શ્રી નાનાલાલના બે ત્રણ ગીતોની ઝલક પણ યાદ કરી.
તે પછી શૈલાબેને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ એક સુંદર હિંદી સ્વરચના સંભળાવી.
તેના શબ્દો હતાઃ
जिस देशमें बहती थी दूधकी नदियां,आज क्यूं बहने लगी रक्तकी नदियां? आओ मिलकर रचे एक नया ईतिहास,सीखा दे दुनियाको अहिंसाका मार्ग!।
મહેમાન વક્તા ડો.સરિતાબેન મહેતાએ ‘સાહિત્ય સરિતામાં પોતે સરિતા’ કહી સંગમનો આનંદ વ્યક્ત કર્યો. ત્યારબાદ પોતાની જુદી જુદી પ્રવૃતિની માહિતી આપી. તેઓ યોગ,આયુર્વેદ અને મેડીટેશનની વિદ્યાધામ સંસ્થા ચલાવે છે. તેમણે Peace Clubની શરૂઆત કરી છે how to control Mind and Soul કહી એક કવિતા રજૂ કરી.
‘सांसका आना जाना है जींदगी।
सांसोपे अपना ध्यान किया किजीये॥’
હવે શ્રી નવીનભાઈ બેંકર જે બીજા મુખ્ય વક્તા હતા તેમણે તેમના જીવનમાં થયેલ પ્રકાશન અંગેના અનુભવ વિષે વાત કરી. તેઓ શ્રી નાનપણથી વાર્તાઓ લખતા. ઘણા મેગેઝીન જેવા કે સ્ત્રી, શ્રી, ચિત્રલેખા વગેરેમાં તેમની વાર્તાઓ છપાતી. તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ “ હેમવર્ષા “૧૯૬૫માં પ્રકાશિત થયો. ત્યારબાદ બીજો ૧૯૭૧માં. વચ્ચેના ગાળામાં તેમણે ઘણી પોકેટ બુક લખી. ત્યારબાદ તેમણે ઘણા ફિલ્મ કલાકારોના તથા નાટ્ય, નૃત્ય કલાકારોના ઈન્ટરવ્યુ લીધા, ન્યુઝ પેપરમાં છપાયા. અમેરિકા આવ્યા બાદ તેઓ કલાકારોના ઈન્ટરવ્યુ લેવાનું કામ કરતા તથા વિવિધ સંસ્થાના પ્રોગ્રામના અહેવાલ પણ લખતા રહ્યા છે.. તેમની વિવિધ લેખન પ્રવૃતિને સૌએ તાળીઓથી વધાવી.
ચારુબેન વ્યાસે અમેરિકાના સારા તથા કડવા અનુભવ વિષે વાત કરી. તેઓ મોન્ટેસરી સ્કૂલમાં શિક્ષિકા છે, તેઓ કેલિફોર્નિયા હતા ત્યારે બસમાં બહુ સારો અનુભવ થયેલ. એક વખત તેમની પાસે એક ડોલર છૂટો નહી હોવાથી ૨૦ ડોલર લેવાની કંડકટરે ના પાડી ત્યારે એક અમેરિકન બેને તેમનો ડોલર આપી દીધો ને પાછા લેવાની અપેક્ષા વગર જ પોતાનું સ્ટૉપ આવતાં બસમાંથી ઊતરી પણ ગઈ.
ત્યારબાદ જનાર્દન ભાઈએ પોતાના બાળપણમાં હોળી, ધૂળેટીની જે મઝા કરતા હતા તેની વાતો કરી. સૂત્રધાર શૈલાબેન દરેક વક્તાની, તેમને અનુરૂપ ઓળખાણ આપતા હતા અને કૃતિ બાદ તેને અનુલક્ષી પ્રતિભાવ આપતા હતા.
પ્રશાંતભાઈ મુન્શા છેલ્લા વક્તા હતા જેઓની ઓળખાણ આપતા શૈલાબેને કહ્યું કે,તેઓ લખતા નથી પરંતુ સારા વાંચનનું સંકલન સારું કરે છે. પ્રશાંતભાઈએ તેમના સંકલનમાંથી સુંદર વાત કરી.
“છે બરફની એક ખૂબી માણસમાં, કોઇની લાગણીની હૂંફ મળે તો તરત ઓગળી જાય”.
છેલ્લે ગયા વર્ષના પ્રમુખ શ્રી સતીશભાઇના ૭૦મા જન્મ દિવસની કેક કાપી, હેપી બર્થ ડેની શુભેચ્છા પાઠવી સૌએ કેક માણી.
શ્રી ફતેઅલીભાઈએ નવી અપનાવેલી રીત (બે વક્તા ૧૫ મિનીટના) વિષે મત માગ્યા. ૯૯.૯% સભ્યોએ હકારાત્મક જવાબ આપ્યો. નાસ્તો અને કેકના સ્પોન્સર શ્રી હસમુખભાઈ દોશીનો પ્રમુખશ્રીએ આભાર માન્યો અને આગામી બેઠક અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
સંસ્થાના સેવાભાવી જયંતભાઇ, નીતિનભાઈ તથા પ્રશાંતભાઈએ ગ્રુપ ફોટો લીધો અને સૌ છૂટા પડ્યા..
અસ્તુ.
ડો. ઈન્દુબેન શાહ
માર્ચ,૨૦
ખુબ સુંદર અને સર્વગ્રાહી અહેવાલ. અભિનંદન. અવારનવાર આવા સરસ અહેવાલો લખતા રહો એ જ પ્રાર્થના. નવીન બેન્કર
સુંદર અને સઘળું આવરી લેતો અહેવાલ.
Just a gentle note.
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ એ શ્રી ભાસ્કર વેરાની રચના છે અને પ્રભો અંતર્યામી, એક જ્વાલા જલે તુજ નયનમાં,
ઝીણા ઝરમર વરસે મેહ, નેણલાના કિરણ કેરી કુંચીએ હૈયા ઉઘાડજો, આ બધી મહાકવિ નાનાલાલની રચનાઓ.
Thanks.
ભાવનાબેન, તમારી gentle note બિલકુલ સાચી છે અને તે મુજબ હમણાં જ સુધારો કરી લીધો. કવિ શ્રી નાનાલાલની રચનાઓની ઝલક પછી આપે શ્રી ભાસ્કર વોરાનું ‘અલી તારું હૈયું કેસુડાંનું ફૂલ’ ગાયું હતું તેથી કદાચ નોંધ લેવામાં શરતચૂક થઈ.
આપનો સુમધુર અવાજ અને ગાયકી હજી મનમાં ગૂંજે છે.
Thank you Devikabehn.