Sep 09 2024

બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ

Published by at 6:30 pm under બેઠકનો અહેવાલ

  બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ:

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ફૈયાઝ ખાંધિઆ.


      કેનેડા ન્યૂઝ્લાઇનમાં પ્રસિદ્ધ.


‘રાષ્ટ્રદર્પણ’માં પ્રસિદ્ધ..

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૦મી બેઠક, ૭મી સપ્ટે.૨૦૨૪ને શનિવારે, ઑસ્ટીન પાર્કવે, સ્યુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન હતા યુકે.થી પધારેલ, સુવિખ્યાત ગુજલીશ ગઝલકાર શ્રી અદમ ટંકારવી.

    

ગણેશચતુર્થીના તહેવારની ઠેકઠેકાણે ઉજવણી હોવા છતાં  હાજર રહેલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર હતી.

પ્રણાલિકા મુજબ સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે જરૂરી સૂચનાઓ અને માહિતી આપ્યા બાદ, શ્રીમતી જ્યોત્સના વેદ દ્વારા ગણેશ અને સરસ્વતી વંદનાથી શુભ શરૂઆત કરવામાં આવી. પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કરી ‘ગણેશચતુર્થી અને સાહિત્ય’ વિષયક પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. તે પછી શ્રીમતી દેવિકા ધ્રુવે સંસ્થાની સ્થાપનાના આ મહિનાની યાદ સાથે, શ્રી અદમભાઈના જન્મદિવસનો મહિનો હોવાની પણ જાણ કરી, તેમનો સાહિત્યિક પરિચય આપ્યો. શ્રી અદમ ટંકારવીના એક કાબિલેદાદ શેર સાથે બેઠકનું વાતાવરણ જમાવતી એક ઝલક રજૂ કરી કેઃ
બાઈબલ
 ખોલું ને સીતા નીકળે
ખિસ્સામાંથી પણ
 ફરિશ્તા નીકળે.
ઝેર
 તો બીજું  કોઈ પી ગયું
ખાલી
 પ્યાલીમાંથી મીરાં નીકળે..

         

ડો. કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, સભાજનોની તાળીઓના ગડગડાટ અને આવકાર સાથે શ્રી અદમભાઈએ મુશાયરાનો પ્રથમ દોર શરૂ કર્યો.

આરંભમાં જ શબ્દનો મહિમા વર્ણવતા તેમણે એક પછી એક નામાંકિત ગઝલકારોના શેર દબદબાપૂર્વક રજૂ કર્યા કેઃ  મનોજ ખંડેરિયા કહે છે કે,
રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.

અમૃત ઘાયલનો શેર કે “શબ્દોની આરપાર જીવ્યો છું, હું ધારદાર જીવ્યો છું.
 આમ ઘાયલ છું અદનો શાયર પણ સર્વથી શાનદાર જીવ્યો છું…

કવિનો શબ્દ કેવો જાદૂ જેવો હોય છે તેના અનુસંધાનમાં ખલીલ ધનતેજવી, મનહર ચોક્સી, રમેશ પારેખ,શોભિત દેસાઈ વગેરેના ચોટદાર શેર, શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતા હતા. તે પછી આ નમ્ર શાયરે પોતાની ગઝલના શેર પ્રસ્તૂત કર્યા. ઈંગ્લૅંન્ડમાં  ગુજરાતીની સ્થિતિ અંગે કહેતાં જણાવ્યું કે,
“વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
અને
તું ગુજરાતીમાં  જો ‘આવો’ કહે છે, તો મારા કાને એક ટહુકો પડે છે.
તું ગુજરાતીમાં જો વાતો કરે છે, તો તારા હોઠથી ફૂલો ઝરે છે.

સાદી સીધી બોલચાલની ભાષામાં લખાયેલા તેમના શેર ભાવકોને આનંદ આપતા હતા અને તેમાં પણ આછા હાસ્ય સાથે એમણે સુરતી બોલીમાં, ‘હારુ અંઈ હુરત જેવું ની મલે’ શરૂ કર્યું અને તે પછી રઈશ મનીઆરને યાદ કરી તેમના થોડા જાણીતા શેર અને  અમદાવાદની લાક્ષણિક ખાસિયતોના શેર સંભળાવ્યા ત્યારે તો સભાગૃહમાં હાસ્યનાં મોજાંઓ ફર્યે જતાં હતાં.

       

??????????

તે પછી બીજો જામ ખોલ્યો જીવન વિશેનો.
‘સોમવારે પારણું બંધાય છે, બોખાં દાદીમા હરખાય છે’ એવા મત્લાથી ઉઘાડ કરી મંગળ,બુધ,ગુરુ,શુક્રવારના શેર સંભળાવી  શનિ-રવિવાર વિષે કહ્યું કે,
થાક લાગે છે શનિવારે બહું,
ને કબરમાં ટાંટિયા લંબાય છે.
હા રવિવારે તો છુટ્ટી પાળીએ,
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે.

જીંદગીની કેટલી મોટી વાસ્તવિકતા સહજ રીતે સમજાવી દીધી. જીંદગીના રસ્તાને ‘ઘરથી કબર સુધી’ કહેનાર’ બેફામ’ સાહેબને પણ યાદ કરી જ લીધા તો સાથે સાથે વાતાવરણમાં જરાયે ભાર ન રહે તે આશયથી તરત જ સિફતપૂર્વક, મુંબઈના મુશાયરાની વાતો તરફ વળ્યા. જ્યોતિન્દ્ર દવેની રમૂજભરી પંક્તિઓને રસિક રીતે પ્રસ્તુત કરી. તે પછી વરસાદ, દિલ વગેરે ગઝલકારોના મનગમતા વિષયો છેડ્યા. રમેશ પારેખ, કૃષ્ણ દવે, રાજેન્દ્ર શુક્લ, મરીઝ, મુકુલ ચોક્સી, જલન માતરી, સૈફ પાલનપુરી, આદિલ મનસુરી વગેરે શાયરોના શેર મસ્તીથી રજૂ કર્યા. અમેરિકન અનુભૂતિ વિશે તેમણે ન્યૂયોર્કના પટેલો અને મોટેલોના વિસ્તારની,જનરેશન ગૅપની અને બે સંસ્કૃતિઓની મથામણની ઝલક દર્શાવતા શેર સંભળાવ્યા.
ભલે યુકે.માં વસીએ અમે,
પણ અવળચંડા એવા અમે
હશે ડોરબૅલ તોયે બારણાં
ખટખટાવીએ છીએ અમે.

મઝાના આ પ્રથમ દોર પછી સ્થાનિક ૩-૪ સર્જકોએ પોતપોતાની એક કૃતિ રજૂ કરી. શ્રી પ્રકાશ મજમુદારે મરીઝની એક ગઝલ ગાઈ સંભળાવી. સૈદભાઈ પઠાણે ‘મેરા ભારત’ની એક રચના હિન્દીમાં પ્રસ્તુત કરી. સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે અદમ ટંકારવીની ગઝલનો આસ્વાદ ગુર્જરીમાં પ્રકાશિત થયેલ છે; તેની જાણ કરી. દેવિકા ધ્રુવે અદમ ટંકારવીની એક ખૂબ જૂની ગઝલ ‘બાગમા ક્યાં હવે મળે છે સનમ’ની સામે લખેલ પ્રતિગઝલ અને કેટલાક સ્વરચિત શેર રજૂ કર્યા.

 થોડી મિનિટો પછી તરત જ ફરી પાછો બીજો દોર અદમભાઈએ મરીઝના શેરથી શરૂ કર્યો કે,

“ઘણા વર્ષો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે.
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.” એની સાથે કેટલીક લાગણીની, હૃદયની,પ્રેમની અને જીવનની ગઝલોની વાત કરી જેમાં શ્યામ સાધુ, ર.પા. અને મરીઝ વગેરેને વારંવાર યાદ કરી અદમભાઈએ હઝલો સંભળાવી. પોતાની ગુજલીશ ગઝલો,ભાષાભવનની ગઝલ,હ્યુસ્ટનમાં લખાયેલ ગઝલ વગેરેના જામ અવનવી ઢબે ઉઘડતા ગયા અને શ્રોતાજનોનો કેફ વધારતા રહ્યા. આ રહ્યા તેમાંના કેટલાક ઘૂંટઃ

  • છે તોર એનો એવો કોઈની પડી નથી.
    ગામમાં જાણે કે બીજી છોકરી નથી.
    એને તેં એટલી તો ફટવી દીધી ‘અદમ’,
     ગઝલ કોઈને હવે ગાંઠતી નથી.

  • અમથી અમથી ‘હોપ’લઈ બેસી રહો
    મોંમાં લૉલિપૉપ લઈ બેસી રહો.

  • ગુર્જરીના કોડ પૂરા થઈ ગયા,
    લ્યો ગઝલના હાથ પીળા થઈ ગયા.

  • એના પાયામાં પડી બારાખડી
    ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
    એક તત્સમ બારણું પ્રવેશનું
    સાત ક્રિયાપદની બારી ઊઘડી.

સમય સરતો જતો હતો. સાંજના ૪.૧૫ વાગ્યાથી શરૂ થયેલ મુશાયરામાં ક્યાં ૭ વાગી ગયા, ખબર પણ ન પડી.

જુદાજુદા ઘણા વિષયોને આવરી લેતા, ટૂંકી બહેરના શેર થકી, અદમભાઈ સૌના મનમાં અમીટ છાપ મૂકતા ગયા. ગઝલ અને હઝલની વચ્ચે એક વિશાળ વ્યાપ ખોલી ગયા. તેમની ગઝલોમાં તેમના સ્વભાવ જેટલી સાદગી અને સરળતા. શબ્દો સ્વાભાવિકપણે સાવ બોલચાલની ભાષાના. તેમ છતાં ભાવો અને અર્થોમાં ઊંચાઈ અને ઊંડાણ સ્પર્શી ગયાં. ડાયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીછીથી સજાવેલ આ કાર્યક્રમ કલાત્મક બની રહ્યો. અદમભાઈના કવિકર્મને, સતત કંઠસ્થ રજૂઆતને અને યાદશક્તિને સલામ.

સમાપનમાં આભારવિધિ, અન્ય ઔપચારિક વિધિ અને અસ્સલ ગુજરાતી ભોજન પછી સૌ ભાઈબહેન આ મજેદાર મુશાયરાની ઘેરી અસર પામી છૂટાં પડ્યાં..ભોજન સ્પૉન્સર કરનાર શ્રી હસમુખ દોશી અને સ્વ.નવીન બેંકરની સ્મૃતિમાં, બેંકર પરિવાર તરફ્થી અનુદાન કરનાર દેવિકા ધ્રુવ અને ડો.કોકિલા પરીખ હતા.  આ સાથે એક ખાસ નોંધ લેવી ઘટે કે, શ્રી અલીભાઈ ભીમ કે જેઓ અદમભાઈને માટે ખાસ શિકાગો સુધી ગયા હતા; ત્યાંથી તેમની સાથે હ્યુસ્ટન લઈ આવી યજમાન બનવાના હતા, તેમની અચાનક ઊભી થયેલ નાદુરસ્તીને કારણે આવી ન શક્યા. ગુ.સા.સ. અલીભાઈને માટે જલદી સાજાં થવાની શુભેચ્છા પાઠવે છે. તેમની કામગીરી સંપૂર્ણ રીતે પૂરી કરનાર શ્રી ફૈયાઝ ખાંધિઆને આભાર અને આદર સહિત સલામ.

 

૨૬૦મી આ બેઠક યાદગાર બની રહેશે.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

સપ્ટે.૮, ૨૦૨૪.

 

 

4 responses so far

4 Responses to “બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ”

  1. DEEPAK R BHATTon 12 Sep 2024 at 1:55 am

    Devikaben, many thanks for writing such a wonderful report of the Bethak. It gives me great pleasure to read abstracts of the ghazals.

    Adambhai stole the show and was a hero of the day. His presentation was mesmerizing because of its style and content. His memory is astonishing as ghazals of many shaayars flowed very smoothly without stopping. It was a memorable event. It is also very nice to attach videos of the program along with this report so you can watch and enjoy them again.

    Very well done. Thanks to the GSS team for working hard.

    With regards,
    Deepak Bhatt

  2. ભારતી મજમુદારon 12 Sep 2024 at 9:42 am

    સુંદર અહેવાલ વિગતવાર લખવા બદલ ખુબ ખુબ અભિનંદન!!
    અદમભાઈએ એમની ગઝલો અને સાદી સીધી ભાષાથી માહોલ સરસ બાંધી દીધો હતો અને વચ્ચે વચ્ચે દેવિકાબેનની ગઝલો અને પંક્તિઓએ પણ રંગ રાખ્યો.
    અદમભાઈએ બધી ગઝલો અને બધા કવિઓને યાદ કરી ખુબ જ રમૂજ સાથે રજુઆત કરી સભ્યોના મન મોહી લીધા. આ ઉંમરે આટલું બધું સળંગ બોલવું એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.
    અસ્તુ.

  3. devikadhruvaon 12 Sep 2024 at 10:51 am

    દીપકભાઈ અને ભારતીબહેન.

    આપના પ્રતિભાવ બદલ ખૂબ આભાર. આપણો ૨૩ વર્ષનો ઈતિહાસ સચવાઈ રહે અને હાજર ન રહી શકેલ સભ્યોને લાભ મળે એવા આપણા મૂળ હેતુને જાળવવાનો એક માત્ર નમ્ર પ્રયાસ. આશા છે કે, વધુ સભ્યો આ રીતે લખતા થાય અને વાંચતા રહે. સર્જનનો વિકાસ અને વિસ્તાર થતો રહે એ ભાવના પણ ખરી જ.

    સાહિત્યના સાગરમાં એક બૂંદ ઉમેરવાનો આનંદ.

    —દેવિકા ધ્રુવ

  4. ઇન્દુ શાહon 29 Sep 2024 at 4:34 pm

    દેવિકાબહેન ,
    ખૂબ સુંદર વિગતવાર અહેવાલ સાથે ફોટા વાંચી આનંદ થયો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.