Aug 27 2025

૨૭૧મી મીટીંગનો અહેવાલ

Published by at 10:15 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૧મી બેઠક ઓગષ્ટના રોજ યોજાઈ જેમાં ૬૦ સભ્યો હાજર રહ્યા. શ્વેતાબહેન શ્રોફે સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી હતી. ત્યારબાદ ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બધા સભ્યોએ સાથે મળી ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું.

આ બેઠકના પ્રથમ ભાગમાં ભારતીય ઉત્સવોની આપણા જીવન અને ગુજરાતી સાહિત્ય પર કેવી અસર પડે છે તે વિષય પર પાંચ વક્તાઓએ સુંદર છણાવટ કરી હતી.

સૌ પ્રથમ રિદ્ધિબહેન દેસાઈએ ગણેશઉત્સવ પરની પોતાની રજૂઆતમાં આ ઉત્સવનો ઈતિહાસ વણી લઈ તેનું ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રિય મહત્ત્વ સમજાવ્યું હતું. બાળ ગણેશને હાથીનું મસ્તક કઈ રીતે પ્રાપ્ત થયું તેની કથા જણાવીને તેમણે કહ્યું કે એને માનવ ઈતિહાસની પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કે Transplant ગણી શકાય. વળી ભગવાન ગણેશના વિવિધ અંગો જેમ કે નાની આંખ, મોટા કાન, વિશાળ પેટ, નાના પગ વગેરેને પણ વિવિધ સદ્‌ગુણો અને કૌશલ્યો સાથે સાંકળીને, ગણેશજી એ બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રેરણાત્મક નાયક છે તેમ જણાવ્યું હતું. અંતમાં તેમણે ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના આખ્યાનો, દયારામના કાવ્યો તથા લોકગીતો અને લગ્નગીતો અને લગ્નગીતોમાં થતા ભગવાન ગણેશના ઉલ્લેખ તથા મહત્ત્વ વિષે સુંદર મહિતી પીરસી હતી.

ત્યારબાદ, ભારતીબહેન મજુમદારે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ નામ કેવી રીતે પડ્યાં તેનો ઉલ્લેખ કરીને તેની સાથે જોડાયેલી વિવિધ પરંપરાઓ જેમ કે તલસાંકળીના લાડુ ખાવાની પ્રથા, બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવાની પ્રથા વગેરે વિષે પણ જાણકારી આપી હતી. વક્તવ્યના અંતમાં તેમણે પતંગ, દોરી,  હવા, આકાશ વગેરેને માનવજીવન સાથે સાંકળી લઈ સુંદર સમજ આપી કે દરેક માનવ પાસે ઉડવા આકાશ છે. પણ સાથે-સાથે હરીફાઈ અને પડકારો પણ ઘણાં છે. જો દોરીરુપી  સાથ મજબૂત હશે તો લાંબા સમય સુધી સફળ રીતે ઉડવાનો આનંદ ટકી શકશે. પતંગ અને દોરીની જેમ પતિ-પત્ની એકબીજાનાં પૂરક છે અને એકમેકના સહકારથી જ જીવનરૂપી સ્પર્ધામાં ટકી શકાય છે અને આનંદ પણ લૂંટી શકાય છે.

ઉત્સવો. તહેવારો અને પર્વોનું આપણા જીવનમાં શું યોગદાન છે તે જણાવીને શ્વેતાબહેન શ્રોફે એમના હોળી-ધુળેટી પરના વક્તવ્યની શરુઆત કરી હતી. અ તહેવાર પાછળનો હેતુ અને વિવિધ પૌરણિક કથાઓ તથા તેની સાથે સંકળાયેલ વિવિધ વિભાવનાઓ જેમ કે વસંતોત્સવ, રંગોત્સવ, મદનોત્સવની પણ રસિક છણાવટ કરી હતી. વળી, કાકાસાહેબ કાલેલકરના પુસ્તક “જીવતા તહેવારો”ને ટાંકીને તહેવારો સાથે જોડાયેલા સમાજ ઉત્થાનના એક જુદા જ અભિગમની પણ વાત કરી હતી. હોળી, ફાગણ, વસંત, કેસૂડા અને ગુલાલના અભિન્ન સગપણની સુંદર વાતો કરતાં કરતાં તેમણે ગુજરાતમાં હોળીઉત્સવની અનેકવિધ પ્રથાઓ અને પરંપરાઓ વિષે પણ સંશોધનોસભર માહિતી પીરસી હતી. ગુજરાતી સાહિત્ય પર હોળીની અસરોની રજૂઆત કરતાં એમણે હોળીગીત, વૈષ્ણવ સંપ્રદાયના પરંપરાગત રસિયા, લોકગીતો, શાસ્ત્રીય સંગીતનાં પ્રકાર ઠુમરી અને ધ્રુપદ તથા ૧૯મી સદીની કવિતાઓથી શરુ કરી આધુનિક કવિઓનાં કાવ્યોને સુંદર રીતે આવરી લીધાં હતાં. અંતમાં, હોળી સાથે સંકળાયેલ અને રોજબરોજની વાતચીતમાં વણાઈ ગયેલી કહેવતો અને રુઢિપ્રયોગોના ઉલ્લેખ કરી એમણે લોકચાહના પામેલાં બે ગીતો “તું રંગાઈ જાને રંગમાં” અને “ફાગણ ફોરમતો આયો” ગાઈને સૌને હોળીના રંગે રંગી લીધાં હતાં.

 

ત્યારબાદ, મીતાબહેન ભટ્ટે રક્ષાબંધનના પર્વ ઉપર પોતાના વિચારોની ભાવનાત્મક રજૂઆત કરતાં સાહિત્ય અને સંસ્કૃતિ એટલે શું, એ કઈ રીતે માનવકેન્દ્રિત છે, અને ઉત્સવો થકી કઈ રીતે પ્રેય અને શ્રેય બંને મળે છે તે જણાવ્યું હતું. ભાઈ-બહેનના વિશુદ્ધ પ્રેમના આ તહેવારની વિશિષ્ટતા પર ભાર આપી ભાઈ અને બહેન પરસ્પરની અતૂટ શક્તિ છે તેમ પણ જણાવ્યું હતું. વળી રક્ષાબંધનમાં ભાઈના ભાલે કરાતાં તિલક, આરતી, અને ભાઈના કાંડે બંધાતી રાખડીનું મહાત્મ્ય પણ સમજાવ્યું હતું. રક્ષાબંધન અંગે ગુજરાતી સાહિત્યની વાત કરતાં તેમણે ચં. ચી. મહેતા અને ઝવેર્ચંદ મેઘાણીના અમૂલ્ય પ્રદાનને યાદ કર્યાં હતાં. અંતમાં, રક્ષાબંધન એ માત્ર ઉપરછેલ્લો વહેવાર નથી, પરંતુ રક્ષાના ધાગા થકી પ્રભુ સાથેના તાદાત્મ્યનું નિમિત્ત છે તેવી અર્થસભર વાત કરીને “રક્ષાબંધન બની રહો, કેડી મુક્તિ  માર્ગની” પંક્તિ ટાંકીને વક્તવ્યનું સમાપન કર્યું હતું.

આ પછીના વક્તવ્યમાં પ્રફુલભાઈ પુરોહિતે સંસ્કૃત શ્લોકો ટાંકીને ભગવાન વેદવ્યાસનુ સ્મરણ કર્યું હતું. વેદો, મહાભારત અને બ્રહ્મસૂત્રની રચનાઓનો ઉલ્લેખ કરીને ભગવાન વેદ્વ્યાસના અમૂલ્ય યોગદાનને યાદ કરીને એમને બાદરાયણ કે મ કહેવામાં આવે છે તેની સુંદર અને અર્થસભર સમજ આપી હતી. આ ઉપરાંત, ઉત્સવો શરુ કરવામાં ઋષિઓની ભૂમિકા વિષે વાત કરતા એમણે વ્યાસપૂર્ણિમા, ગુરુપૂર્ણિમા અને ઋષિપંચમીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ, જગદ્‍ગુરુ શંકરાચાર્યના જન્મદિવસ વૈશાખ સુદ પાંચમનું મહત્ત્વ સમજાવીને એમણે વક્તવ્યનું સમાપન કર્યું હતું.

બેઠકના દ્વિતિય ભાગમાં સંસ્થાના સભ્ય ભરતભાઈ શાહે એમના જીવન સંસ્મરણો (memoire) ના અંગ્રેજીમાં લખાયેલ પુસ્તક “A Pilgrimage to America: A10,000 Mile Journey of a Village Boy” ની વાત કરી હતી. આ પુસ્તક કે જે એમણે જાતે જ પ્રકાશિત કર્યું છે તે લખવામાં અને છપાવવામાં કેવાકેવા પડાવો અને પડકારો આવ્યા હતાં અને એ બધા સફળતાથી પાર કરીને કઈ રીતે આ પુસ્તક પ્રકાશિત થઈ શક્યું એની માહિતીસભર રજૂઆત કરી હતી. આખાય ઉપક્રમમાં લખવાના, લખેલું સુધારવાના અને સંપાદનના વિવિધ તબક્કે social media, Apps અને websitesની ઉપયોગિતા વિષે પણ તેમણે વિગતવાર જણાવ્યું હતું. હાજર સૌ સભ્યોને એમના સંસ્મરણો લખવા તેમણે ઘણું પ્રોત્સાહન આપ્યું હતું અને સાથે-સાથે કેવા વિષયો અને પ્રકરણો પસંદ કરી શકાય એનાં સૂચનો પણ કર્યા હતાં. આ પ્રોજેક્ટમાં એમની દીકરીની સતત સહાય અને એમનાં પત્નીની અવિરત પ્રેરણાની ભાવસભર રજૂઆત કરી, અંતમાં તેમણે એ બંને પ્રત્યેને પોતાના પરિવાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ બેઠકનાં તૃતિય અને અંતિમ ભાગમાં ભારતથી પધારેલા કીર્તિભાઈ ગણાત્રાએ એમની ગઝલની રચનાત્મક યાત્રાની શાબ્દિક સફર પણ કરાવી હતી. પોતાનું તખલ્લુસ ‘દુશ્મન’ રાખવા પાછળની વાર્તાને રમૂજી શૈલીમાં રજૂ કર્યા બાદ, તેમણે તેમની લેખન ક્ષેત્રની કારકિર્દીની શરુઆત, અને મુંબઈ સમાચારમાં ૧૯૭૧માં સૌ પ્રથમવાર છપાયેલી ગઝલથી લઈને આજ દિન સુધી અવિરત ચાલતી ગઝલ લેખન પ્રવૃત્તિનો સુંદર ચિતાર આપ્યો હતો. એમની વિવિધ ગઝલની પ્રસ્તુતિએ વાહવાહી ઝીલી હતી અને એમની હળવી અને રમૂજી શૈલીએ કોઈને મલકવાની તો કોઈને ખડખડાટ હસવાની ફરજ પાડી હતી. એમની એક ગમતી ગઝલની ઝલકઃ

આંખો મહીં જોયું તો રોશની ફેલાઈ ગઈ,

ને જો કર્યું સ્મિત તો બાજી પ્રેમની ખેલાઈ ગઈ,

તારીખિયામાં તિથિ અમાસની હતી એમ તો,

આવ્યાં તમે ને ચોતરફ બસ ચાંદની ફેલાઈ ગઈ.

બેઠકના સમાપન સમયે નરેન્દ્રભાઈ વેદે બધા વક્તાઓનો સુંદર રજૂઆત માટે, સુગર લેંડ શહેરનો હોલના નિશુઃલ્ક વપરાશ માટે, અશોકભાઈ ભાવસારનો સાઉંડ સીસ્ટમ માટે, જ્યંતભાઈ પટેલનો ફોટોગ્રાફી માટે તથા અન્ય સ્વયંસેવકોનો તેમની સેવાઓ માટે આભાર માન્યો હતો. આ ઉપરાંત, શ્રી ભરતભાઈનો તેમના સંસ્મરણોના પુસ્તકની વાતો કરવા માટે, અને શ્રી કીર્તિભાઈનો તેમની ગઝલોની સુંદર રજૂઆત માટે પણ આભાર માન્યો હતો. વળી, સીતાબહેન કાપડિયાને તેમનાં કસ્તુરબા પર લખેલાં પુસ્તક માટે અભિનંદન પણ પાઠવ્યાં હતાં. વધુમાં તેમણે આગામી બેઠક વિષે માહિતી આપી સમયસર RSVP કરવા સૌને  આગ્રહભરી વિનંતી કર્યા બાદ આ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સભાની પૂર્ણાહુતિ કરી હતી.

અલ્પાહાર અને ચાની લિજ્જત માણી સૌ સભ્યો છૂટા પડ્યા હતા.

લેખનઃ શ્વેતાબહેન શ્રોફ

સંકલનઃ રિદ્ધિબહેન દેસાઈ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.