Dec 19 2025
‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ
૧૯૦૫ મા સ્થપાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવાનો અવિરત પ્રયત્ન સફળતાપૂર્વક કરી રહી છે. દર વર્ષે પરિષદ નાટક, કવિતા, નવલકથા/નવલિકા, ડાયસ્પોરા સાહિત્ય વગેરે વિવિધ શ્રેણીમાં નોંધપાત્ર લેખનને પારિતોષિક એનાયત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક મેગેઝીન ‘પરબ”માં તેની જાહેરાત કરવામાં આવે છે.
“પરબ”ના ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનાના અંકમાં ‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ના વિજેતા તરીકે ગુજરાતી સાહિત્ય સરિતાના મુરબ્બી સભ્ય શ્રીમતી દેવિકા ધ્રુવ અને તેમની મિત્ર નયના પટેલને તેમની કૃતિ ‘આથમણી કોરનો ઉજાસ’ (૨૦૧૭) માટે જાહેર કર્યા હતાં. દુર્ભાગ્યે, કોવિડની મહામારીને કારણે કોઈ સમારોહ થઈ ન શક્યો.
‘આથમણી કોરનો ઉજાસ’ એ બે દેશોમાં દૂરદૂર બેઠેલી બે બહેનપણીઓની પોતાના મુળ વતનની વાતો છે; ભારતથી વિખૂટીને પરદેશને જ સ્વદેશ બનાવી બેઠેલી બે મિત્રોએ પોતાના અપનવેલા દેશોના વૈવિધ્યની આલંકારિક ભાષામાં કરેલી રજૂઆતો છે; ઘરની, કુટુંબની, કૉલેજની અને થયેલા પ્રવાસોની રસભરી વાતો છે; અને આપણને પણ આપણા ભારતમાં વિતાવેલા મીઠા સમયની યાદો તાજી કરાવે એવાં સંભારણાં છે.
આખરે ૨૦૨૫માં, આ પારિતોષિકનું વિતરણ થયું. શ્રીમતી દેવિકા ધ્રુવની કલગીમાં એક નવું પીંછું ઉમેરાયું. આપણી ગુજરાતી સાહિત્ય સરિતા માટે આ ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે.
શ્રીમતી દેવિકાબહેનને આપણા સહુ તરફથી ખૂબ અભિનંદન અને એમની લેખનપ્રવૃત્તિ આમ જ સફળતાના શિખર ચૂમતી રહે એવી ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી શુભેચ્છા.
લેખનઃ રિદ્ધિ દેસાઈ


