Jan 16 2011
સાહિત્ય સરિતા બેઠક ૧૧૨-શૈલાબેન મુન્શા
જાન્યુઆરી ૨૦૧૧ ની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૨મી બેઠક શ્રી રસેશભાઈ ને દીપાબેન દલાલ ને ત્યાં યોજવામા આવી હતી. જાન્યુઆરી ૨૦૧૧ થી શ્રીમતી દેવિકા બેન ધ્રુવ કો-ઓર્ડીનેટર અને ડો. રમેશ ભાઈ શાહ સહ કો-ઓર્ડીનેટર તરીકે સાહિત્ય સરિતાનુ સુકાન સંભાળશે એવું સર્વાનુમતે નક્કી થયા પ્રમાણે સભાનો દોર દેવીકાબેને હાથમાં લીધો.
સર્વનુ સ્વાગત કરતાં એમણે સહુને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને નવા વર્ષે સાહિત્યસરિતા વધુ નામના મેળવે એવી અભિલાષા વ્યક્ત કરી.
સભાની શરૂઆત શ્રી નીખિલ ભાઈએ પોતાના ભાવવાહી અવાજે મા શારદાની સ્તુતિ ગાઈને કરી. દેવિકા બેને સભાના સંચાલક અને કો-ઓર્ડીનેટર તરીકે “દરેક ઉગતો દિવસ એ નવો દિવસ છે” કહી સહુને નવજીવનની આશ આપી.
શૈલા બેન મુન્શા એ “સુખ” ઉપર નાનકડું કાવ્ય રજુ કર્યું.
“સુખની ઘડી બહુ આવતી નથી
ને આવે તો ઓળખાતી નથી”
દેવિકાબેને સરસ પંક્તિ એના અનુસંધાન મા જણાવી કે
“નિયતિ ને સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે.”
શ્રી અકબર લાખાણી એ “ગુજરાતી ભાષા સાચવી રાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે કે નહિ” વિશે એક લેખ વાંચ્યો.
ડો ઈન્દુબેન શાહે “મધરાતે ન્યુયોર્ક સીટી મા માનવ મેળો” એ સ્વ રચિત કૃતિ રજુ કરી.
રમઝાન વિરાણી એ એક બે મુક્તક રજુ કરી પછી “વ્યથા” ઉપર બહુ સુંદર ગઝલ રજુ કરી.
“મેં તો વ્યથા ને કહી દીધું યા તુ નથી યા હું નથી.”
ફતેહ અલી ભાઈ એ “ડેમોક્રેસી ક્યા હોતી હૈ” નામનુ સરસ વ્યંગ કાવ્ય રજુ કરી સભા મા સહુને હાસ્ય તરબોળ કરી દીધા.
શ્રી દિવ્યકાંત ભાઈએ “હું આ જગતમા આવ્યો શા માટે” એ કાવ્ય રજુ કર્યું.
શ્રી વિનોદ પટેલ જે પોતે એક નામી ચિત્રકાર છે અને હમેશ એ સાહિત્ય સરિતાને જગતના ઉત્તમ ચિત્રકારોની માહિતી આપતા હોય છે, એમણે આજે વડોદરા ના ચિત્રકાર શ્રીજયંત પરીખ વિશે બહુ સુંદર માહિતી આપી.
સતીશ પરીખે નાના ત્રણચાર મુક્તકો વાંચી સંભળાવ્યા. “સમય ના વહેણ મા સમાઈ ના જતા” વગેરે.
રિધ્ધીબેન દેસાઈએ અમદાવાદ શહેર કેવી રીતે વસ્યું અને કોણે એ નામ આપ્યું એનુ સરસ કાવ્ય રજુ કર્યું.
“કેશવ કેરી દ્વારિકા જ્યાં વસી
સસ્સા રાણા જાય શ્વાન પર ધસી”
સુરેશ ભાઈ બક્ષીએ “જીવન” પર સરસ સ્વરચિત ગઝલ રજુ કરી.
“જીવન આવું તમે કહો ક્યાંથી રાસ આવે
ઓરતા રાજી રાખવાના ના કોઈ પાસ આવે.”
શ્રી સુમનભાઈ અજમેરી જે સાહિત્ય સરિતા માટે અઅણમોલ રતન જેવા છે અને પીઢ સાક્ષર છે એમણે ડો જયંત પાઠક નુ બહુ જાણીતુ કાવ્ય રજુ કર્યું.
“રમતા રમતા રડી પડે ભાઈ માણસ છું,
હસતાં હસતાં રડી પડે ભાઈ માણસ છું”
નુરૂદિનભાઈ દરેડીયા સુંદરમ ઉમાશંકર અને મકરંદ દવે ના ” હમરો ઘટ ના ભરાય” ને લગતાં થોડા મુક્તકો રજુ કર્યા.
શ્રી મનોજભાઈ જે “મનોજ હ્યુસ્તોનવી” ના નામથી પ્રસિધ્ધ છે એમણે સુંદર ગઝલ રજુ કરી. “ન કયામત ઊભી રહી એ લેવા મારી ઈજાજત”
સુધીરભાઈ મથુરિયા એ “કાળ સુકાર્યમ કુરૂતે” મા સન ૨૦૦૦ થી ૨૦૧૧ સુધીની વાત કરી.
દીપકભાઈએ ગાંધીનિર્વાણ દિનની ઉજવણી અંગે અગત્યની માહિતી આપી સહુને ત્યાં હાજર રહેવા અને ભાગ લેવા અનુરોધ કર્યો.
આ વર્ષે સાહિત્ય સરિતા દશ વર્ષ પુરા કરે છે એના માનમા સહુએ એની ઉજવણી ભવ્ય રૂપે કરવાનો વિચાર કર્યો અને કાંઈક અનોખુ અને હ્યુસ્ટન ના ગુજરાતીઓ એને કાયમ સ્મરણમા રાખે એવુ કરવાનો નિર્ધાર કર્યો અને સર્વાનુમતે એના સુત્રધાર તરીકે શ્રી રસેશભાઈને જવાબદારી સોંપવામા આવી.
આ સભામા શ્રી રસેશભાઈની અથાક મહેનત દેખાઈ આવી. બહુ વ્યવસ્થિત પણે એમણે આખા કાર્યક્રમની રૂપરેખા રજુ કરી, સુવેનિયર બહાર પાડવા વિશે માહિતી આપી અને બોર્ડની મંજુરીથી કાર્ય કેમ આગળ ધપાવવું એની વિગત આપી. આટલો ભવ્ય કાર્યક્રમ કોઈ એક નહિ પણ પણ આપણા સહુની પુરી સહાય(તન, મન, ધનથી) વગર શક્ય નથી એ ભાવના ની જ્યોત જગવી એમણે પોતાનુ મંતવ્ય પુરૂં કર્યું.
અંતમા દેવીકાબેને સહુનો આભાર માની અને આ વર્ષ આપણા સહુ માટે યાદગાર બની રહે એવી સુભેચ્છા વ્યક્ત કરી.
સહુ સભ્યો શ્રીરસેશભાઈ અને દીપાબેન નુ આતિથ્ય માણી છુટા પડ્યા.
અહેવાલ- શૈલાબેન મુન્શા
માતૃભૂમિથી આટલે બધે દૂર રહી માતૃભાષા માટે આવું સરસ કામ કરો છો તેની જાણ મોડી થઈ તે મારી કમનસીબી છે. વિજયભાઈના બ્લોગ દ્વારા તેમની સાથે જોડાયેલો રહ્યો છું, પરંતુ ગુજરાતી સાહિત્ય સરિતા વિશે કંઈ ખબર નહોતી, આજે થઈ અને લાગણીશીલ થઈ જવાયું. હવે નિયમિત સંપર્કમાં રહીશું…