Jun 15 2015
હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ
તારીખ ૩૦મી મે, ૨૦૧૫ને શનિવારે બપોરે ૨ થી ૫ દરમ્યાન, હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠક, સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં યોજવામાં આવી હતી. આ વખતની બેઠકમાં એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો હતો. હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ અને સુશ્રી દેવિકાબેન ધ્રુવ ના સહયોગથી આ વખતે હાયકુ અને ફોટોકુના સર્જન અંગે રજૂઆતો થઈ. જાણીતા કવિ શ્રી યોસેફ મેકવાન અને ગઝલકાર શ્રી ડો.કિશોર મોદીના હાઈકુની સમજણ આપતા લેખોના અભ્યાસને આધારે આનંદપૂર્વક આ કામની શરુઆત કરી તેની નોંધ અત્રે લેવામાં આવે છે.
ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી પછી સુત્રધાર શ્રી. નિખીલ મહેતાએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો. શ્રી. નરેન્દ્ર વેદે, ટીવીના સ્ક્રીન પર પાવર પોઇન્ટથી, પાંચ-છ ચિત્રો દર્શાવ્યા અને દરેક સર્જકને પે્ન્સિલ, પેપર અને રબર આપીને, એ ચિત્ર પરથી હાયકુલખવા કહ્યું. એક ચિત્રમાં, વરસાદમાં કેળનું પાંદડું ઓઢીને શાળાએ જતા બે બાળકો હતા, તો બીજા ચિત્રમાં ચારપાંચ યુવાન છોકરા-છોકરીઓ હવામાં ઉછળતા, નાચતા હતા. ત્રીજા ચિત્રમાં, બાંકડા પર પ્રેમીયુગલ હાથમાં હાથ પરોવીને બેઠું છે અને ઉપર વૃક્ષની ડાળીપર,એક પંખી બેઠેલું છે તથા યુવાન મોબાઇલ ફોન પર કદાચ એસએમએસ કરી રહ્યો છે. ચોથા ચિત્રમાં બે વાઘ બાઝે છે કે સંવનન કરે છે અને પાંચમાં ચિત્રમાં, ઉંચી દિવાલ પર, સીડી ગોઠવીને પ્રેક્ષકો દિવાલની પાળી પર બેસીને , બીજી બાજુ કાંઇક જોઇ રહ્યા છે.
આ ચિત્રો ( ફોટાઓ ) પર સર્જકોએ, પોતાના મનમાં જે વિચાર ઝબક્યો તેને શબ્દસ્થ કરી ૫-૭-૫ ના હાયકુના બંધારણ મુજબ હાયકુઓ રચીને આપ્યાં. દરેક સર્જકની સંવેદના અને અર્થઘટન અલગ અલગ હોય અને હાયકુ પણ જુદા જુદા લખાય. આ પ્રયોગમાંભાગ લેનારા કવિઓ હતા- શ્રીમતિ શૈલા મુન્શા, શ્રીમતિ ઇન્દુબેન શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રી. ચીમન પટેલ, શ્રી. રમેશ શાહ, શ્રી. અશોક પટેલ, શ્રી. ફતેહ અલી ચતુર, શ્રી. પ્રશાંત મુન્શા, શ્રી. નિખીલ મહેતા, એડવોકેટ રિધ્ધી દેસાઇ, વગેરે..વગેરે..
હાયકુના બાહ્ય સ્વરુપમાં પ્રથમ લીટીમાં પાંચ અક્ષરો, બીજી લાઇનમાં સાત અને ત્રીજી લાઇનમાં ફરી પાંચ જ અક્ષરો મળીને કુલ સત્તર અક્ષર થાય અને એક અર્થસભર શબ્દચિત્ર રજૂ થવું જોઇએ. તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિ રણકાર સંભળાય અને દેખાય.ઓછામાં ઓછા શબ્દો વડે એક આખુ શબ્દચિત્ર ઉભુ થઈ જાય અને ભાવકના મનમાં સંક્રાન્ત થઈ જાય એ હાયકુની ખુબી છે.
હાયકુ પછી, આજના મુખ્ય વિષય ‘વંટોળ’ પર વિવિધ સર્જકોએ પોતાની સ્વરચિત રચનાઓ રજૂ કરી. ડોક્ટર ઇન્દુબેને ‘વંટોળ’ કાવ્ય વાંચ્યું. શૈલા મુન્શાએ પોતાનું કાવ્ય ‘પ્રકોપ’ રજૂ કર્યું. નરેન્દ્ર વેદે પોતાની પત્ની જ્યોત્સના વેદનુ હાયકુ વાંચ્યું. દેવિકાબેન ધ્રુવે,અક્ષરમેળ શિખરિણી છંદમાં ગુંથેલ ‘વિચાર-વંટોળ’ કાવ્ય રજૂ કર્યું પછી તેમની તાજેતરની યુકે.ના સાહિત્યસર્જકો સાથેની, પોતાની મુલાકાતની અને કાર્યક્રમોની વિગતવાર વાતો કરી. ત્યાંના ગુજરાતી રાઈટર્સ ફોરમ, ગુજરાતી એકેડેમી ઓફ યુ. કે, લેસ્ટર ગ્રુપ,ગુજરાતી રાઇટર્સ ગીલ્ડ વગેરે ગુજરાતી ગ્રુપ અંગેની કાર્યવાહી અને કાર્યક્રમોની વાતો સાંભળીને હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સભ્યોને ઘણું જાણવા મળ્યું.
પીઢ સર્જક શ્રી. ધીરુભાઇ શાહે પણ હાયકુ વિશે કેટલીક માહિતી આપી હતી. શ્રી. નિખીલ મહેતાએ યજ્ઞેશ દવેના પુસ્તક ‘જાપાનીઝ હાયકુ’ના પાછલા પાને, સ્વ. શ્રી. સુરેશ દલાલે હાયકુ વિશે જે વિધાનો કર્યા છે તે વાંચી સંભળાવ્યા અને કવયિત્રી પન્ના નાયકનાપુસ્તકમાંથી અવતરણો રજૂ કર્યા હતા. ફતેહ અલી ચતુરે, રાબેતા મુજબ શ્રોતાઓને હસાવે એવી વાતો કરી તથા અશોક ચક્રધરની હાસ્યરચના સંભળાવી. શ્રી. ચીમન પટેલે પણ પોતાનું એક કાવ્ય રજૂ કર્યું હતું. હ્યુસ્ટનમાં ચાલતી સિનિયર સિટીઝન્સની એક બીજીસંસ્થા ‘ક્લબસિક્સ્ટી ફાઇવ’ ના પ્રેસિડેન્ટ શ્રીમતિ પારુ મેક્ગાયરે પોતાની સંસ્થા અંગે વાતો કરીને, તેના સભ્ય થવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ નિયમિત રીતે, નિસ્વાર્થપણે, વિના મુલ્યે “ગુજરાત ગૌરવ” નામનું સામયિક પ્રકાશિત કરતાં અને સૌને વહેંચતા શ્રી નુરૂદ્દીન દરેડિયાએ પોતાના સંકલનમાંથી મનપસંદ મુક્તકો વાંચી સંભળાવ્યા હતાં. છેલ્લે સંચાલકો દ્વારા ૮મી ઑગષ્ટના રોજ યોજાનાર કવિ શ્રી રઈશ મણિયારના આગામી કાર્યક્રમની જાહેરાત અને આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. ફતેહ અલી ચતુર દ્વારા પિરસાયેલ સમોસા, કચોરી, ચેવડો, જલેબી અને છાશનો હળવો નાસ્તો કરીને સૌ સર્જકો અને શ્રોતાજનો પ્રસન્નતા સહ વિખરાયા હતા.
એકંદરે આજની આ બેઠક સર્જન કાર્યને પ્રોત્સાહિત કરતી પ્રયોગશીલ રહી. પ્રતિકુળ હવામાન અને વ્યક્તિગત સંજોગોને કારણે ઓછી હાજરી હોવા છતાં આખી યે બેઠક હળવી,આનંદદાયી અને વિગતસભર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
ખુબ સુંદર..આનંદ થયો. આ રીતે ચાલુ રાખશો. અભિનંદન.