Apr 18 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક # ૧૭૩ નો અહેવાલ

Published by at 10:48 am under બેઠકનો અહેવાલ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા”-૧૭૩મી બેઠકનો અહેવાલ-વિશ્વદીપ બારડ

      

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના નિર્મળ વહેતા વહેણને ૧૬ વર્ષ વીતી ગયાં. ઉત્તરોત્તર થતી પ્રગતિની સાથે સાથે, કવિ-લેખક અને ચિંતકો, સૌએ સાથે મળી આપણી માતૃભાષા ગુજરાતીની ખેવના કરી છે તે મૂલ્યવાન છે.

 સાહિત્ય સરિતાની ૧૭૩ મી બેઠક, આપણાં જાણીતા-માનીતા સાહિત્યપ્રેમી અને ગુજરાતી રેડીયો પ્રવક્તા શ્રીમતિ ઈનાબેન પટેલના નિવાસસ્થાને યોજવામાં આવેલ. બેઠકમાં હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્યપ્રેમીઓની હાજરી સારા પ્રમાણમાં હતી એ ઘણાં આનંદ અને ગૌરવની વાત છે. કાર્યક્રમની શરૂઆત, રાબેતા મુજબ સમયસર સરસ્વતીની પ્રાર્થનાથી થઈ. બહેન નયના શાહના સુંદર કંઠે પ્રાર્થના ગવાઈ.  ત્યારબાદ આ વર્ષે સાહિત્ય જગતે ગુમાવેલ, સુપ્રસિધ્ધ ગઝલકાર શ્રી ચિનુભાઈ મોદીને મૌન શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ચિનુભાઈ મોદીએ સાહિત્ય સરિતાના મહેમાન બની બે-ત્રણ વખત ગુજરાતી સાહિત્યનો કાર્યક્રમ આપ્યો હતો. તે ઉપરાંત ગઝલ, કવિતા વિશે ઊંડાણ ભર્યો વાર્તાલાપ પણ કર્યો હતો.  

સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રી સતીશ પરીખે સૌનું સ્વાગત કર્યું અને આજના સૂત્રધાર ઈનાબેન પટેલને સભાનો દોર સંભાળવા વિનંતી કરી. ઈનાબેને સૌ આવેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરતાં સભાનો દોર સમયને ધ્યાનમાં લઈ, વકતાઓને પોતાની સ્વરચિત કે ગમતી રચના રજૂ કરવા વિનંતી કરી. પ્રથમ ભાવનાબેને ગમતી ગઝલ વિશે વાત કરતાં દેવિકાબેનની ગઝલ પોતે સ્વરબધ્ધ કરેલી તે ગાઈ સંભળાવી. “અણધારી આ હલચલ થઈ ગઈ”..તે પછી “ચમન” તરીકે જાણીતા શ્રી ચીમનભાઈ પટેલે રમૂજમાં કટાક્ષનું આલેખન કરતાં “સાડી જેની અડપલા કરે….!!”રસપ્રદ કવિતા રજૂ કરી. કવયિત્રી શૈલા મુન્શાએ સ્વરચિત..” સરહદ પર ઉડતાં એ પંખી ના થંભે એ સીમાડે કે સરહદે..”નું કાવ્ય પઠન સુંદર શૈલીમાં રજુ કર્યું.
સમયને સાથમાં રાખતા સૂત્રધાર ઈનાબેન પોતાની અનોખી શૈલીમાં વચ્ચે ,વચ્ચે રસપ્રદ શેર-શાયરી રજૂ કરી સભ્યોને એક અનોખા ભાવમાં ભીંજવતા રહ્યા.

કવિતા-ગઝલનો આસ્વાદ માણતા સભ્યોને, એક અનોખી અનુભૂતિમાં શ્રી વિશ્વદીપ બારડે, પૌત્ર-દાદીમાના અણમોલ પ્રેમની લઘુકથા “મારો અણમોલ ઉછેર” રજૂ કરી શ્રોતાજનોને ભાવભીના કરી દીધા. કવયિત્રી ઈન્દુબેને .”જાણવાનું છે શું કારણ જો ભલા માને ના કોઈ…” એક સુંદર ગઝલ રજૂ કરી. પ્રથમ વખત પધારેલા કવિશ્રી જનાર્દન શાસ્ત્રીએ…”જોઉં છું વાટ રસ્તો શોધવાની….” કવિતાનો આસ્વાદ કરાવ્યો. ઉપેન્દ્ર શેઠે ઝવેરચંદ મેઘાણીની રચના “નસીબ કોને કહું…નસીબ વિના બધા કામ આડા પડે…!! “એક પછી એક કવિઓની સુંદર રચનાનો આનંદ શ્રોતાજનો માણી રહ્યા હતાં. શ્રી ફતેહ અલી ચતુરે પોતાની અનોખી શૈલીમાં અનોખા મુકતકો જેવા કે…”ના દીસે જે હોઠ તે મરકે ના મરકે તોયે શું? જે જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી ” જેવા રસપ્રદ મુકતકો રજૂ કર્યા.

હ્યુસ્ટનના જાણીતા, માનીતા કવયિત્રી દેવિકાબેન ધ્રુવે “મુકતક વિશે રસપ્રદ માહિતી આપી. મુકતક એટલે મોતી જેવું. ટૂંકાણમાં એક સુંદર સ્વતંત્ર ભાવ એજ મુકતક…ફારસી કવિ ઉમર ખયામ મુક્તકો થકી જગતના સાહિત્યમાં ઉચ્ચ આસને બિરાજે છે તથા ડૉ.દીલીપ મોદીએ ૨૫૦૦થી વધારે મુકતકો લખી એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે જેવી સુંદર માહિતી આપી.

પ્રદીપ બ્રહ્મભટ્ટે પોતાનું “સંસ્કાર ” મુવી આવી રહ્યું છે તેની વિગતવાર માહિતી આપી.સાથો સાથ પોતે લખેલ રમૂજ ગીત…યાહું …ચાહે મુજે કોઈ……” રજૂ કરી શ્રોત્રજનોને હાસ્યમાં તરબોળ કર્યા. આપણાં બુઝર્ગ, આદરણીય કવિ-લેખક શ્રી ધીરુભાઈ શાહે “ટપુ ટપાલી”ની વાર્તા અને “એક વૃધ્ધ ગામને ચોતરે બેઠો છે “એ વાર્તા પોતાની શૈલીથી રજૂ કરી.

સાહિત્ય સરિતાના જાણીતા ગાયક શ્રી પ્રકાશ મજમુદારે “પુકારતા ચલા હું મે..”ના રાગ પર ગુજરાતી સુંદર ગીત મધુર કંઠે ગાઈ સૌને એક અનોખા મુડમાં લાવી દીધા. સાહિત્ય સરિતાના લેખક શ્રી વિજય શાહે વર્ષો પહેલાં લખેલી “કસ્તુરીવાર્તા સંભળાવી. ઈનાબેન પટેલે આજ વાર્તાના અનુસંધાને “હું પણ રિસાઈ, તું પણ રિસાઈ પછી મનાવશે કોણ? “જીવનની વાસ્તવિકતા રજૂ કરી. પ્રવિણાબેન કડકિયાએ પોતાની વતનની મુલાકાતે ગયા તે વખતે શ્રીનાથજીના મંદિરમાં થયેલ અનુભૂતિની કવિતા “અરે તું પાછી આવી ગઈ! વાંચી સંભળાવી. ત્યારબાદ શ્રી વિનોદ પટેલે જુન માસમાં થનાર કાર્યક્રમની માહિતી શ્રોતાજનોને આપી. કવિ શ્રી સુરેશ બક્ષીએ સ્વરચિત મુકતક “જે સૂરત આંખમાં હોય તે પ્યાર માટે છે…” “બાકી બધી તસ્વીર છે…રોમાન્સ અમુક હદ સુધી..પછી દઝાડે છે..” આવા સુંદર મુકતકો રજૂ કર્યા. શ્રી નુરુદીન દરેડીયાએ મરીઝની ગઝલો રજૂ કરી.

એક નાટયકાર, નાટય રસિક શ્રી અશોક પટેલે “સાવ અજાણે રસ્તે અમને ચાર ખંભા લઈ આવ્યા….શ્વાસોના એવા પડઘા પડ્યા….ના હાલ્યા..ના ચાલ્યા..સામે મળ્યા એના શુકન થયાં” વાંચી સંભળાવી. સાથે સાથે સુંદર મુકતકોનો આસ્વાદ પણ કરાવ્યો. શ્રી રસેશ દલાલે “જીવનની અવસ્થામાં ખોવાઈ જવાય છે..બાળપણનું મારૂં ફળિયું ખોવાયું…રમતો હું એ મારું આંગણું ખોવાયું‘..ની રજૂઆત કરી.જાણીતા નાટ્યકાર અને કલાકાર શ્રી મુકુંદભાઈ ગાંધીએ ગુજરાતી નાટકના રમૂજદાર સંવાદો રજૂ કર્યાં, સાહિત્ય સરિતાના ભીષ્મપિતામહ  સમા શ્રી દીપકભાઈ ભટ્ટે આજની બેઠક વિશે બોલતા કહ્યું..”આજે ત્રિવેણી સંગંમ છે..મેઘધનુષ્ય જેવો મેળો લાગ્યો..” સાથો સાથ સાહિત્ય સરિતાને વધારે સુંદર બનાવવા ઉમદા સૂચનો આપ્યા. શ્રી પ્રશાંત મુન્શાએ “આપણાં સમયમાં મોબાઈલ ના હતાં’ એ વિશે એક રસપ્રદ કવિતા સંભળાવી.


સાહિત્ય સરિતાના પ્રારંભ થી આજ સુધી ઉતરોત્તર પ્રગતિ થતી રહી છે અને  આ મંચ પર આવી ઘણાં કવિ-લેખકોને પ્રેરણા મળી છે તથા ઘણાં સર્જકોએ “દરિયાપારના સર્જક” તરીકે નામના પણ પ્રાપ્ત કરી છે એ સાહિત્ય સરિતાનું ગૌરવ છે. આ સમયે મને આદિલ મનસુરીએ મારા પુસ્તકમાં લખેલ નોંધઃ “કલમ કેવી છે? નાની છે, મોટી છે, જાડી છે, પાતળી છે તે જોવા, તપાસવા, મૂલવવા, વિવેચન કરવાની આ ઘડી નથી.” કલમમાં શ્રધ્ધા રાખીએ.. આવતી કાલમાં શ્રધ્ધા રાખીએ… યાદ આવી ગઈ. બસ, ઉગતા સર્જક માટે આપણે પણ આવી શ્રધ્ધા અને આશા રાખીએ.

સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીનભાઈ વ્યાસે આભાર વિધિ કરી. સામૂહિક તસ્વીર લેવાયા બાદ બેઠકની પૂર્ણાહૂતિ થઈ. છેલ્લે ઈનાબેને ભાવથી પીરસેલ સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ સાહિત્યરસિકો વિખેરાયા. વૈવિધ્યથી સભર આ બેઠક ઘણી જ રસપ્રદ બની રહી.


(
ફોટોગ્રાફર શ્રી જયંતભાઈ પટેલ અને રમેશભાઈ શાહ)

અહેવાલઃ વિશ્વદીપ બારડ

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help