Jul 28 2023
૨૪૬મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન ટેક્સાસ – ૨૪૬મી બેઠકનો અહેવાલઆ બેઠક રવિવારે ૯ જુલાઈ ૨૦૨૩ના રોજ સુગરલેન્ડમાં આવેલા એલ્ડ્રિજ પાર્ક હોલમાં યોજાઈ હતી. સમય હતો, બપોરના ૧ વાગ્યાથી ૩ વાગ્યા પર્યન્તનો. ટેક્સાસના ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાં, સભ્યોની ખાસ્સી ઉપસ્થિતિ રહી. આશરે પચાસેક સભ્યો આવ્યા હતા. પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બેઠક સંચાલનનો દોર ઉપપ્રમુખ શ્રીમતી મીનાબહેન પારેખને સોંપ્યો હતો.પ્રારંભિક સ્વાગતવચનો અને આવશ્યક સૂચનાઓ કર્યા પછી મીનાબહેને સરસ્વતી વંદના કરાવી. ભારતીબહેને બેઠક સંચાલનને લગતી વિગતવાર માહિતી અગાઉથી તૈયાર કરીને આપી હતી અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં હાજર રહ્યા. તે બાબત મીનાબહેને તેઓનો ખાસ આભાર માન્યો. ત્યારબાદ બેઠક શરૂ થઈ.વિષય હતો, જુલાઈ મહિનામાં જન્મતિથિ અથવા પુણ્યતિથિ ધરાવતા કવિ કે લેખક.પ્રથમ રજૂઆત શ્રીમતી સુચિતાબહેન શાહે કરી. પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીની જીવનયાત્રા, તેમની પ્રખ્ય રચનાઓ તેમજ સાહિત્ય ક્ષેત્રે હાંસલ કરેલી ઉપલબ્ધીઓનો વિસ્તારપૂર્વક ચિતાર આપ્યો. ખાસ તો કવિ કાલિદાસના ‘શાકુંતલ’ નો ગુજરાતી અનુવાદ કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે. અને તેમની પ્રથમ રચના “નકી સરોવરે શરદ પૂર્ણિમા” કેવી રીતે સાકાર પામી તેવી અનેક રસપ્રદ વાતો સુચિતાબહેને કરી. તેમની પ્રસ્તુતિ ખરેખર સુવ્યવસ્થિત રહી અને સભ્યોએ તાળીઓથી બિરદાવી.
                        તે પછી, શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ જાણીતા ગઝલ અને ગીતકાર શ્રી               મનોજ ખંડેરિયા વિષે ભાવપૂર્ણ વિવેચન કર્યું. તેઓની અનેક રચનાઓની પંક્તિઓ             ગાઈ સંભળાવી,
                       ‘રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો કંકુ ને ચોખા.’  આવી                અને અન્ય ગઝલોનો ઉલ્લેખ કર્યો.
          આ રજૂઆતને પણ સભ્યોએ તાળીઓથી વધાવી.
                       તે પછી, આપણી સાહિત્ય સરિતાના માનીતા સર્જક  શ્રી જનાર્દન                             શાસ્ત્રીએ પોતાની સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરી . “આપજે” શીર્ષક હેઠળ
          ‘જિંદગીના અટપટા રસ્તે જો ડગમગે પગ મારા તો મને સંભાળજે.’ આ                                  ભક્તિગીત છે.
         અને ‘પ્રભુતામાં પગલાં ‘ એ કવિતામાં ગૃહસ્થ જીવનની નાજુકતાનો  ઉલ્લેખ છે.
         ‘વાસણ ખખડે તેનો વાંધો નહિ, પણ ગોબો ના પડે તે જોજો.’  આવી સુંદર                           રચનાઓને પણ સભ્યોએ તાળીઓથી આવકારી.
                     ત્યાર પછી, શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ પોતાના સ્વાનુભવના એક                 યાદગાર પ્રસંગ વિષે વાર્તા કહી.  વાસીદું વાળનારી, એક ગરીબ સ્ત્રી કુડા કચરામાં              ઝવેરાત ખોળે  છે, તેની સાથે થયેલો વાર્તાલાપ રજૂ  કર્યો, અને આપણી સામાજિક              સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો. ફરી એક વાર સભ્યોની તાળીઓએ દાદ આપી.
                     ત્યાર પછી, આપણી  હ્યુસ્ટનની સરિતાના એક પાયાના સભ્ય શ્રી દીપકભાઈ          ભટ્ટે એક વિશેષ પ્રસ્તુતિ “શ્રી ઝવેરચંદ મેઘાણી ” ઉપર કરી. લોકસાહિત્યના સ્તંભ                જેવા શ્રી મેઘાણી પ્રત્યે દીપકભાઈનો અહોભાવ છલકાઈ ગયો. તેમણે કહ્યું કે ‘સોરઠ              તારા વહેતા પાણી’ અને’ ચારણકન્યા’ જેવી રચનાઓમાં આ ધરાના હૃદયના                        ધબકારા વ્યક્ત થયા છે. કોમ અને જાતિભેદથી ઉપર ઉઠી સમસ્ત લોકોના અવાજો            અને શ્વાસ વ્યક્ત થયા છે . તેમના આગ્રહથી શ્રી પ્રકાશભાઈ મજમુદારે અને                        મીનાબહેને જોશીલા સૂરોમાં “પીધો કસુંબીનો રંગ” ગીત પ્રસ્તુત કર્યું. સાથે સૌ                      સભ્યોએ સાદ પુરાવ્યો. વતાવરણ ખરેખર કસુંબી થઇ ગયું.
                    ત્યારપછી શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ કઈ રીતે ગુજરાતી સાહિત્ય સરિતા              હ્યુસ્ટનની સંસ્થાના બીજ રોપાયા તે પ્રસંગની યાદો તાજી કરી. શ્રી દીપકભાઈનાં                  માતૃશ્રીની પ્રેરણાથી શરુ થયેલ સંસ્થા આઠ સદસ્યોમાંથી આજે ૧૨૫ ઉપરાંત સદસ્યો          ધરાવે છે તે બદલ સૌને અભિનંદન આપ્યા.
                   ત્યારપછી પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબહેન વ્યાસે શ્રી મનોજ ખંડેરિયા                ઉપર વક્તવ્ય રજૂ  કર્યું. તેમણે  શ્રી ખંડેરિયાકૃત  ઘણી ગઝલો કહી સંભળાવી.
        ‘જિંદગી દીધી નાશવંત મને પણ ગઝલ દીધી જીવંત મને.’ અને ‘મૌન રહી                              મિત્રતાનું ગૌરવ કર ‘. સભ્યોએ આ રજૂઆતને પણ તાળીઓથી  સમર્થન આપ્યું .
                   ખેર, તે પછી પ્રમુખશ્રી ભારતીબહેને  સમિતિ ના કાર્યકર્તાઓ શ્રી પ્રફુલભાઈ                અને મીનાબહેન તેમજ સર્વે સભ્યોનો આભાર માન્યો . નાસ્તાપાણી થયા. તે                        દરમ્યાન સૌ હળ્યામળ્યા અને  પછી છુટા પડ્યા.
         આમ એકંદરે આ બેઠક પણ  ઘણી રસપ્રદ અને આનંદદાયક રહી.
         અહેવાલ –  મીનાબેન પારેખ 
                            
      			 
					
મીનાબેન ખુબ ખુબ ધન્યવાદ. ખુબ જ સુંદર અને વિગતવાર અહેવાલ લખવા બદલ.
સુંદર,વિગતવાર અહેવાલ બદલ..મીનાબેન અભિનંદન👍👍👍
બેઠકનો અહેવાલ ઘણો સરસ છે. દરેક વ્યક્તાએ શું કહ્યું તે ઉડાણમાં લખ્યું છે તેથી ન આવેલા સભ્યોને પણ ખ્યાલ આવે કે બેઠકમાં શું બોલાયું. મીનાબેન ઘણો ઘણો આભાર.
મીનાબહેન, વિગતવાર અને સુંદર અહેવાલ લખવા બદલ હાર્દિક અભિનંદન. આમ જ સક્રિય રહી ગુ.સા.સ. ને વધુ પ્રોત્સાહિત કરતાં રહેજો.