Jan
27
2019
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની વર્ષ ૨૦૧૯ ની પ્રથમ બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેંકર

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૧૯ના વર્ષની પ્રથમ બેઠક ( બેઠક નં ૧૯૩) ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ને રવિવારે બપોરે સુગરલેન્ડના ઇમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ.
કાર્યક્રમની શરૂઆતમાં ચહા,ચેવડો અને બિસ્કીટથી આગંતુક સભ્યોને આવકારવામાં આવ્યા હતા. શૈલાબેન મુન્શા અને પ્રકાશ મજમુદારે સરસ્વતીના શ્લોકથી પ્રાર્થનાની શરૂઆત કરી હતી.
નવા વરાયેલા પ્રમુખ શ્રી. ફતેહઅલી ચતુર ગુજરાતી સાહિત્યના જ્ઞાતા અને હિન્દી કવિ અશોક ચક્રધરની કવિતાઓના પ્રેમી છે. સ્વભાવે હસમુખા, નાટ્યલેખક, નાટ્ય-અભિનેતા હોવા ઉપરાંત ઉમદા ઈન્સાન અને ઉમદા મિત્ર છે. બે રજુઆતોની વચ્ચે રમૂજી ટૂચકા અને અન્ય કવિઓની પંક્તિઓ ટાંકીને, રજૂઆતોને દમદાર બનાવવાની તેમને હથોટી છે. પ્રારંભમાં જ તેમણે આગલા વર્ષની કમિટીના તમામ હોદ્દેદારોની સેવાઓને બિરદાવીને, બેઠકમાં હાજર રહેલા શ્રી. નિતીન વ્યાસ અને મનસુખ વાઘેલાનું બહુમાન કર્યું હતું.
નવા ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શાએ બેઠકનું સંચાલન સંભાળ્યું હતુ.
શરૂઆતમાં, સંસ્થાના એક સભ્ય કવિશ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટના સદગત પિતાશ્રીના દુઃખદ અવસાન અંગે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટે, સ્વરચિત કાવ્ય ‘ મેરા ભારત મહાન’ વાંચી સંભળાવ્યું હતું. પ્રદીપભાઈએ નવી કમિટી માટે લખેલા એક પ્રશસ્તિકાવ્યને ફ્રેઈમમાં મઢીને, પ્રમુખશ્રીને અર્પણ કર્યું હતું.
સર્વાનુમતે વરાયેલા નવા પ્રમુખ શ્રી. ફતેહઅલી ચતુર સાહેબે, દરેક સર્જકે માત્ર ત્રણ જ મીનીટમાં વક્તવ્ય પૂર્ણ કરી દેવાની પ્રથા બંધ કરવાની જાહેરાત કરીને, આજની બેઠકનો વિષય ’કાંઇક નવું, કાંઈક સાંભળેલું, કાંઈક જોયેલું, કાંઈઇક વાંચેલું નવું રજૂ કરવાનું આમંત્રણ આપ્યું.
ગુજરાતી ભાષાના સંવર્ધન અને પ્રસાર માટે સતત કાર્યશીલ રહેનારા સન્નિષ્ઠ લેખક શ્રી. વિજય શાહે કવયિત્રી દેવિકાબેન ધ્રુવના ‘પત્રાવળી’ના લેખો અને તેના ૨૫ જેટલા લેખકોનો પરિચય આપતું વક્તવ્ય આપ્યું હતું અને આ નવા પ્રયોગને પ્રોત્સાહન આપ્યું હતું. શ્રીમતિ પ્રવિણાબેન કડકિયાએ આ પત્રાવળી પરથી ‘પતરાવળી’ નો ઈતિહાસ રજૂ કરતાં કેળના પાન પછી પિત્તળ,પછી સ્ટીલ,તે પછી કાચની ડીશો અને હવે કાગળની ડીશોના વપરાશની વાત ખૂબ હળવી અને રમૂજી શૈલીમાં રજૂ કરી હતી. પ્રવિણાબેન પોતાના બ્લોગ ‘મન, માનસ અને માનવી’માં દરરોજ કાંઈક નવું લખતા હોય છે.
સંસ્થાની નવી કમિટીના વરાયેલા સલાહકાર શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે, નવું વર્ષ, નવી કમિટી અને નવા વિચારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સ્વ. ઉમાશંકર જોશીનું એક વાક્ય ‘એ કેવો ગુજરાતી કે જે હોય કેવળ ગુજરાતી?’ ટાંકીને અન્ય ભાષાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો. કલમ અને કીબોર્ડનો સ્પર્શ અને સંવેદનાની વાત, કવિતાઓ કે ગઝલોની રજૂઆત ને બદલે સાહિત્યના અન્ય સ્વરૂપોની રજૂઆત દ્વારા કાંઇક નવું કરવાની વાત કરી અને સાથે સાથે સાહિત્ય સરિતાની ‘સાઈટ’ને સક્રિય રાખવા માટે લખવા/વાંચવાની રીતોની ઝલક ‘પ્રોજેક્ટર’પર સમજાવી.
હ્યુસ્ટનના જાણીતા હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે (‘ચમન’) “અવકાશે ઊડી રહ્યા રંગીન પતંગો, ગેલ કરતા,નમી પડતા ઉડાડનારનું મન હરતા” સ્વરચિત કાવ્ય ‘પતંગના પેચ’ રજૂ કર્યું. શ્રોતાઓને ઘણું ગમ્યું. શ્રી દીપકભાઈ ભટ્ટે ફેબ્રુ.માં થનારા ગાંધી પ્રોગ્રામની માહિતી આપી અને સંસ્થાના ઈતિહાસના પુસ્તકને સાઈટ પર મૂકવાનું એક ખૂબ જ સુંદર અને જરૂરી સૂચન આપ્યું.
ત્યારબાદ સંસ્થાના નવા ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શાએ સુરેશ દલાલના જાણીતા કાવ્ય ‘એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે’ પરથી ભારતના હાસ્યલેખિકા કલ્પના દેસાઈ લિખિત ‘એક ડોસી ડોસાને હજુ સવાલ કરે છે’ લેખ વાંચી સંભળાવીને, શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. શૈલાબેનના વાંચનની રીત મનમોહક રહી. દરેક વક્તાઓની વચ્ચે ફતેહઅલીભાઈ ૨૦૧૯ના વર્ષ માટેના ‘કંઈક નવા” આયોજનની વાતો વહેતી મૂકતા જતા હતા જે ખૂબ જ નોંધપાત્ર હતી.
શ્રી દિલીપભાઈ કપાસીએ પણ ‘પત્રાવળી’ની ખૂબીઓને બિરદાવી,પોતાની એક મોરબીની મુલાકાત દરમ્યાન થયેલ એક અંધની હ્રદયસ્પર્શી અને ઉમદા વાત કરી. શ્રી નિતીનભાઈ વ્યાસે પોતે અગાઉ શરૂ કરેલ કોઈપણ એક પુસ્તક વાંચીને, તેનો પરિચય બેઠકમાં રજૂ કરવાનો એક નવો વિચાર, આગળ ચાલુ રાખવાની/વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.
‘ગુજરાત ગૌરવ’ ( હવે ‘જીવનપ્રકાશ’ ) ના તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયાએ “શબ્દોંકી બારાત લે જાઓ” એવી ઊર્દૂ શાયરી મોટેથી લલકારી વાતાવરણને રંગમાં લાવી દીધું. તે પછી હ્યુસ્ટનની ‘કલાકુંજ’ સંસ્થાના આદ્યસ્થાપક અને સમર્થ નાટ્યઅભિનેતા, શ્રી. મુકુંદ ગાંધી સાહેબે નવી કમિટીના “ચાર સિતારા”કહી દરેકનો યથોચિત પરિચય આપ્યો. તે ઉપરાંત ‘પ્રત્યેક ક્ષણ નવી છે’ નો તાત્વિક અર્થ સમજાવી બેઠકના વિષયને ન્યાય આપ્યો.
શ્રી. પ્રકાશ મજમુદારે અંતમાં , શૂન્ય પાલનપુરીની ગઝલ ‘ બધી દૂનિયાને ભૂલી જાઉં છું તારા વિચારોમાં..’ પોતાના અવાજે ગાઈ સંભળાવી હતી. તે પછી ફતેહઅલીભાઈએ ‘પૂંજી અને ‘શ્રમ’, ‘યથાર્થ અને ભ્રમ” એવા કેટલાક શબ્દોને વાક્યમાં વાપરી, સરસ હળવી રીતે એક ‘શબ્દરમત’નો નવો વિચાર રમતો મૂકયો હતો.
અંતમાં, રાબેતા મુજબ તસ્વીરકાર શ્રી. જયંત પટેલે અને શ્રી. નિતીન વ્યાસે ગ્રુપ ફોટો લઈને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
એકંદરે આજની બેઠક નવા વર્ષના નવા આયોજનો અંગેની ઝલક આપી દરેકના મનમાં આશાસ્પદ છાપ અને તૈયારીની મનોભૂમિકા પૂરી પાડતી ગઈ.
જાન્યુ. ૨૬,૨૦૧૯.
અસ્તુ.
નવીન બેંકર
Leave a Reply
મિત્રો, વાંચો અને આપનો પ્રતિભાવ અહીં લખો એવી નમ્રેઅ વિનંતિ.
very nicely presented first report of 2019 of :”ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની વર્ષ ૨૦૧૯ ની પ્રથમ બેઠકનો અહેવાલ
congratulations to પ્રમુખ શ્રી. ફતેહઅલી ચતુર and his innovative methods like
’કાંઇક નવું, કાંઈક સાંભળેલું, કાંઈક જોયેલું, કાંઈઇક વાંચેલું નવું રજૂ કરવાનું આમંત્રણ આપ્યું.
and ‘શબ્દરમત’
congratulations to ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શા ( ‘એક ડોસી ડોસાને હજુ સવાલ કરે છે’- do share this new write up to circulate in Gujarati media)
also appreciate unique contribution of following learned speakers.
શ્રી. વિજય શાહે
શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
સલાહકાર શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે
હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે
શ્રી દીપકભાઈ ભટ્ટે
શ્રી દિલીપભાઈ કપાસી
તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયા
શ્રી. મુકુંદ ગાંધી
શ્રી. પ્રકાશ મજમુદારે
nice group photoes by શ્રી. જયંત પટેલે અને શ્રી. નિતીન વ્યાસે
and last but not least our Navin banker who always present every report in a lucid form.
ખૂબ સુંદર અને રસપ્રદ અહેવાલ…
Adbhut.
Heartfelt ongratulationsto the new committee for an outstanding first bethak of 2019.
Sorry, I missed it being in India.
નવીનભાઈ,
સાહિત્ય સરિતાની નવી કમિટી તરફથી આવો સરસ અને રસપ્રદ અહેવાલ લખવા બદલ ખુબ આભાર.
મહેન્દ્રભાઈ આપનો પણ આટલો વિગતવાર અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર. આમ જ અમને પ્રોત્સાહિત કરતાં રહેજો.
આશા રાખીએ કે વધુ સાહિત્ય રસિક મિત્રો આ અહેવાલ વાંચે.
નવીનભાઈ ખૂબ સરસ અહેવાલ, હું મીટીંગમાં હાજર નહોતી રહી શકી. અહેવાલ વાંચવાનો આનંદ, આપના જેવો અહેવાલ કોણ લખી શકે? તમે લખતા રહો ….