Mar 23 2016

જાન્યુઆરી ૨૦૧૬ ગુ સા સ મિટીંગ #૧૬૦નો અહેવાલ

Published by at 2:50 pm under બેઠકનો અહેવાલ

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૦મી બેઠકનો અહેવાલ..- નવિન બેન્કર

શનિવાર ૧૬મી જાન્યુઆરીની વરસાદી સાંજે, ૨૦૧૬ના નવા વર્ષની પ્રથમ બેઠક, નવી સમિતિ અને નવા યજમાનની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ મહિને ‘મ્યુઝીક મસાલા’ રેડીયોના ગુજરાતી વિભાગના પ્રવક્તા ઇનાબેન પટેલના મંદિરધામ જેવા નિવાસસ્થાને, હ્યુસ્ટનના પચાસેક સાહિત્ય રસિકો સમક્ષ સંપન્ન થઈ હતી.

સંસ્થાના નવાપ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે સ્વાગત કરતાં, પ્રાસંગિક બે શબ્દો કહ્યા પછી, ભાવનાબેન દેસાઈની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે પછી તાજેતરમાં જ ગુજરી ગયેલા કવિ શ્રી લાભશંકર ઠાકર, લેખક લલિત પરીખ અને પ્રેમલતાબેન મજમુદારના દુઃખદ અવસાન પ્રત્યે દિલસોજી વ્યક્ત કરીને બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

સભા-સંચાલક અને યજમાનની બેવડી કામગીરી સહર્ષ સ્વીકારેલ ઈનાબેન પટેલે સૌનું સ્વાગત કર્યુ અને સભાનો મુખ્ય દોર ચાલુ કર્યો. બેઠકનો વિષય હતોઃ હાસ્ય,આનંદ કે મનપસંદ. કાર્યક્રમના ઓપનીંગ બેટ્સમેન હતા હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ. ‘ચમન’ના તખલ્લુસથી લખતા આ લેખકે પોતાના પુસ્તક ‘હળવે હૈયે’માંથી નવા વર્ષના સંકલ્પોની હળવી રજૂઆત કરીને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ૯૫ વર્ષની વયના શ્રી. ધીરુભાઈ શાહે, રાબેતા મુજબ જીન્દગીના નિચોડ સમી, ડહાપણની પ્રેરક કૃતિઓ રજૂ કરી. સંસ્થાના ભુતપૂર્વ ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ, બે અંગ્રેજી કાવ્યોના પોતે કરેલા ભાવાનુવાદ ભાવભેર વાંચી સંભળાવ્યા. સંસ્થાના વિદ્વાન અને બહુશ્રુત એવા સભ્ય નિતીન વ્યાસે, ભદ્રંભદ્ર અંગેની અજાણી વાતો અને એ જમાનાના સર્જન અંગે દિલચશ્પ માહિતી આપી હતી. શૈલાબેન મુન્શાએ પોતાના વર્ગના ત્રણ વર્ષની ઉંમરના એક વિચક્ષણ વિકલાંગ બાળક મોહસીન અંગે સરસ રજૂઅત કરી હતી.

શ્રી.પ્રશાંત મુન્શા, શ્રી નુરૂદ્દીન દરેડિયા, શ્રી. મુકુંદ ગાંધી, ડો.રમેશ શાહ, શ્રી. વિનોદ પટેલ, ઇન્દુબેન શાહ જેવા અન્ય સભ્યોએ પણ કેટલીક રજૂઆતો કરી હતી. રાહુલ ધ્રુવ અને ગુજરાતી રેડિયોના સંચાલક શ્રી. દિલીપ કાનાબારે પણ હાસ્ય કેમ ઉદભવે છે એ અંગેની રમૂજી વાતો કરીને શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા. ભારતીબેન મજમુદારે પોતાની લાક્ષણિક શૈલીમાં હાસ્ય પીરસ્યું હતું. શ્રી. સુરેશ બક્ષીએ ખુબસુરત મુકતકો સંભળાવ્યા હતા.બે વક્તાઓની વચ્ચે વચ્ચે ઈનાબેન ખૂબીપૂર્વક, મજેદાર પ્રતિભાવો આપ્યે જતા હતા જેમાં તેમની એક સરસ સૂકાની તરીકેની પ્રતિભા પ્રતિબિંબિત થતી હતી.

શ્રી. નવીન બેન્કરે, આપણા સારસ્વત શ્રી. રઘુવીર ચૌધરીને મળેલા , ભારતીય જ્ઞાનપીઠનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું એની વાત કરતાં, આ અગાઉ ગુજરાતી સાહિત્યકારો શ્રી. ઉમાશંકર જોશી, શ્રી. પન્નાલાલ પટેલ અને કવિ શ્રી. રાજેન્દ્ર શાહને પણ આ જ્ઞાનપીઠ પુરસ્કારો મળી ચૂક્યા છે એની અને રઘુવીરભાઇની નવલકથા ‘અમૃતા’ ના સર્જન અંગેની વાતો કરી હતી. શ્રી. બેન્કરે, પોતાને ગમતી એક કવિતા ‘મનની મુરાદો’ પણ રજૂ કરી હતી. ‘જેતલી અને જેઠાણી’ ની હાસ્યવાર્તા સંભળાવીને, શ્રોતાઓને હસાવ્યા હતા.

શ્રીમતિ ભાવનાબેન દેસાઈએ, શ્રી.નીનુ મજમુદારના એક ગીત, ‘આજ અમારે હૈયે આનંદ આનંદ રે’ ખાસ સાહિત્ય સરિતા માટે પોતાની લાગણી વ્યક્ત કરતા, થોડાક ફેરફાર સહિત ગાઇ સંભળાવ્યું હતું. શ્રી. પ્રકાશ મજમુદારે, શેખાદમ આબુવાલાની એક રચના ‘ આદમથી શેખાદમ સુધી’ સુંદર, ભાવવાહી સ્વરે ગાઇ સંભળાવી હતી.

કાર્યક્રમનો એક શિરમોર પ્રસંગ તે, સાહિત્ય સરિતાના નેજા હેઠળ, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના છેલ્લાં પંદર વર્ષના ઈતિહાસની ઝાંખી આપતા પુસ્તક્ની વહેંચણી. આ પુસ્તક કે જેમાં ત્રીસેક જેટલા લેખકો-કવિઓના પરિચય અને તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોની જાણકારી પણ છે; તે સંસ્થાના એક સાહિત્યરસિક અને ભક્તકવિ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે પોતાને ખર્ચે દરેક સર્જકને સપ્રેમ ભેટ આપ્યું હતું. નવા બોર્ડની પ્રથમ બેઠકનું આ એક સુંદર કાર્ય પ્રમુખ શ્રીમતિ ઈન્દુબેન શાહની આગેવાની હેઠળ થયું તે એક આનંદની વાત બની.

કાર્યક્રમના મધ્યભાગમાં, હ્યુસ્ટનની કવયિત્રી શ્રીમતિ દેવિકા ધુવે સ્વરચિત ગઝલ ‘સોનેરી એક સાંજની વાત લાવી છું,તારા મઢેલી રાતનું આકાશ લાવી છું” ખાસ યજમાન માટે સંભળાવ્યું હતું. સંપુર્ણતયા પરિપક્વ અને ભાવવાહી એવી આ મનહર રચના સૌ શ્રોતાઓની હ્ર્દયવીણાના તાર ઝણઝણાવી ગઈ.

હ્યુસ્ટનના નાટ્યકલાવૃંદના પ્રમુખ અને નાટ્યદિગ્દર્શક તથા સાહિત્ય સરિતાના હાલના સલાહકાર સભ્ય શ્રી. અશોક પટેલે પોતાની એક સ્વરચના ‘મંઝીલ સુધી જવાના સૌ રસ્તા મળી ગયા, જીંદગી જીવવાના સૌ બહાના મળી ગયા’ રજૂ કરી હતી.

કાર્યક્રમનું સંચાલન, ઇનાબેન પટેલે, દેવિકા ધ્રુવના સહયોગમાં સૂપેરે કર્યું હતું. દરેક વક્તાની રજૂઆત પછી રચનાને અનુરૂપ મુક્તક કહીને,રજૂ થતી કૃતિને,વધુ અસરકારક બનાવી દેવાની તેમની આવડત,આજની બેઠકને રળિયામણી બનાવી રહી હતી.

કાર્યક્રમની વ્યવસ્થામાં મદદરૂપ થવા બદલ શ્રીમતિ નીશાબેન અને હિતેષ દેસાઈનો તથા દિલીપ કાનાબાર અને તેમના ધર્મપત્નીનો ઇનાબેને આભાર માન્યો હતો. તો સાહિત્ય સરિતાએ ઈનાબેનનો પણ પ્રેમપૂર્વક આભાર માન્યો હતો. છેલ્લે સામૂહિક તસ્વીર લેવાયા બાદ હ્યુસ્ટનના સર્વશ્રેષ્ઠ ગુજરાતી ભોજનાલય ‘મહારાજાભોગ’ ના ભોજનથાળનો રસાસ્વાદ માણીને સૌ સભ્યો છૂટા પડ્યા હતા.
૨૦૧૬ની આ પ્રથમ બેઠક વધુ સભ્યો અને રસપ્રદ વક્તાઓને કારણે તથા સુંદર આયોજનને કારણે સવિશેષ યાદગાર અને સફળ બની રહી.

**************************************************************

One response so far

One Response to “જાન્યુઆરી ૨૦૧૬ ગુ સા સ મિટીંગ #૧૬૦નો અહેવાલ”

  1. Devika Dhruvaon 23 Mar 2016 at 2:59 pm

    વાહ…વાહ.. ઘણા સમય બાદ…. અભિનંદન ઈન્દુબેન..

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help