Oct 28 2018

સાહિત્ય સરિતા બેઠક અહેવાલ

Published by at 1:15 pm under બેઠકનો અહેવાલ

 

Subject: ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા

તા. ૨૦ ઓક્ટોબર ૨૦૧૮ની ૧૯૦મી ગુ.સા.સની બેઠક સરિતાના વડિલ સેવાભાવી સદસ્ય શ્રી નૂરુદ્દીન દરેડિયાને ત્યાં યોજવામાં આવી હતી. ઘણા વખતે કોઈ સભ્યને ત્યાં બેઠકનુ આયોજન થયું હતું. રમ્ય વાતાવરણ, આંખને ઠંડક આપે એવું સૌમ્ય, સાદું પણ સુશોભિત ઘર અને એવા જ સાદા અને મધુર હાસ્યે સૌની આગતાં સ્વાગતા કરતા કુટુંબીજનો.
પહેલા ભોજન પછી ભજન એવી મીઠી ટકોર કરતાં નૂરુદ્દીનભાઈના પત્નિએ અને એમના દિકરા દિકરીએ સહુને રસ પુરી પાતરાં અને ઉંધિયાનુ સ્વાદિષ્ટ ભોજન આગ્રહ કરી પીરસ્યું. સહુ તૃપ્તિનો ઓડકાર લેતા, વાહ વાહ કરતાં ઉઠ્યાં અને સાહિત્ય સભાનો આરંભ થયો.

આજની બેઠકનો વિષય હતો દિવાળી, ગાંધીજી, નવરાત્રી અથવા મનપસંદ. વક્તાઓ એ પણ વિવિધતાભર્યો થાળ પીરસી સભાની રોનક વધારી.
ગુ.સા.સના પ્રમુખ શ્રી સતિશભાઈએ સહુને આવકારતા બેઠકની શરૂઆત કરી અને સંચાલક તરીકે નૂરુદ્દીનભાઈને સુકાન સોંપ્યુ.

ભાવનાબેન દેસાઈએ પોતાના સૂરીલા કંઠે મા સરસ્વતીની પ્રાર્થનાથી શુભારંભ કર્યો.
પ્રવિણાબેન કડકિયાએ અલ્પેશભાઈના એક લેખ વિશે અને ગુજરાતમાંથી બિન ગુજરાતીઓને હાંકી કાઢવાની વાત પર પોતાનો આક્રોશ પ્રગટ કર્યો.
વિજયભાઈ શાહે હમેશની જેમ વક્તાઓને પ્રોત્સાહિત કરતા સતત લખતા રહેવાની ભલામણ કરી અને લખાયા પછી એ લખાણ પ્રકાશિત નથી થતું એ બાબત યોગ્ય પગલાં લેવાની વાત કરી.ફતેહ અલીભાઈએ એમની આગવી શૈલીમાં અશોક ચક્રધરની સુંદર રચના “એક સંપાદકને પાગલોંકે મનોવિજ્ઞાન પર લેખ માંગા” સંભળાવી અને શ્રોતાઓને હાસ્ય તરબોળ કરી દીધાં.

આપણી સાહિત્ય સરિતાના અદકેરા સભ્ય શ્રી કમલેશભાઈ લુલ્લા અને નાસાના અગ્રગણ્ય વૈજ્ઞાનિક જેમને ભારતના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે જાન્યુઆરી ૨૦૧૯ બનારસ યુનિવર્સિટિમાં લેક્ચર આપવા આમંત્રણ આપ્યું છે એવા મહાન વ્યક્તિ આપણી સાહિત્ય સરિતાના સભ્ય છે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. શ્રી કમલેશભાઈ લુલ્લાએ પોતાની હળવી રમૂજી શૈલીમાં ગાંધીજી અને ઈસ્માઈલી સમાજના જોડાણની વાત કરી અને કેવી રીતે એમની મદદ ગાંધીજીને મળી, પુનાના આગાખાન પેલેસની વાત અને ખાસ તો કસ્તુરબાને જેટલી પ્રસિધ્ધિ મળવી જોઈતી હતી એ ના મળી અને કસ્તુરબાના જીવન પર લખાયેલ પુસ્તક વિશે વાત કરી.ભાવનાબેન દેસાઈએ સુરેશ દલાલનુ કાવ્ય “એક પાનખરના ઝાડને આવે છે સપના રોજ વસંતના”સંભળાવ્યું અને એ દ્વારા હમેશા સકારાત્મક ભાવ જીવનમાં રાખવો એ સંદેશ આપ્યો.ચીમનભાઈ પટેલે સ્વ રચિત રમૂજી કાવ્ય સંભળાવ્યુંઃ
“ખોટું તું જો ના લગાડે તો વાત તને એક કહું?
હું થોડા દિવસ મારી માને ત્યાં રહેવા જઉં?”

ડો. ઈંદુબેન શાહે માની આરાધના કરતું કાવ્ય સંભળાવ્યુંઃ
“મારી માની છે મહિમા નિરાળી
મારે ઘેર આવી અંબા નિરાળી”.
જનકભાઈ શાસ્ત્રીએ ‘જમાનો પહેલા પણ ખરાબ હતો અને જમાનો આજે પણ ખરાબ છે” પર પોતાનુ મંતવ્ય રજૂ કર્યું. શૈલાબેન મુન્શાએ સ્વ-રચિત કાવ્ય રજૂ કર્યુંઃ
“તરણા ઓથે ડુંગર, કોઈને દેખાય નહિ,
ખોવાણી જો નથણી, કોઈથી શોધાય નહી!!”
દેવિકાબેન ધ્રુવની સંજોગવશાત હાજરી નહોતી, પણ એમનુ સ્વ-રચિત મધુર ગીત જે એક નવી દિવાળી લાવવાની વાત કરે છે એ શૈલાબેને ભાવવાહી સ્વરે સંભળાવ્યું અને શ્રોતાઓને ખુબ પસંદ આવ્યું.
“કોઈ નવી નવરાત્રી લાવો, એક નવી દિવાળી લાવો,
શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.”
પ્રકાશભાઈ મજુમદાર જે સાહિત્ય સરિતાના મુકેશ કહેવાય છે, એમણે રાજકોટ શહેરના જાણીતા ગઝલકાર અમૃત ઘાયલની ગઝલ પોતાના મધુર સ્વરે સંભળાવીઃ
“કાજળભર્યા નયનના કામણ મને ગમે છે,
કારણ નહિજ આપું, કારણ મને ગમે છે.”

પ્રશાંત મુન્શાએ દિવાળી પર કાવ્ય વાંચી સંભળાવ્યું.
“દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે”

સરિતાના વડિલ કવિ શ્રી ધીરુભાઈ શાહ ૯૮ વર્ષે પણ સાહિત્યની પ્રવૃતિમાં મગ્ન છે અને સહુ માટે ઉત્તમ ઉદાહરણરૂપ છે, એમણે ગાંધીજીને અંજલિ અર્પણ કરતું કાવ્ય “ગાંધી તારો જય થશે” અને દિવાળી એટલે શું એ વિશે વાત કરી.
શ્રી નૂરુદ્દીનભાઈ સભાના સંચાલક હતા અને વચ્ચે વચ્ચે એમના રમૂજી સ્વભાવનો પરિચય આપતા હાસ્ય કણિકા વેરતા જતા અને વાતાવરણને હળવું હાસ્યસભર બનાવતા જતા હતા. “જીવન મળ્યું છે મોંઘુ તો જીવી જાણવું” એ વિશે વાત કરતા નૂરુદ્દીનભાઈએ હસતા રમતા જીવી જવાની વાત કરી. એ પોતે પણ એનુ ઉત્તમ ઉદાહરણ છે.

દિપકભાઈ ભટ્ટે ગાંધીજીના ૧૫૦મા જન્મદિવસ નિમિત્તે થતી ઉજવણીની જાણકારી આપી અને કસ્તુરબા વિશે વાત કરી.નીતિનભાઈ વ્યાસે પણ ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડતા આફ્રિકામાં સૌ પ્રથમ અબ્દુલભાઈ ઝવેરીએ ગાંધીજીને આશરો આપ્યો હતો અને મુસા ઈસ્માઈલને ત્યાં પણ ગાંધીજી રહ્યા હતા. આમ ઈસ્માઈલી સમાજનો ગાંધીજી સાથે પુરાણો નાતો છે એ વિશે જાણકારી આપી.

સંસ્થાના પ્રમુખ શ્રી સતિશભાઈએ “ધંધો છોડીને ચાલી નીકળ્યો” કાવ્ય વાંચી સંભળાવ્યું.
દર મહિને પ્રગટ થતું સામાયિક ગુજરાત ગૌરવના સંપાદક નૂરુદ્દીનભાઈ છે અને સરિતાના લેખકોની વાર્તા, કવિતા, ગઝલ પ્રેમપૂર્વક એમાં છાપે છે, એટલું જ નહિ દર મહિને એ સામાયિકોના થેલા ઉંચકી બધાને હાથોહાથ મફત કોપી પહોંચાડે છે, આ એમની અવિરત સેવાની પ્રશંસારુપે ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો તરફથી શ્રી કમલેશભાઈ લુલ્લાના વરદ હસ્તે એક પ્રશસ્તિપત્ર નૂરુદ્દીનભાઈને સપ્રેમ ભેટ આપવામાં આવ્યું
અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈએ સહુનો આભાર માનતા કાર્યક્રમની સમાપ્તિ કરી.
જયંતભાઈ પટેલે સરિતાની પ્રણાલી કાયમ રાખતા સહુનો સમૂહ ફોટો પાડ્યો.
યજમાન દંપતિની આગતા સ્વાગતા હજી પૂરી થઈ નહોતી. સહુ માટે ચા નાસ્તાની, નારિયેળપાણીની વ્યવસ્થા હતી.
પ્રસન્નચિત્તે મનભર મહેમાનગતિ માણતા એકબીજાને દિવાળીની શુભકામના આપતા સહુ વિખરાયા.
અસ્તુ,
શૈલા મુન્શા તા ૧૦\૨૪\૨૦૧૮

 

 

One response so far

One Response to “સાહિત્ય સરિતા બેઠક અહેવાલ”

  1. chamanon 29 Oct 2018 at 8:55 am

    વિગતવાર સરસ ગમી જાય એવો અહેવાલ!

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help