Nov 19 2023
૨૫૦મી બેઠકઃ ગુ.સા.સ. હ્યુસ્ટન: વિજય શાહનું સન્માન.. ( Video)
તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૦મી બેઠકમાં ‘સહિયારું સર્જન’નાં લેખક શ્રી વિજય શાહનું થયેલ સન્માનઃ
વિડીયો અને તસ્વીર સૌજન્યઃ ચિન્મયી વિજય શાહ અને પ્રકાશ મજમુદાર.
અહેવાલ લેખનઃ ડૉ. ઈંદુ શાહ
સંપાદનઃ દેવિકા ધ્રુવ
********************************************************************************************
Published in Rashtra Darpan, December 2023
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૦મી બેઠક, નવેમ્બર ૧૮, ૨૦૨૩ ને રવિવારના રોજ ઇમ્પીરિઅલ હૉલ, સુગરલૅન્ડ’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠક સંસ્થાના પાયાના એક સભ્ય અને સર્જક શ્રી વિજય શાહના સન્માન અર્થે યોજવામાં આવી હતી. વિજયભાઈ તેમના પત્ની,પુત્રી અને પૌત્ર સાથે હાજર હતા.
Prakash Majmudar Janardan Shastri Pravina Kadakia
સૌથી પ્રથમ પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે સૌનું સ્વાગત કર્યું, નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને
શ્રી પ્રકાશ મજમુદારને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. પ્રાર્થના બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
પ્રથમ વક્તા હતા શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રી. તેમણે દિવાળી વિશે પોતાની એક રચના વાંચી સંભળાવી. ત્યારબાદ પ્રવિણા્બહેન કડકિયાએ વિજયભાઈને એક પ્રેરણારૂપ વ્યક્તિ તરીકે બિરદાવ્યા અને ‘સહિયારા સર્જન’માં લખવા અંગેની કેટલીક વાતો કરી અહોભાવ પ્રગટ કર્યો.
Nikhil Mehta Charu Vyas Manoj Mehta
સંસ્થાના સ્થાપક એવા શ્રી દીપક ભટ્ટે પોતે હાજર રહી ન શકવાને કારણે મોકલાવેલ સંદેશો નિખિલ મહેતાએ વાંચી સંભળાવ્યો. તેમાં તેમણે જણાવ્યું કે, ગુ.સા.સ.ના પ્રારંભથી જ નવોદિત લેખકોને પ્રોત્સાહન અને દોરવણી આપવામાં વિજયભાઈએ નિસ્વાર્થપણે ઉત્તમ કામ કર્યું છે તેમજ અમેરિકા અને અમેરિકાની બહાર સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી કરતા રહ્યા છે તે પ્રશંસનીય છે. તે ઉપરાંત વિજયભાઈના કુશળ સ્વાસ્થ્યની પણ શુભેચ્છા પાઠવી હતી.
શ્રીમતી ચારુબહેન વ્યાસે સંસ્થા સાથે પોતે કેવી રીતે જોડાયા અને વિજયભાઈએ કેવી રીતે લખવાની પ્રેરણા આપી તેની રસપૂર્વક રજૂઆત કરી. તે પછી શ્રી મનોજ મહેતાએ પોતાની લાક્ષણિક ઢબે વિજયભાઈ માટે ખાસ લખેલ ગઝલ વાંચી સંભળાવી કે,
“લેખન એ નશો છે, વિજયને ચડે એવો કોઈને નહી.
હ્યુસ્ટનમાં બહુ શખ્સો જોયા, પણ વિજય જેવો કોઈ નહીં.
લખવા કોઈને પ્રોત્સાહિત કરવા એ સૌને હસ્તગત હોતું નથી
‘મનુજ’ને પણ વધુ લખતો કરનાર, વિજય જેવો કોઈ નહી.
Indu Shah Vijay Shah
ઇન્દુબેન શાહે સંસ્થાના પાયાના સભ્ય શ્રી વિજયભાઇ શાહની પ્રથમ બાળવાર્તાથી માંડીને પ્રસિદ્ધ થયેલ તમામ સર્જન/પુસ્તકોની વર્ષવાર તવારીખ રજૂ કરી. તે ઉપરાંત વ્યક્તિગત રીતે પોતાને અને અન્યને વિજયભાઈએ આપેલ માર્ગદર્શન અને પ્રેરણા અંગે અભિવ્યક્તિ કરી આભાર માન્યો. નિતીનભાઈ વ્યાસે પોતાની હળવી શૈલીમાં વિજયભાઈના સેંકડો કામોને બિરદાવી તેમના સ્વાસ્થ્ય અંગે શુભ ભાવના પ્રગટ કરી.
Gujarati Sarita, Houston members
Devika Dhruva Fateh Ali Chatur
ફતેહઅલી ચતુરે જણાવ્યું કે જ્યારથી તેઓ સંસ્થામાં જોડાયા ત્યારથી વિજયભાઈ તેમને લખવા માટે કહેતા રહ્યા છે.. જ્યારે ગુજરાત દિવસની ઉજવણી થઈ ત્યારે અલીભાઇને નાટક લખવા પ્રોત્સાહિત કર્યા. તેને પરિણામે શ્રી અલીભાઈએ નાટક લખ્યું ‘અનોખી મહેફિલ’; જેમાં વિજયભાઈએ વિક્ર્મ સારાભાઈનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત વર્ષો પહેલાં ઝુમ દ્વારા જુદા જુદા સ્ટેટના લેખકોને વિડીયો દ્વારા ભેગા કર્યા હતા, ‘ચલો ગુજરાત’ વખતે શેર અંતાક્ષરી વગેરેની વિગતો યાદ કરીને વિજયભાઈને એક ઉમદા વ્યક્તિ અને મિત્ર તરીકે નવાજ્યા.
ડો. કમલેશ લુલ્લાએ “GSSના GPS એટલે વિજયભાઈ” એમ કહી સુંદર રીતે વિજયભાઈના કામની પ્રશસ્તિ કરી એટલું જ નહિ, પોતે નાસાના વૈજ્ઞાનિક હોઈ ચંદ્ર પરથી લેવાયેલ પૃથ્વીની એક તસ્વીર ભેટ આપી.
દેવિકાબેન ધ્રુવે “આજનો દિવસ આનંદનો દિવસ છે, આજનો દિવસ વિજયભાઇનો દિવસ છે, એવું લાગે છે કે ગુજરાતી સાહિત્ય સરિતાના વિજયનો દિવસ છે.” એમ કહી
ગુજરાતી સમાજની લાયબ્રેરીમાં વિજયભાઇના બધા પુસ્તકો છે તેની જાણ કરી. પછી મકરંદ દવેની બે પંક્તિ વિજયભાઈ માટે બોલ્યાઃ
“વેર્યા મેં બીજ છુટે હાથે
હવે વાદળ જાણે ને વસુંધરા”
તેમણે શૈલાબહેન મુન્શાનો શુભેચ્છા આપતો સંદેશો વિજયભાઈને પહોંચાડ્યો. બીજો સંદેશો બૉસ્ટનથી રાજુલબહેન કૌશિકનો વાંચી સંભળાવ્યો. રાજુલબહેને લખ્યું હતું કે વિજયભાઈ એટલે ભાષાનો ભેખ લઈને બેઠેલી વ્યક્તિ. વિજયભાઈ એટલે વ્યક્તિ એક, વ્યક્તિત્વ અનેક. તેમની અનેક ખૂબીઓને વર્ણવી કુશળતાની શુભેચ્છા પાઠવી.
અહીં આ લીંક ઉપર https://www.facebook.com/100000090826092/posts/pfbid02Cg9A5ZPxGr5BYz9hVencsmZbEN8HZe8287Nj2Mrrcirx1jzG61ynCRksgMmHFeMhl/?app=fbl
વિજયભાઈ વિશેનો લેખ વાંચવા મળશે.
બીજો એક અગત્યનો પત્ર, ભારતથી ગુજરાતી વિષયના પ્રોફેસર અને વિજય શાહના મોટાબહેન પ્રતિભાબહેન શાહનો, ભાવપૂર્વક વાંચી સંભળાવ્યો. તેમણે પત્રમાં ખૂબ સરસ વાત લખી છે કે,
“કોણે કોને પ્રેરણા આપી કે કોણ પ્રેરાયુ તે મહત્ત્વનું નથી પણ સર્જનની સરિતાએ સૌ હૃદયોને એક સાથે પ્લાવિત કર્યાં તે અગત્યનું છે. વિજય-સર્જનની હું પહેલી ભાવક રહી છું, એ વાતે પણ ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. આપ સૌને નવા વર્ષની શુભેચ્છા.”
Vijay Shah Chinmayi Shah
ત્યાર પછી સંસ્થાના સૌ સભ્યો વતી વિજયભાઈને માટે તૈયાર કરેલું એક સન્માન-પત્ર વાંચવામાં આવ્યું અને સમિતિ દ્વારા માનપૂર્વક અર્પણ કરવામાં આવ્યું. ખજાનચી શ્રી પ્રફુલ ગાંધી દ્વારા શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું.
તે પછી મિતભાષી વિજય શાહે પણ બે શબ્દો સમા ટૂંકા વક્તવ્યથી સભાજનોને સંબોધન કર્યું.
વિજયભાઈની દીકરી ચિન્મયી શાહે અંગ્રેજીમાં સાહિત્ય સરિતાના સભ્યોનો દિલથી આનંદ વ્યક્ત કર્યો અને સૌ સભ્યોનો આભાર માન્યો.
Vijay shah & Dr. Kamlesh Lulla- Sanman Patra: Praful Gandhi & Bbharti Majmudar & Devika Dhruva
Mansukh Vaghela Audience
છેલ્લે શ્રી મનસુખ વાઘેલાએ પણ વિજય શાહે સૌને ગુજરાતી કીબોર્ડ પર લખતા કેવી રીતે કર્યા તેની રસપ્રસ વાત કરી અને સમિતિ વતી પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે આભારવિધિ કરી. અંતે સામૂહિક તસ્વીર લેવામાં આવી અને અલ્પાહારને ન્યાય આપી સૌ છૂટા પડ્યા.
સાહિત્ય સરિતાની આ બેઠકમાં શ્રી વિજય શાહના પરિવારજનોની હાજરી નોંધપાત્ર હતી.
‘માનવીનું કામ બોલે છે’ એ ઉક્તિને ચરિતાર્થ કરતી આજની બેઠક ગૌરવવંતી અને સંતોષકારક રહી.
સૌ આયોજકો, સહાયકો અને શ્રોતાજનોને અભિનંદન.
— ડો. ઈન્દુ શાહ
–—નવે.૧૯,૨૦૨૩..
ઇન્દુબેન, ખુબ ખુબ આભાર!
અમારી વિનંતીને માન આપી આટલો વિગતવાર અહેવાલ લખવા બદલ આભાર!!હાજર નહીં રહેલા સૌને પણ હાજર રહ્યા હશે એવી અનુભુતિ થશે આ અહેવાલ વાંચીને.
દેવિકાબેન, આ અહેવાલ ને મઠારી આપવા માટે અને સુંદર ફોટાઓ સાથે વિગતવાર ગોઠવી આપવા માટે હાર્દિક આભાર!!
આ બેઠકમાં શ્રી. વિજયભાઈ અને ફેમિલીને આમંત્રણ આપવાથી માંડી સુંદર માનપત્ર તૈયાર કરવા સુધી અને આખી બેઠકના નિયોજન માટે મને ખૂબ ખૂબ સહકાર આપવા માટે તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.
ચિન્મયી અને પ્રકાશ મજમુદારનો સુંદર ફોટાઓ માટે આભાર!
અને છેલ્લે સૌ સભ્યો એ વિજયભાઈ સાથેના પોતાના આટલા સરસ અનુભવો અને લાગણી વ્યક્ત કરી બેઠકમાં ચાર ચાંદ લગાવી દીધા.
અને મારા બધા જ ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્યોનો આભાર માન્યા વગર કેમ ચાલે?
છેલ્લા ત્રણ વર્ષથી તમારા સાથ અને સહકાર માટે ખૂબ આભારી છું.
ભારતી મજમુદાર