Feb 15 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૭મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૭મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૭મી બેઠક રવિવાર, ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ ની બપોરે સંસ્થાના જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે યોજવામાં આવી હતી. તેમાં આશરે ૬૦ જેટલા ભાઇબહેનોની હાજરી સાથે તેમના કુટુંબીજનોએ પણ હાજરી આપી હતી. ઘણાં ભાઈબહેનોએ એમનાં વક્તવ્યોમાં ચીમનભાઈને અને એમનાં ગુજરાતી સાહિત્યમાં બહુમુલ્ય પ્રદાનને યાદ કરીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
બેઠકની શરુઆતમાં કીરીટભાઈ ભક્તાના અનુદાનથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમનો આરંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી વંદનાથી થયો. ત્યારબાદ સંસ્થાનાં ઉપપ્રમુખ રિદ્ધિબહેન દેસાઈએ સ્વ. ચીમનભાઇ પટેલના બહુમુખી વ્યક્તિત્વ અને વૈવિધ્યસભર સાહિત્યસર્જનનો સુંદર ચિતાર આપ્યો. ચીમનભાઈનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો ત્યાંથી શરૂ કરીને એમનાં શાળાના અભ્યાસ; હાઈસ્કૂલના સાત વર્ષોમાં નિયમિતતા, શિસ્ત, સ્વાવલંબી જીવના શીખેલા પાઠ; નાટકો, ચિત્રો, સંગીત, ડ્રમ અને વાંસળી, લેઝીમ, વોલીબોલ વગેરેની તાલીમ; PWDમાંઅમદાવાદની નોકરી દરમ્યાન વાર્તાઓ લખવાની શરૂઆત; પ્રથમ વાર્તા “કળશ”નું અમદાવાદથી પ્રકાશિત “ચાંદની” માસિકમાં પ્રગટ થવું; ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનીકમાં લેકચરર તરીકેની નોકરી; શિક્ષણ ઉપરાંત કોલેજના મેગેઝીનના સંપાદન, વાર્ષિક નાટકોનું દિગદર્શન, વગેરે અનેક પ્રવૃતિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓમાં પ્રિય થવું; નિયંતિકાબહેનથી દુર રહીને કાગળોમાં કાવ્યો લખવાનો મળેલો મોકો; ઉચ્ચ અભ્યાસાર્થે જાન્યુ. ૧૯૬૭માં અમેરિકા આવવું; ૧૯૬૯માં નિયંતિકાબહેન સાથે લગ્ન અને ૪૨ વર્ષનો સુખી સંસાર; અમેરિકા આવ્યા બાદ પણ ચીમનભાઇના સાહિત્યરસનું ઉત્તરોત્તર વધવું; એમના લેખોનું અમેરિકાનાં વિવિધ માસિકોમાં પ્રગટ થતા રહેવું વગેરે પાસાઓને રિદ્ધિબહેને વિગતવાર આવરી લીધા હતા.
ચીમનભાઈ દ્વારા મિત્રો અને સગાઓની વર્ષગાંઠ અને એનીવર્સરી વખતે લખાતી ‘હઝલ’ અને એની રજુઆતથી પેક્ષકોમાં થતી હાસ્યની લહાણી વિશે રિદ્ધિબહેન પાસેથી જાણવાની મઝા આવી. ફોટા ઉપરથી હાઇકુ લખવામાં એમની હથોટી, જેને તેઓ ફોટોકુ કહેતાં તે જાણ્યું. વળી તેઓ તાનકા લખાવામાં પણ માહેર. (તાનકા એ માત્ર પાંચ લીટીનું હોય અને તેનુ બંધારણ હાઈકુ કરતા થોડું અલગ હોય.)
હ્યુસ્ટનના ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’માં ચીમનભાઇએ દર મહિને હાસ્ય લેખ લખવાના શરૂ કર્યા, એટલું જ નહીં પણ એમની ચિત્રકલાની આવડતનો ઉપયોગ કરી, દર્પણનાં મુખપૃષ્ઠ તૈયાર કર્યા. હ્યુસ્ટનના બીજા એક માસિક “ધરા ગુર્જરી” માં એમણે કવિતા અને હાસ્યલેખ લખવા ઉપરાંત માસિકના કલાનિયોજક તરીકેની કામગીરી પણ નિભાવી અને એમનાં ચિત્રોથી માસિકના મુખપૃષ્ટને શણગાર્યા. ૧૯૮૫ માં એમના આ કાર્ય બદલ એમને “ધરાગુર્જરી એવોર્ડ” એનાયત થયો. ચિત્રકલામાં ખાસ કરીને ચારકોલ આર્ટમાં એમને સારી ફાવટ અને ચારકોલ ચિત્રો એવા આબેહૂબ દોરતા, લાગે કે જાણે હમણાં જ બોલી ઉઠશે!!
ચીમનભાઈની કવિતાઓ અને લેખો “પુસ્તકાલય” વેબ સાઈટ ઉપર પ્રથમ મુકાયા અને ત્યારબાદ એમણે પોતાનો બ્લોગ “ચમનકે ફૂલ” શરૂ કર્યો. જેના પર અછાંદસ અછાંદસ કાવ્ય, ગઝલ, વાર્તા, હાસ્યલેખો, લઘુકથાઓ, હાઈકુ, તાનકા વગેરે નિયમિતપણે મૂકતા. એમની બધી રચનાઓ એમણે “ચમન” ઉપનામથી પ્રગટ કરી છે. ૧૯૯૭ માં એમના હાસ્યલેખોને પ્રથમ પુસ્તક “હળવે હૈયે” માં સમાવી લેવામાં આવ્યા. વક્તવ્યના અંતમાં રિદ્ધિબહેને આવા બહુમુખી પ્રતિભા ધરાવતા ચીમનભાઈને મળવાની અને જાણવાની એમને તક મળી તેના ગૌરવ અને આનંદ સાથે એમને ગુમાવ્યાનુ દુઃખ વ્યક્ત કર્યું હતું.
ત્યારબાદ, ચીમનભાઈનાં દીકરી હેતાબહેને એમની લાગણીસભર શૈલીમાં પિતાની યાદમાં યોજવામાં આવેલા આ સ્મરણાંજલિ કાર્યક્રમ બદલ ગુજરાતી સાહિત્ય સરિતાનો આભાર માન્યો હતો. હેતાબહેનનાં સંભારણાં સાંભળતાં જાણવા મળ્યું કે ચીમનભાઈ ટેબલટેનીસનાં પણ ચેમ્પિયન હતાં. શનિવારે વહેલી સવારે પાંચ વાગે એમનું પ્રિય ગીત “આંસુ ભરી હે યે જીવન કી રાહેં” ગાઈને ચીમનભાઈ એમનાં પત્ની નિયંતીકાબહેનને કેવું ચીડવતાં એની રમૂજી વાત કરી સૌને ખડખડાટ હસાવીને હેતાબહેને એમનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.
સંસ્થાનાં પ્રમુખ નિખિલભાઈએ ચીમનભાઈની ઘણી કવિતાઓ વાંચી સંભળાવી, અને એમનાં રસોઈકળાનાં શોખ વિશે પણ જાણકારી આપી. એમણે એમ પણ જણાવ્યું કે સાહિત્ય સરિતાનાં સભ્યોનું અવલોકન કરીને, એમનાં વ્યક્તિત્વનાં પાસાઓને ઉજાગર કરતી કવિતાઓ પણ ચીમનભાઈ લખતાં. ખાસ તો એમની કવિતાઓમાંથી ઉત્પન્ન થતાં હાસ્ય અને કટાક્ષ વિશે નિખિલભાઈએ વાતો કરી. એમણે Charlotte Brontë નાં prejudice પરનાં એક અવતરણનો ચીમનભાઈએ કરેલો અર્થસભર ગુજરાતી અનુવાદ વાંચી સંભળાવ્યો હતો, અને અંતમાં, એમનાં જીવનમાં સમત્વ દેખાય છે અને એમની પાસેથી ખૂબ શીખવા જેવું છે એમ જણાવી “એ જેવા હતા એવા દેખાયા” એમ કહી એમનાં પારદર્શક વ્યક્તિત્વને બિરદાવ્યું હતું.
ત્યારપછી મુકુંદભાઈએ ચીમનભાઈનાં ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાનની વાતો કરીને એમનાં લેખન થકી એમની યાદ હમેશાં તાજી રહેશે એમ જણાવ્યું હતું.
ચીમનભાઈને ૬૦-૬૫ વર્ષોથી ઓળખતા નીતિનભાઈ વ્યાસે એમનાં ૧૯૬૯ ના ભાવનગરનાં કોલેજકાળથી શરુ કરીને ૨૦૧૦માં સુગરલેંડમાં ફરી મળ્યા અને એ પછી થતી રહેતી મુલાકાતોનાં સંભારણાંઓનો સરસ ચિતાર આપ્યો. ગુરુ તરીકે એમની પાસેથી ખૂબ શીખવા મળ્યું અને માત્ર એમનાં લખાણોમાં જ નહીં પણ રોજબરોજનાં જીવનમાં પણ એ કેવી રીતે સૌને હસાવતા રહેતા એના ઉદાહરણો આપી સૌને હસાવ્યા. અંતમાં, એક સદાય પ્રેમાળ વ્યક્તિ એવા ચીમનભાઈ જીવનને ઉત્સવની જેમ માણી ગયા એમ કહી નીતિનભાઈએ એમને ભાવાંજલિ અર્પી.
ત્યારબાદ, ચીમનભાઈનાં કોલેજ સમયથી મિત્ર એવા હસમુખભાઈ દોશીએ એમની ચીમનભાઈ અને નિયંતિકાબહેન સાથેની ૬૫ વર્ષોની યાદોને વાગોળી. કોઈકનાં લગ્નનું recording ઊંધુ (reverse) બતાવીને બધાંને કેવી ગમ્મત કરાવતા અને બીજાને હસાવતી વખતે પોતે કેવા ગંભીર રહેતા એ બધું જણાવી એમણે ચીમનભાઈનાં વ્યક્તિત્વનું એક વધુ પાસુ ઉજાગર કર્યું. ચીમનભાઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને હસમુખભાઈએ એમનું વક્તવ્ય સમાપ્ત કર્યું.
દીપકભાઈ ભટ્ટે પણ ચીમનભાઈ સાથેનાં ઘણાં સંભારણાંની સરસ વાતો કરી. ૨૦૦૧ માં ગુજરાતી સાહિત્ય સરિતાની પહેલી બેઠકના પહેલા વક્તા ચીમનભાઈ હતા એ માહિતી પણ એમણે આપી. ચીમનભાઈનાં પુસ્તક “હળવે હૈયે” માં નીરુપાયેલી હાસ્યસભર ટુંકી વાર્તાઓ અને અન્ય “પાંખડી કે ડાંખડી” જેવી વાર્તાઓ ટાંકીને દીપકભાઈએ એમની હસમુખી પ્રતિભાનો સૌને વધુ ગાઢ પરિચય કરાવ્યો.
ત્યારપછી મનસુખભાઈ વાઘેલાએ પોતે લખેલી ચાર પંક્તિઓ વાંચીને ચીમનભાઈને સ્મરણાંજલિ અર્પી હતી. ચીમનભાઈ એક માયાળુ, વિનોદી અને નિખાલસ વ્યક્તિ હતા, તેમજ એમણે મનસુખભાઈને સદાયે ગુજરાતી વાંચન અને લેખન માટે પ્રેરણા પૂરી પાડી હતી એમ પણ જણાવ્યું હતું. વધુમાં, એમણે ચીમનભાઈ જ્યાં હશે ત્યાં બધાંને મઝા કરાવતા હશે અને હસાવતા હશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાતી સાહિત્યને લીધે ચીમનભાઈ સાથે ઓળખાણ થયાનો ઉલ્લેખ કરી રસેશભાઈ દલાલે પ્રસિદ્ધ ગઝલકાર “બેફામ”ની ગઝલ “હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી” ટાંકીને ચીમનભાઈને યાદ કર્યા હતાં. વધુમાં, એમણે ચીમનભાઈ નાના મંચ પરથી મોટા મંચ પર ગયા છે અને આ દુઃખી થવાનો નહીં પણ એમના જીવનની ઉજવણી કરવાનો અવસર છે એમ કહ્યું હતું.
ત્યારબાદ નરેંદ્રભાઈ વેદે ચીમનભાઈની યાદમાં એમની “ચાની તપેલી” વાર્તાનો હળવી શૈલીમાં ઉલ્લેખ કરી સૌના ચહેરા પર સ્મિત પાથરી દીધું હતુ.
પ્રવીણાબહેન કડકિયાએ પણ ચીમનભાઈની બહુમુખી પ્રતિભાના વખાણ કરી એમનાં કવિતા અને લેખો જેમણે પણ વાંચ્યા છે તેમણે માણ્યા છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમના સમાપન સમયે સંસ્થાનાં સચિવ નરેંદ્રભાઈ વેદે ચીમનભાઈનાં દીકરી હેતાબહેનનો એમની ઉપસ્થિતિ માટે અને ચીમનભાઈ સાથેનાં લાગણીભીનાં સંભારણાંમાં બધાંને સહભાગી બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કીરીટભાઈ ભક્તાનો અલ્પાહારના અનુદાન માટે, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના અને કાર્યક્રમના અહેવાલ-લેખન માટે, જયંતભાઈ પટેલનો photography માટે, City of Sugar Landનો હોલ માટે, વડતાલધામ (હ્યુસ્ટ્ન) મંદિરનો સ્વાદિષ્ટ અલ્પાહાર તૈયાર કરી આપવા માટે, અને ભૌમિક્ભાઈ શ્રોફ, દિનેશભાઈ પટેલ તથા અન્ય સ્વયંસેવકોનો એમની સેવાઓ માટે આભાર માન્યો હતો. આ ઉપરાંત, આ બેઠકને સફળ અને યાદગાર બનાવવા માટે સર્વે વક્તાઓ પ્રતિ અને ઉપસ્થિત રહીને ચીમનભાઈને સ્મરણાંજલિ આપવા બદલ સૌ શ્રોતાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
લેખનઃ શ્વેતાબહેન શ્રોફ
સંકલનઃ રિદ્ધિબહેન દેસાઈ













