Mar 21 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૮મી બેઠકનો અહેવાલ
અહેવાલઃ રિદ્ધિ દેસાઈ
તસ્વીર સૌજન્યઃ જ્યંત પટેલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૮મી બેઠક રવિવાર, માર્ચ ૧૫, ૨૦૨૬ ની બપોરે યોજવામાં આવી હતી. શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયા અને શ્રી મુકુંદભાઈ ગાંધીનું બહુમાન કરવા ઉપરાંત શ્રી મુકુંદભાઈ ગાંધીના “રહસ્ય” વિષય પરના વક્તવ્ય અંગે આ સભા યોજાઈ હતી. તેમાં આશરે ૮૦ જેટલા મિત્રોની હાજરી રહી.
બેઠકની શરુઆતમાં શ્રી હસમુખભાઈ દોશીના અનુદાનથી ચા-નાસ્તાની અને અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમનો આરંભ જ્યોત્સ્નાબહેનના કંઠે સરસ્વતી વંદનાથી થયો. ત્યારબાદ સંસ્થાનાં આજીવન સભ્ય શ્રીમતી પ્રવીણાબહેન કડાકીઆએ શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયાને ગુજરાતી સાહિત્ય સરિતાના સૌથી વડીલ સભ્ય કહી બિરદાવ્યાં અને પોતાની “કોરી કિતાબ” કવિતાનુ પઠન કરી જિંદગીને ગણિત સાથે સરખાવી.
શ્રી ફતેહ અલી ચતુરે શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયાના બહુમુખી વ્યક્તિત્વનો સુંદર ચિતાર આપ્યો. ધંધુકા તાલુકાના નાના ગામના વતની શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયા ૧૯૬૭માં મુંબઈ આવી પુસ્તકો વેચી ગુજરાન ચલાવતા. તેમના વિશાળ વાંચનમાં ગીતા, કુરાન, બાઈબલ, રામાયણ વગેરેનો સમાવેશ થતો. એકસોથી વધુ પુસ્તકોનું પ્રકાશન, કેટલાય વર્ષો સુધી ગુજરાતી માસિકનું પ્રકાશન, પાર્ટીમાં ડાન્સ કરવો અને વાજિંત્ર વગાડવુ, બહોળા સમુદાયને ધાર્મિક પ્રવચનોઆપવા એવી એમની વૈવિધ્યસભર પ્રવ્રુત્તિઓ ઉપર પ્રકાશ પાડયો. સંજોગવશાત દીકરાની વ્હીલચેર પણ ચલાવી. વ્યોમની ચોપાટ પર પુરુષાર્થના સોગઠે બાજી મારી લીધી એમ કહી નુરુદ્દીનભાઈનેબિરદાવ્યા.
શ્રીમતી દેવીકા ધ્રુવે શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયાને સંસ્થાના સેવભાવી સભ્ય, સાહિત્યના રસિયા અને એક અચ્છા આદમી કહી તેમના “ગુજરાત ગૌરવ” અને “જીવન પ્રકાશ” માસિકને સ્મરણાંજલિ પાઠવી.
શ્રી ગૌરાંગભાઈએ પુષ્પગુચ્છ આપી અને શ્રી હસમુખભાઈએ શાલ ઓઢાડી નુરુદ્દીનભાઈનુ બહુમાન કર્યું. 
શ્રી નિખિલ મહેતાએ આજના વક્તવ્ય “રહસ્ય’ ના વિષયનો પ્રારંભ કરતા કહ્યું કે જેના જીવનમાં રહસ્યમયતા ના હોય તે મૃતપ્રાયઃ છે.
શ્રી રસેશ દલાલે આજના વક્તા શ્રી મુકુંદભાઈ ગાંધીનું શાબ્દિક રેખાચિત્ર દોર્યુ. તેમણે જણાવ્યું કે ૯૦ વર્ષના મુકુંદભાઈ ગાંધી ભૂલેશ્વર, મુંબઈમાં મોટા થયા. માળાની ક્રિકેટ ટીમમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતા. કિશોરવસ્થામાં અનેક જૂથોની આગેવાની લઈ સમાજસેવા કરતા. ૧૯૬૦માં અમેરીકામાં પ્રથમ ભારતીય ફીઝીકલ થેરેપીસ્ટ તરીકે સેવા આપી. પછી કેનેડામાં પણ સેવા આપી. થોડો સમય ભારત રહી કેનેડા પરત આવ્યા અને અંતે હ્યુસ્ટનમાં સ્થાયી થયા. ૧૯૮૨મા ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના પ્રમુખ રહી ગુજરાતી સમાજનુ સંવર્ધન કર્યુ. ૧૯૮૯માં અકસ્માતમા બન્ને પગ ગુમાવ્યા, છતાં ૧૯૯૨માં ફરી ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના પ્રમુખ થયા અને ડાયરો, કથા જેવા કાર્યક્રમો કર્યા. હ્યુસ્ટન નાટ્ય કલાવૃંદ અને પછી કલાકુંજના નેજા હેઠળ જુદા જુદા વિષયોને લઈને અનેક એકાંકી અને ત્રિઅંકી નાટકોની હ્યુસ્ટનને ભેટ આપી. છેલ્લાં ત્રણ વર્ષથી મક્કમ મનોબળ અને સારવારથી કેન્સરને હંફાવી રહ્યા છે. શ્રી રસેશ દલાલે શ્રી મુકુંદભાઈ ગાંધીને તેમના વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું.
શ્રી મુકુંદભાઈ ગાંધીએ આરંભમાં કેન્સર સાથેની તેમની સફરની વાત કરી. તે પછી પૂછ્યુ કે રહસ્ય એટલે શું? તેમણે સમજાવ્યુ કે રહસ્ય એટલે એવી હકીકત, રચના, વસ્તુ કે દૃશ્ય જે તમને આશ્ચર્યચકિત કરી દે. એમા એવા ભેદ કે કડીઓ મળે પણ એ શા માટે કે કેવી રીતે થયું તે ના જાણી શકીએ. તેમણે પૃથ્વીની રચના અને એની એનેક અજાયબીઓ વિષે વાત કરી. કરોડો વર્ષોથી થતા ફેરફાર, જીવોની ઉત્પત્તિ, સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ અંગે વાત કરી. આપણુ શરીર પણ અસંખ્ય રહસ્યો ધરાવે છે એમ જણાવ્યુ.
શ્રી ગૌરાંગભાઈએ પુષ્પગુચ્છથી અને શ્રી દીપકભાઈએ શાલ ઓઢાડી મુકુંદભાઈનુ બહુમાન કર્યું
ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિ દેસાઈએ સહુ સભ્યોને એમની ઉપસ્થિતિ માટે અને વકતાઓને તેમના સંભારણાંમાં બધાંને સહભાગી બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીમતી દેવીકા ધ્રુવને તેમના પરિતોષક માટે અભિનંદન આપ્યાં હતાં. ચંદ્રિકાબહેન અને હસમુખભાઈ દોશીને તેમના ૫૦ વર્ષની લગ્નજયંતિ માટે શુભેચ્છાઓ પાઠવી અને ભોજન સમારંભ માટે આભાર માન્યો હતો.
સહુ મિત્રો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી છૂટા પડ્યા.











