Oct 23 2019
ગુ.સા.સ. ની બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ
બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ.
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ.
તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૧મી બેઠકનુ આયોજન ઓસ્ટીન પાર્કવે સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.
સભાના વિષયો હતા ‘દિવાળી, ગાંધીજયંતિ કે બીજી કોઈ રચના’. અરવિંદભાઇ તથા મંજુલાબહેન દ્વારા કરવામાં આવેલ ભોજન વ્યવસ્થાને ન્યાય આપ્યા બાદ નિર્ધારિત સમયે બેઠકની શરૂઆત થઈ.
શ્રી નિખિલભાઈએ પ્રાર્થના ગાયા પછી ઉમાશંકર જોષી રચિત બે ભજન સંભળાવ્યા. ત્યારબાદ પ્રમુખશ્રીએ સૌને આવકાર આપી, આગામી બેઠક વિષે માહિતી, જાહેરાત, નવેમ્બરમાં જનરલ બોડીની મીટીંગની સૂચના આપી બેઠકનો દોર સૂત્રધાર શ્રી ચીમનભાઈ પટેલને સોંપી દીધો.
તેમણે સૌ પ્રથમ શ્રી નવિનભાઈ બેંકરને આમંત્રણ આપ્યું જેમણે સદ્દગત નાટયકાર શ્રી ઉત્પલ ભાયાણીને શ્રદ્ધાંજલિ આપી.
શ્રી વિજયભાઈ નાગરે ઉર્દૂમાં એક ગઝલની રજૂઆત કરી. ડો. રમેશભાઈ શાહે તેમની આગવી શૈલીમાં “ ગાંધી” શબ્દના વૈભવ વિષે વિશેષ માહિતી આપી. આ બેઠકનો વૈભવ બે ખાસ મહેમાનોથી વધ્યો હતો. પાટણ યુની.ના વાઇસ ચાન્સેલર ડો. દાઉદભાઈ ઘાંચી અને ગુજરાત યુની. સાથે સંકળાયેલા તથા ગાંધર્વ મહાવિદ્યાલય સાથે જોડાયેલા ડો. જનકભાઈ શાહનો શૈલાબહેન મુન્શાએ પરિચય કરાવ્યો. તે બંનેના કથનથી સભ્યોને ઘણું જાણવાનું મળ્યું. તેમના વક્તવ્યને અંતે દેવિકાબહેન ધ્રુવ અને શ્રી ફતેહ અલીભાઈ ચતુરે પુષ્પગુચ્છ વડે બંને મહાનુભાવોનું સન્માન કર્યું.
શૈલાબહેને તેમની ગઝલ:“જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે,તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે!” રજૂ કરી.વચ્ચે શ્રી ચીમનભાઈ થોડું લોકોને હસાવી દેતા હતા. દેવેન્દ્રભાઈની કૃતિ “કેમકે હવે હું દાદા થવાનો છું.” એ હળવાશમાં ઉમેરો કર્યો. ડો. ઈંદુબહેન શાહે સ્વરચિત શરદપૂનમ વિષેની એક કૃતિનું પઠન કર્યું.
શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ ગાંધી અને શ્રી રામમાં શું સરખામણી હતી તેની વાત કરી.ઘણે વખતે દેવિકાબહેને તેમનો રસપ્રદ દોર ‘કાવ્ય અને તેના પ્રકારો’ વિશેનો વાર્તાલાપ આગળ વધાર્યો. પદમાં રચાય તે પદ્ય અને તેની મૂળભૂત બાબતો વિષે,ઉદાહરણો સહિત વાતો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. શ્રી હાતિમભાઈ કનોરવાલાએ કવિ શ્રી મનસુખલાલ ઝવેરીના ત્રણ નાના કાવ્યોની રજૂઆત કરી. તેમાનુ એક તો ઘણુ જાણીતું, “અપાઈ મુજથી ગયું” હતું. શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ દિવાળી પર કાવ્ય રજૂ કર્યું.
શ્રી પ્રદિપભાઈ બ્રહ્મભટે ગાંધીજી વિષે પદ્યરચના વાંચી.પ્રકાશભાઈએ તેમનીઆગવી ઢબથી બેફામની ગઝલઃ “જુઓ જાહેરમાં તો ખાય છે દયા મારી,કરી છે ખાનગીમાં જેણે દુર્દશા મારી.”પ્રસ્તૂત કરી. ભાવનાબહેનને લાગ્યું કે આપણી સપ્ટેમ્બર માસની બેઠક થઈ શકી નહી તેથી માતાજીને પ્રણામ કરવાના રહી ગયા તેથી તેમણે એક અર્થસભર ગરબો ગાયો.
શ્રી ફતેહ અલીભાઈએ હિંદી ભાષામાં ગાંધીજી વિશે જુદા જુદા કવિઓએ શું કહ્યું એની રજૂઆત એવી છટાપૂર્વક કરી કે બધાને વાહ કહ્યા વગર ચાલે જ નહી.
ત્યારબાદ શ્રી ફતેહ અલીભાઈએ સહુનો આભાર માન્યો. ખાસ તો મુખ્ય મહેમાન શ્રી જનકભાઈને બેઠક માટે લઈ આવવા અને મૂકવા જવાની કામગીરી હોંશભેર નિભાવવા બદલ શ્રી જ્યોતિભાઈ દેસાઈનો, સહુ ભાઈ બહેનોનોનો જેમણે પીરસવાથી માંડી ખુરસીઓ ગોઠવી અને પાછી યોગ્ય સ્થાને મૂકવામાં મદદ કરી, ચિમનભાઈ અને સહુ વક્તા અને શ્રોતાઓનો અને ખાસ શ્રી જયંતભાઈ જે હમેશા હસતા ચહેરે ગ્રુપ ફોટો તથા અનેક લાક્ષણિક તસવીરો ખેંચી સહુને સહર્ષ મોકલી આપે છે તેમનો પણ આભાર માન્યો.

અંતે, આભારવિધી અને ગ્રુપ ફોટો લીધા બાદ સભાની સમાપ્તિ થઈ.
અહેવાલ લેખનઃ ભાવના બહેન દેસાઈ તા ૧૦/૨૩/૨૦૧૯
અહેવાલ લખવાની શરૂઆત કરવા બદલ ભાવનાબહેન આપનો ઘણો આભાર. આમ જ સહુ સભ્યો આગળ આવે અને વારાફરતી સહુ અહેવાલ લખવામાં મદદ કરે તો સાહિત્ય સરિતાનુ કાર્ય સુપેરે પાર પડે.
ભાવનાબેનનો આ અહેવાલ ટૂંકો અને સરસ લખાયો છે એ માટે એમને અભિનંદન.
ભાવનાબેન
ટુકો અને સરસ સંપુર્ણ અહેવાલ રજુ કરવા બદલ અભિનંદન
જનાર્દન શાસ્ત્રી