Jul 09 2024

બેઠક નં ૨૫૮ – જુલાઈ ૨૦૨૪- અહેવાલઃ નીતિન વ્યાસ

Published by at 3:59 pm under બેઠકનો અહેવાલ

બેઠક નં ૨૫૮ઃ અહેવાલઃ નિતીન વ્યાસ
સંપાદનઃ દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સાહિત્યિક બેઠક નં. ૨૫૮, તા. ૬ જુલાઈ, ૨૦૨૪ને શનિવારના રોજ, સુગરલેન્ડના ઇમ્પીરિઅલ કૉમ્યુનિટિ સેન્ટરમાં  યોજાઈ હતી. વરસાદી માહોલ અને તોફાનની શક્યતા હોવા છતાં બરાબર ૨.૩૦ વાગે બપોરે મીટિંગ શરુ થઈ.. વરસતા વરસાદમાં પણ ૬૦% જેટલા ગુ. સા. સ.ના સભ્યો હાજર રહ્યા હતા.

ઋતુને અનુલક્ષીને ગરમ ચા સાથે હળવા નાસ્તાથી શરૂઆત થઈ. સૂત્રધાર તરીકેનો મીટિંગનો દોર શ્રી નરેન્દ્રભાઈ વેદના હાથમાં રહ્યો. 

સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ  મા સરસ્વતીની વંદના ગાઈ. સભાનો વિષય હતો “હાઈકુ” રચવાની કળા. સભા રસપ્રદ બનાવવા માટે ૧૨ જેટલા ચિત્રો અગાઉથી જ સભ્યોને મોકલી આપ્યાં હતાં. તે પૈકી જે  સભ્યોએ હાઈકુ બનાવી મોકલી આપ્યાં હતાં તે પરથી નરેન્દ્રભાઈએ એક સુંદર પાવર-પૉઇન્ટ પર પ્રેઝન્ટેશન  તૈયાર કરેલું હતું. 

પડદા પર દરેક ચિત્રની સાથે સભ્યોએ મોકલેલાં હાઈકુ રજૂ કરવામાં આવ્યાં. જેમણે હાઈકુ લખ્યાં હતાં તે રચનાકારને એક પછી એક બોલાવવામાં આવ્યા. અને પોતાના વિચારો દર્શાવવાની તક આપવામાં આવી. 

     

 

   

    

   

  

કુલ ૧૨ ચિત્રો દર્શાવવામાં આવ્યાં. દરેક ચિત્ર સાથે હાઈકુ દ્વારા જોડાયેલા સર્જકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા.. પછી બેઠકનો દોર શ્રી દેવિકાબહેન ધ્રુવને સોંપવામાં આવ્યો. તેમના માર્ગદર્શનમાં નવું શીખવા જેવું રહ્યું, જે બહુ  જ રસપ્રદ હતું .
તેમણે જણાવ્યું કેઃ

૧) માત્ર ૫-૭-૫ અક્ષરોમાં શબ્દો ગોઠવી દેવાથી હાઈકુ નથી બનતું, 

૨) નાનું એવું હાઈકુ વાંચતાં જ વાચકોનાં ભાવવિશ્વમાં એક ચિત્ર ખડું થવું જોઈએ, અવનવા અર્થો નીકળવા જોઈએ. કશુંક વિસ્મયકારી લાગવું જોઈએ. અહીં ચિત્રો તો પહેલેથી આપી દેવામાં આવ્યાં હતાં. એટલે રચનાઓ મોટાભાગે ચિત્રોનાં સીધાં વર્ણન સમાન જ રહ્યાં એથી વિશેષ નહિ તેમ તેમણે જણાવ્યું.

૩)  હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય તો જ એ ઉત્તમ હાઈકુ કહી શકાય.

આ ક્ષણે દેવિકાબહેને સાલ ૨૦૧૪માં આવી હાઈકુ સ્પર્ધા રાખી હતી તે યાદ કરી, તેમાં ભાગ લેનાર સભ્યોને સપ્રેમ યાદ કર્યા.

તે સમયે સભ્યોએ લખેલાં હાઈકુ કવિ શ્રી યોસેફ મેકવાનને ચકાસવા માટે મોકલી આપ્યાં હતાં. શ્રી મેકવાને આપણી ગુ.સા.સ. ના સભ્યોએ બનાવેલાં થોડાં ચૂંટેલાં હાઈકુ  ઉપર પોતાના અભિપ્રાય સાથે માર્ગદર્શન પણ આપ્યું હતુ.

ત્યારબાદ દેવિકાબહેને  શ્રી પન્નાબહેન નાયકના  ઉત્તમ હાઈકુ  ઉદાહરણ તરીકે રજુ કર્યાં. તેમણે ગુ, સા. સ. ની વેબસાઈટ પર બધાંને સક્રિય ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. તે ઉપરાંત ૬ઠ્ઠી જુલાઈ એટલે ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની જન્મ તારીખને યાદ કરી, તેમના જાણીતા શેરનો સહજ ઉલ્લેખ કરી ભાવાંજલિ આપી.

આમ આજની રસપ્રદ બેઠક બરાબર ૪ વાગે પૂરી થઈ.  

બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો.  એક સમૂહ તસ્વીર પછી સહુ  ભાઈબહેનો છૂટાં પડ્યાં.

 અસ્તુ.

–નીતિન વ્યાસ
જુલાઈ ૮, ૨૦૨૪

 

2 responses so far

2 Responses to “બેઠક નં ૨૫૮ – જુલાઈ ૨૦૨૪- અહેવાલઃ નીતિન વ્યાસ”

  1. devika dhruvaon 03 Aug 2024 at 2:56 pm

    અહેવાલ વાંચ્યો.સરસ છે.

  2. નિખિલ મેહતાon 03 Aug 2024 at 2:59 pm

    અહેવાલ ખૂબજ સરસ લખાયો છે!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.