Oct 31 2024
બેઠક નં ૨૬૧ઃ ઑક્ટોબર ૨૦૨૪ઃ અહેવાલઃ શ્રી નિખિલ મહેતા
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૧મી બેઠક, ૧૩મી ઑક્ટોબર ૨૦૨૪ ને રવિવારે, ઑસ્ટીન પાર્કવે, સુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ હતી.
શરદઋતુની આહ્લાદક સાંજે ૫:૩૦ વાગે દશેરાનાં ફાફડા-જલેબી, મરચાં અને ગરમ ગરમ મસાલા-ચાના અલ્પાહાર પછી બેઠકની શરૂઆત થઈ. બેઠકના સૂત્રધારની જવાબદારી પ્રમુખશ્રી નિખિલભાઈ મહેતાએ સંભાળી. શ્રીમતી જ્યોત્સનાબહેન વેદે શારદા-વંદના સાથે બેઠકનો શુભારંભ કર્યો.
વાતાવરણમાં હજુ નવરાત્રિના ઢોલનો ધબકાર ગુંજે છે, જગદંબાની ભક્તિના ભાવ હિલ્લોળા લે છે ત્યારે નિખિલભાઈએ મહાકાળીથી દુર્ગા સુધીના સ્વરૂપની રૂપાત્મક સમજણ રજૂ કરી. મહાકાળીની સ્વરૂપાત્મક સમજણ આપતાં તેમણે કહ્યુ કે જ્યારે જ્યારે મનુષ્યમાત્રના મનમાં વિકારોરૂપી રાક્ષસો જેમકે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર હાવી બને ત્યારે જીવનમાં કાલિમા છવાઈ જાય અને તેનું કલ્યાણ (શિવ) તેના પોતાનાજ પગ તળે કચડાય. તેવે સમયે જો પ્રજ્ઞા જાગે તો સમતાકેરી જીભ અને ખપ્પરની મદદ લઈ એક વિકારમાથી બીજા અનેક નવા વિકારોનો (રક્તબીજ રાક્ષસોનો) જન્મ થતાં પહેલાં જ રોકી શકાય અને આમ વિકારમાત્ર પર વિજય પ્રાપ્ત કરી દુર્ગાસ્વરૂપ થવાય. આને જ અનારંભી કહી શકાય.
ઑક્ટોબર એટલે મૂઠ્ઠી ઊંચેરા માનવી ગાંધીજીનો જન્મદિવસનો મહિનો. આજની બેઠકનો વિષય હતો ‘મોહનદાસથી મહાત્મા’. વક્તા શ્રી દીપકભાઈ ભટ્ટે ગાંધીજીની જીવનયાત્રાનો પરિચય કરાવ્યો. તેમણે ગાંધીજીના જીવનકાળને જુદાજુદા તબક્કામાં વણી લીધા. બાલ્યકાળમાં શાળાનું ભણતર, યુવાકાળ/જાગૃતિકાળ – જેમાં ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત જવું, ભગવદ્ -ગીતાનુ પ્રથમ વખત વાંચન અને અધ્યયન, રૂપાંતરણકાળ – જેમાં સાઉથ આફ્રિકામાં થયેલા અનુભવોથી ટ્રાન્સફૉર્મેશન અને અન્યાય સામે લડતનો કાળ, સત્યાગ્રહકાળ – ભારત પાછા ફરી અંગ્રેજો સામેની લડતનો અને ચળવળનો કાળ. છેલ્લે પ્રયોગકાળ – સત્યના પ્રયોગોનો અને અધ્યાત્મિક અનુભૂતિકાળ.
દીપકભાઈએ પોતાના મૂળ ગામ જ્યાંથી સત્યાગ્રહની લડતની શરૂઆત થઈ તે કઠલાલ (ખેડા જિલ્લો) ગામના પ્રેરણાદાયક પાત્રોને યાદ કર્યા. સત્યાગ્રહની થોડી વિસ્તારથી છણાવટ કરી અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનું નિદર્શન કરાવ્યું. મહાત્મા થવા માટે કયા ગુણો આવશ્યક છે તે વિષે કહ્યું.
શ્રી દીપકભાઈએ જણાવ્યું કે, કવિવર શ્રી ટાગોરે તેમની ૧૯૧૯ની મુલાકાત દરમિયાન ગાંધીજીને મહાત્માનું બિરૂદ આપ્યું હતું. તે ઉપરાંત, ગાંધીજીના જીવનમાં કયા કયા દુનિયાના વિચારકોએ અને તત્ત્વચિંતકોએ ભાગ ભજવ્યો તેની પણ વાત કરી. જેમ કે, રસ્કિને (Unto the Last) છેલ્લામાં છેલ્લા મનુષ્યના હૃદય સુધી પહોંચવાની કળા, મહાત્મા લીઓ ટોલ્સટોય તથા શ્રીમદ્ રાજચન્દ્રએ શીખવેલ અહિંસા જેવા દૈવી ગુણોને ગાંધીજીએ આત્મસાત કર્યા એની વાતો કરી.
આ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં શ્રી અરવિંદ થેકડીએ દીપકભાઈને સાથ-સહકાર આપ્યો એટલે તેમનો આભાર વ્યક્ત કર્યો. ઈટર્નલ ગાંધી મ્યુઝિયમના સંસ્થાપક શ્રી અતુલ કોઠારી હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમનાં સહધર્મચારિણી શ્રીમતી રીટાબેન કોઠારી ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીમતી સીતાબહેન કાપડિયા કે જેઓ “વુમન બિસાઇડ ગાંધી” પુસ્તકનાં લેખિકા છે; તેઓ નિખિલભાઈના આમંત્રણને માન આપી હાજર રહ્યાં હતાં. તેમણે “મોહનથી મહાત્મા સુધી” તેમની લાઇબ્રેરીમાં સાચવી રાખેલું અમૂલ્ય પુસ્તક દીપકભાઈને ભેટ તરીકે આપ્યું.
અંતે દીપકભાઈની ઈચ્છાને માન આપી નિખિલભાઈએ ગાંધીયુગના મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશી રચિત My Life is My Message “મારૂ જીવન તે મારી વાણી” ખૂબજ ભાવવાહી કંઠે ગાઈ સંભળાવ્યું. એમના કંઠે કવિતાના શબ્દો જીવંત બન્યાં. આ મહામાનવના ‘સત્ય’ના ઉદઘોષે સમગ્ર વાતવરણને ગાંધીમય બનાવી દીધું.
શ્રીમતી રિદ્ધિબહેન દેસાઈએ આભારવિધિ કર્યા પછી આપણી સંસ્થાના સીનિયર મેમ્બર જયંતભાઈ જે દરેક બેઠકોમાં તસવીરો લેવાનું કાર્ય સુપેરે વર્ષોથી સંભાળી રહ્યા છે તેમણે સૌ સભ્યોની સમૂહ તસ્વીર લીધી.
ત્યારબાદ જગદંબાના તેજસ્વરૂપના પ્રતીક એવા ગરબાની ફરતે સૌ ભાઈબહેનો ગરબે ઘૂમ્યાં. મા સરસ્વતીના ગરબાથી શરૂ કરી, વિવિધ માતાજીના ગરબાના લય, સૂર અને શબ્દોના થડકારે સૌને નવું જોમ મળ્યું. સૌએ પોતાની શક્તિ-ભક્તિ-ગતિ મુજબ તાલ મિલાવ્યા.
છેલ્લે અવનિબહેન અને જ્યોત્સનાબહેને તૈયાર કરેલ ભોજનનો આસ્વાદ માણી હર્ષોલ્લાસથી સૌ છૂટા પડ્યા.
~ અહેવાલ સંકલન શ્રીમતી મિતા ભટ્ટ અને નિખિલ મહેતા