Jan 20 2025

બેઠક ૨૬૪ઃ જાન્યુઆરી ૨૦૨૫ઃ અહેવાલ

Published by at 9:08 am under બેઠકનો અહેવાલ

ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૬મી બેઠક શનિવાર, જાન્યુઆરી ૧૧મીએ બપોરે ૩:૩૦ વાગે ૩૫ સભ્યોની હાજરી સાથે શરૂ થઈ. પ્રમુખ નિખિલભાઈ મહેતાએ સરસ્વતી વંદના ગાઈ.  

 

    

શ્રી મનસુખભાઈ વાઘેલાએ તેમના જીવનમાં બનેલ સત્ય ઘટનાની વાત કરી. ભારતથી હ્યુસ્ટન આવેલ એક બહેન જેઓ અંગ્રેજી બિલકુલ બોલી નહોતા શકતા; તેમની આ નબળાઈથી થયેલ ગેરસમજૂતીથી Walmartમાં ચોરીના આરોપ સાથે જેલમાં ધકેલાયાં. તેમની પાસે મનસુખભાઈનો ટેલિફોન હતો. તેમણે જેલમાંથી મનસુખભાઈનો સંપર્ક સાધ્યો. મનસુખભાઈએ હ્યુસ્ટનના Immigration Attorney અને આપણા ઉપપ્રમુખ રિદ્ધિબહેન દેસાઈનો સંપર્ક સાધ્યો. તેમણે તે કેસ Pro Bono લઈ પોતાના કૌશલ્ય અને અનુભવથી એ બહેનને કાયદાની ચુડમાંથી નિર્દોષ ઠરાવી છોડાવ્યાં. તેમણે ત્યારબાદ પૂછતાછ કરતાં ખબર પડી કે તેઓ  રિદ્ધિબહેનનાં ગુરુપત્ની છે. આ રીતે જોગાનુજોગે રિદ્ધિબહેનના હાથે ગુરુદક્ષિણા અપાઈ.

    

શ્રી અરવિંદભાઈ થેકડીએ અમેરીકામાં સ્ત્રીઓને મતદાન કરવાના હક્ક માટે જે લડત આપવી પડી તેની રસપ્રદ માહિતી પૂરી પાડી. અનેક મહિલાઓએ, ખાસ કરીને, Susan B.Anthonyએ આ અધિકાર માટે શું કર્યું, એની વિગતવાર રજૂઆત કરતા, ઘણા Fun Facts આપ્યા. Declaration of Independence અને Constitution of United States નાગરીકોને શું બાંહેધરી આપે છે તેની ઐતિહાસિક વિગતો આપી વિષયને ન્યાય આપ્યો.

 શ્રી હસમુખભાઇ દોશીએ અમેરિકન પ્રમુખ Donald Trumpને ક્રાંતિકારી છે એમ જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ તેમના વહીવટ દરમ્યાન વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ શરુ નહોતું થયું, અમેરિકન સરહદ સુરક્ષિત હતી, અમેરિકન અર્થતંત્ર તંદુરસ્ત રહેલ અને ગુનાખોરી પણ ઓછી હતી.

      

 શ્રીમતી રિદ્ધિબહેન  દેસાઈએ “ગુલામી?  સદીમાં? અમેરિકામાં?” વિષય હેઠળ જણાવ્યું કે ૨૦૦૬ ના અંતમાં, સમાજ સંગઠક સાકેત સોનીને મીસીસીપીમાં કામ કરતા ભારતીય કારીગર તરફથી એક નનામો ફોન આવ્યો. સિગ્નલ ઇન્ટરનેશનલ કંપનીના મેન કેમ્પમાં એ અને એના જેવા ફસાયેલ બીજા ૫૦૦ માણસો, જેઓ ગળતા બાથરૂમવાળા ઠંડા ગીચોગીચ ટ્રેલરમાં, ગાર્ડ ની નજર હેઠળ રહેતા હતા. ઉતરતી કક્ષાનો ખોરાક ખાતા અને નહિવત સ્વતંત્રતા સાથે કામ કરતા હતા. ભરતી કરનાર માણસોએ એમને સારી નોકરી અને ગ્રીન કાર્ડના જૂઠ્ઠા વાયદાઓ આપ્યા હતા અને $૨૦,૦૦૦ ની ફી લીધી હતી. સોનીએ આ કારીગરોને એમની કારાગાર જેવી સ્થિતિમાંથી ભાગવામાં મદદ કરી, સાથે પગપાળા વોશિંગ્ટન ડીસી સુધી કૂચ કરી અને ૨૧ દિવસની ભૂખ હડતાલ કરાવી  એમની તકલીફો પ્રત્યે પ્રેસ અને સરકારનું ધ્યાન દોર્યું. આખા સમય દરમિયાન, ICE એજન્ટ એમને તડીપાર કરવાનો સતત પ્રયત્ન કરતા રહ્યા. તેમ છતાં સોની અને કારીગરોએ હિંમતભેર લડત આપી, સ્વાભિમાનપૂર્વક પોતાની સ્વતંત્રતા પાછી મેળવી.

 

 શ્રી નિખિલભાઈ મહેતાએ સમ્યક ક્રાંતિ પર રજૂઆત કરતા “સમ્યક” શબ્દ સમી એક – ઈશ્વરની સમીપ લઇ જાય તેવી આંતરીક ક્રાંતિની વાત કરતાં આધ્યાત્મિક કવયિત્રી કુંદનિકા કાપડીઆ જેમનો જન્મદિન પણ જાન્યુઆરી ૧૧મીએ  છે, તેમનું પ્રખ્યાત પુસ્તક (પ્રાર્થનાસંગ્રહ) માંથી એક પ્રાર્થનાને નિખિલભાઈએ પોતાની દ્રષ્ટિથી વિચાર્યું અને કહ્યું જો ઈશ્વર વિચારે કે તેને માનસ પુત્રો કેવા થાય તો  ગમે.

  • જે પોતાની દુર્બળતાને જાણે એટલો બળવાન હોય અને જ્યારે તે ભયભીત બને ત્યારે પોતાનો સામનો કરી શકે તેવો પરાક્રમી હોય.

  • સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્ત રહે અને વિજયમાં વિનમ્ર અને સુશીલ બને.

  • જ્યારે તેના સામર્થ્યની જરુર હોય ત્યારે તે સ્વાર્થ ન સાધે.

  • તે પોતાની જાતને જાણે, ઓળખે અને તેને એ વાતની પ્રતીતિ થાય કે પૂર્ણ જ્ઞાન સુધી લઇ જતી સીડીનું પહેલું સોપાન પોતાની જાતનું જ્ઞાન છે.

  • આરામ અને અનુકુળતાના ફુલો પથરાયા હોય તેવા રસ્તાની બદલે પડકાર, સંઘર્ષ અને કઠીનાઇના કાંટાળા રસ્તે ચાલતા શીખે.

  • રસ્તા પર આંધી અને તોફાન આવે ત્યારે તે સ્થિર રહેતા શીખે અને વાવાઝોડામાં ધરાશાયી થયેલાં પ્રત્યે તેનો કરુણા સ્રોત વહે.

  • તેનું  હ્રદય સ્વચ્છ અને નિર્મળ રહે અને તેનો ઉદ્દેશ મહાન.

  • બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની આકાંક્ષા જાગે એ પહેલાં પોતાના પર કાબુ મેળવે.

  • તે દિલ ખોલીને હસતાં શીખે અને તેની આંખો ક્યારેક સજળ પણ બને

  • તેની દ્રષ્ટિ ભવિષ્યની ઝાંખી કરી શકે અને વીતેલા સમયને પણ જોઇ શકે.

  • તે થોડી વિનોદવૃત્તિ કેળવે જેથી એ હંમેશ ગંભીર બની રહી પોતની જાત તરફ અનુદાર ન બને.

  • તે વિવેકી બને જેથી એ સાચી મહત્તાની સરળતાને, બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.

  • આમ જો બનશે તો મારો સૃષ્ટિ નિર્માણ કરવાનો પ્રયત્ન સાર્થક બનશે.

પછી તેમણે અંગ્રેજી ફિલ્મ Dead Poet’s Societyમાંથી actor Robin Williams નો અર્થસભર dialogue સંભળાવ્યો. “That the powerful play goes on and you may contribute a verse. What that verse would be?”

તેમણે George Orwellની વિખ્યાત નવલિકા Animal Farm નો પણ ઉલ્લેખ કર્યો. અને Argentina ની Mothers of Plaza da Mayo Human rights organization ત્યાંના સરમુખત્યાર સામેની લડતનો પણ ઉલ્લેખ કર્યો.

 

શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે આજના ‘માનવ સ્વાતંત્ર્ય’નો વિષય કેવી રીતે ઈતિહાસ તરફ ઢળ્યો અને તેમાંથી સાહિત્ય તરફ વળ્યો તે અંગે આનંદ વ્યક્ત કર્યો. તે ઉપરાંત તેમણે તાજેતરમાં તેમનો નવો કાવ્યસંગ્રહ  “અહીં જ બધું” નામે  પ્રકાશિત થયાની વાત કરી અને સૌને તેની પ્રત પણ બતાવી.

આ રીતે આખીય બેઠક રસપ્રદ અને જ્ઞાનવર્ધક બની રહી.

અંતે શ્રી નરેન્દ્ર વેદે City of Sugarlandનો નિઃશુલ્ક હૉલ આપવા બદલ અને શ્રી મનસુખભાઈ વાઘેલા જેઓ આજની બેઠક માટે ચાહ લઇ આવ્યા માટે આભાર માન્યો અને બધાં ભાઈ-બહેનો ચા અને હળવો નાસ્તો કરી છૂટાં પડ્યાં.

અહેવાલઃ નરેન્દ્ર વેદ
સંપાદનઃ દેવિકા ધ્રુવ

 

 

 

 

 

 

 

 

 

One response so far

One Response to “બેઠક ૨૬૪ઃ જાન્યુઆરી ૨૦૨૫ઃ અહેવાલ”

  1. રિદ્ધિ દેસાઈon 21 Jan 2025 at 11:10 am

    દેવિકાબહેન,
    આહેવાલ આટલો જલ્દીથી અહીં મૂકવા બદલ આભાર.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.