May 01 2024
‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ…બેઠક નં ૨૫૫
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ.
બેઠક નં ૨૫૫..
1.Published in Opinion Magazine on May 2nd..
https://opinionmagazine.co.uk/gujarati-sahitya-sarita-houston-ne-aangane-smriti-sampada-pustaknum-lokarpan/
2. Published in India herald of May 15 2024,page number 3..
https://india-herald.com/gujarati-sahitya-sarita-hosts-book-launch-smriti-sampada-p8883-65.htm
અહેવાલઃ રેખા સિંધલ ( ટેનેસી)
સંપાદનઃ દેવિકા ધ્રુવ
તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ
વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતા
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.
.
અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.
શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું. નૃત્યકાર ઉમા નગરશેઠની દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.
(અવની મહેતા, ભારતી મજમુદાર, જ્યોતિ વ્યાસ, મંજુલા થેકડી,
માયા મહેતા, નયના ગોસાલીઆ,સ્મિતા પુરોહિત અને વર્ષા શાહ)
ત્યારબાદ પુસ્તકના સંપાદક શ્રીમતી રેખા સિંધલે એક પછી એક મહેમાનોની ઓળખ આપી હતી. અમેરિકાનાં અન્ય રાજ્યમાંથી આવેલા આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી ડો. નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદક શ્રીમતી રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી શ્રીમતી સપના વિજાપુરા, લાસવેગાસથી શ્રી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, ઑસ્ટિનથી શ્રીમતી સરયૂ પરીખ, હ્યુસ્ટનનાં શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ, શ્રી અરવિંદભાઈ થેકડી તેમ જ શ્રી મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને શ્રી કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.
‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.
હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે માહિતી પૂરી પાડી હતી.
સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.
( નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ… )
સંકલન કર્તાઃ દેવિકા ધ્રુવ
છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.
સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે અભિનંદન અને શુભેચ્છા.
–રેખા સિંધલ
ટેનેસી
આ સુંદર ક્રાર્યક્રમ માટે ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ખૂબ ખૂબ આભાર અને સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે શુભેચ્છાઓ!
એક યાદગાર કાર્યક્રમ. વિચાર, વ્યવસ્થા અને લાગણીનો સમન્વય માણવા મળ્યો.
સરયૂ પરીખ.
રેખા બહેન ,
ખૂબ સુંદર અહેવાલ. હું હાજર ન હતી, વિગતવાર અહેવાલ વાંચી
હાજર હોયા નો અહેસાસ થયો👌👌🙏
ડો ઈન્દુ શાહ.
Rekha
તારી મહેનત, તારા હદયના ઉછળતા ભાવો, સમુદ્રના વિશાળ
મોજાએ આકાશ છૂ લઈ ચાદ-તારા આ વિશાળ ભૂમિ પર લાવી દીધા.
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન
આ રેખાનુ નાનું પેમ-પુષ્પ તારા ચરણોમાં
સુંદર વિગતવાર ફોટા સહીત અહેવાલ દેવિકાબેન.અભિનંદન!!
આખો પ્રોગ્રામ ખુબ જ રસપ્રદ રહ્યો. હાજર રહેલા બધા જ મહેમાનો એ ખુબ જ આનંદ માણ્યો.ગુજરાતી સાહિત્ય સરીતા આવી જ પ્રગતિ કરતી રહે એવી શુભકામના!!🌹
આ પ્રસંંગે અમે હાજર ન હતાં પણ અહેવાલ વાંચતા હુસ્ટન સાહિત્યા સરિતા માતે અહોભાવ અનુભવ્યો. આભાર.