Sep 07 2023
૨૪૮મી બેઠકઃ બેઠકનો અહેવાલ પ્રવિણા કડકિઆ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૮મી બેઠકઃ
અહેવાલઃ પ્રવિણા કડકિઆ.
તસ્વીર સૌજન્યઃ પ્રફુલ ગાંધી અને પ્રકાશ મજમુદાર.
સંપાદનઃ દેવિકા ધ્રુવ
***********************************************
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક, સપ્ટેમ્બર ૩, ૨૦૨૩ ને રવિવારના રોજ ‘ઍલ્ડ્રીજ’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ ૨૪૮મી બેઠક, સંસ્થાના એક સદગત લેખક શ્રી નવીન બેંકરની જીવન-ઝરમર તાજી કરવા માટે યોજવામાં આવી હતી.
બેઠક નંબર ૨૪૮. સ્વ.લેખક શ્રી નવીન બેંકરની સ્મૃતિમાં..
સૌથી પ્રથમ, બરાબર સવારના અગિયાર ને પંદર મિનિટે પ્રમુખ ભારતી મજમુદારે સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને રક્ષાબહેન પટેલને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. રક્ષાબહેને મા શારદાની સુંદર પ્રાર્થના “ હે શારદે મા, હે શારદે મા, અજ્ઞાનતા સે હમે તાર દે મા”ખૂબ ભાવવાહી રીતે ગાઈ સંભળાવી.

સમિતિ રક્ષાબહેન પટેલ પ્રવિણા કડકિઆ
ત્યારપછી સભાનો દોર પ્રમુખના કહેવાથી શ્રીમતી દેવિકા ધ્રુવે સંભાળ્યો. શરૂઆતમાં તેમણે જણાવ્યું કે, સંસ્થાની સ્થાપના સપ્ટેમ્બર મહિનામાં ૨૨ વર્ષ પૂર્વે થઈ હતી. ત્યારપછી કાર્યક્રમની રૂપરેખા આપીને એક પછી એક વક્તાઓને આમંત્રણ આપ્યું. તે પહેલાં તેમના મોટાભાઈની યાદમાં થોડાં શાબ્દિક પુષ્પો વેર્યાં.
સૌથી પ્રથમ વક્તા હતાં શ્રીમતી પ્રવિણા કડકિઆ. તેમણે શરુઆતમાં કહ્યું, ” ન તેમનામાં કંઈ નવીન હતું કે ન તે બેંકર હતા”. તે એક સારા લેખક હતા. તેમની સાથે અવારનવાર મુલાકાત, મંદિરના બાંકડે કે સાહિત્ય સરિતાની મિટિંગમાં થતી. સદા મુખ પર રમતું સ્મિત અને પત્ની પ્રત્યેનો પ્યાર એ નવીનભાઈના વ્યક્તિત્ત્વનું જમા પાસું હતું. હ્યુસ્ટનમાં થતા દરેક ગુજરાતી પ્રોગ્રામનો સચોટ હકીકતસભર અહેવાલ લખતા એ તેમની આગવી પહેચાન હતી. તે પછી પ્રવીણાબહેને કાનાના આગમનને યાદ કરી “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી”કહી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

શ્રી પ્રકાશ મજમુદાર ડો. કોકિલા પરીખ શ્રી જનાર્દન શાસ્ત્રી
ઉપપ્રમુખ ડો. મીના પારેખે, નવીનભાઈ સાથેની મીઠી યાદો કે જે ભારતથી શૈલાબહેન મુન્શાએ મોકલી આપી હતી તે વાંચી સંભળાવી. નવીનભાઈની વિવિધ ઓળખાણ “છાપાવાળા કાકા’. ‘રોટલીવાળા કાકા’. ફોટાવાળા કાકા’ વગેરે રમૂજી રીતે વાંચી.. ફિલ્મી કલાકારો સાથે હ્યુસ્ટનમાં ગાળેલી ક્ષણોની તસ્વીરોના આલ્બમની તથા “અનુભૂતિ એક અહેસાસ” એ તેમનો બ્લોગ છે એની પણ માહિતી આપી.
તે પછીના વક્તા હતા પ્રકાશ મજમુદાર. તેમણે જણાવ્યું કે જ્યાં જ્યાં સંગીતનો જલસો હોય કે ભજન ગવાતા હોય ત્યાં ત્યાં નવીનભાઈ ‘ખંજરી’ લઈને મસ્તીથી બેસી જતા. તેમની યાદમાં કવિ શ્રી રાવજી પટેલનું ગીત “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા” ભાવવાહી રીતે ગાઈ સંભળાવ્યું.
દરેક વક્તાને આમંત્રણ આપતાં સૂત્રધાર દેવિકાબહેન, ઉચિત સમયે પ્રસંગને અનુરૂપ પંક્તિઓ રજૂ કરતાં જતાં હતાં. ત્યારપછી નવીનભાઈના બહેન અને આ બેઠકના ‘સ્પૉન્સર’ડો. કોકીલા પરીખનો વારો હતો. તેમણે ભાઈ સાથેના અનેક સંસ્મરણો યાદ કર્યા. નવીનભાઈએ મૃત્યુને પ્રેમથી આવકાર્યું, તેઓ પોતે કેવા હસતા રહ્યા અને હસાવતા રહ્યા તેની વાતો કરી.
જનાર્દનભાઈએ કૃષ્ણ પધારવાનો હતો, તેનું સ્મરણ કરાવ્યું. અંતરથી કહ્યું ” કાના હવે તો પાછો ફર”. નંદનું ગોકુળિયું ગામ, રણ છોડી ભાગ્યો બન્યો રણછોડ. ગોકુળ છોડી ભાગ્યો વસાવ્યું દ્વારકા ધામ”, હવે તો પાછો ફર” સ્વરચિત કૃતિ રજૂ કરી.

શ્રી ફતેહ અલી ચતુર શ્રી મનસુખ વાઘેલા શ્રીમતી ભાવના દેસાઈ
ફતેહ અલીભાઈ ચતુરે નવીનભાઈની ડાયરી લખવાની રીત સંભારી. જેને પણ ત્યાં જવાનું હોય તેનું સરનામું અને જવાનું માર્ગદર્શન સઘળું ડાયરીમાં કેવી રીતે લખતા વગેરે રમૂજી રીતે જણાવ્યું. તે ઉપરાંત, નવીનભાઈની કલમમાં વિચાર અને વિવેચન સચોટપણે આપતા તેની ઉદાહરણ સહિત રજૂઆત કરી.
એક પછી એક વક્તાઓને આમંત્રણ મળતા જતા હતા અને સૌ મનભરીને, મઝાના માણસ અને અચ્છા અહેવાલ લેખક સ્વ. નવીનભાઈ વિશે જુદીજુદી વાતો કરતા જતા હતા. સભાજનો પણ ઓતપ્રોત હતા.
મનસુખ વાઘેલાને નવીનભાઈ સાથે ખૂબ સુંદર સંબંધ હતો. જ્યારે કુટુંબમાં મૃત્યુને કારણે ભારત જવું પડ્યું ત્યારે તેમના પત્ની અને દીકરીની સંભાળ, નવીનભાઈ અને તેમના પત્નીએ કેવી સરસ રાખી હતી તેની વાત કરી, સ્વાર્થ વિનાના તેમના સંબંધની યાદ તાજી કરી. જૂનાં સંસ્મરણોનો માળો સજાવ્યો.
દેવિકાબહેન પણ સંચાલન કરતાં કરતાં પોતાના ભાઈને પ્રેમથી, કાવ્યાત્મક રીતે યાદ કરતાં જતાં હતાં. તેમણે જણાવ્યું કે નવીનભાઈએ ૧૮ પોકેટ બુક લખી હતી. ડઝનેક નાટકોમાં કામ કર્યું હતું. પાંચ વાર્તાસંગ્રહ લખ્યા હતા અને લગભગ ૨૫૦ થી ૩૦૦ જેટલા હ્યુસ્ટનના કાર્યક્રમોના અહેવાલો લખ્યા હતા.
ત્યારપછી, જેમને સૂર અને સંગીત સાથે ઘેરો નાતો છે એવાં વક્તા હતાં શ્રીમતી ભાવના દેસાઈ. તેમણે ‘નવીનભાઈ આપણા હૃદયમાં વસ્યા છે’ એમ જણાવી તેમની ખાસિયતોની, સિનેમાની ચાહની અને ફોટા પાડવાના શોખ વગેરેની વાતો ખૂબ પ્રેમથી રજૂ કરી..

સભાજનો અને સભ્યો શ્રી મુકુંદ ગાંધી
શ્રી મુકુંદ ગાંધીએ સ્વ.નવીનભાઈ સાથેનાં સંસ્મરણોને યાદ કર્યા. કેવી રીતે તેઓ પોતાના જાતજાતનાં તખલ્લુસ આપતા; જેવાં કે સંજીવકુમાર સેટેલાઈટવાળા, નિત્યાનંદ ભારતી,વગેરે તથા મૂર્તિપૂજામાં માનતા ન હોવાને કારણે ગરુડપુરાણ કે મુહર્ત કે કમૂર્તામાં માનતા નહી, ભેટ આપવાની પ્રથાનો વિરોધ કરતા વગેરેની વાતો દ્વારા તેમની રમૂજી છતાં તેજાબી કલમની પ્રશંસા કરી. સંબંધમાં ક્યારેય અપેક્ષા ન રાખવી એ સત્ય તેમણે સ્વીકાર્યું હતું તે પણ કહ્યું.
ભારતી મજમુદારે સ્વ. નવીનભાઈના મોઢેથી સાંભળેલી ગરોળીની વાર્તા દ્વારા રમૂજ ફેલાવી વાતાવરણને હળવું રાખવામાં યોગદાન આપ્યું. તેમનો પત્નીપ્રેમ પાછો યાદ કરાવ્યો. કદી મુખ પર કંટાળો જણાતો નહી એમ કહી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.

શ્રી પ્રકાશ દેસાઈ શ્રી દીપક ભટ્ટ (સંસ્થાના સ્થાપક)
ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશ દેસાઈએ તેમની યાદોની ઝરમર વરસાવતા ફોટા અને લેખોનો સંગ્રહ સહુ સમક્ષ રજૂ કર્યો.
આ સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે ગુજરાતી સાહિત્ય સરિતાનો પહેલો અહેવાલ નવીનભાઈએ લખ્યો હતો એ યાદ કરાવ્યું. કોઈ પણ જાતની અપેક્ષા વગર સમાજમાં તેમની સેવા આપતા હતા. તેમને નાટકોનો જબરો શોખ હતો વગેરે યાદો દોહરાવી.
આમ, સૌ સાહિત્યરસિકોએ એક પછી એક અલગ અલગ યાદો દ્વારા લેખક શ્રી નવીન બેંકરને યોગ્ય રીતે શબ્દાંજલિ આર્પી. સૂત્રધારે નવીનભાઈને ગમતો ‘બેફામ’નો શેર યાદ કર્યો કે,
”રડ્યાં ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી.”
જો કે, અહીં નવીનભાઈના અંગત અને સાહિત્યિક,બંને પરિવારોએ હળવાશથી ઓચ્છવની જેમ, નવીનભાઈની ગમતીલી રીતે આજની બેઠકને ન્યાય આપ્યો.
લગભગ બે કલાક રસપૂર્વક ચાલેલી બેઠકનું બપોરે ૧ વાગ્યે સમાપન કરવામાં આવ્યું. ખજાનચી શ્રી પ્રફુલ્લભાઈ ગાંધીએ આભાર વિધિ કરી. સામૂહિક તસ્વીર લેવામાં આવી. છેલ્લે ડો. કોકીલાબહેન અને પ્રકાશભાઈ તરફ્થી મળેલ, નવીનભાઈનું મનપસંદ રગડા-પેટીસ અને લાડુનું ભોજન માણી સૌ છૂટા પડ્યાં.
સમિતિના આયોજકો, સહાયકો અને શ્રોતાજનોને અભિનંદન.
અસ્તુ.
પ્રવિણા કડકિઆ
ખુબ સુંદર અને વિગતવાર અહેવાલ બદલ પ્રવિણાબેન અને દેવિકાબેન ખુબ ખુબ આભાર!!
ગેરહાજર સભ્યોને પણ બેઠકમાં હાજર રહ્યા એવું લાગશે.
ખરેખર ભધા જ સભ્યોએ નવીનભાઈ સાથે ના સુંદર અને રમુજી પ્રસંગો યાદ કરી સભામાં ચાર ચાંદ લગાવી દીધા.
કોકિલાબેન અને પ્રકાશભાઈ પરીખ નો હૃદય પૂર્વક આભાર!! આવો જ સાથ સહકાર આપતા રહેશો. 🌹🌹
ગુજરાતી સાહિત્ય સરિતા માં નવીન બેન્કર ની ખોટ હંમેશા સાલશે. પણ એમના સોનેરી સંભારણા થી એ હંમેશા આપણી વચ્ચે છે.
શ્રી. નવીનભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ!! 🙏🙏🙏
PRAVINABEN WROTE A VERY NICE BETHAK REPORT IN DETAIL. THANKS.
નવીનભાઇ ની સ્મ્રુતી ની મિટીંગ તેમના સ્વભાવ પ્રમાણેજ હળવી અને રમુજીક રહી. શોક કે ગમ થી દૂર.
ખુબ જ સુંદર વિગતવાર અહેવાલ બદલ અભિનંદન🙏🏻🙏🏻🙏🏻
નવીનભાઈની સ્મૃતિ સદા જીવંત છે અને રહેશે. ગુ.સા.સ એ એમની યાદમાં બેઠકનુ આયોજન કરી પ્રેમભરી શ્રધ્ધાંજલિ અર્પી. પ્રવિણાબહેને અહેવાલમાં સૌ વક્તાઓને સાંકળી એને યાદગાર બનાવ્યો અને દેવિકાબહેને એને નવીનભાઈના સ્મરણોને સુત્રધારના રૂપમાં વધુ સુનહરો બનાવ્યો. મારા વક્તવ્યને મીનાબહેને રજૂ કરી મારી પરોક્ષ હાજરી દર્શાવી એ બદલ એમનો ખૂબ આભાર.
અમે હાજર ન રહી શક્યા , પ્રવિણા બહેનનો નવિન ભાઈની રમુજી યાદો નો વિગતવાર અહેવાલ વાંચ્યો. હાજર જ હોય તેવો અનુભવ થયો.