Jan 17 2026
૨૭૬મી બેઠકનો અહેવાલ
૨૭૬મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૬મી બેઠક રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ ની બપોરે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી.
અલ્પાહાર બાદ બેઠકના પ્રથમ ભાગની શરૂઆત શ્રીમતી શ્વેતા શ્રોફે સરસ્વતી દેવીમાની વંદનાથી કરી. શ્રી નરેંદ્રભાઈ વેદે આજની બેઠકની રૂપરેખા આપી કે પ્રથમ ભાગમાં “ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની આશાઓ અને ઉમંગો” વિષે સભ્યો વાત કરશે. કોઈ સભ્યોએ અગાઉથી નામ આપ્યા ના હોવાથી ઝાઝી વાતો થશે એમ લાગતું ન હતું.
હસમુખભાઈ દોશીએ અમેરીકામાં નવું વર્ષ ખૂબ સમૃદ્ધ રહેશે એમ જણાવ્યું.
અરવિંદભાઈ થેકડીએ હાઇકુ માટે સ્ક્રીન પર રાખેલા ચિત્રથી રસભરી શરુઆત કરી. તે પછી દીપકભાઈ ભટ્ટે તેમનુ મંતવ્ય જણાવ્યું. શ્રીમતી નયનાબહેન શાહે શાળામાં છાશવારે થતાં શૂટીંગ વિષે વ્યથા વ્યક્ત કરી. શ્રીમતી રિદ્ધિબહેન દેસાઈએ ઉગમણી કોરના ઉજાશને ભારતની પ્રાચીન પ્રગતિ અને અર્વાચીન વિકાસ તરીકે દર્શાવ્યાં. હસમુખભાઈ પટેલે માત્ર પોતાના જ નહીં પરંતુ સમગ્ર સંસારના કલ્યાણની ભાવનાનો ભારતનો સંદેશ આપ્યો. ફતેહ અલી ચતુરે જણાવ્યું કે ખરાબ તો હંમેશથી થાય છે અને થતું રહેશે, પણ આપણે બધામા કઈંક સકારાત્મક જોવાનો પ્રયત્ન કરતા રહેવું. દીલિપભાઈ કપાસીએ પણ તેમનુ મંતવ્ય જણાવ્યું. નિખિલભાઈ મહેતાએ Lawrence Gouldનો નાનકડો લેખ “why Men Survive” વાંચી સંભળાવ્યો. શ્રીમતી ચારુબહેન વ્યાસે પણ પોતાને અમેરિકામાં થયેલાં સારા અનુભવોની વાતો કરી.
શ્રીમતી દેવિકાબહેને તેમનાં પુસ્તક “આથમણી કોરનો ઉજાશ” પરથી આ વિષયની પ્રેરણા લીધી તે બદલ આભાર પ્રગટ કર્યો. એ પુસ્તક તેમની લંડનમાં રહેતી સખી સાથેના પત્રવ્યવહાર અંગે છે અને બન્ને ભારતની પશ્ચિમે રહેતી હોઈ એવું શીર્ષક નક્કી કર્યું તેમ જણાવ્યું. આ પછી તેમણે હાઇકુ વિષે સવિસ્તર સમજ આપી.
ત્યારબાદ શ્રીમતી શ્વેતા શ્રોફ, શ્રી નીતિન વ્યાસ, શ્રીમતી રિદ્ધિબહેન દેસાઈ, શ્રી ભૌમિક શ્રોફ, શ્રીમતી ચારુબહેન વ્યાસ, શ્રીમતી મિતાબહેન ભટ્ટ, અને શ્રી દીપકભાઈ ભટ્ટે પોતાનાં હાઈકુ રજૂ કર્યા. આ બધાં હાઇકુ શ્રીમતી પન્નાબહેન નાયકને, જેમણે હાઈકુના ક્ષેત્રે અજબ નામના મેળવી છે, તેમને સ્પર્ધાના વિજેતા નક્કી કરવા મોકલવાનો નિર્ણય થયો.
નિખિલભાઈએ સૌ વક્તા અને શ્રોતાઓનો આભાર માન્યો. આપણે નવી ઑડિયો -વિડીયો-સિસ્ટમ વસાવ્યાં તે અંગે વાત કરી. અશોકભાઈ ભાવસાર અને પ્રકાશભાઈનો આભાર માન્યો કે જે હંમેશા તેમની સિસ્ટમની સેવા આપતા. ત્યારબાદ સહુ છૂટાં પડ્યાં.
રિદ્ધિ દેસાઈ
















