Aug 28 2010

ગુજરાતી સાહિત્ય સરિતામાં યુવાન પેઢીનો પ્રવેશ – દેવિકા ધ્રુવ-

Published by at 10:37 pm under બેઠકનો અહેવાલ

 

સાહિત્ય સરિતાની ૧૦૮મી બેઠક,  તારીખ ૨૨ ઓગષ્ટ,રવિવારના રોજ, ક્લીયરલેઇક્માં, નિખિલ અને મનીષા મહેતાના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રાવણનો મહિનો, વિષય “કૃષ્ણ”  અને  સૂત્રધાર હતા શ્રી નિખિલ મહેતા .

સરસ્વતીના સુંદર શ્લોક અને ‘પરમ સમીપે’ ની પ્રાર્થનાથી શરુઆત કરવામાં આવી.ત્યારબાદ કો-ઓર્ડીનેટર હેમંતભાઇએ, તાજેતરમાં જ આઇસીસી ઓફ હ્યુસ્ટનના ‘ટાગોર એવોર્ડ’ વિજેતા શ્રી ધીરુભાઇ શાહ અને શ્રી નવીન બેંકરનું બહુમાન કરી બિરદાવ્યા હતા;અને સૌ સભાજનોએ ગર્વભેર આ બંને મહાનુભાવોને તાળીઓના ગડગડાટથી વધાવ્યાં હતાં     

દરેક સર્જકોની વિવિધ રજૂઆતની વાત કરતા પહેલા, વિશેષ નોંધપાત્ર અને આજની નવી યુવાપેઢીને માટે પ્રેરણાદાયક વાત જણાવવી જરુરી લાગે છે.

યજમાન પરિવારના બાર વર્ષના પુત્ર મનન મહેતાએ,ગીતાના જુદા જુદા અધ્યાયોના શ્લોકો મોંઢે બોલીને, સમજણપૂર્વકનો અનુવાદ અતિ સુંદર અને સરળ રીતે રજૂ કર્યો.

તો માનસી મહેતાએ કૃષ્ણના જુદા જુદા અનેક નામોમાંના ત્રણ નામો ‘ગોવિંદ,દામોદર અને મધુસૂદન’નું અર્થઘટન સહજ રીતે,સાદી પણ છટાદાર રીતે વ્યક્ત કર્યુ.બંનેની  રજૂઆત પ્રશંસનીય તો હતી જ પણ સૌને માટે ગૌરવશીલ અને પ્રેરણાદાયી પણ હતી.ગુજરાતી સાહિત્ય સરિતા નવી યુવાન પેઢીના ખુબ જરૂરી એવા આ પ્રવેશને માનથી વધાવે છે અને ગુજરાતી સંસ્કૃતિના આશાસ્પદ ભાવિની ખેવના પણ કરે છે.

હવે ક્રમશઃ રજૂઆતમાં સૌ પ્રથમ ગીરીશભાઇ દેસાઇએ

 ‘આ જીવન નથી કોઇ ફૂલોની ક્યારી કે નથી કેવળ કંટકોની પથારી;

જીવન તો છે સુખદુઃખ તણી એક ગાડી,કરવી પડે નાછુટકે સૌને સવારી’

અને

‘જે જવાની હતી તે જવાની ગઇ છે,

આવ્યો અહીં વળતી ટીકીટ કઢાવી,

પણ ખબર નથી તારીખ જવાની કઇ છે’

દ્વારા જીવનના સનાતન સત્યોની વાત સરસ રીતે કહી. ત્યારબાદ શૈલાબેન મુનશાએ કાનાને અનુલક્ષીને એક સ્વરચના રજૂ કરી કે

‘ક્યાં રે ખોવાયો કહાન..નાથ્યો રે કાલી નાગ તુને,કેમ ન નાથે આજ,

ફેલાવી સહસ્ત્ર ફેણ, સત્ત્તારૂપી ઓકતા ઝેર ચારેકોર,ક્યાં રે ખોવાયો કહાન…

તે પછી વિજયભાઇ શાહે શિકાગો સ્થિત સપના વિજાપુરાના કાવ્યસંગ્રહ ‘ખુલી આંખના સપના’નો પરિચય આપ્યો અને તેમાંથી જ વિષયને અનુરૂપ ‘શ્યામના સપના’,કોડિયુ’ અને ‘લીલી ડાળ’ ની ઝલક ખુબ સુંદર રીતે રજૂ કરી.

’ચુંદડી તેં શ્યામ,રંગેલી કરી,વાંસળીથી શ્યામ,તેં ઘેલી કરી

’મેં કર્યા રસ્તા ર્હ્રદયમાં આવવા,શ્યામ જો,મેં આંખમાં ડેલી કરી.

વિલાસબેન પીપળિયાએ કૃષ્ણની સાથે મહાભારત અને યુધ્ધની વાત તથા તે પછીના ઘેરા શોકની વાત સાંકળી લઇને ‘કોઇનો લાડકવાયો’ વેદનાસભર અવાજમાં ગાઇ સંભળાવી, તેમાં વ્યક્ત થતા હૈયાંના અસહ્ય વલોપાતથી સૌની આંખો ભીંજવી દીધી.

ત્યારબાદ ઇન્દુબેન શાહે કૃષ્ણમહિમાની વાત  “કૃષ્ણ પૂછું તને આજ આ તારી લીલા કે મહિમા,તારા સુપ્રસિધ્ધ સખા ત્રણ અર્જુન, ઓધવ,સુદામા” અને “ ત્રણ મશહૂર નારી રાધા,રુક્મણિ દ્રૌપદી..’ભાવપૂર્વક વાંચી સંભળાવ્યા.

હરિશભાઇ પાઠકે કૃષ્ણના જીવનનો બોધપાઠ એના વિરોધાભાસી વ્યક્તિત્વમાંથી પણ કેવો નીખરે છે એની કેટલીક સરસ વાતો કરી.તો સાથે સાથે કૃષ્ણના જન્મના વર્ષ,તારીખ વિષેની વિવાદાસ્પદ તથા શ્યામ રંગ અંગે વિવિધ નામોની અર્થપૂર્ણ છણાવટ પણ કરી.આ વાતનું અનુસંધાન લઇ હેમંતભાઇએ કૃષ્ણને એક મુત્સદી,ચપળ વ્યક્તિ તરીકે વર્ણવ્યા.નાના નાના માત્ર પાંચ જ ગામોની માંગણી કરવાની કૃષ્ણની વાત પાછળનુ એક ઘણું મોટું રહસ્ય છતું કરી બતાવ્યુ.

 ધીરુભાઇ શાહે પોતાને તાજેતરમાં જ મળેલાં ટાગોર અવોર્ડ  માટે,સાહિત્યસરિતાને યશ આપી, આભાર માની , સ્વરચનાઓ “માણસ માણસ ન બન્યો” અને “ન ઓળખ્યાં”રજૂ કરી. ”ખુબ ખુબ ખેલ ખેલ્યાં ગોકુળમાં,ખુબ ખુબ ખેલ ખેલ્યાં મથુરામા;કિંતુ ના કંસે કૃષ્ણને ઓળખ્યાં,ના કૌરવોએ કૃષ્ણને ઓળખ્યાં,ખુબ ખુબ ખેલ ખેલ્યાં કૃષ્ણે,કિંતુ કોઇએ કૃષ્ણને ના ઓળખ્યાં.”

તે પછી ફતેહઅલીભાઇ ચતુરે તેમની લાક્ષણિક ઢબે  રાધાકૃષ્ણની પ્રેમલીલાને આજના યુગમાં પણ પ્રેમના પ્રતીક તરીકે સૌ આલેખે છે એમ જણાવી એક સુંદર હળવું મુકતક રજૂ કર્યું પ્રિયતમાના રિસામણા-મનામણા અને પથ્થરદિલના આક્ષેપોની સામે “રેત પર નામ લિખનેસે ક્યા ફાયદા,એક આઇ લહરેં તો કુછ બચેગા નહિ;તુમને પત્થરકા દિલ હમકો કહ તો દિયા,પર પથ્થરો પે લીખોગી,મિટેગા નહિ”રજૂ કર્યં ત્યારે વાહ,વાહ અને તાળીઓના અવાજથી ખંડ છવાઇ ગયો !

શ્રોતાજનોની ઇચ્છાનુસાર વિરામ વગર કાર્યક્રમ આગળ ચાલ્યો. ડો. ભગવાનદાસભાઇ પટેલે “ કૃષ્ણં વંદે્ જગદગુરુ”થી શરુ કરી કૃષ્ણ એટલે ‘અધ્યાત્મની દ્રષ્ટિ આપનાર તત્વ તરીકે વર્ણવ્યાં.

પ્રકાશભાઇ મજ્મુદારે પણ સુખદુઃખ સભર જીવનને આજના વિષય સાથે જોડી  એક જાણીતી ગઝલ “કાજળભર્યા નયનના કામણ મને ગમે છે” ગાઇ સંભળાવી. 

દેવિકાબેન ધ્રુવે કૃષ્ણને એક વ્યક્તિ તરીકે કલ્પી,રીસાયેલી રાધાના સવાલો અને સામે કૃષ્ણના નટખટી ઉડાઉ જવાબો આપતું સ્વરચિત સંવાદગીત (યુગલ ગીત) નાટકીય ઢબે રાહુલ ધ્રુવ સાથે રજૂ કર્યુ કે,

”પૂછે છે રાધા પાસે જઇ કાનાને વ્હાલપથી કાનમાં,અગર જો રાધા હોત જરા શ્યામ,સાચુકડું કે’જે શું ચાહત તું શ્યામ?”

આ બેઠકની એક બીજી રસપ્રદ વાત તે ડો. કમલેશ લુલ્લાની રજૂઆત.તે પોતે અંતરિક્ષ વૈજ્ઞાનિક છે.છતાં કહે છે કે સ્વપ્ન તો મને કૃષ્ણના જ આવે છે !! તેમણે જણાવ્યું કે કૃષ્ણ એક મહાન વૈજ્ઞાનિક છે.

સુદર્શનચક્ર એટલે  God Protection System;  આજનુ modern GPS નહિ ! સુદર્શન ચક્રની જેમ આંગળીની ધરી પર ફરતી CD એટલે Complete Devotion !   DVD એટલે  Divine Vision & Dedication ! આજના વૈજ્ઞાનિકની નવા તક્નીકી માધ્યમોની આવી અદભૂત સમજણ અને વ્યાખ્યા !! ? ગરદન માનભેર ઝૂકી ગઇ અને સૌના મસ્તક ગૌરવભેર ઉન્નત થઇ ગયાં

સમય સરતો જતો હતો;વારો આવ્યો નિખિલ મહેતાનો કે જેમણે કૃષ્ણ વિષય પર ઊંડું વાંચન અને અધ્યયન કર્યં છે.તેમણે કૃષ્ણ ના જીવનના વિવિધ પાસાંઓ,વ્યક્તિત્વ અને અનેકવિધ ઘટનાઓ દા.ત…યદુરાજાને શ્રાપ, જરાસંઘવધ, ઉગ્રસેન અને પરીક્ષીત, પાર્થના જીવનનું વરદાન, યુધ્ધટાણે પક્ષીનો ફફડાટ, ઇંડાનું ઘંટથી રક્ષણ, ગાંધારીનો શ્રાપ, યાદવાસ્થળી,કૃષ્ણનું પારધીના બાણથી મૃત્યુ વગેરે વાતો ખુબ રસપ્રદ રીતે ઊંડાણથી રજૂ કરી. એ દ્વારા નિખિલભાઇનો એક બહુશ્રુત વ્યક્તિ તરીકેનો પરિચય વિશેષ માન જન્માવી ગયો.તેમણે પ્રદર્શિત કરેલ તાળીનો પ્રયોગ પણ રમૂજી અને યાદગાર રહ્યો. …

ડો.લુલ્લાએ મહેતા પરિવારને સુદર્શનચક્રધારી કૃષ્ણના પેઇન્ટીંગની ભેટ ધરી.           

છેલ્લે, કો-ઓર્ડીનેટરે આગામી વાર્ષિક કાર્યક્રમ અંગેની જાહેરાત કરી સૌ સભ્યોને સક્રિય થવા અને પોતપોતાના સૂચનો દર્શાવવાનો નિર્દેશ  કર્યો હતો.અંતે સંચાલક,સૂત્રધાર,યજમાન પરિવાર,શ્રોતાજનોએ પરસ્પર આભારવિધિ કરી અને અલ્પાહારને ન્યાય આપી સૌ છૂટાં પડ્યાં.

૧૦૮ મી આ બેઠક, જગત અને જીવન આખાને વ્યાપી લેતા વિષયને અનુલક્ષીને વિવિધ રીતે નવી્નતમ બની રહી..નિખિલ મહેતા સૂત્રધાર તરીકે સંપૂર્ણ સફળ રહ્યાં. ગદ્ય,પદ્ય,સંગીત,શ્લોક,યુગલપઠન,આધુનિકતા સાથે સંકલન,નવી વ્યાખ્યા,અર્થઘટન અને ખાસ તો ઉગતી પેઢીનું આગમન એમ અનેક રીતે રમ્ય અને આનંદદાયી બની રહી.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતામાં યુવાન પેઢીનો પ્રવેશ – દેવિકા ધ્રુવ-”

  1. nilam doshion 12 Sep 2010 at 7:49 am

    nice to read this..specially like that young generation has also participated in this…congrats for that and wish many more youngstres will join this

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.