Oct 06 2014

હ્યુસ્ટનમાં ડૉ. બળવંત જાનીના બે વાર્તાલાપ-અહેવાલ શ્રી. નવીન બેન્કર

ભારતથી પધારેલ, સમર્થ સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, વિવેચક શ્રી. બળવંત જાની,  ત્રણેક દિવસ હ્યુસ્ટનના મહેમાન બન્યા હતા. અને અત્રેના લેખકો, કવિઓ, સાહિત્યરસિકોને મળ્યા હતા. અને ડાયસ્પોરા સર્જકો અંગેની માહિતી મેળવી હતી. અહીં, મુખ્યત્વે બે સ્થળોએ તેઓશ્રીએ જે વિદ્વત્તાપુર્ણ વક્તવ્યો આપ્યા એની ઝાંખી કરીશું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ને બુધવારે રાત્રે આઠ વાગ્યે, હ્યુસ્ટનના સેવોય રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાં  ઇસ્માઈલી કોમ્યુનિટીના ગુજરાતીપ્રેમી મિત્રો અને સાહિત્ય સરિતાના સર્જકો સમક્ષ તેઓશ્રીની ગોષ્ઠીનું આયોજન, અત્રેના ઇસ્માઈલી શ્રેષ્ઠિ શ્રી. ડોક્ટર બરકત ચારણીઆએ કર્યું હતું. સર્વપ્રથમ તો સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા બાદ નવેક વાગ્યે, શ્રી. બરકતભાઈએ, શ્રી. જાનીસાહેબ સાથેના પોતાના કૌટુંબીક સંબંધો અંગે વાત કરી અને સૌરાષ્ટ્ર ખાતેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. ‘ગુજરાત ગૌરવ’ના તંત્રી શ્રી. નુરુદીન દરેડિયએ ગુજરાતી  કાવ્ય-સાહિત્યમાંથી કેટલીક જાણિતી પંક્તિઓ વાંચીને શ્રી. બળવંતભાઇને બિરદાવ્યા હતા. શ્રી. બળવંત જાનીએ તેમના વક્તવ્યમાં મુખ્યત્વે તો ઇસ્માઇલી ડાયસ્પોરા ભાઇઓની ગુજરાતી સાહિત્યપ્રીતિ અને તેમના સર્જનને બિરદાવતી વાતો કરી હતી. ઇસ્માઇલી સાહિત્યમાં ‘ગિનાન’ અને તેના પ્રદાન અંગે, દેરાસરોમાં થતી સજ્જાઇ ( પૂજા સાહિત્ય), મધ્યકાલીન કાળમાં લૌકિક રાગરાગિણીઓ અંગે, ગોરખનાથની કથાઓમાં કેવા પરિવર્તનો થયા એની રસિક વાતો કરી.  ઇસ્માઇલી ગિનાનમાં એ પ્રાચીન રુપ કેવી રીતે જળવાયું છે એની, ગીતના શબ્દોનો દાખલો આપીને સમજાવ્યું.  ગિનાનમાં ‘મેંદી રંગ લાગ્યો’ અને ‘કાનો રમે રે મારી કેડમાં’ કેમ ગવાય એનો ખ્યાલ આપ્યો. ઇસ્માઇલી ઢાળ બદલાયા નથી તેથી સમગ્ર સાહિત્ય પરંપરામાં , શબ્દ અને રજૂઆતના રુપ અંગેનો ખ્યાલ આપ્યો. ભારતમાંથી આફ્રિકામાં પ્રથમ માઈગ્રેટ થનારા  તો ઇસ્માઇલીઓ જ હતા. પછી લોહાણા અને પટેલો ગયા. સૌરાષ્ટ્રના રાજા રજવાડાઓ પાસે આફ્રિકામાં જમીનો ખરીદવામાં પ્રોત્સાહિત કરનારા પણ ઇસ્માઇલીઓ જ. એ પછી એ લોકો મડાગાસ્કર, યુરોપ બધે જ ફેલાઇ ગયા.દરેક ધર્મોમાં ફીરકા થઈ ગયા છે. ફાંટા પડી ગયા છે,પણ ઇસ્માઇલીઓમાં ફીરકા નથી પડ્યા. બ્રીટનમાં ઇસ્માઇલી કોમ્યુનિટીની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થયેલી એની વાતો કરી. બ્રીટનના ઇન્ડીયન મુસ્લીમ સર્જકોના આંકડા આપ્યા. માર્તંડ ઋષિ, સહદેવ જોશી જેવા સર્જકોની કૃતિઓ અને ગિનાનમાં રજૂ થયેલી કૃતિઓ વચ્ચેના સામ્ય અંગે પણ રસપ્રદ વાતો કરી હતી. કેટલાક શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપ્યા બાદ કાર્યક્રમની પુર્ણાહૂતિ થઈ હતી. બળવંતભાઇએ વાતો તો ઘણી કરી હતી પણ લેખની શબ્દમર્યાદાને કારણે આજની વાતને આટલેથી જ વિરામ આપીશું. ૩૫ વર્ષથી વકિલાતના વ્યવસાયમાં રહેલા એડવોકેટ શ્રી. મોહમ્મદ અલી અમનાણીએ  ગિનાનની થોડીક પંક્તિઓ તેમાના ધીર, ગંભીર અને બુલંદ અવાજમાં પ્રસ્તુત કરી હતી. રાત્રે સાડા દસ વાગ્યે સૌ વિખરાયા હતા
. ધવલ મહેતા ડૉ બળવંત જાની અને વિજય શાહ પ્રસન્ન મુદ્રામા  
ધવલ મહેતા ડૉ બળવંત જાની અને વિજય શાહ પ્રસન્ન મુદ્રામા
Balvant Jani1
દેવિકાબહેન પુષ્પ્ગુચ્છથી ડો બળવંત જાનીનું અભિવાદન કરતા.. નીતા બહેન અને ધવલ મહેતા પ્રસન્ન ચહેરે…
Vijay Shah introducing balvant Jani  અલ્વંત જાની ૨
ડૉ બળવંત જાની નો પરિચય આપતા વિજય શાહ              ડૉ બળવંત જાની ને સ્મૃતિ ચિન્હ આપતા નીતા બેન મહેતા
બીજા દિવસે એટલે કે ૨૫મીની સાંજે હ્યુસ્ટનના વેજીટેરિયન રેસ્ટોરન્ટ ‘ભોજન’ ના બેંક્વેટ હોલમાં ચાલીસેક જેટલા સર્જકો અને ગુજરાતી સાહિત્યના પ્રેમીઓ સાથે એક મિલન-સમારંભનું આયોજન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના શ્રી. ધવલ મહેતા, શ્રી. નિખિલ મહેતા અને  શ્રી.નરેન્દ્ર વેદ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીમતિ ગીતાબેન પંડ્યાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ શ્રી. વિજય શાહે મુરબ્બીશ્રી. બળવંતભાઇ જાનીનો  પરિચય આપતાં તેમને ઉપરવાસના વરસાદની ઉપમા આપી હતી. અને મુખ્યધારાની બહાર મૂકાઈ ગયેલી ડાયસ્પોરા ગુજરાતી ભાષાને વર્તમાન પ્રવાહમાં લાવવાનું  ભગીરથ કાર્ય કરનાર તરીકે શ્રી. જાની સાહેબને બિરદાવ્યા હતા. ડાયસ્પોરા શબ્દ સાથે શ્રી. બળવંત જાનીનું નામ જોડાઇ ગયેલું છે. હ્યુસ્ટનના આશાસ્પદ જાણીતા કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે, શ્રી. જાનીસાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું. શ્રી. બળવંત જાનીએ સર્જકોને સંબોધતાં જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકોની સાહિત્યપ્રવૃત્તિઓથી તો હું બ્લોગ મારફતે માહિતી મેળવતો જ રહું છું. શ્રી. વિજયભાઇ દર અઠવાડીયે, ‘આ અઠવાડીયાનું મારું વેબકામ’ની  ઇ-મેઇલ મોકલીને સતત માહિતી આપતા જ રહે છે.આમ તો હું સંત સાહિત્ય, ચારણી સાહિત્યનો સ્કોલર છું પણ થોડા સમયથી ડાયાસ્પોરા ગુજરાતી સર્જકોની ભાળ મેળવીને, તેમના વિષેની માહિતી એકત્ર કરીને , પરદેશમાં વસવાટ દ્વારા એ સર્જકોએ ત્યાંના જનજીવનનું પ્રતિબિંબ પાડે અને જે ભારતના સર્જકોને નથી સુઝતું  એવું નવું શું સરજયું એની માહિતી એકત્ર કરીને એવા સર્જકોના સર્જન અને કવન અંગે પુસ્તકો લખું છું.  દાખલા આપતાં તેમણે ‘ઠંડો સુરજ’ કાવ્યનું રસદર્શન કરાવ્યું. જે વસ્તુ આપણા સર્જકોને ન સૂઝે એ ડાયસ્પોરા સર્જકને કેવી રીતે સૂઝે એની વિગતે રસિક વાતો કરી..પન્ના નાયકના કાવ્ય ‘હું’ માં , ‘ભીની રેતના તળીયે પડેલી , દરિયાના તળીયે પડેલી રેતી..સતત ભીંસતા રહેતા સમુદ્રના પ્રેમની વાત…અને એક તરછોડાયેલી, અવગણના પામેલી સ્ત્રીની વેદનાની વાત….નું રસદર્શન કરાવીને, પોતે આ ડાયસ્પોરા સર્જકો પાસેથી શાની અપેક્ષા રાખે છે એની વાત શબ્દો ચોર્યા વગર કહી. પન્ના નાયક, પ્રીતિ સેનગુપ્તા, નટવર ગાંધી, બાબુ સુથાર, હરનીશ જાની, મધુ રાય, આનંદરાવ લિંગાયત, શકુર સરવૈયા, આદિલ મન્સૂરિ, અદમ ટંકારવી, મધુસુદન કાપડીયા,…આ બધા ડાયસ્પોરા સર્જકો  કેમ ગણાય એ એમના સર્જનો અને લેખોની વિગતે વાત કરીને સમજાવ્યું. ભારતની UPSC, GPSC જેવી સંસ્થાઓ, યુનિવર્સિટીના અભ્યાસક્રમ…અમદાવાદની ‘રે મઠ’ની સ્મૃતિઓ…ગુજરાત લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના એવોર્ડોની વાતો…ખુબ અસરકારક રીતે કરી. પોતે લખેલા વિવિધ પુસ્તકો અંગે વાતો કરી. અને અંતમાં કહ્યું કે- હું અહીં  નરી ભાષાપ્રીતિના પોંખણા, વધામણા કરવા આવ્યો છું.મને અહીં જે હોંકારો મળ્યો છે તે બળ આપે છે. ઘરથી દૂર એક બીજું ઘર પણ છે એવી લાગણી મને હ્યુસ્ટનમાં થઈ છે. હાજર રહેલા સર્જકોએ પોતાની ઓળખાણ આપી અને પોતાના સર્જનો અંગે પણ વાતો કરી.

Balvant Jani 3

હ્યુસ્ટનના ગુજરાતી લેખક શ્રી. વિજય શાહના ૨૫માં પુસ્તકની “વિજળીના ઝબકારે” વિમોચન વિધી પણ તેમણે કરી, હ્યુસ્ટનના ભક્તકવિ પ્રદીપજીએ, બળવંતભાઇની પ્રવૃત્તિઓને બિરદાવતું એક સ્મૃતિ કાવ્ય લખીને, તેમને અર્પણ કર્યું હતું. અને વડીલ નીતા બહેન મહેતાનાં હસ્તે ગુજરાતી સાહિત્ય સરિતાનો સ્મૃતિ ચિન્હ (મોમેંટો) અપાયો હતો આમ,  ગુજરાતી સાહિત્યજગતના એક ખુબ જાણીતા ,પ્રતિભાસંપન્ન લેખક, વિવેચક, આદરણીય સંશોધક અને ઉત્કૃષ્ટ વક્તા એવા શ્રી. બળવંત જાનીની વિદ્વતાનો લાભ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્યરસિક જનતાને મળ્યો. અસ્તુ.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.