May 20 2008

વિદ્વાન પ્રો.સુમન શાહ-“ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ

Published by at 7:19 pm under બેઠકનો અહેવાલ

17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે  હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હ્યુસ્ટનના સ્થાનિક લેખક અને કવિ પ્રો. સુમન અજ્મેરીએ , બે સુમન ની શબ્દરમત કરતા કરતા, શ્રોતાજનોને પ્રો.સુમન શાહનો વિશેષ પરિચય આપ્યો..સાહિત્ય ક્ષેત્રે પ્રો. સુમન શાહનું પ્રદાન વિપુલ છે અને વૈવિધ્યપૂર્ણ છે.સર્જન,અનુવાદ,વિવેચન વગેરે અનેક રીતે તેમણે સાહિત્યને સમૃદ્ધિ બક્ષી છે. ગુજરાતથી માંડીને ભારતમાં અન્યત્ર અને વિદેશોમાં પણ તેમણે પોતાની સેવાઓ આપેલી છે.હાલ તેઓ ખેવના નામના ગુજરાતી સામયિકના મુખ્ય તંત્રી તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે. ભાવભીના સ્વાગત અને વિદ્વાન તરીકેના પરિચય પછી સભાનો  દોર પ્રો. સુમન શાહને આપવામાં આવ્યો હતો..

અગ્ણ્યોસિત્તેરની ઉંમરે પહોંચેલા,બુશશર્ટ-પેંટમાં સુસજ્જ,(પત્ની સાથે અનાયાસે થયેલ મેચીંગ!) આ વિદ્વાન માંડ પચાસના જણાતા હતા.વિદ્વાન શબ્દની ખૂબ જ નમ્રતાપૂર્વક, અને સહજ રીતે  છણાવટ કર્યા પછી સાહિત્ય પાસેથી શું મળે છે ? એ વિષય પર પોતાના વક્તવ્યની શરૂઆત કરી.ઘણી જ સરળ અને અસરકારક રીતે તેમણે જણાવ્યું કે સાહિત્ય જુદા જુદા પ્રયોજનોથી સર્જાય છે. કેટલાક મનોરંજન માટે લખે છે,કેટલાક યશ માટે લખે છે,કેટલાક આનંદ માટે લખે છે તો વળી કેટલાક કેવળ ધન-પ્રાપ્તિ માટે સર્જન કરે છે ! ધનપ્રાપ્તિ કહેતા કહેતા તેમના ચહેરા પરની સ્મિતની રેખાઓ  જોઇને સૌ પ્રેક્ષકોના મુખ પર પણ હાસ્યનું મોજું ફરી વળ્યું. હસતાં હસતાં જ તેમણે ઉમેર્યું કે અસલના જમાનામાં,રાજાઓના દરબારમાં તેમના લહિયાઓને ઇનામમાં ગામડાં મળતાં, ગાયો મળતી ! એ વિશે આજની પરિસ્થિતિની વાત ન વધારતાં,સાહિત્યના જુદા જુદા પ્રયોજનોની વાત સંસ્કૃતના  શ્લોક દ્વારા સુંદર રીતે વર્ણવી. સાહિત્ય એ તો જીવનનો સાક્ષાત્કાર છે, જ્ઞાન-અજ્ઞાનની સમજ આપે છે,શિવેતરનો નાશ કરે છે.દાખલા તરીકે, તેમણે જણાવ્યું કે, દરેકને એક વાતની તો જાણ છે જ કે,મૃત્યુ એ એક અનિવાર્ય હકીકત છે;પરંતુ પોતાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિને લાગતું હોય છે કે  મારું અત્યારે નહિ એ અજ્ઞાન છે.સાહિત્ય આ અજ્ઞાનને કલાત્મક રીતે દૂર કરે છે.જીવનની સારી ખોટી તમામ ઘટનાઓને રસિકપૂર્ણ,કલામય રીતે રજૂ કરીને સચ્ચાઇનો  સમગ્રતયા સાક્ષાત્કાર કરાવે છે.તેથી જ તો આવું ઉમદા કામ કરતી સાહિત્ય સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી કે જે જલતા દીવડાઓને હથેળી ધરી જાળવી રહી છે.માતૃભાષા પ્રત્યેના પ્રેમની સાથે સાથે જગતની કોઇ પણ ભાષા માટે અરુચિ કે સંકુચિત વલણ ન હોવું જોઇએ તેવો અભિપ્રાય પણ તેમણે દર્શાવ્યો.

વક્તવ્યનો દોર કવિતા તરફ વાળતાં પ્રો. સુમનભાઇએ પોતાની એક અછાંદસ રચના એ અમદાવાદ તે આ અમદાવાદ રજૂ કરી. જુનું અમદાવાદ એટલે જબ કૂત્તેપે સસ્સા આયા, તબ બાદશાહને શહર બનાયા તે અત્યારે કેવું નો ભાવ અને વર્ણન તેમાં રજૂ થતા  હતા.ઉનાળામાં પૂનમનો ચન્દ્ર પણ શેકેલો પાપડ લાગે...સામસામે રહેલી ચંપલ-ગલી અને ફૂલ-ગલી વાતો કરે અઢળક મઢળક…વગેરે પંક્તિઓ સભાએ હાસ્ય અને તાળીઓ દ્વારા વખાણી હતી.

બેઠકના પ્રથમ દોરનું સૂકાન ત્યાંથી વળાંક લઇ હ્યુસ્ટનના બે સ્થાનિક સર્જકોના હાથમાં ગયું.

 સૌ પ્રથમ પ્રો. સુમન અજમેરીએ સંજોગના મુખમાં મૂકાયેલી કવિતા માનવ  વાંચી સંભળાવી.અમે આંધી વચ્ચે માણસ વાવ્યો,માણસ ત્યાં પણ ઉગી ગયો, અમે પાવકની જ્વાળામાં ઝબોળ્યો,માણસ ત્યાં પણ પાકી ગયો….

તે પછી એક ગઝલ,માનવની વિવશતા પર,એક ગઝલ જવાની જંગ માંગે છે રજૂ કરી. અછાંદસ કવિતા સર્વજ્ઞ અને છેલ્લે હરિગીત છંદમાં લખેલ જીંદગી વાંચી સંભળાવી જેના શબ્દો શું શું નથી માંગ્યું અમે ,થઇને વિનીત તારી કનેખુબ જ સુંદર હતા.

 ત્યારપછી હ્યુસ્ટનના બીજા સર્જક,ગઝલકાર રસિક મેઘાણીએ પોતાની રચેલી ગઝલો તેમની લાક્ષણિક ઢબે રજૂ કરી.ચહેરો તારો મનહર મનહર…….,તમારી યાદનો ટહૂકો………,ઉકળી વ્યથાઓ વાદળ થાશે,આંખમાંથી ટપકી ઝાકળ થાશે…..,અનેના કોઇનો નિવાસ છે,એ ઘર છે આપણું,ના ક્યાંય પણ ઉજાસ છે એ ઘર છે આપણું……અને તેમની ખુબ જ જાણીતી અને માનીતી ભીની ભીની આંખો થી શ્રોતાજનો વાતાવરણમાં વાહ,વાહ..ભરતા ગયાં…

બેઠકનો બીજો દોર નિર્ધારીત સમયે ફરી પાછો પ્રો. સુમનભાઇ શાહને સોંપવામાં આવ્યો. આ વખતે તેમણે પોતાના એક જેંતી-હંસા સિમ્ફનીનામના વાર્તાસંગ્રહમાંની એક ટૂંકી વાર્તા ટોયોટા વાંચી સંભળાવી.પતિ-પત્નીના દામ્પત્ય જીવનની રોજીંદી નાની નાની ઘટનાઓ અને એની વચ્ચે છુપાયેલા પુષ્ટ પ્રેમની વાત ધીરે ધીરે,વિશિષ્ટ રીતે  રજૂ કરી. દૈનિક  ઘટમાળ બની ગયેલ,ક્યારેક પ્રેમ તો ક્યારેક અપ્રેમની અનુભૂતિ કરતા યુગલની આ વાર્તા અંતે કસાયેલા સ્નેહની જ પ્રતીતિ કરાવી ગઇ.બેઠકના અંત તરફ પ્રયાણ કરતાં થોડીવાર માટે પ્રશ્નોત્તરી ચાલી.

 સાહિત્યસરીતાના સભ્યોમાંથી શ્રી વિનોદભાઇ પટેલેઆનંદ અને મનોરંજન વચ્ચે તફાવત શો?પૂછતા, પ્રો. સુમનભાઇએ જવાબમાં જણાવ્યું કે મનોરંજન ક્ષણિક છે,જ્યારે આનંદ તો અંતરની સમૃધ્ધિને વધારે છે.મન તો માંકડુ છે,એ રંજાડ્યા જ કરે.પરંતુ આનંદ તો અંતરના આત્માનો ખોરાક છે.તે પછી નાસાના ચીફ સાયંટીસ્ટ શ્રી કમલેશ લુલા એ પૂછ્યું કે સાહિત્યમાં સાયંસ-ફીક્શન કેટલું ? તે ઉપરાંત શ્રી દિપકભાઇ ભટ્ટે પણ સારા વિવેચકોના લક્ષણો કયા અને  ચારેક નામ આપવા જણાવ્યુ.આના સંદર્ભમાં એક સુંદર વાત તેમણે કહી.મનુષ્યમાત્રમાં વિવેચનની વૃત્તિ કુદરતદત્ત બક્ષિસ છે.પરંતુ તેના યોગ્ય વિકાસ માટે બહોળુ વાંચન અને તેમાંથી મળેલું જ્ઞાન ખુબ જરૂરી છે. તેમાંથી જ યોગ્ય વિવેચન આપોઆપ આકાર લઇ શકે છે.એક રસપ્રદ ઉદાહરણ  આપતા તેમણે કાલિદાસના શાકુંતલના એક સાવ જ નાનકડાં સંવાદની વાત યાદ કરાવી. શકુંતલાની સખીને જાણવું છે કે તમે ક્યાંથી આવો છો ? તે પૃચ્છાને કાલિદાસે તમારા આગમનથી કયા દેશની પ્રજાને વિરહ થયો છે ? એમ પુછાવડાવ્યું!!તે દ્વાર કવિએ એકસાથે ઘણી બધી વાત પૂછી લીધી અને કહી પણ દીધી.આ તે જ વ્યક્તિ સમજી શકે અને ફરક જોઇ શકે કે જેનું વાંચન વિશાળ હોય અને તેને કારણે સમજ ઉંડી હોય. પંડિતયુગના બ.ક.ઠાકોર, ગાંધીયુગના રા.વી.પાઠકથી માંડીને અર્વાચીન વિવેચકોની વાત પણ તેમણે સંક્ષેપમાં કહી. શ્રી સુરેશભાઇ જોશીનો ઉલ્લેખ પણ ઘણા ગૌરવથી કર્યો.

અંતમાં,વક્તા-શ્રોતાઓની પરસ્પર આભારવિધિ કરવામાં આવી.પ્રો.સુમનભાઇ શાહે ખાસ કરીને હ્યુસ્ટનની સાહિત્યસરિતાના સહ્ર્દયી,જિજ્ઞાસુ અને રસિક સભ્યોને અને તેમની પ્રવૃત્તિઓને બિરદાવી,આશાસ્પદ ભાવિનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આમ, ગુજરાતી સાહિત્યસરિતાનો આખો યે કાર્યક્રમ શિરસ્તા મુજબ સમયસર શરૂ થઇ પૂર્ણ થયો અને ઘણો જ સફળ રહ્યો. 

અસ્તુ. -દેવિકા ધ્રુવ

One response so far

One Response to “વિદ્વાન પ્રો.સુમન શાહ-“ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ”

  1. suman shahon 16 Jul 2008 at 3:36 pm

    Dear Devikaben:
    I am much pleased to read you most comprehensive report–thank you.
    I was so busy after returning from Houston that only today I could read this.
    Please keep in touch,bye for now.
    Love…Suman Shah

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.