Aug 12 2008
ઓગષ્ટ ૨૦૦૮ની બેઠક :ઉજાણીનો વિસ્તૃત અહેવાલ
10મી ઓગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક હ્યુસ્ટનના કલન પાર્કમાં ઉજાણી રૂપે યોજવામાં આવી. ખુલ્લી જગા હતી,મુક્ત આયોજન હતું,આઝાદીનો વિષય હતો અને ઉંધિયાની ઉજાણી દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ઉદ્દેશ હતો; અને આ સઘળો આનંદ ખુલ્લાં આસમાન નીચે (“नीले गगनके तले ” ) હતો..
સવારના 10.30 વાગ્યાના સુમારે,શ્રી વિશ્વદીપ બારડની આગેવાની હેઠળ સ્વૈચ્છિક રીતે વ્યવસ્થાપકોની ચહલ પહલ શરૂ થઇ ચૂકી હતી.
અસાધારણ ગરમી હોવા છતાં સાડા અગિયારથી બાર વાગતા સુધીમાં તો પચાસ જેટલી સંખ્યા થઇ ચૂકી હતી.કેટલાંક નવા તો કેટલાંક જૂના દેખાતા ચહેરાઓ પણ જોવા મળ્યા જેનો ખુબ જ આનંદ હતો..વાતાવરણમાં એક અજબની ખુશી છવાયેલી હતી.

રાબેતા મુજબ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી .ત્યારપછી “આઝાદી” વિષયનો દોર હાથમાં લઇ એક પછી એક રજૂઆતો કરવામાં આવી.સૌ પ્રથમ,શ્રી હેમંતભાઇ ગજરાવાલાએ પૂ.ગાંધીબાપૂના સમયની એક સત્ય ઘટના,સુરતની ગૌરવભરી ગાથા,આંખમાં આંસુ સાથે, ખુબ જ હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તૂત કરી.શૈલાબેન મુનશાએ, ગાંધીજીના પ્રખર અનુયાયી માર્ટિન લ્યૂથર કિંગનુ જાણીતુ ગીત “વી શેલ ઓવરકમ”રજૂ કર્યુ.તે ઉપરાંત તેનો ગુજ.અનુવાદ, શિક્ષકની લાક્ષણિક ઢબે “હમ હોંગે કામયાબ” પોતાની સાથે સૌ પાસે ગવડાવ્યું.
ત્યાર પછી વારો આવ્યો; ગુજરાતી સાહિત્ય સરિતાના સક્રિય કાર્યકર સભ્ય શ્રી વિજયભાઇ શાહનો, જેમણે પોતાને આવેલા સ્વપ્નની વાત દ્વારા,સુંદર રીતે, ભારતના આશાસ્પદ ભાવિનો સંકેત કર્યો..આના અનુસંધાનમાં જ દેવિકાબેન ધ્રુવે પોતાના દિવાસ્વપ્નમાં લખેલ “ભારતમાતાનો પત્ર-ગાંધીજીને” રજૂ કર્યો..તો વાતને વળાંક આપતા,સરયુબેન પરીખે નાથાલાલ દવે લિખિત “નૂતન વર્ષના તરુણ અરુણ આવો ઉદયાચલ ભાલે “રચના પ્રસ્તૂત કરી.તે પછી પ્રદીપભાઇ બ્રહ્મભટે “આઝાદીકા અવસર હૈ,શાન જિસકી શાંતિ હૈ,” રમઝાન વીરાણીએ ભારત મારો સારો છે,કારણકે તે મારો છે” સ્વરચના ભારતિય ખુમારીથી રજૂ કરી.તો વળી ફતેહઅલીભાઇએ તેમની અનોખી શૈલીથી “14મી ઓગષ્ટની રાત, થઇ એની મુલાકાત”પેશ કરી..
વાતાવરણ જામ્યું હતું. ગરમી તો સખત હતી,પવન રિસાઇ ગયેલો હતો,પરંતુ આઝાદીની હવાનો ધ્વજ ફરકતો હતો..દેવિકાબેન ધ્રુવે તેમની નવી રચના “મેરે વતનકે લોગોં”ના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે, કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે” સંભળાવી..તે ભાવમાં ઉમેરો કર્યો પ્રકાશભાઇ મજમુદારે “લાગ્યો કસુંબીનો રંગ” ગીત ગાઇને અને સાથ આપ્યો ભારતીબેન મજમુદારે. તો તરત જ હિમતભાઇ શાહે “આઝાદીનો કેસરિયો કેવો રંગ લાગ્યો” પોતાની કૃતિ સંભળાવી. રસિકભાઇ મેઘાણીએ વિશ્વદીપભાઇની જહેમત અને ઉત્સાહને બિરદાવતો એક શીઘ્ર શેર પણ સંભળાવ્યો.પ્રોફેસર સુમનભાઇ અજમેરી જેવા પીઢ સાહિત્યકારની હાજરીની પણ અત્રે નોંધ લેવાનું કેમ ચૂકાય ?
ગુજરાતી સાહિત્ય સરિતાના કો-ઓર્ડિનેટર શ્રી કિરીટભાઇ ભક્તાએ સાહિત્ય સરિતાના સભ્યોને ઉદ્દેશીને વચમાં પાંચ મિનિટ માટે, કેટલીક જરૂરી જાહેરાતો કરી.જેમાં મુખ્યત્વે આગામી કાર્યક્રમો, ,’ચાલો ગુજરાત”વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.. શ્રી દિપકભાઇ ભટ્ટે વાર્ષિક સભ્ય ફી અને બીજા કેટલાંક આર્થિક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.;જેનો મનથી સમૃધ્ધ સૌએ સહર્ષ સ્વીકાર કર્યો હતો..
ત્યારપછી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ઉંધિયા-પુરી-બૂંદીના લાડુ,ગોટા, પાપડ વગેરે,પહેલી વરાળના ગરમ ગરમ ભોજનને ન્યાય આપવામાં આવ્યો..સહિયારા આનંદની એક જુદી જ અનુભૂતિ હોય છે તે સૌએ સાથે માણી..
ભોજનવિધિ પછી બેઠકના બીજા દોરની શરૂઆતમાં “લકી ડ્રો”કરવામાં આવ્યો.નામોની ચીટ્ઠીઓની વ્યવસ્થા કાંતિભાઇ શાહે કરેલ.તે મુજબ ડ્રો કરતાં પ્રથમ ત્રણ વિજેતાઓ 1)પ્રકાશ મજમુદાર,2)વિશ્વદિપ બારડ અને 3) સુરેશ બક્ષીને ઇનામો અપાયાં.
વાહ દેવિકાબેન
ઉજાણીનો અહેવાલ તો સચોટ રહ્યો
અભિનંદન!
Excellent report-Wonderfully organized event–Wish I would have joined you all-Good luck for Chalo Gujarat-Looking forward to see you all.
ખૂબ સરસ … વાંચી ને અમે પણ ત્યાં જ હોઇએ એવી અનુભૂતિ થઇ…