Jun 02 2023

૨૪૪મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન નો અહેવાલ 

ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનઃ

 

૨૪૪મી બેઠકનો અહેવાલઃ મીનાબહેન પારેખ

 

ગુજરાતી સાહિત્ય સરિતાની આ બેઠક પર્યટન સ્વરૂપે, દિનાંક ૨૦મીમે , ૨૦૨૩ના રોજ સુગરલેન્ડ ખાતે આવેલા  Lost Creek Parkમાં યોજાઈ હતી. સમય હતો, સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી.

       નસીબજોગે હવામાન ખુશનુમા હતું અને સભ્યોનો ઉત્સાહ અનેરો હતો . લગભગ ૮૦ જેટલા સભ્યોએ  પિકનિકનો લાભ લીધો. એકબાજુ ગરમાગરમ ચા- નાસ્તો અને બીજી તરફ ઠંડા પાણીની વ્યવસ્થા હતી. અને હંમેશ મુજબ એક મેજ પર સભ્યપદને લગતી કાર્યવાહી  શ્રી પ્રફુલભાઈ ગાંધી હસ્તક હતી  અને સાઉન્ડ સિસ્ટમની ગોઠવણી શ્રી પ્રકાશભાઈ મજમુદાર હસ્તક હતી.

શરૂઆતના આનંદ-મિલન  બાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે ત્યાં ઉપસ્થિત સૌ સભ્યોનું સ્વાગત કર્યું અને શ્રીમતી મોનિકા બહેને સરસ્વતી વંદનાથી બેઠકનો પ્રારંભ કરાવ્યો. સાથે સૌ સભ્યો પણ જોડાયા અને , “યા કુંદેન્દુ તુષારહાર”ના મંગલ મંત્રોચ્ચારથી પેવિલિયન ગુંજી ઊઠ્યું. તે પછી  ભારતીબહેને સૌને આ વર્ષની કાર્યવાહક સમિતિનો  પરિચય કરાવ્યો. નવા સભ્યોએ પોતપોતાનો પરિચય આપ્યો.

     

તે ઉપરાંત જમણવારના પ્રાયોજક   શ્રી યોગેશભાઈ અને કામિનીબહેન ગાંધીનો  તથા  હરહંમેશ  ઉત્સુકતાથી સેવા આપનારા અન્ય સભ્યોનો  ખાસ આભાર માન્યો.  સર્વે સભ્યોને પર્યટનના નિમંત્રણનો સમયસર પ્રત્યુત્તર આપવા બદલ અભિનંદન આપ્યા. અને સૌને જણાવ્યુ કે આ પ્રમાણે જ સભ્યો અગાઉથી પોતાની પ્રસ્તુતિ માટે જાણ કરતા રહે તો સભાનું આયોજન સરળ રહે.

      ત્યારબાદ કાર્યક્રમ શરુ થયો. વિષય હતો માતૃદિન ( ‘મધર્સ ડે ‘). સૌ પ્રથમ  શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ તેઓના સ્વરચિત કવિતા સંગ્રહમાંથી  મા વિષે એક કવિતા રજૂ કરી.

 મા શબ્દ કેટલો મીઠો અને માનું કામ કેટલું મહાન.

દીકરો પૂછે છે, મા  વેકેશન એટલે શું? જવાબ મળે છે, દીકરા મને શું ખબર, હું તો મા છું!!

 સૌએ તાળીઓના ગડગડાટથી તેમની કૃતિને બિરદાવી.

તે પછી આપણા ખજાનચી શ્રી પ્રફુલભાઈએ પણ એક કવિતા વાંચી સંભળાવી . કવિતાના રચયિતા છે, શ્રી રશ્મિકાન્ત શાહ , જે હવે હ્યુસ્ટનમાં નથી રહેતા પણ સરિતાની પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે, અને (શેરગુલ ) ઉપનામથી રચનાઓ કરે છે.  તેમની કવિતા પણ સૌએ તાળીઓથી વધાવી.

તે પછી, શ્રી ફતેહઅલીભાઈ  ચતુરે, આપણી નવી પેઢીના સંતાનો (ખાસ કરીને અમેરિકામાં ઉછરેલા ) સાથે  શું બોલવું  અને શું ન બોલવું, સલાહ નહિ પણ સહકાર આપવો તે વિષે  રમૂજી અદામાં તેમના મંતવ્યો રજૂ કર્યાં. સૌને ઘણી મજા આવી.

 

તે જ સંદર્ભમાં શ્રીમતી પ્રવિણાબહેને આગળ વાત વધારી કે આજના નવયુગની માતાઓ હવે પતિના અવસાન બાદ રડતી , ઝૂરતી આંસુ સારતી નથી હોતી . હવે કેટલીય પ્રૌઢ અને વૃદ્ધ માતાઓ  સ્વતંત્ર રીતે , કોઈપણ લાચારી વગર , સન્માનપૂર્વક પોતાનો  જીવનનિર્વાહ  કરી શકે છે. તે પછી શ્રી નીતિનભાઈ ભાવસારે ગદગદ શબ્દોમાં  માતૃત્વ  પ્રત્યે  લાગણીઓ વ્યક્ત કરી .  વાતો સાંભળીને સૌ ભાવવિભોર થયા. બસ, પછી તો સંગીતનો દોર શરુ થયો અને શ્રી પ્રકાશભાઈ મજમુદારે એમના સૂરીલા કંઠે, પંકજ ઉધાસ રચિત સુંદર ગીત ગાયું કે, 

રિશ્તા તેરા મેરા સબ સે હે આલા, બંધન યે સારે જહાં સે  નિરાલા,  

તુ મેરી  પૂજા હે મન્નત હે મેરી, તેરે હી કદમો મેં જન્નત હે મેરી !

અને  ઉપપ્રમુખ મીનાબહેને તું કિતની અચ્છી હે,   ” મા બચ્ચોંકી જાં  હોતી હે , વો હોતે હે કિસ્મતવાલે , જિનકી કી મા હોતી હે !” આવા  ઉમદા અભિભાવ વ્યક્ત કરતાં બંને ગીતોને શ્રોતાઓએ ફરી તાળીઓથી વધાવ્યા. ત્યાં સુધીમાં તો સર્વે માતૃભાવમાં જાણે કે તરબતર થઈ ગયા.

 

હવે વારો આવ્યો રમત રમવાનો, જે પિકનિકમાં જ શક્ય છે.  પહેલા અંતાક્ષરી  રમાઈ. સાચેજ, સરિતાના સભ્યો સંગીતરસિયા છે.  ઘણા  સુરીલા ગાયક-ગાયિકાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો. તે પછી એકાદ બે  નિશાનબાજીની રમત રમાઈ.  તેમાં પણ સૌએ પોતપોતાની કાબેલિયત પ્રદર્શિત કરી. સભ્યોનું વર્તન ખૂબજ શિસ્તબદ્ધ , એક્મેક માટે  આદર અને  મિત્રાચારી ભરેલું રહ્યું.

   

કાર્યક્રમની  સમાપ્તિ  સુધીમાં તો ગરમ ગરમ ખીચડી, કઢી, શાક, પાપડ, અથાણાં અને મીઠાઈઓ સહિત  જમણ  પીરસાઈ ગયું. સાથે સાથે હળવાં પીણાં પણ હતાં.  શ્રી નિખિલભાઈ મહેતાએ ગીતાજીના ભોજનમંત્રો ગવડાવીને ભોજન શરૂ કરાવ્યું. વિશિષ્ટ વાત તો એ હતી કે  માતાઓના માનમાં  ભાઈઓ પીરસવા ઉભા રહ્યા અને સૌ બહેનોને  આગ્રહ કરી જમાડ્યા.

         સભાના અંતે, ભારતીબહેને  ફાળો આપનાર ગાંધી દંપતિ ($૨૫૧) અને શ્રીમતી નયનાબહેન મહેતા ($૫૧)ને  ધન્યવાદ આપ્યા. અને એક પ્રસ્તાવ રજુ કર્યો કે આપણે ગુ.સા.સરિતાના નામવાળા, એકસરખા TSHIRTS  સૌ સભ્યો માટે બનાવડાવીએ તો કેમ?  સૌએ એકમતે મંજૂરી આપી. ત્યારબાદ સૌએ  સાફસફાઈ માં મદદ કરાવી અને પછી  એકમેકની ભાવભીની વિદાય લીધી.

 આમ આ પર્યટન બેઠક ખૂબ સફળ અને સંતોષકારક રહી. આશા છે કે સાહિત્ય સરિતા ઉત્તરોત્તર પ્રગતિ પામે.

અસ્તુ..

મીનાબહેન પારેખના જય ગરવી ગુજરાત.

4 responses so far

4 Responses to “૨૪૪મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન નો અહેવાલ ”

  1. ભારતી મજમુદારon 14 Jun 2023 at 8:42 pm

    ખુબ જ સુંદર અહેવાલ મીનાબેન. શુદ્ધ ગુજરાતી અને એકદમ આબેહૂબ વર્ણન. પીકનીકમાં ન આવ્યા હોય તેમને પણ વાંચીને અફસોસ થઇ જશે.
    ખરેખર પીકનીક ખુબ જ સરસ રહી. બધા સભ્યોએ ખુબ જ આનંદથી ભાગ લીધો અને ફરી ક્યરે આવી પીકનીક કરીશું એની રાહ જોઈ રહ્યા છે.
    મીનાબેન સુંદર અહેવાલ લખવા બદલ ખુબ ખુબ અભિનંદન અને આભાર!!
    સાથે સાથે યોગેશભાઈ અને કામિનીબેનનો, બધા જ વોલેન્ટીયર ભાઈ બહેનોનો અને સભ્યોનો પણ ખુબ ખુબ આભાર!!
    આ અહેવાલ લખ્યા પછી એને મઠારી આપવા બદલ અને ફોટા સાથે આપણા બ્લોગ પર મૂકી આપવા બદલ દેવિકાબેનનો પણ ખુબ ખુબ આભાર!! બધાના સાથ સહકારથી અમારું કામ ખુબ જ સરળતાથી થઇ શકે છે.
    આભાર સહ
    ભારતી મજમુદાર.

  2. જનાર્દન શાસ્ત્રીon 16 Jun 2023 at 1:35 pm

    સંપુર્ણ માહિતી સાથીનો સુંદર અહેવાલ.અભિનંદન🙏🏻

  3. DEEPAK R BHATTon 16 Jun 2023 at 7:41 pm

    VERY NICE REPORT. WE ENJOYED THE MEETING VERY MUCH. THANKS TO DONORS.

  4. શૈલા મુન્શાon 17 Jun 2023 at 3:17 am

    મીનાબહેન,
    સુંદર અને માહિતી સભર અહેવાલ લખવા બદલ ખૂબ અભિનંદન. સાચે જ ત્યાં હાજર ન રહેવાનો અફસોસ રહેશે. ગુ.સા.સ. ના સભ્યો આમ જ સાહિત્ય સાથે મજા પણ કરતાં રહે એ જ શુભકામના.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.