Jul 16 2019

ગુ.સા.સ.હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક–અહેવાલ-શૈલા મુન્શા

Published by at 7:54 am under બેઠકનો અહેવાલ

 
(ફોટો સૌજન્ય ડો. રમેશભાઈ શાહ.)

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક અહેવાલ-શૈલા મુન્શા

તા. ૧૪ જુલાઈ રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૯મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકમાં સંસ્થાના માજી પ્રમુખ શ્રી સતીશભાઈની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી. સતીશભાઈ તરફથી ભોજન અને શ્રી હસમુખભાઈ તથા શ્રી મનસુખભાઈ તરફથી  વર્ષગાંઠ નિમિત્તે સરસ કેક લાવવામાં આવી હતી.


(ફોટો સૌજન્ય શ્રી જયંતભાઈ પટેલ)

મોટાભાગના સભ્યો સમયસર આવી જવાથી ભોજન અને સતીશભાઈના હસ્તે કેક કટીંગના કાર્યક્રમનુ સમાપન કરી, પ્રાર્થનાથી બેઠકનો શુભારંભ કર્યો.શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ પોતાના સુમધુર અવાજે મા સરસ્વતીની પ્રાર્થના કરી.સંસ્થાના પ્રમુખ શ્રી ફતેહઅલી ભાઈએ સહુનુ સ્વાગત કરતાં આગામી બેઠક સાહિત્ય સરિતાની ૨૦૦મી બેઠક હશે, અને એની ઉજવણી વિશેષ રૂપે કરવા સહુ સભ્યોને પોતાના મંતવ્યો, વિચાર જણાવવાની વાત કહી.

આજની બેઠકના સૂત્રધાર શ્રી દિપકભાઈ ભટ્ટને આવકારતાં પ્રમુખશ્રીએ જણાવ્યું, “દિપકભાઈ ગુજરાતી સાહિત્ય-સરિતાના ભિષ્મ પિતામહ છે, કારણકે આ સંસ્થાની શરૂઆત એમના ઘરેથી થઈ હતી અને આજે છેલ્લા ઓગણીસ વર્ષથી સાહિત્યસરિતા સાહિત્ય ક્ષેત્રે અવનવા પ્રયોગ કરી વિકાસ પામી રહી છે.
દિપકભાઈએ સભાનુ સંચાલન શરૂ કરતાં સહુ પ્રથમ શ્રીમતી ભાવનાબહેનને બોલાવ્યા.
ભાવનાબહેને આપણા મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશી, જેમની જન્મજયંતિ જુલાઈ મહિનામાં આવે છે, એમના વિશે વાત કરી અને પોતાના કોકિલ કંઠે એમના કાવ્યોની થોડી પંક્તિઓ ગાઈ સંભળાવી.
સંસ્થાના વડિલ હાસ્યકવિ, વ્યંગકાર, વાર્તાકાર ચીમનભાઈએ RSVP લોકો કરતાં નથી અને RSVP કરવાનો મોકો તમે નસીબદાર છો એટલે મળે છે એમ કહી RSVP કરવાનુ મહત્વ સમજાવ્યું.
આ વખતની નવી પ્રણાલિકા મુજબ બે વક્તાઓને લગભગ પંદર મિનિટ જેટલો સમય આપી કોઈ એક વિષય પર વિસ્તારપૂર્વક રજૂઆત કરવાની તક આપવામાં આવે છે.

દિપકભાઈએ પ્રથમ વક્તા શ્રી હસનેનભાઈની રમૂજી ઓળખ આપતાં એમના આફ્રિકાના વસવાટની વાત કરી.એક સૂત્રધાર શ્રોતા અને વક્તા વચ્ચે સાંકળ બની વાતાવરણ કેવું જીવંત રાખે છે એ દિપકભાઈની પૂર્વતૈયારીમાં દેખાઈ આવતું હતું.શ્રી હસનેનભાઈએ શ્રી બરકત અલી વિરાણી “બેફામ” વિશે વાત કરતાં કહ્યું કે ગઝલનુ શિક્ષણ એમણે કિસ્મત કુરેશી પાસે મેળવ્યું હતું અને ૧૪ વર્ષની વયે એમણે પહેલી ગઝલ લખી હતી. શ્રી બરકત અલી વિરાણીની મોટાભાગની ગઝલ જે અમર થઈ ગઈ એ કબર અને મૃત્યુ વિશે લખાયેલી છે.દા.ત.
“બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી” રજૂ કરી.

ડો. કમલેશભાઈ લુલ્લાએ સતીશભાઈ સાથેની એમની મિત્રતા વિશે વાત કરી. વડોદરામાં સાથે અભ્યાસથી માંડીને નાસામાં વર્ષો સાથે કામ કર્યું અને પોતાના હ્રદયના ભાવ એક કવિતામાં રજૂ કર્યા જે એમણે બીજા એક મિત્રની મદદ લઈ લખાવી હતી.
“આભાર તમારો આવી મિત્રતા આપી
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી”
શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે જુલાઈ મહિનામાં જન્મેલ ત્રણ મહાકવિઓને યાદ કર્યાં.
શ્રી ઉમાશંકર જોશી
શ્રી મનોજ ખંડેરિયા
શ્રી અવિનાશ વ્યાસ
ત્રણે કવિની અનુપમ કવિતા, ગીત, ગઝલની થોડી ઝલક સંભળાવી અંતે પોતાના કેટલાંક શેર રજૂ કર્યાં.
“માણસ હવે માણસને કાંઈ મળતો નથી,
ને જો મળે તો પ્રેમથી હસતો નથી.
બેસી રહે છે ‘ફેસબુક’ના ફળિયે,
એ તમારા આંગણે જડતો નથી..”

બીજા મુખ્ય વક્તા શ્રી અરવિંદભાઈ ઠેકડીએ શ્રી ગુણવંતરાય આચાર્યની બહુ જાણીતી નવલકથા “દરિયાલાલ” વિશે પાવર પોઈંટ દ્વારા વિસ્તૃત માહિતી આપી. સત્તરમી સદીમાં ભારતિય વેપારીઓ કેવી રીતે આફ્રિકા, ઓમાન વગેરે બંદરો પર પોતાના જહાજ લઈ વેપાર ધંધા અર્થે જાતા અને ત્યાં એમનુ કેટલું વર્ચસ્વ હતું એની સવિસ્તાર માહિતી આપી.
ડો. ઈંદુબહેન શાહે પંચમહાભૂતની વાત કરતાં એમાં સહુથી મહત્વનો અગ્નિ છે એ વિવિધ ઉદાહરણો આપી સમજાવ્યું.શ્રી કીર્તિભાઈ ગણાત્રાએ એમની રંગીન શૈલીમાં થોડા શેર સંભળાવ્યાં.
“આવી તમારી યાદને નયનો ગુલાબી થઈ ગયાં,
દોસ્તોએ પૂછ્યું, તમે પાછા શરાબી થઈ ગયાં?”શ્રી નુરુદ્દિનભાઈ દરેડિઆ સેવાધારી વડિલ જેઓ “ગુજરાત ગૌરવ” (હવે ‘જીવન પ્રકાશ’ નામે ) સામયિક છપાવી સહુને એની નકલ હાથોહાથ પહોંચાડે છે, એમણે સતીશભાઈને જન્મદિવસની વધામણી આપતાં શેર કહ્યાં. સાથે સાથે વનમાં લાગતી આગ અને પંખીઓનો વૃક્ષ સાથેનો નાતો એ સંબંધિત ઘણી ઉમદા વાત કહી.

શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ “અભણ મા” વિશે ખૂબ લાગણીસભર કાવ્ય રજૂ કર્યું.શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ હિંદીમા કાવ્ય રજૂ કર્યું.“मैया मोरी मैं नहि माखन खायो” આ જાણીતા ગીત પરથી આધુનિક ગીતનુ નિર્માણ કરી શ્રોતાઓને હસાવ્યાં.
डेडी आये जोबसे,
भुखसे हाल बेहाल,
दाल भात व शाक थे,
गायब पिझाका थाल”

શ્રીમતી શૈલાબહેન મુન્શાએ શ્રી મનોજ ખંડેરિયાને યાદ કરતાં એમની એક ગઝલ રજૂ કરી.
“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.”

સાથે ૨૦૧૧ માં લખાયેલું પોતાનુ એક વસંત પરનુ કાવ્ય રજૂ કર્યું.
“ફૂટી એક કૂંપળ, આવી વસંત,
ટહુકી એક કોયલ ને આવી વસંત.”

શ્રી સતીશભાઈ પરીખે પોતાની ૭૦મી વર્ષગાંઠને અનુલક્ષી એક હિંદી કાવ્ય રજૂ કર્યું.
“मत कहना हम ओल्ड हो गये!
हम तो तपकर गोल्ड हो गये!
ડો. સરિતા મહેતાએ એક હિંદી કાવ્ય રજૂ કર્યું.
“कांचसी नाजूक काया
क्षणभंगुरसा जीवन
ना जाने किस पलमें
तूटके बिखर जाये हम”

અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી શૈલાબહેને આભારવિધિ  કરી.
સર્વ પ્રથમ,
ભોજન તથા કેક લાવવા માટે સતીશભાઈ, હસમુખભાઈ, મનસુખભાઈનો,ભોજન પીરસવામાં, બહારથી બધી સામગ્રી, પેપર પ્રોડક્ટ વગેરે લાવવામાં મદદરૂપ થનાર સહુ  ભાઈબહેનોનો,કોમ્યુનિટી હોલના બુકિંગમાં મદદ કરવા બદલ સતીશભાઈનો,ગ્રુપ ફોટો પાડવા માટે જયંતભાઈ પટેલ, ડો. રમેશભાઈ શાહ, પ્રશાંતભાઈ મુન્શાનો,સમયસર આવવા માટે સહુ સાહિત્ય સરિતાના સભ્યોનો, સમયની મર્યાદામાં રહી પોતાનુ વક્તવ્ય રજૂ કરવા બદલ સહુ વક્તાઓનો અને અજાણતા કોઈનો ઉલ્લેખ રહી ગયો હોય તો ક્ષમા યાચતાં સહુનો આભાર માન્યો.

(ફોટો સૌજન્ય શ્રી જયંતભાઈ પટેલ)

ત્યારબાદ સામૂહિક તસ્વીર લેવામાં આવી અને છેલ્લે સહુ સભ્યો સતીશભાઈને વધામણી આપતાં, કેકનો સ્વાદ માણતા વિખરાયા.

અસ્તુ,
શૈલા મુન્શા
તા. ૭/૧૫/૨૦૧૯

11 responses so far

11 Responses to “ગુ.સા.સ.હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક–અહેવાલ-શૈલા મુન્શા”

  1. Fatehali Chaturon 16 Jul 2019 at 8:20 am

    આભાર

  2. ભાવના દેસાઇon 16 Jul 2019 at 9:38 pm

    બધું જ આવરી લઈ સુંદર અહેવાલ લખ્યો .

  3. devikadhruvaon 17 Jul 2019 at 9:57 am

    ખૂબ જ ત્વરિત અને બધી જ વિગતો બરાબર રીતે સમાવતો અહેવાલ લખીને મોકલી આપવા બદલ શૈલાબહેનને અભિનંદન. એ જ રીતે ડો. રમેશભાઈ અને શ્રી જયંતભાઈને પણ તરત જ સુંદર તસ્વીરો મોકલી આપવા બદલ ધન્યવાદ.
    આ જ રીતે,સભ્યોની વધતી જતી સંખ્યાને અનુલક્ષીને, વધુ સ્વૈચ્છિક સેવાભાવીઓ આગળ આવે તેવી આશા અને શુભેચ્છા.

  4. OMPRAKASH GUPTAon 17 Jul 2019 at 10:40 am

    शैला जी,
    बहुत बढ़िया और सम्पूर्ण रपट ! वह भी कार्यक्रम के तुरन्त बाद ही !!
    बहुत बहुत बधाई और आभार.
    सादर – ओम

  5. શૈલા મુન્શાon 17 Jul 2019 at 12:14 pm

    આભાર દેવિકાબહેન,
    મારી ક્ષતિને સુધારી ત્વરિત વેબસાઈટ પર મુકવા બદલ, અને રમેશભાઈ અને જયંતભાઈના ત્વરિત તસ્વીરો મોકલી આપવા બદલ દિલથી આભાર.

  6. શૈલા મુન્શાon 17 Jul 2019 at 12:15 pm

    ओमजी,
    आपका बहुत धन्यवाद!

  7. Chiman Patelon 17 Jul 2019 at 2:30 pm

    શૈલાબેનના રીપોર્ટ અંગેઃ

    *ત્વરિત અને સર્વે વિગતોને સમાવી લેવામાં એમની નિપુણતા માટે અભિનંદન.
    *જતાં જતાં… મારી સીનીઅરની આંખે (ચશ્માથ્રુ) ચડેલું આ!…”ગુજરાત ગૌરબ” ગુમ થઈ જતાં એની જગ્યા “જીવન પ્રકાશ” ને મળી છે એ સૌ સભ્યો સાથે શૈલાબેન પણ જાણે એટલે અહિ ટપકાવું છું!

    આભાર સાથે ઘન્યવાદ શૈલાબેન.

  8. રક્ષા પટેલon 17 Jul 2019 at 3:05 pm

    દુર રહીને પણ આંખો દેખ્યો અહેવાલ વાંચતા ઘણો આનંદ થયો! બેઠકમાં હાજર રહેવા માટે મન લલચાઈ ગયું.
    બસ સાહિત્ય સરિતા ઉત્તરોત્તર પ્રગતિ પામે તેવી શુભેચ્છા!

  9. vimala Gohilon 18 Jul 2019 at 11:00 am

    સર્વાંગ સંપુર્ણ અહેવાલને બીરદાવવો તો પડે જ . ખૂબ સરસ અહેવાલ બદલ શૈલાબેનનો વાંસો થાબડીએ….
    અને ચીમનભાઈની ” સીનીઅરની ચશ્માથ્રુ” આખોંની સુક્ષમ નજરની પ્રશંસા કરીએ.

  10. devikadhruvaon 18 Jul 2019 at 12:58 pm

    ચીમનભાઈ અને વિમળાબહેન બંનેની નોંધ યોગ્ય રીતે લઈને સુધારો હવે કરી દીધો છે. બંનેનો આભાર.

    ચીમનભાઈ,જરા હળવાશથી લેજો…ગૌરવ કદી ગુમ ન થાય.. એમાં નવો પ્રકાશ ઉમેરાય..!!!!

    યોગ્ય અને સ્નેહાળ સૂચનો હંમેશા આવકાર્ય છે..

  11. RASHMIKANT C DESAIon 18 Jul 2019 at 4:13 pm

    Congratulations on your second celebration. I did not have the luck to attend either.

    Wish you another 30 years of excellent health and every thing you may will like to have.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.